કાંચન અને ગેરુ/ડબામાંની ગાય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વેરભાવે ઈશ્વર કાંચન અને ગેરુ
ડબામાંની ગાય
રમણલાલ દેસાઈ
વણઊકલી વાત →


ડબામાંની ગાય

હું સામાન્ય સ્થિતિનો માનવી. મારું નાનકડું ઘર; પણ આસપાસ થોડી ખુલ્લી જમીન ખરી. સામાન્ય માનવીને પણ પોતાના નાનકડા શોખ તો હોય જ ને? ઘર આસપાસની ખુલ્લી જમીનમાં હું કૂલઝાડ રોપું છું, ક્યારીઓ બનાવું છું, વેલીઓની રચના કરું છું. અને જુદાં જુદાં ફૂલ ઊગે એવા પ્રયોગ પણ કર્યે જાઉં છું. મને એમાં ખૂબ મોજ આવે છે. પ્રાણી સિવાયની સૃષ્ટિમાં જીવ કેમ આવે છે, સૌન્દર્ય કેમ ખીલે છે, એ સૌન્દર્ય કેમ સચવાય છે, અને સાચવણી છતાં નષ્ટ બની ગયેલાં સૌન્દર્ય બીજાં નવાં સૌન્દર્યો કેમ ઉપજાવે છે, એ નિહાળવામાં મને બહુ આનંદ આવે છે.

એમાં મહેનત છે; પણ તે હું ભૂલી જાઉં છું. ગુલાબી ગુલાબના છોડ ઉપર કલમ બાંધી મેં એક જાંબુડિયો ગુલાબ ઉપજાવ્યો ત્યારે આમાં આનંદનો પાર રહ્યો નહિ. એમાંથી સુવાસ જતી રહી; પણ અવનવો રેશમી રંગ આવ્યો. માળી પણ પુષ્પસૃષ્ટિનો બ્રહ્મા જ છે ને? નોકરી કરી મારું ગુજરાન હું કરતો હતો છતાં મને બગીચાના માળી બનવું ગમતું મારો બગીચો એ મારું અભિમાન – મારું ગૌરવ ! ઘણા ય મળવા આવનાર મિત્રો, ઓળખીતા કે અજાણ્યાઓને ગમતું હોય કે નહિ, તો ય હું મારા બાગ અને મારી ફૂલરચના ઉત્સાહપૂર્વક બતાવતો. મારા બગીચાની વાત કરનાર પ્રત્યે મને એકદમ સહાનુભૂતિ ઊપજતી.

હું ધનિક ન હોવાથી મારો બગીચો કામડાંની કે કામડાં અને તારની સંયુક્ત વાડનું જ રક્ષણ પામતો હતો. પાકી ઈંટેરી દીવાલ કરી લેવા જેટલી સંપત્તિ હજી મળી નથી. પરંતુ મને બગીચો એટલો વહાલો હતો કે બને એટલી હું તેના ઉપર નજર રાખતો; બકરાં, ગાય, ભેસ, ઘેટાં બગીચામાં પેસી અનાડ ન કરે એની હું કાળજી રાખતો, અને તાર કે કામડાં ઢીલાં પડતાં હું એક રાજધાનીના ગઢને સાચવતો હોઉં એમ મજબૂત કરી લેતો. એક પ્રકારનો મનમાં ગર્વ પણ થતો કે મારા જેવી બગીચાની સાચવણી બહુ જ થોડા કરી શકતા હશે ! મને ઘણી વાર એમ પણ થતું કે હું રાજા હોઉં કે સત્તાધીશ હોઉં, તો ગામનાં ગામ અને શહેરનાં શહેર બગીચામય જ બનાવી દઉં. બગીચા વગરનું એક પણ ઘર ન હોય, એક પણ રસ્તો ન હોય, એક પણ ખૂણો ન હોય. રસ્તા પણ બગીચે ગૂંથ્યા જ હોય !

