કાંચન અને ગેરુ/વણઊકલી વાત
← ડબામાંની ગાય | કાંચન અને ગેરુ વણઊકલી વાત રમણલાલ દેસાઈ |
સિનેમા જોઈને → |
માતાપિતા સાથે મેજ ઉપર ચાનાસ્તો લેતાં રશ્મિએ કહ્યું : 'કેટલીક તો એવી સરસ કવિતા હતી ! કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચન્દ્રાનન કવિને સાંભળ્યા છે?'
'ચંદ્રાનન ? હા !... કાંઈ નામ તો સાંભળ્યું છે. પણ એમને મળ્યો હોઉં એને યાદ નથી.' પિતાએ કહ્યું.
કવિઓ એ ધનિકોને યાદ રહે એવાં પ્રાણી ન જ ગણાય. ધનિક વલ્લભદાસ અસામાન્ય ધનિક હતા. આમ તો તેઓ ઠીક ભણેલા હતા, પરંતુ ધન-ઉપાર્જનમાં રોકાતો સમય બહુ અદેખો હોય છે. એ બીજા કશામાં પોતાને પરોવાવા દેતો જ નથી; અને વર્તમાનપત્રો, અઠવાડિકો તથા માસિક એટલાં વધી પડ્યા છે કે તે સિવાયની બીજી વાચનપ્રવૃત્તિ માટે ભાગ્યે જ અવકાશ ધનિકોને રહે.
'મળવા જેવા છે. દેખાવ પણ એવો કે આપણને પૂજ્યભાવ ઉત્પન્ન થાય. માની પાસે એના કાવ્યસંગ્રહો મેં જોયા છે...' રશ્મિએ કહ્યું, અને ચાનો અડધો ભરાતો પ્યાલો માનો હાથ લાગતાં ઢોળાઈ ગયો. વાંચવાનું બધું કામ તારી માને સોંપ્યું....અને આપણા પુસ્તકાલયમાં એમનું એક પુસ્તક ન હોય એમ કદી બને જ નહિ...તારી ઈચ્છા હોય તો આજે સાંજે ચા કે ખાણા ઉપર બોલાવી લાવજે... મારા તરફથી આમંત્રણ આપજે.' પિતાએ કહ્યું.
ધનિકો અન્ય ધનિકોને, ઘરને શોભે એવા મોટા અમલદારોને અને એવા જ મોટા નેતાઓને આમંત્રણ આપવામાં ટેવાયેલા હોય છે. કદી કદી બાળકની ઈચ્છાનુસાર કવિઓ અને સાહિત્યકારોને પણ ચા ઉપર બોલાવવાની તેઓ કૃપા કરે. ફુરસદ હોય તો તેમની સાથે બેસે પણ ખરા.
'મેં મારા તરફથી તો આમંત્રણ આપ્યું જ છે. ફરી તમારા તરફથી આપી દઈશ...મને બહુ ગમ્યું...તમે અને મા સાથમાં તો.' રશ્મિએ આનંદ પ્રદર્શિત કર્યો.
‘તું યે, છોકરી અજબ છે. નવાં નવાં ધાંધલ ઊભાં કર્યે જ જાય છે !' માતા શશીકલાએ રશ્મિને કહ્યું.
'મા ! તું એને જોઈશ, અને સાંભળીશ તો તને જરૂર એમ લાગશે કે મેં આમંત્રણ આપ્યું એ જ સારું કર્યું...અમસ્તી વાત કરે છે તો ય કવિતા બોલતા હોય એવું મીઠું લાગે છે.' રશ્મિએ કહ્યું.
‘બહેન? તું પણ કાંઈ કવિતા લખતી હતી ને?' પિતાએ પૂછ્યું.
ધનવાનોને પોતાને સાહિત્ય, સંગીત કે કલા માટે પૂરતો સમય રહેતો નથી એ સાચું પરંતુ પોતાનાં સંતાનોને એવી તેવી વિદ્યા – ઉપવિદ્યાનો શોખ હોય તો તેમને ગમે છે, ઉપરાંત ઘણું ધન કુટુંબમાં કલા હોવાનું વધારાનું અભિમાન લેવાની પણ તેમને સગવડ આપે છે.
