કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શૈલા (સેલા–શૈલજા)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મિત્રા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શૈલા (સેલા–શૈલજા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉબ્બિરિ →


५०–शैला (सेला अथवा शैलजा)

આલવીપતિની કન્યા હતી. ‘સંયુક્ત નિકાય’ ગ્રંથમાં પિતાના નામ ઉપરથી એને ‘આલવિકા’ નામ આપ્યું છે. એના પિતાને બુદ્ધદેવનાં વચનોમાં શ્રદ્ધા ઉત્પન્ન થયાથી એ ગૃહસ્થ ઉપાસક બન્યા હતા. આલવી નગરમાં જ્યારે બુદ્ધદેવ પધાર્યા હતા, ત્યારે પિતાની સાથે રાજકુમારી શિલા પણ એમનો ઉપદેશ સાંભળવા ગઈ હતી. બૌદ્ધધર્મ ઉપર એને પણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને એ એમની શિષ્યા બની. ત્યાર પછી ધર્મશાસ્ત્રોનો અભ્યાસ અને જિજ્ઞાસા વધતાં એણે સંસારનો ત્યાગ કરીને ભિક્ષુણીવૃત્તિનો સ્વીકાર કર્યો. એ અવસ્થામાં તેને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને મન, વચન, કર્મ વડે વાસનાઓને દાબી દઇને એ અર્હંત્‌પદને પ્રાપ્ત થઈ.

આલવી નગરી શ્રાવસ્તીથી ત્રીસ યોજન(૧ર૦ ગાઉ) અને કાશીથી બાર યોજન હતી. પાછલી વયમાં શૈલા શ્રાવસ્તી નગરીમાં નિવાસ કરતી હતી અને ત્યાં આગળ વનમાં એક વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરતી હતી. એ વખતે માર એની તપસ્યામાં ભંગ કરાવવા સારૂ ગુપ્ત વેશે આવીને કહેવા લાગ્યો: “સુકુમારિ ! આવા એકાંત જંગલમાં શા સારૂ વાસ કરી રહ્યાં છો ? એમાં શું વળવાનું છે ? આ દુનિયામાંથી તમારો ઉદ્ધાર કદાપિ થવાનો નથી. સંસારમાં છો ત્યાંસુધી સુખ ભોગવી લો, નહિ તો પાછળથી પસ્તાવું પડશે.”

શૈલા ઘણી વિવેકી અને સમજુ હતી. એ સમજી ગઈ કે નિર્વાણપદ પ્રાપ્ત કરતાં મને રોકી વિષયવાસનામાં ફસાવવા સારૂ મારજ અહીં આવ્યો છે, એને ખબર નથી કે મેં તો અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું છે અને એની માયાજાળમાં હું ફસાઉં એમ નથી. એણે ઉત્તર આપ્યો:—

“તું જેને સુખ કહે છે, એ સંસારના વિષયભોગ તો શૂળ અને ભાલાની પેઠે મનુષ્યના દેહપિંડને વીંધી નાખે છે. એવી જાતના સુખની મારી આગળ જરાયે ગણતરી નથી. એવા અસાર સુખ તરફ મારૂં ચિત્ત જતું નથી, ભોગ ભોગવવાની મારી વાસના મરી ગઈ છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થયો છે, માટે હે મા૨ ! તારૂં અહી કાંઈ ચાલે એમ નથી.”