કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/દેવસ્મિતા
← વાક્પુષ્ટા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો દેવસ્મિતા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ભારતી → |
९१–देवस्मिता
દેવસ્મિતા ધર્મગુપ્ત નામના એક વાણિયાની કન્યા હતી. ધર્મગુપ્ત દેવનગરીનો નિવાસી હતો. બાલ્યાવસ્થામાં જ તેણે કન્યાને પોતાની શક્તિઅનુસાર વાંચતાં લખતાં શીખવ્યું હતું. દેવસ્મિતા રૂપવતી, ગુણવતી અને સુશીલ, ધર્માત્મા સ્ત્રી હતી. રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત બૌદ્ધધર્મની કથાઓ પણ તે સારી પેઠે જાણતી હતી. જ્યારે દેવસ્મિતા જુવાન થઈ ત્યારે ધર્મગુપ્તે તામ્રલિપ્તી નગરીના મણિભદ્ર નામના એક સુંદર અને ધાર્મિંક યુવક સાથે એનું લગ્ન કર્યું. પતિપત્નીમાં ઘણો મજબૂત પ્રેમ બંધાયો, દેવસ્મિતા પતિવ્રતા સ્ત્રી હતી. ઘરનાં બધાં માણસો એનાથી પ્રસન્ન હતાં. ધર્મનું શિક્ષણ મળેલું હોવાથી એ સાધુસંત અને સંન્યાસીઓની સેવા અને સહાયતા કરતી હતી. ભૂખ્યોતરસ્યો જે કોઈ જઈ ચડે તેને સત્કારતી. આડોશીપાડોશીની વહુદીકરીઓ પર એનો વિશેષ પ્રેમ રહેતો હતો. એ સવારના પહોરમાં ઘણી વહેલી ઊઠતી અને સ્નાન કરીને સૌથી પહેલાં સાસુ અને ઘરની વડીલ સ્ત્રીઓને પગે લાગતી. પછી ઘરનું કામકાજ કરવામાં ગૂંથાતી. સાસુસસરાને એ પોતાના કામકાજ અને સેવાથી એવાં પ્રસન્ન રાખતી કે તેઓ એનેજ ઘરની માલિક ગણતાં અને એને પૂછ્યા વગર પાણી પણ નહોતાં પીતાં. એ જ્યારે પડોશની સ્ત્રીઓને મળવા જતી ત્યારે એમને ધર્મનું શિક્ષણ આપતી. દેવાલયમાં જતીઆવતી તો ત્યાં પણ ખાલી ટાયલાં અને કાથાકૂથલી કરવાને બદલે ધર્મ અને નીતિ સંબંધીજ વાતચીત કરતી. સાસરે આવ્યા પછી થોડા દિવસોમાંજ એણે બધાંને પોતાને વશ કરી લીધાં. બધાં એને ખરાં અંતઃકરણથી ચાહતાં હતાં. એને બીજાઓ ઉપરનો પ્રેમ તથા ધર્મ ઉપરનો પ્રેમ અને પૂજાપાઠ જોઈને એનાં સાસુસસરા વારંવાર કહ્યા કરતાં હતાં કે, “આ વહુ અમારા કુળને પવિત્ર અને ઉજ્જ્વળ કરનારી દેવી છે.”
વિવાહ પછી કેટલાંએ વર્ષો સુધી એમનું જીવન આનંદમાં વ્યતીત થયું; પરંતુ એવામાં દૈવવશાત્ એના સસરાનું મૃત્યુ થયું. એમના મરી ગયાથી સાસુને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને દરખટલાનો બધો ભાર વહુ દેવસ્મિતા ઉપર નાખીને પોતે ઈશ્વરભજન કરવા લાગ્યાં. દેવસ્મિતાએ એ ભાર ઘણી ખુશીથી ઉપાડી લીધો. સાંજના પહોરની એ રોજ સાસુને ધર્મપુસ્તકો વાંચી સંભળાવતી હતી. મણિભદ્ર જે આટલા દિવસ બાપના રાજ્યમાં સુખચેનમાં દિવસ ગાળતો હતો, તેને પિતાના મૃત્યુથીજ શોક થયો; કેમકે હવે વેપારની બધી જવાબદારી એને માથે આવી પડી.
મણિભદ્ર ધીરજ ધરીને બાપની જગ્યાએ દુકાને બેઠો. એ પણ વાણિયાનો છોકરો હતો એટલે વેપારમાં ઘણો હોશિયાર હતો. એના મિત્રો વેપાર માટે પરદેશ જવા લાગ્યા ત્યારે એને પણ સાહસ ખેડવાની ઈચ્છા થઈ. દેવસ્મિતાને પતિના વિયોગથી ઘણું દુઃખ થયું પણ એ વેપાર તે પતિનો ધંધો છે અને દેશાવર ખેડ્યા વગર વેપારની પૂરી માહિતી મળતી નથી તથા પુરતો પૈસો પેદા થતો નથી એવું વિચારીને એણે પોતાનો ખેદ હૃદયમાં છુપાવી રાખીને પતિને પ્રસન્નવદને વિદેશ જવાની રજા આપી. છૂટાં પડતી વખતે પતિપત્નીએ પોતપોતાની વીંટીઓ એકબીજાને અદલબદલ કરીને પહેરાવી કે જેથી હમેશાં એમને પરસ્પર પ્રમનું સ્મરણ થયાં કરે.