'હા ! પણ એનો કાંઈ અર્થ જ નહિ. ચંદ્રાનનની કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે જાણે પુષ્પના ઢગલા ઉપર સૂતાં હોઈએ અગર તારાનક્ષત્રનાં ઝૂખમાં પહેરતાં હોઈએ એવું લાગે છે...' રશ્મિએ કહ્યું, વલ્લભદાસ ખૂબ હસ્યા. સાહિત્યની આવી ઘેલછા ઊછરતાં અને ભણતાં કિશોર-કિશોરીઓને વળગે છે એમ તેઓ જાણતા પણ ખરા. તેમના અભ્યાસયુગમાં તેમને પણ કદી કોઈ કવિતાઓ અસર કરી જતી હતી એ તેમને યાદ આવ્યું : ખાસ કરી પ્રેમની અને દેશભક્તિની કવિતા. હવે જો કે વલ્લભદાસ ભૂલી ગયા હતા, છતાં કલાપીની –
- 'અરે તું વૈદ કાં તેડે? ગળે કાં ઔષધિ રેડે ?'
એ આખી ગઝલ એક વખત તેમને મોઢે હતી. અને 'મરીશું દેશને કાજે' એવી એક અસરકારક રીતે ગવાયલી કવિતા સાંભળી તેમને પણ દેશ માટે ફકીરી ધારણ કરવાનું મન થઈ આવ્યું હતું.
'ત્યારે હવે તને બાગબગીચાની અને મોતીનાં ઘરેણાંની જરૂર નહિ પડે !' વલભદાસે હસતાં હસતાં કહ્યું.
'ચન્દ્રાનન જેવી કવિતા લખતાં આવડે તો ખરેખર જરૂર ન પડે. શબ્દો અને કલ્પનાઓ જ ઘરેણાં અને પુષ્પપુંજ બની જાય છે.' રશ્મિએ કહ્યું.
શશીકલા તેની સામે ક્ષણભર જોઈ રહી. પરંતુ રશ્મિને કવિ ચન્દ્રાનન સંબંધી પ્રગટેલા ઉત્સાહમાં સમજાયું નહિ કે તેની માતા શશીકલા તેના ઉત્સાહને બહુ પસંદ કરતી ન હતી. એટલે રશ્મિનો ઉત્સાહ ચાલુ જ હતો. સાંજે આવે ત્યારે ચન્દ્રાનનને બરોબર ક્યાં બેસાડવા, એની સાથે વાત કરવાને કોને બોલાવવાં, ચાના મેજ ઉપર કેવી ગોઠવણ કરવી, ફૂલદાનીઓ કેટલી ક્યાં મૂકવી, ઘર અને ખાસ કરી ઘરનું પુસ્તકાલય કેવી રીતે બતાવવું, કયા કયા મુદ્દા ઉપર તેમને પ્રશ્નો પૂછવા, તેમની સારામાં સારી કવિતા બોલવા તેમને કેવી રીતે વિનતિ કરવી, તેમના નિત્યક્રમ વિષે કેવી ઢબે વિગતો જાણવી : એ બધા વિચારો, તરંગો અને યોજનામાં ગૂંથાઈ ગયેલી કિશોરી રશ્મિને સમય ક્યાં ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. અને બપોરના ચાર ટકોરા થતાં તેના પિતાએ પૂછ્યું : 'રશ્મિ! પછી પેલા તારા કવિ–શું નામ ? એમને બોલાવવા કાર નથી મોકલવી ?'
' હું તે જ કરું છું ને, ભાઈ! કઈ કાર મોકલીશું ?' રશ્મિએ પૂછ્યું. ઘરમાં ત્રણ કાર હતીઃ એક ઘરના માલિક માટે; સારામાં સારી તો એ જ હોવી જોઈએ ને? બીજી શશીકલા અને રશ્મિ માટે; અને ત્રીજી ફાલતું : નોકરો, મહેમાનો, સગાંવહાલાં અને મિત્રો અમલદારોને જરૂર પડ્યે ઉપયોગમાં આવે એ માટે.
'મારી કાર મોકલવાનું તને મન છે? ભલે, એમ કર...પણ તારો એ કવિ કદી કારમાં બેઠો છે ખરો? નહિ તો... મારી કાર એને અટપટી લાગશે. નિરાંતે અઢેલીને એનાથી બેસાશે પણ નહિ.' પિતાએ ગમ્મતમાં કહ્યું. પુત્રીની ઈચ્છા પ્રમાણે કરવા તત્પર રહેતા વહાલસોયા પિતા વલ્લભદાસનો વાંક ન હતો કે તેમની ગમ્મતમાં કવિ ચન્દ્રાનનની ગરીબી ઉપર તેઓ હસતા હતા. જગતભરના કવિઓ ગરીબ જ હોય છે – હિંદમાં ખાસ કરીને. પરંતુ ધનિકોને ખબર નથી હોતી કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે સતત રમત કરતા કવિઓને કરોડપતિની કારનો ચળકાટ આંજી શકતો નથી !