પણ એ તો હું સત્તાધીશ થાઉં ત્યારની વાત ! મારી જિંદગીનું નિર્માણ જ એવી ઢબનું થયું છે કે આ જીવનમાં બગીચામય દુનિયા સર્જાવાની સત્તા મને મળે જ નહિ. હું મારો જ નાનકડો જમીન ટુકડો પુષ્પમય બનાવું તો બસ ! નહિ?

અને તેવો બગીચો મેં બનાવ્યો પણ ખરો ! રોજ પ્રભાતમાં ઊઠી મારે ઊઘડેલાં પુષ્પનાં દર્શન કરવાનાં. મને એ ખૂબ ગમતું.

એક પ્રભાતમાં ઊઠી મેં જોયું તો બેત્રણ મોગરા, મારો રેશમી ગુલાબ અને બેત્રણ વેલ આડાં પડેલાં, ને અડધાં ખવાઈ ગયેલાં મેં નિહાળ્યાં; અને જાણે ભારે મિલકત લૂંટાઈ હોય એવો ધબકારા મારા હૃદયમાં થયો. મને ખરેખર ઘા વાગ્યો. ઘાની કળ વળતાં મેં બૂમાબૂમ કરી મૂકી. 'કોણે આ મોગરા ઉજાડી નાખ્યા ? કયો એ હરામખોર રાતમાં આવી મારો બગીચો ખેદાનમેદાન કરી ગયો ?... અને ઘરમાં પણ બધા યે આટલાં ઊંઘણશી ? આટલી વેલો કરડી ખાધી છતાં કોઈ જાગ્યું જ નહિ ?..શાની હોય કોઈને કાળજી ?'

હું કેમ જાગ્યો નહિ એ મેં મને પૂછ્યું નહિ, પરંતુ તે રાત્રે હું મોટે ભાગે જાગતો જ રહ્યો. જરા બારી ખખડે, પવન સુસવાય, કૂતરાં ભસે કે વાડ પાસે સહેજ પગરવનો ભાસ થાય કે હું તરત ઊઠી જતો અને ડંગોરો લઈ બગીચામાં ફરી વળતો.

બગીચામાં જ નહિ પણ બગીચાની આસપાસ એક એક ગાઉ સુધી કશું હાલતું ચાલતું દેખાતું કે સંભળાતું નહિ, અને ચોર પકડવાની નિષ્ફળતા અને નિરર્થક ઉજાગરાની બેવકૂફી એમ બે ઘા સહી હું પાછો સૂઈ જતો.

જાગવાનો નિશ્ચય કરી સૂતેલો હું છેક મળસ્કે કોણ જાણે કેમ નિદ્રાવશ થઈ ગયો. અને દિવસ જરા ચઢતાં નિત્યક્રમ પ્રમાણે ઊઠીને જોઉં છું તો પાછા બીજા મોગરા પણ મેં વીંખાયલા જોયા ! મારો ઉજાગરો વ્યર્થ ગયો. અને ચોરે મારા ઉપર વિજય મેળવ્યો !

પહેલા દિવસ કરતાં મે વધારે મોટી બૂમો પાડી. આખી વાડ હું જોઈ વળ્યો. એકાદ જગાએ તાર સહેજ નમેલો લાગ્યો; તે ખેંચી મેં વાડને મજબૂત બનાવી. વાડની આસપાસ કોનાં પગલાં પડેલાં છે તે મેં કાળજીપૂર્વક જોયું. માનવી, બકરાં, ગધેડાં અને કૂતરાંનાં પગલાં પણ મેં ઓળખ્યાં. માનવી તો મોગરા કરડે જે નહિ ! કૂતરાં પણ વનસ્પતિને દાંત ન મારે.

મેં આખા ઘરને તે રાતે જગાડ્યું અને વારાફરતી સહુ પાસે પહેરા પણ ભરાવ્યા. એ રાત્રે બાગમાં કશું જ નુકસાન થયું નહિ. ખરેખર કોઈ લુચ્ચું, ચતુર, ખંધું, ચોરી કરવા ટેવાયેલું જાનવર મારા બગીચાને વેડફી રહ્યું હતું એમ મારી ખાતરી થઈ.

