લખાણ પર જાઓ

કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉબ્બિરિ

વિકિસ્રોતમાંથી
← શૈલા (સેલા–શૈલજા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઉબ્બિરિ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ભદ્રા કાપિલા →


५१–उब्बिरि

નો જન્મ શ્રાવસ્તી નગરીમાં એક વણિકને ઘેર થયો હતો. એ ઘણી સુંદર હતી. એના સૌંદર્યથી મુગ્ધ થઈ જઈને કૌશલ દેશના ક્ષત્રિય રાજાએ તેની સાથે લગ્ન કર્યું. થોડા સમય પછી ઉબ્બિરિએ જીવા નામની એક કન્યાને જન્મ આપ્યો. એ કન્યા અત્યંત સૌંદર્યવતી હતી. તેના ઉપર રાજાને પણ ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ. પરંતુ માતપિતાને આનંદ આપનારી એ કન્યા ઝાઝા દિવસ જીવી નહિ. તેના મૃત્યુથી ઉબ્બિરિને અત્યંત શોક થયો. એ દરરોજ સ્મશાનમાં જઈને રુદન કરવા લાગી. એક દિવસ ભગવાન બુદ્ધદેવ ત્યાં આગળ જઈ પહોંચ્યા અને પૂછ્યું: “હે સુંદરિ ! તું ‘ઓ મારી જીવા’ કહીને શા સારૂ રડ્યા કરે છે ? તારા જેવી હજારો માતાની હજારો જીવાઓ આ સ્મશાનમાં મૃત્યુશય્યામાં સૂતેલી છે, માટે સમજી જા અને શાંત થા.”

બુદ્ધ ભગવાનના એટલા આશ્વાસન–વાક્યથી ઉબ્બિરિની મોહનિદ્રા ઊડી ગઈ. તેના શોકનું નિવારણ થઈ ગયું અને અંતરમાં શાંતિ ઉત્પન્ન થઈ. સંસાર ઉપરથી મમતા ઉઠાવી લઈને એ બુદ્ધદેવને શરણે ગઈ અને રીતસર દીક્ષા લઇને થેરી બની તથા આખરે અર્હંત્‌પદને પામી. થેરી ગાથામાં તેનો સ્વાનુભવ કવિતામાં વર્ણવેલો છે.