રશ્મિએ તો પિતાની જ કાર કવિ માટે મોકલાવી.
સાડાચારનો ટકોરો થયો અને કવિએ કાર સાથે બંગલાના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યો. રશ્મિનું હૃદય જરા ધડકી ઊઠ્યું. આગળ જઈ તેણે કારનું બારણું ખોલી નાખ્યું અને ચંદ્રાનન હસ્તે મુખે બહાર આવ્યા. જે વ્યક્તિ પ્રત્યે સદ્દભાવ હોય એ વ્યક્તિ સહુને આકર્ષક લાગે છે – પછી એ વ્યક્તિ રૂપે, રંગે જેવી હોય તેવી ! રશ્મિને ચંદ્રાનનનો દેખાવ પૂજ્યભાવપ્રેરક લાગતો જ હતો, તે વધી ગયો.
'બહેન ! બગીચો બહુ સરસ છે. તું કયા કયા ક્યારા સાચવે છે?' કારમાંથી ઊતરી રશ્મિના નમનનો પ્રત્યુત્તર નમનથી આપી ચારેપાસ બગીચો નિહાળી ચંદ્રાનને પૂછ્યું.
'બાગ તો હું અને મા સાચવીએ છીએ... દેખરેખ ઘણી રાખું છું.' રાજી થઈ રશ્મિએ સુંદર પુષ્પસૃષ્ટિ સર્જવામાં ધનવાનોના દેખરેખ વિભાગ ઉપર ભાર મૂક્યો. જમીન ખોદવી કે પાણી પાવું એ તો મજૂરીનું કામ ! ધનિકોનાં પુત્ર-પુત્રી તે ન જ કરે!
રશ્મિની બે બહેનપણીઓ અને ત્રણેક યુવક મિત્રો પણ ચન્દ્રાનનને માન આપવા આવ્યાં હતાં. તેમનો પરિચય કરાવી સુંદર રીતે શણગારેલ દીવાનખાનામાં ચન્દ્રાનનને બેસાડી રશ્મિ પોતાનાં માતા-પિતાને બોલાવવા દોડી ગઈ. બાળકોનાં મિત્રો કે માનપાત્ર વ્યક્તિઓનું મહત્ત્વ મા-બાપને ન હોય એ સ્વાભાવિક છે; એટલે વડીલો પોતાના મિત્રો કે આમંત્રિત વ્યક્તિઓને સામે લેવા આવે એમ બાળકોનાં મિત્રો કે પૂજ્ય વ્યક્તિઓ માટે ન કરે એ પણ સ્વાભાવિક છે.
'એમ?...પેલા તારા કવિ આવી ગયા શું ? ચાલ આવું... તારી માને બોલાવ.' પિતાએ પુત્રીનું મન રાખવા તકલીફ લીધી.
'મા તો હજી તૈયાર નથી. ચા ઉપર આવશે એમ કહે છે.' કહી રશ્મિ પિતાને લઈ દીવાનખાનામાં આવી પહોંચી.
'આ મારા પિતા !... આ કવિ ચન્દ્રાનન !' રશ્મિએ નવી ઢબે પરસ્પર પિછાન કરવી.
'આપનું નામ તો, કવિસાહેબ ! બહુ જાણીતું છે. દર્શનનો લાભ આજે મળ્યો' વલ્લભદાસે વિવેક કર્યો. ધનિકો ધારે ત્યારે સરસ વિવેક કરી શકે છે.
'હું પણ એ જ કહેવા જતો હતો, સાહેબ ! આપને માટે. આપને જોઈ મને બહુ આનંદ થયો.' ચન્દ્રાનને કહ્યું.
ચન્દ્રાનન નમ્ર અને સૌજન્યભર્યો જરૂર દેખાતો હતો, પરંતુ વલ્લભદાસની સંપત્તિ અને તેમનો વૈભવ નિહાળી તેની આંખો ફાટી જશે એવી ધારણા વલ્લભદાસે રાખી હોય તો તે સફળ ન નીવડી. અસામાન્ય સાધનવર્તુળમાં પોતે બેઠો હોય એવું કાંઈ ચન્દ્રાનનના મુખ ઉપર દેખાયું નહિ.
'આ અમારી રશ્મિ તો દિવસરાત તમારી જ વાત કર્યા કરે છે.' વલ્લભદાસે કહ્યું.