દિવસે પણ આખું ઘર જાગ્યું. અને બગીચામાં કશું નુકસાન દેખાયું નહિ. પરંતુ બગીચાની સાચવણી માટે આખી રાત આખું ઘર ઉજાગરો કર્યા જ કરે એમ આગ્રહ રાખવામાં હું મારા કુટુંબીજનો ઉપર વધારે ભાર નાખતો હવે એમ મને લાગ્યું – અને કુટુંબીજનોએ તો ક્યારનો તેમના મુખ ઉપર એવો ભાવ પ્રદર્શિત કરવા માંડ્યો કે જાણે હું કોઈ ક્રૂર રાક્ષસ ન હોઉં ? બગીચાનો શોખ મારા જેટલો જ સર્વ કુટુંબીઓમાં હોવો જોઈએ એવી શરત કરીને કાંઈ આપણે કુટુંબરચના કરતા નથી. એટલે ચોથા દિવસે મેં મારી ઉગ્રતાને નમ્ર બનાવી—જોકે તે રાત્રે હું વારંવાર જાગી ઊઠતો ખરો.

'મારી પત્નીએ રાતના મારા આ ઉત્પાત અંગે એક ભયંકર આગાહી પણ આપી : 'જો જો ! આમ ને આમ બગીચા પાછળ ઘેલા ન થઈ જવાય !'

લગ્નની પ્રાથમિક ભૂમિકામાં જો મારી પત્ની આટલી હિંમત કરી હોત તો મેં તેને જરૂર છૂટાછેડા આપી દીધા હોત ! વર્ષ બે વર્ષ માટે તો તેને તજી દીધી હોત. પરંતુ પત્નીઓમાં એક પ્રકારની એવી લુચ્ચાઈ રહેલી હોય છે કે જેના બળ વડે તેઓ પતિની નિઃસહાયતા ધીમે ધીમે વધારતી જાય છે અને એ નિ:સહાયતાના પ્રમાણમાં તે પોતાની કટાક્ષહિંમત અને બોલનીતીક્ષ્ણતા પણ વધારતી જાય છે.

કાંઈ પણ બોલ્યા વગર ડંગોરો ખખડાવી હું સૂઈ ગયો, પણ મારો અંતર્યામી જાગતો જ હોવો જોઈએ. એ અંતર્યામીએ કોણ જાણે કેમ મને જાગ્રત કર્યો. આછો ખખડાટ બગીચામાં થતો મેં સાંભળ્યો. કોઈ માનવી કે હરાયું જાનવર બગીચામાં ભરાયું હશે એવી મારી ખાતરી થઈ — જોકે ચાર દિવસના ઉજાગરા સહુને કરાવ્યા પછી ચોર મળે નહિ તો કુટુંબમાં મારી ઘેલછાની ખાતરી થઈ જશે એનો ભય પણ લાગ્યો. પત્ની બિલકુલ ન જાગે એવી કાળજી રાખી દંડો લઈ હું બગીચામાં કૂદી પડ્યો, અને અંધારામાં જોઉં છું તો એક મોટું જાનવર આરામથી મારા લીલા છોડવેલાને ચાવતું હતું !

મને ખૂબ ગુસો ચડ્યો એક ગુજરાતી હાથમાં જેટલી શક્તિ લાવી શકે એટલી શક્તિ કેન્દ્રિત કરી મેં એ જાનવર ઉપર મારો દંડો ફટકાર્યો ! જાનવર વાઘ હોય કે સિંહ હોય તો પણ તેને હું છોડવાનો નથી એવો લોખંડી નિશ્ચય જાનવરને જોતાં બરોબર મારા હૃદયમાં થઈ ચૂક્યો હતો — જોકે વાઘ સિંહ છોડ-વેલા ન ખાય એ હું જાણતો હતો જરૂર. પરંતુ એ જાનવર ઉપર પડેલો ડંગોરો જાનવરના કઠણ હાડકા ઉપર વાગ્યો હોય એવો અવાજ આવ્યો અને મારા હૃદયમાં સહેજ અરેકારો થઈ આવ્યો ! જાનવર ત્યાંથી ખસ્યું નહિ. માત્ર તેણે એક લાંબો શ્વાસ લીધો અને બગીચામાં મુખ વધારે ખોસ્યું !

કોઈને પણ ગુસે ચડે એવી નફટાઈ કરતા મારા દંડાને બિલકુલ હસી કાઢતા જાનવર ઉપર મેં બીજો ફટકો લગાવ્યો. ફટકાનો પડઘો પ્રથમ જેવો જ પડ્યો. મને એક વાર લાગ્યું કે આ જાનવર લાકડાનું તો બનાવેલું નહિ હોય ? જેનું બનાવેલું હોય તેનું ! કોઈ પણ જાનવરને પારકા બગીચામાં આવી ભંગાણ કરવાનો હક્ક ન જ હોય. મેં ત્રીજો ફટકો લગાવવા હાથ ઊંચક્યો, પણ જાનવર એક ડગલું પણ ત્યાંથી ખસ્યું નહિ !

અંધારામાં આ હઠીલા જાનવરને મેં જરા ધારીને જોયું. એક ઊંચી ગાય મારા બગીચાની ચોર હતી એમ મને ખાતરી થઈ ગઈ. ઘરમાં સુતેલો એક નોકર પણ એટલામાં જાગ્રત થઈ ફાનસ લઈ આવી પહોંચ્યો. મેં તેને એક દોરડું લાવી ગાયને બાંધી દેવા આજ્ઞા કરી. દોરડું આવ્યું. ગાયને ગળે ભેરવી તેને એક એવી જગ્યાએ દોરી કે જ્યાંથી તે ફૂલ-વેલને ખાઈ જ શકે નહિ.

ગાયને બાંધ્યા પછી સંતોષપૂર્વક મેં એ ચોર-ગાયને નિહાળી | ખૂબ ઊંચું કાઠું એ ગાયનું હતું. પરંતુ એ ગાય હતી ? કે ગાયનું હાડપિંજર ? તેના આખા દેહમાં એક પણ સ્થળ એવું ન હતું કે જ્યાં આપણને માંસલપણાનો ભાસ થાય. મેં મુખ બાજુએથી ગાયને જોઈ. જીવ જ ન હોય એવી ગાયની આંખો મૃત્યુના ઓળા વેરતી હતી. બન્ને બાજુએથી ગાયને નિહાળી. ચામડી ચીરીને એના હાડકાં બહાર નીકળી આવવા મથતાં હોય એમ મને લાગ્યું. આ ગાય જીવતી હશે? કે મરેલી ગાયનું ભૂત મારી સામે આવી ઊભું હતું ? ભૂતપ્રેતમાં હું માનતો નથી, છતાં હું ક્ષણભર કંપી રહ્યો. ગાય પ્રેત બને તો જરૂર મારી સામે ઊભેલી ગાયનો જ આકાર લે એમ મને ખાતરી થઈ. મનમાં એક સંતોષ તો જરૂર થયો કે બગીચાનો ચોર હાથ લાગ્યો હતો ! એ ગાય ક્યાંથી બગીચામાં પેસી ગઈ હશે તેની મેં તપાસ કરી. બધે જ વાડ અને તાર મજબૂત હતાં. કેવી રીતે ગાયે પ્રવેશ મેળવ્યો? ગાયનું ભૂત જ આમ પ્રવેશ મેળવી શકે ! મારા નોકરે એક ઢીલો પડેલો વાડનો ભાગ બતાવી મને કહ્યું : 'આમાંથી ગાય આવી ! '

'આટલામાંથી શી રીતે આવે ?'

'હાડકાંનો માળખો છે; એને વાગવાનું શું ? ગમે ત્યાંથી પેસી જાય !'

નોકરો સાથે વાતચીત કરવામાં હું બહું માનતો નથી. મેં આજ્ઞા કરી કે સવાર પડતાં બરાબર ગાયને ડબામાં પૂરી આવવી.