'આપની પુત્રીમાં છે એવો લક્ષ્મી અને સરસ્વતીનો સંયોગ મુશ્કેલ હોય છે.' ચન્દ્રાનને કહ્યું.
'આપનું એકેએક કાવ્ય અમારા પુસ્તકાલયમાં છે.'
'સંસ્કારી કુંટુબોની વાત જ જુદી છે...' પોતાનાં વખાણ સાંભળતાં ઊપજતા મૂર્ખતાદર્શક ભાવ ટાળવા ચન્દ્રાનને વલ્લભદાસના કુટુંબને વખાણ્યું.
‘અને રશ્મિની મા તો તમારાં પુસ્તકો અને તમારી છબી પણ પોતાના ખંડમાં જ રાખે છે...' પત્નીના સંસ્કારનું પ્રદર્શન કરવું રહી જાય એ આજના ધનિકોને બિલકુલ ગમતું નથી. વાત પણ સાચી હતી. થોડાં સારાં પુસ્તકો અને થોડી સારી રીતે ગોઠવેલી છબીઓમાં ચન્દ્રાનનનાં પુસ્તકો અને તેની એક નાની છબીને પણ શશીકલાના ઓરડામાં સ્થાન હતું ખરું.
બહુ ઉત્સાહપૂર્વક ચન્દ્રાનન સાથે સવાલ-જવાબ અને વાર્તાલાપ થયા. મોટાઈની છાપ પામેલા વિદ્વાનો બહુ જ સાધારણ પ્રકારનું – અગર મૂર્ખાઈભર્યું પણ બોલે તો ય તેમના ભક્તોને એમાં ભારે ઊંડાણ રહેલું દેખાય છે. મોટા પુરુષો કેટલે વાગ્યે સૂએ છે અને કેટલે વાગે ઊઠે છે, ચા કેટલી વાર પીએ છે, બીડીઓને ધુમાડો કેવી ઢબે કાઢે છે, બીડી નહિ તો બીજા ક્યાં વ્યસનોને તેઓ મહત્ત્વ આપે છે, તેઓ સતત લખે છે કે ટુકડે ટુકડે અને લખતાં વચ્ચે રુકાવટ થાય તો તેઓ ગુસ્સે થાય છે કે નહિ, ગુસ્સે થાય ત્યારે તેઓ બૂમ પાડે છે કે માત્ર આંખનાં ભવાં જ ચઢાવે છે, તેમને સંગીતનો શોખ ખરો કે નૃત્યનો, રોજ તેમને કેટલા પત્રો વાંચવા પડે છે અને કેટલા પત્રોના શા જવાબ આપવા પડે છે, જમવામાં ચમચા-કાંટા વાપરે છે કે ઈશ્વરેદીધી આંગળીઓ, તેઓ કસરત કરે છે કે નહિ, અને કસરત કરતા હોય તો દંડબેઠક કાઢે છે કે લાંબે સુધી ફરવા જાય છે, ચંદ્ર સામે કેટલી વાર તેમને જોઈ રહેવું પડે છે, અને કયાં પુષ્પો વધારે પ્રબળ કવિતા લખાવે છે: આવા આવાં કૈંક કુતૂહલ વિદ્વત્તા અંગે જનતાને થાય છે. અને જેમ તેમના જીવનમાં વધારે વિચિત્રતા જડે તેમ તે વિદ્વાનની મહત્તા વધારે !