નગરનિવાસીઓને ડબો એટલે શું એની કદાચ ખબર ન પણ હોય. ડબો એટલે રેલ્વેનો ડબ્બો નહિ, ઘાસલેટનો નહિ, ઘરેણાં મૂકવાનો નહિ કે શાળામાં જતાં સધન બાળકોને નાસ્તો ભરી આપવાનો પણ નહિ. ગામનાં હરાયાં જાનવરને, તેમ જ કોઈનાં ઘર, ખેતર કે બગીચામાં નુકસાન કરે તેવાં જાનવરને પકડીને પૂરવાની સરકારે કે સુધરાઈ પંચાયતે રચેલી જગાને ડબો કહેવાય. ગ્રામનિવાસીઓ એને વધારે ઓળખે.

સવારમાં ઊઠી મેં નોકરને જગાડ્યો, અને પ્રથમ ગાયને ડબામાં મૂકી આવી પછી બીજે કામે વળગવા તેને મેં જણાવ્યું.

ગાય ઊભી જ હતી. ખીલેથી છોડી નોકર, તેને દોરી જવા લાગ્યો ગાયે–ગાયના હાડપિંજરે–દોરાવામાં જરા ય વાંધો લીધો નહિ, જોકે હરાયાં જાનવરને ડબામાં પૂરવા લઈ જવાં એ મહા વિકટ પ્રસંગ ગણાય. ગાય ચાલતી જ હતી છતાં નોકરે પાછળ ફરી એક ડાંગ તેને વગર કારણે લગાવી દીધી, અને પાછાં ગાયનાં હાડકાં ખખડી ઊઠ્યા.

'શા માટે નાહકનો મારે છે ગાયને ?' મેં કહ્યું. ગાયને થયેલા ત્રણે ય પ્રહાર હજી મારા કાનમાં ગુંજી રહ્યા હતા. ત્રણમાંથી બે પ્રહાર તો મેં જ કર્યા હતા ! છતાં ત્રીજો નોકરે કરેલ પ્રહાર મને બિલકુલ ગમ્યો નહિ ! ગુનાની સજા ખમવાને તૈયાર થયેલા ગુનેગારને વધારાનો ફટકો મારવાની સગવડ ગમે ખરી; પરંતુ એ સગવડનો લાભ લેવાની વૃત્તિ મારામાં ખીલી હશે તો ય તે આ ગાયને અંગે કરમાઈ ગઈ.

નોકર દોરતો હતો અને ગુનેગાર ગાય ચાલી જતી હતી. થોડી વાર સુધી હું નોકર તથા ગાય એ બંને પ્રાણીઓને જોઈ રહ્યો

ગાયે પાડી નાખેલા રોપાઓને મેં ફરી ચોંટાડ્યા આસપાસ માટી નાખી; પાણી પાયું; અને સાબૂત રહી ગયેલા છોડની આસ પાસનાં ઘાસતરણાં કાઢી નાખ્યાં. વનસ્પતિનો સ્પર્શ પણ મને આહ્લાદજનક લાગતો. બીજું કોઈ જાનવર મારા બગીચામાં રંજાડ કરશે નહિ એવા વિચારે મને આનંદ પણ થયો. ચાર ચાર દિવસથી જેને પકડવા હું મથતો હતો તે ચોર આજે પકડાયો. એની બહાદુરીભરી પ્રફુલ્લતા પણ આનંદને ઉત્તેજિત કરતી હતી. જે વાડનો ભાગ સહજ ઢીલો પડી ગયો હતો તે ભાગને મેં મારા હાથે જ મજબૂત કર્યો. બગીચામાં વધારાના ક્યા ફૂલછોડ રોપવા તેનો હું વિચાર કરી રહ્યો હતો અને નોકરે આવી ખબર કરી કે ગાયને ડબામાં સલામત પૂરી છે !

નિત્યક્રમ પ્રમાણે જીવન ચાલ્યા જ કરે ને ? થોડા દિવસ - અને થોડી રાત્રી શાંતિમાં પસાર થયાં. બગીચો ખીલ્યે જતો હતો અને મારી મહેનત સફળ થતી હતી. કદી કદી પેલી ગાયનું ભૂત કલ્પનામાં આવી જતું હતું, પરંતુ તે તો તેના કેદખાનામાં હવે પુરાઈ ચૂકી હતી એટલે મને એ બાજુની કશી મુકેલી હતી જ નહિ.