રાત્રે દસ વાગ્યે સૂઈ સવારે છ વાગે ઊઠતી વિદ્વત્તા કરતાં રાતના બે વાગ્યા સુધી જાગી બીજે દિવસે સવારે દસ વાગ્યે ઊઠતી વિદ્વત્તા વધારે મોટી ગણાય ! નિર્વ્યસની સાક્ષર એ સાક્ષર નામને યોગ્ય ગણાય જ નહિ. જ્યારે દિવસના ચાર 'ટિન' સિગરેટનાં ખલાસ કરતો સાક્ષર સાક્ષરતાની સીમામાં જરૂર આવે; સિગરેટ પીતાં પીતાં છબી પડાવે તો તે એની સાક્ષરતા ખાસ દીપી નીકળે; અને પાસે આસવની શીશી હોય તો એની વિદ્વતાનો ઓર રંગ જામે ! જેની તેની સાથે ઝગડી ઊઠતા સાક્ષર, સાક્ષરત્વના સાચા તણખા ધરાવતા ગણાય અને તમાચા મારી ઊઠતી સાક્ષરતા વગર વીરકાવ્ય લખી શકાય જ નહિ ! એકની એક સ્ત્રીથી જ સંસાર ચલાવતા નીરસ કવિ કરતાં એક-બે પત્નીઓને છૂટાછેડા આપી ત્રીજી પત્નીને કાઢી મૂકવાની તૈયારી કરતો અને કઈ યૌવનાને ચતુર્થ પત્નીનું માન આપવું એની ઝડપી ગણતરી કરતો કવિ વધારે રંગીન કવિતા લખી શકે એ માન્યતા સ્વાભાવિક કહેવાય; અને જેની પ્રેમસાંકળનો પાર જ ન આવે એવા કવિની કવિતા જરૂર ચિરંજીવી ચિરંતન, અદ્યતન, ક્રાન્તિકારી અને વાસ્તવતા ભરેલા જીવનમંથનમાંથી જાગેલી જ ગણવાની લોકમાન્યતા મહત્તાને સીધી સાદી જેવા કરતાં રંગીન, ગુલાંટ ખાતી, ચક્કરે ચડેલી જોવી વધારે પસંદ કરે છે. સીધી ગાડી કે કારમાં બેઠેલા સાક્ષર કરતાં બકરાની બાબાગાડીમાં બેઠેલો સાક્ષર વધારે સાક્ષરતાભર્યો લાગે છે.
યુવકયુવતીઓની બહુ ઈચ્છા છતાં ચન્દ્રાનનમાં, ચન્દ્રાનનના જીવનમાં, ચન્દ્રાનનની દિનચર્યામાં અહાહા કહેવરાવે એવી કોઈ વિચિત્રતા કે વિલક્ષણતા દેખાયાં નહિ. તેમની સ્થિતિ સામાન્ય હતી; તેઓ નાનકડા ઘરમાં રહેતા હતા; પુસ્તકો જે આપે તેમાં પોતાનું પૂરું કરતા હતા; આટલું તો કવિઓને માટે જરૂરી જ ગણાય. પોતાનું કામ પોતાને હાથે કરી લેતા હતા; અને ઉજાગરાના ખાસ શેખીન ન હતા એ તેમની મહત્તા વધારનારાં તત્ત્વ ગણાય નહિ. તેમણે વાતચીતમાં ઉત્સાહી યુવક-યુવતીઓને સમજ પણ પાડી કે સાક્ષર અથવા કવિ થવા માટે માથે શીંગડું ઉગાડવાની જરૂર નથી. બીજા સામાન્ય માનવોની માફક જ સાક્ષર અને કવિઓ ગુણ-અવગુણ તથા ખામી ખૂબીનાં પોટલાં હોય છે.
'મારામાં બહુ વિચિત્રતા ન લાગી, ખરું ?' ચન્દ્રાનને હસીને પૂછ્યું.
'એમ નહિ. પણ જે કલ્પના અને જે રસ તમે શબ્દોમાં પકડો છો, એ આપના સામાન્ય જીવનમાં કેમ શક્ય બને ?' એક યુવતીએ કહ્યું.
'જીવન પોતે જ એવું અસામાન્ય છે કે એ ધારે તે ઉપજાવી શકે છે. આખી જડ સૃષ્ટિને નાનકડું ચેતન કેવી દોરવણી આપી રહે છે એ જોશો તો જીવન પાસે તમે ચમત્કાર માગશો જ નહિ.' ચન્દ્રાનને કહ્યું.
'અમે ચમત્કાર નથી માગતાં; અમે સમજવા માગીએ છીએ.'
'વિશેષ શું સમજવું છે?' ચન્દ્રાનને પૂછ્યું.
'આપને ખોટું તો નહિ લાગે ?'
'ખોટું લાગશે તો હું કહીશ અને તેનો જવાબ નહિ આપું. પૂછો જે ઈચ્છા હોય તે.' ચન્દ્રાનને યુવકમંડળને પ્રોત્સાહન આપ્યું.
'તમે કહ્યું કે તમે પરણ્યા નથી.'
'સાચું.'
'કેમ નથી પરણ્યા? ઉંમર વીતી ગયા છતાં ?'
'આ પ્રશ્ન ખરો ! પરણવામાં બે વ્યક્તિઓની જરૂર છે. મને કોઈ યુવતી ન પરણી એટલે હું હજી અપરિણીત છું.' હસીને ચન્દ્રાનને કહ્યું.
'જરા આગળ વધી હું પૂછું ?' રશ્મિએ રજા માગી.
'રજા માગવાની જરૂર નથી. પૂછ્યે જાઓ.’