છતાં એક રાત્રે પાછો હું આછા ખખડાટથી જાગી ઊઠ્યો, અને બહાર આવી જોઉં છું તો એની એ ગાય પાછી આવી મારા ઉછેરેલા છોડને વણસાડી રહી હતી ! આફતોનો સહવાસ થતાં આફતોની અણી જરા બૂઠી થતી જાય છે ! ગાયને મારવા મેં લાકડી ઉપાડી, પરંતુ ગાયનાં હાડકાંમાંથી લાકડીએ એક વાર પહેલાં ઊભો કરેલો અવાજ મને પાછો સભળાયો, અને ઉપાડેલી લાકડી માર્યા વગર મેં પાછી વાળી. ગાયને લાકડી મારી હોત તો પણ ગાયને હરકત ન હતી. ન મારી તેથી પણ ગાયની ગતિમાં ફેરફાર થયો નહિ. મારની ભાવનાથી પર બનેલી ગાયને પ્રહાર કે પ્રહારનો અભાવ બન્ને સરખાં લાગ્યાં. બન્ને સ્થિતિ માટે એક યોગીની ઉદાસીનતા ધારણ કરી ગાય ઊભી રહી હતી. ચોરની માફક નાસવાનો તો તેનો પ્રયત્ન હતો જ નહિ.

'કોણે આ ગાયને ડબામાંથી છોડી?' મેં અંધકારમાં પૂછ્યું. કોઈએ જવાબ આપ્યો નહિ. પરંતુ આંખો ચોળતા આવેલા મારા નોકરે ગાયને પકડીને બાંધી અને બબડ્યો : 'કોનું આ નધણિયું ઢોર છે ?' એને રાખતો મરે !'

મને પણ ઠીક ઠીક ગુસ્સો ચડ્યો હતો. માણસો પોતાનાં જાનવરને સંભાળીને રાખતા કેમ નથી ? અને સરકારી રાહે પુરાયેલું જાનવર ડબામાંથી છૂટ્યું શી રીતે ? સવારમાં હું જાતે જ જઈને ડબા કામદારને મળી આનો ખુલાસો કરી લઈશ, એ મેં નિશ્ચય પણ કર્યો.

પ્રભાત થતાં જ મારા નોકરે ફરીથી ડબામાં પૂરવા ગાયને બાગની બહાર કાઢી. હું પણ તેની પાછળ ગયો. રાત્રે ભયંકર દેખાતું ગાયનું હાડપિંજર દિવસે કેમ જરા દયા ઉપજાવવા લાગ્યું હતું ? ગાયની આવી સ્થિતિ કોણે કરી હશે? એનો માલિક કેવો નિષ્ઠુર હશે? અને વળી પોતાની જવાબદારી ટાળવા અને રાત્રે ગમે તેમ છોડી મૂકવાની નફટાઈ પણ કર્યે જાય છે ! જાનવરોને પોષતાં હિંદવાસીઓને આવડતું જ નથી ! પાંજરાપોળ અને ગૌશાળાનો ઘમંડ સેવવાં છતાં !

'કેમ તમે આ ગાયને પાછી છુટ્ટી મૂકી દીધી?' મેં ડબા કામદારને જરા ધમકાવ્યો. સરકારી નોકરો કોઈની પણ ધમકીને પત કરે નહિ, જરા પણ અસર તેને થઈ ન હોય એમ તેણે જણાવ્યું; 'તો બીજું શું થાય ?'

'એના માલિકને સોંપો !'

'એનો માલિક મરી ગયો છે. એ જીવતો હોત તો આ હાથી જેવી ગાયની આવી દશા થવા દેત?' કામદારે કહ્યું.

'તો પછી તમે એને ડબામાં રાખો.'

'ડબો કાંઈ ઢોરને કાયમી રાખવા માટે ન હોય.'

'અમારા બગીચાને નુકશાન કરી જાય તે અમારે કરવા દેવું; એમ ?'

'ડબામાં પૂરી જાઓ ને ફરીથી ?'

'પાછા છોડી ક્યારે મૂકશો?' મેં તિરસ્કારથી કહ્યું.

'એ તો, ભાઈ જુઓ ને? આઠ દસ પંદર દિવસ અહીં રાખીએ. માલિક જડે તો દંડ અને જાનવરની ખોરાકીનો ખર્ચ આપી જાનવર લઈ જાય; માલિક ન મળે તો જાનવર હરાજ કરીએ. આ જાનવરને તો કોઈ હરાજીમાં રાખતું નથી. મહામુસીબતે મેં બે રૂપિયા આપી કોઈની પાસે હરાજીમાં ગાયને આપી...પણ એને કાયમી રાખે કોણ ? હતી ત્યારે ગામની એ જ ગાય સહુની માનીતી હતી. આજ એને કોઈ આંગણે ઊભી પણ રહેવા દેતું નથી !'

'તો હવે મારે શું કરવું ? બગીચાનું ભેળાણ થવા દેવું !'

'નહિ, સાહેબ ! મૂકી જાઓ ડબામાં. કસાઈને સોંપવાની કાયદો ના પાડે છે, એટલે બે પાંચ દહાડા ગાયને સાચવીશું... પણ હવે એ મરશે ચોક્કસ..ચામડિયા ખેંચી જશે....'

મારા શૂન્ય માનસમાં એક વિચાર જાગ્યો ને મેં પૂછ્યું : 'ગાયને પાંજરા પોળમાં મોકલીએ તો કેવું?'

'આટલામાં વીસ વીસ ગાઉના ઘેરાવામાં પાંજરાપોળ નથી... ખેંચી જા, અલ્યા !' કહી કામદારે ચોકિયાતને આજ્ઞા આપી. ગાય એની પરિસ્થિતિ વિષે ચાલતો વાદવિવાદ જાણે સાંભળી રહી હોય એમ ડોકું નાખી ઊભી હતી. પાસે ઊડતું ઊડતું ઘાસનું તણખલું આવ્યું. ગાયમાં જાગૃતિ આવી અને તેણે મુખમાં તણખલું લીધું.

કામદારની આજ્ઞા પ્રમાણે ચોકિયાતે ડાંગ ઊઠાવી ગાયને ડબામાં દોરવા સહેજ ફટકો લગાવ્યો. માર્યા સિવાય ઢોર ચાલે જ નહિ એવી તેની માન્યતા સાચી હોય તો યે ગાયના હેડકામાંથી નીકળેલા અવાજે મારા દેહમાં કમકમાટી ઉપજાવી.

મેં કહ્યું : 'ઘેર પાછી લઈ ચાલો.'

'ડબામાં નથી નાખવી?' નોકરે જરા આશ્ચર્યથી પૂછ્યું.

'ના' મેં કહ્યું. અને મારી વિચિત્રતા પ્રત્યે સહુને આશ્ચર્ય પામતાં છોડી હું ઘર તરફ વળ્યો.

ભૂખમરે સુકાઈ ગયેલી ગાયને કોઈ મિત્ર પણ ન હતું અને દુશ્મન પણ ન હતું. એને ડબામાં પૂરી હોત તો ય તે નિઃશ્વાસ લેતી હોત; મેં એને સાથે લીધી તો ય એણે એક નિશ્વાસ લઈ જરા ય વાંધા વગર મારી આગળ ચાલવા માંડ્યું.

ઘેર આવી મેં નોકરને કહ્યું : ' ગાયને માટે જોઈએ એટલું ઘાસ લઈ આવ. ત્યાં સુધી ગાયને બગીચામાં છૂટી ફરવા દે !'

મારી પત્નીને તો એક વાર શંકા આવી હતી કે હું ઘેલછામાં ધસતો જાઉં છું. મારા નોકરની આંખમાં પણ મેં એવી જ શંકા નિહાળી ! જે બગીચાની સાચવણી અર્થે હું પ્રાણ આપતો હતો અને ઘરનાં માણસોનો પ્રાણ ખાતો હતો તે હું આખો બગીચો ગાયને મુખે છુટ્ટો મૂકવા માગતો હતો. એમાં ઘેલછા નહિ તો બીજું શું કહેવાય ?