'તમે સુંદર નાયક નાયિકા ઊભાં કરો છો – સહુને ચોટ લાગે એવાં. તમને સ્ફુરણા – પ્રેરણા ક્યાંથી મળે છે?'
'છોકરાં ! તમારે આજે એક રસકથા સાંભળવી જ છે, નહિ ? વારુ, હું તમને એક ટૂંકી વાત કહીશ.’ ચન્દ્રાનને કહ્યું.
'આપણે ચા ઉપર કવિસાહેબની વાત સાંભળીએ તો? બધું તૈયાર છે.' કાવ્ય અને સાહિત્યની કચકચ અધવધ છોડી ઊઠેલા વલભદાસે ફરી આવીને બધાને કહ્યું.
અને સહુ ચા-ધામમાં પહોંચ્યાં.
સુંદર મેજની શૃંગારિત હાર ઉપર સુંદર વાનીઓ પીરસાઈ હતી. ધનિકગૃહની ચા એ માત્ર ચાનો પ્યાલો ન હોઈ શકે. અનેક સહકારી વાનીઓ વગરની ચા લૂખી, સૂકી, બેસ્વાદ બની જાય છે. શશીકલા આ બધી વ્યવસ્થા કરી અદૃશ્ય થઈ ગયાં હતાં. સહુ બેઠાં પછી મિજબાનની ખાલી ખુરશી નિહાળી વલ્લભદાસે કહ્યું : 'રશ્મિ ! તારી મા ક્યાં? એ આવે એટલે ચા અને કવિસાહેબની વાત શરૂ કરીએ.'
'કોણ જાણે કેમ, આજે એની તબિયત જ બરાબર લાગતી નથી. હું બોલાવું...' કહી રશ્મિ ખુરશી ઉપરથી ઊઠી અને માને બોલાવી લાવી.
શશીકલા હજી સૌંદર્ય સાચવી શકેલી મધ્યા હતી. તે ભણેલી હતી. ધનિક પિતાની પુત્રી અને ધનિક પતિની પત્ની હોવાથી નગરની સંસ્થાઓમાં ઉપયોગી કામો પણ કરતી હતી અને એક સંસ્કારી સન્નારી તરીકે સર્વત્ર પ્રતિષ્ઠા પણ પામી ચૂકી હતી. સંસ્કાર અને કલાને સંબંધકર્તા ઘણાખરા પ્રસંગોમાં તેની હાજરી અને ઉત્તેજન જરૂરી હોય જ. તેના પતિ વલ્લભદાસનું વ્યાપારમાં ઘસાતું ભણતર વ્યાપાર બહાર દીપી શકે એટલો ટેકો શશીકલા જરૂર આપી શકતી હતી. પુત્રીનું ભણતર પણ માતાના સંસ્કારને જ આભારી હતું. જાણે ગૌરવ અને સૌંદર્ય બે ભેગાં મળી આવતાં હોય એવી શશીકલાને નિહાળી પતિ વલ્લભદાસ તેમ જ પુત્રી રશ્મિ બંને રાજી થયાં. આવી પત્ની અને આવી માતા હોય એ પતિને તેમ જ પુત્રીને માટે અભિમાનનો વિષય ગણાય.
'મારી મા... આ ચદ્રાનન... છબીમાં છે એવા જ લાગે છે ! નહિં?' રશ્મિએ મા અને ચન્દ્રાનનનો પરિચય કરાવ્યો. ચન્દ્રાનને અને શશીકલાએ પરસ્પર નમસ્કાર કર્યા. ક્ષણભર બનેએ આંખ મેળવી, ખસેડી અને ચા પીવા સાથે બેસી ગયાં. ચદ્રાનનની ખુરશી શશીકલાની પાસે જ હતી. માનવંત મહેમાનની ગોઠવણી એ જ ઢબે થાય. શશીકલાએ નીચે જોઈ ચન્દ્રાનનને પ્યાલામાં ચા તૈયાર કરી આપી. પછી સહુએ પોતપોતાની મેળે ચા પીવી શરૂ કરી.
'પછી. કવિસાહેબ ! તમે શી વાત કહેવાના હતા?' વલ્લભદાસે દીવાનખાનામાં અટકાવેલી વાતચીત શરૂ કરવા સૂચન કર્યું.
'શાની વાત કહેવરાવો છો ?' શશીકલાએ નીચું જોઈને જ પૂછ્યું.
શશીકલાએ બોલવા માંડ્યું એટલે વલ્લભદાસને આનંદ થયો. શશીકલા ઘરનું ભૂષણ હતી. વલ્લભદાસના મિત્રો અગર અમલદાર આવે ત્યારે તેમને વાતચીતમાં આંજી નાખવાની શશીકલા શક્તિ ધરાવતી હતી. વિદ્વત્તાના પ્રધિનિધિ સરખા કવિ ચન્દ્રાનનની સમક્ષ પણ શશીકલા ખીલી નીકળી તેમને તે આંજી નાખે, એમ વલ્લભદાસ ક્યારના ઈચ્છી રહ્યા હતા.
‘કાંઈક રસકથા સંભળાવવાનું કહેતા હતા.' વલ્લભદાસે કહ્યું. 'કાંઈક નહિ..એમના જીવનની જ.’ રશ્મિએ કહ્યું...
શશીકલાએ સહેજ ઊંચે જોયું, અને પુત્રીને કહ્યું : 'કોઈના જીવનની કથા સાંભળવાનો આગ્રહ ન રાખીએ, બહેન !'
'આગ્રહ નહિ, અમે તો સમજૂતી માગીએ છીએ.' એક મિત્રે કહ્યું.
‘શાની સમજૂતી?' શશીકલાએ ચા પીતાં પીતાં પૂછ્યું.
'કવિ ચન્દ્રાનનને પ્રેરણા ક્યાંથી મળે છે, એ સંબંધમાં..'
'મહેમાનને હેરાન ન કરી શકાય.' શશીકલાએ કહ્યું,
'મા! તારે...ઊલટો..અમને સાથ આપવો જોઈએ. શુષ્ક સાદા જીવનમાં – અપરિણીત જીવનમાં કવિ પ્રેરણા કેમ મેળવે, એ જાણવું જરૂરી નહિ શું ?' રશ્મિએ કહ્યું.
'હા, હા. સાંભળવું જોઈએ. એમાં હરકત શી છે? ચન્દ્રાનન ! આપને કાંઈ હરકત છે?' વલ્લભદાસે યૌવનનો પક્ષ લીધો. એમને તો માત્ર વાર્તારસ જ મહત્વનો હતો.
'હરકત? વાત બહુ જ ટૂંકી છે. રસ પણ સહુને ભાગ્યે જ પડે...' ચદ્રાનન જરા ખમચાઈને બોલતા હતા.
'ભલે રસ ન પડે. અમારે સમજવું છે કે રસ વગરના જીવનમાંથી રસ કેમ સર્જી શકાય !' એક કિશારીએ કહ્યું.
ચન્દ્રાનને સહજ આસપાસ જોયું, શશીકલા સામે જોયું. શશીકલાનું ગંભીર મુખ નીચું જ નમેલું હતું. સહુએ તાળી પાડી ચન્દ્રાનનેને વાત કહેવાનું આહ્વાન આપ્યું.
'ટૂંકી વાત કહું, સામાન્ય ગમ્મત જેવી વાત કહુ તો એટલું જ કે...મારે કબૂલ કરવું જોઈએ... એક સ્ત્રી-દેહ અને સ્ત્રી-આત્મા મારી કવિતાને હજી પ્રેરણા આપે છે...બસ?' ચન્દ્રાનને કહ્યું.
'શું કવિસાહેબ, તમે પણ ! જરા સમજાય એવું તો કહો ? કઈ સ્ત્રી ? ક્યાં મળી?...' વલ્લભદાસે પૂછ્યું.
'કવિતાની કલાની... સ્ત્રીની ... કીર્તિની બધી ઘેલછાઓ કૉલેજયુગમાંથી જ વળગે છે..' ચન્દ્રાનને કહ્યું.
‘કબૂલ. પણ એ ઘેલછા લાગી શી રીતે ?'
'સમજાવવું મુકેલ છે...પરંતુ...ઘેલછાના એ યુગમાં એક મુખ ગમી જાય...એટલે એ ચન્દ્રમાં દેખાય, તારાનાં ઝૂમખાંમાં દેખાય, પુષ્પોની ગૂંથણીમાં દેખાય... અરે, ખાલી હવામાં પણ દેખાય ! એનો કંઠ કોયલમાં સંભળાય, વાંસળીમાં સંભળાય... અને પછી શબ્દો એની આસપાસ ખીલતા જાય...બસએક વખત શબ્દ ઊતર્યા એટલે કવિતા આવી જ જાય !' ચન્દ્રાનને કહ્યું.
'પણ એ મુખ તમને હજી સુધી વર્ષો વીત્યા છતાં પ્રેરણા કેમ આપી શકે ? ' એક યુવતીએ શંકા પૂછી.