'પણ..એ તો કૂલ, વેલ, છોડ બધું ચાવી ખાશે?' નોકરે મને ઉદ્દેશી કહ્યું.

'ભલે ચાવી ખાય ! તું તારે ઘાસ લઈ આવ ને?' મેં કહ્યું. અને ગાયને મારા નાનકડા બગીચામાં છુટી મૂકી.

ઘરનાં સહુ માણસોને પણ એમાં મારી વિચિત્રતા દેખાઈ સ્વાભાવિક છે.

પરંતુ મારી આંખ સામે ગાયનું હાડપિંજર એક ક્રૂર સામાજિક ઘટનાનું પ્રતીક બની ગયું હતું. વૃદ્ધ, અશક્ત, એકલવાયાં, નિરુપયોગી બનેલાં પ્રાણીઓને જીવતા રાખવાની જરૂર જ નહિં શું ? માનવપ્રાણીને પણ આમ વૃદ્ધ બનતાં નિરાધાર છુટાં મુકાય તો? એવાં કેટલાં યે વૃદ્ધ–વૃદ્ધાઓ હશે !

ઘાસ આવ્યું. ગાયને ઘાસ ખવરાવ્યું. મેં મારે હાથે એને પાણી પાયું, અને અને પંપાળવા માંડી. પંપાળવા સરખો એનો દેહ રહ્યો જ ન હતો ! પંપાળતી વખતે ગાયનાં વાગે એવાં હાડકાં ઉપર જ હુ હાથ ફેરવતો હતો !

ગાય ઊભી હતી. તેના પગ એકાએક અમળાઈ ગયા અને તે નીચે પડી. એને ઉઠાડવાના – ઊભી કરવાના પ્રયત્નો બધા ય નિષ્ફળ ગયા. ત્યાર પછી ન એણે એ કે રોપ ખાધો કે ન એકે ઘાસનું તણખલું મુખમાં મૂક્યું. આછું આછું પુચ્છ હલાવતી આંખમાંથી આછાંઆછાં પાણી સારતી સહુની સામે પૂર્ણ ઉદાસીનતાથી નિહાળતી ગાયનો પ્રાણ દેહમાંથી ઊડી ગયો ! એને કોઈની દયા પણ જોઈતી ન હતી.

મને લાગ્યું કે મારા પ્રાણમાંથી એક મહત્ત્વનો ભાગ મૃત્યુ પામે છે !

મારી આંખમાં અશ્રુ આવ્યાં. મારી પત્નીએ તે જોયાં. એણે મને કશું જ કહ્યું નહિ. મને તે દિવસે પત્નીએ એકલો જમવા બેસાડ્યો. મારા મુખમાં અન્ન ગયું જ નહિ.

'આપણે જમીને કેટકેટલી ગાયોને ભૂખે મારતા હોઈશું? બગીચાવાળા પણ?' મારાથી બોલાઈ ગયું.

મારી પત્નીએ એ દિવસે મને જમાડવાનો આગ્રહ પણ રાખ્યો.

પુષ્પ, વનસ્પતિ, પ્રાણી અને માનવીને એક દોરે બાંધતો પ્રાણ હજી આપણે ઓળખી શકતા નથી ! ડંગોરો લઈ, શસ્ત્રો સજી, વાડ દીવાલ ઊભી કરી આપણી મિલકતનું કે આપણી પ્રિય વસ્તુનું રક્ષણ કરતી વખતે સૃષ્ટિને એક બનાવતા તારને આપણે તોડી નાખીએ છીએ.

હજી યે ગાયને મારેલી ડાંગના પડેલા પડધા મને સંભળાયા કરે છે, અને કદી કદી હું નિદ્રામાંથી પણ એ અવાજ સાંભળી ચમકી જઈ બેઠો થઈ જાઉં છું !