'અને એ મુખ ક્યાં ગયું ?' એક યુવકે પ્રશ્ન કર્યો.
'જેનું એ મુખ હતું તેને પ્રથમ ખબર જ નહિ કે મારી કવિતાની પ્રેરણા એમાં હતી.'
'પછી ખબર પડી કે નહિ ?'
'ખબર પડી...'
'તો પછી...એના વગરના કેમ રહ્યા, કવિસાહેબ?' વલ્લભદાસે પૂછ્યું.
'જે યુવતીનું એ મુખ હતું તે યુવતીને હું ભોળવી શક્યો હોત. પરંતુ..મેં એને મારું ઘર બતાવ્યું... નાનકડું ...ગરીબડું ઘર...'
શશીકલાનો ચાનો પ્યાલો ધ્રુજી સહેજ ચાનું પાણી રકાબીમાં ઢોળાયું. કોઈએ તે જોયું નહિ. બહુ જ છૂપી રીતે, બહુ જ ટૂંકામાં, એક અક્ષર પણ પડે તો આખી સાંકળ તૂટી જાય એવી ઢબે વાર્તાનાં બિંદુઓ ટપકાવતા કવિ ચન્દ્રાનનના શબ્દો ઉપર યુવકયુવતીનું ધ્યાન ટીંગાઈ રહ્યું હતું.
'એણે એ ઘર જરૂર પસંદ કર્યું હશે.' રશ્મિએ પૂછ્યું.
‘ના; એને હું કદાચ પસંદ પડ્યો હોઈશ, પણ મારું ઘર પસંદ ન પડ્યું !' 'કેમ ?'
'એ એક ધનિકની પુત્રી હતી.' ચન્દ્રાનને કહ્યું.
'તેમાં શું ?' રશ્મિએ દ્રઢતાપૂર્વક પૂછ્યું.
'તમને એમ લાગે... પણ વિચાર કરો. જે ઘરમાં એની ટચલી આંગળી પણ ન સમાય, એ ઘરમાં એનો પ્રવેશ થાય પણ કેમ?'
'પછી ?'
'પછી શું ? જે ઘરમાં એનો સમાવેશ થાય તે ઘરમાં એ ચાલી ગઈ સ્વાભાવિક રીતે.'
'અને તમે ?'
'હું વધારે અને વધારે કવિતા લખતો થઈ ગયો.'
'એ કોણ હશે?...તમને છોડીને...'
'એ બધી મેં વાર્તા જ કહી. ગમે તે નામ એ વાર્તાનાં પાત્રોને આપો !' ચન્દ્રાનને કહ્યું.
'માને ખબર હશે....ક્યાં ગઈ મા, એટલામાં?... આપણને ખબર પણ ન પડી !...આજ એને કાંઈ થાય છે, ખરું?' રશ્મિએ કહ્યું. ખરેખર ચદ્રાનનની વાર્તામાં ધ્યાન રાખી રહેલાં સહુ કોઈને ખબર પણ ન પડી કે શશીકલા ક્યારે ઊઠીને અદ્રશ્ય થઈ ગયાં.
'એને કયાંથી ખબર હેાય ? વલ્લભદાસે પૂછ્યું.
'એક વખત ચન્દ્રાનનનું પુસ્તક આપણે ખરીદ્યું ત્યારે એણે કહેલું કે કદાચ એ કૉલેજમાં ચન્દ્રાનનની સાથે હતી!' રશ્મિએ કહ્યું.
ચન્દ્રાનનને પૂરતું માન આપી સહુએ વિદાય કર્યા અને ભેગાં થયેલાં મિત્રમૈત્રિણીઓ પણ છૂટાં પડ્યાં.
રશ્મિના મનમાં ખટક રહી ગઈ હતી. ચંદ્રાનને વિચિત્ર ઢબે કહેલી એની ટૂંકી વાર્તાની નાયિકાનું નામ કદાચ એની માતા શશીકલા જાણતી પણ હોય. તે દોડતી મા પાસે ગઈ, અને... અને... ખંડના દરવાજા આગળ આવતાં અટકી ગઈ !
શશીકલા એક પુસ્તક ઉપર શીશ ઢાળી એકલી એકલી રુદન કરતી હતી.
એ પુસ્તક ચન્દ્રાનનનો કાવ્યસંગ્રહ તો નહિ હોય? અને... ચન્દ્રાનને વર્ણવેલી ધનિક પુત્રી...વર્ષો પહેલાં કોણ હોઈ શકે ?
રશ્મિએ પોતાની શંકા માને પૂછવાનું માંડી વાળ્યું.