જે દિવસે મણિભદ્ર પરદેશ ગયો તેજ દિવસથી દેવસ્મિતાએ બધા અલંકારો ઉતારીને પેટીમાં મૂકી દીધા અને સાદાં વસ્ત્ર પહેરીને એ દિવસો ગાળવા લાગી. ઘરના કામકાજથી જ્યારે ફુરસદ મળતી ત્યારે તે સાસુ પાસે જઈને બેસતી અને એમની આગળ ધર્મનાં પુસ્તકો વાંચવામાં વખત ગાળતી.
મણિભદ્ર વહાણમાં બેસીને કટાહ નામના નગરમાં ગયો અને ત્યાં દુકાન કરીને વેપારધંધો ચલાવવા લાગ્યો. ત્યાં એને બેચાર દુરાચારીઓ સાથે દોસ્તી બંધાઈ. બપોરે દુકાનમાંથી ફુરસદ મળતી ત્યારે એ લોકો સાથે બેસીને દારૂ પીતા અને ખરાબ અસભ્ય કામોમાં પોતાનો વખત ગાળતા. એ મિત્રો ઘણાજ દુરાચારી, અસભ્ય અને ખરાબ ચાલચલણના હતા. એક દિવસ તેઓ દારૂ પીને મસ્ત બન્યા હતા ત્યારે સ્ત્રીઓનીજ નિંદા કરવા લાગ્યા. મણિભદ્ર પણ નશામાં ચકચૂર હતો. તેણે કહ્યું: “તમે જૂઠા છો. સ્ત્રીઓ ઘણી ભલી અને સુશીલ હોય છે. મારી સ્ત્રી એટલે બધી સતી છે કે, લોકો એને દેવીની માફક પૂજે છે.” એ દુષ્ટ મિત્રોએ મણિભદ્રના ઘરનું ઠામઠેકાણું પૂછી લીધું અને પાછળથી એ લોકોએ એવો ઠરાવ કર્યો કે તામ્રલિપ્તી નગરમાં જઈને, મણિભદ્રની સ્ત્રીને છેતરીને તેનું સતીત્વ ભ્રષ્ટ કરવું અને પછી મણિભદ્રને શરમાવવો.
આ વિચાર કરીને એ દુરાચારીઓ તામ્રલિપ્તી નગરમાં આવ્યા અને એક બુદ્ધમંદિરની ધર્મશાળામાં ઉતારો રાખ્યો. પછી ધીમે ધીમે પોતાના અન્યાયી કામની જાળ તેઓ ગૂંથવા લાગ્યા. એમણે વિચાર્યું કે, કોઈ સ્ત્રીની મદદ વગર એવા કામમાં ફાવી શકાય નહિ, માટે એ મંદિરમાં એક બૌદ્ધ સંન્યાસિની રહેતી હતી, તેને પૈસાટકાની લાલચ આપીને પોતાના પક્ષમાં લીધી. એણે જ્યારે એ કામ પાર ઉતારી આપવાની ખાતરી આપી ત્યારે એ હરામખોરો ઘણા ખુશ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ ઊંચા કુળની વધૂ આ સંન્યાસિનીના ફંદામાંથી નહિ છુટે, એટલે થોડા દિવસ પછી અમે મણિભદ્રને સ્ત્રીઓની નીચતા અને બેવફાઈ સાબિત કરી આપી શકીશું.”
એ વૃદ્ધ સંન્યાસિનીને બરોબર શીખવીને એ દુષ્ટોએ દેવસ્મિતાને ઘેર મેકલી. સુશીલ, પુણ્યવતી દેવી દેવસ્મિતાએ તેને તપસ્વિની જાણીને એનો સારો આદરસત્કાર કર્યો અને દયા લાવીને પૂછ્યું કે, “હે સંન્યાસિનિ ! આજે આપે અહીં પધારવાની તસ્દી શા માટે લીધી ?”
એ ઢોંગી વૃદ્ધ સાધુડી પોતાની મતલબ છુપાવીને બહારથી ધર્મની વાતો કરવા લાગી. દેવસ્મિતાએ એની ધર્મ સંબંધી વાતોથી પ્રસન્ન થઈને એનો ઘણો સત્કાર કર્યો અને કદી કદી આવતાંજતાં રહેવાની વિનંતિ કરી. એ ડોશીને તો એટલુંજ જોઈતું હતું. એણે જાણ્યું કે હવે મારી મનોકામના પૂરી થવાની. એ દિવસથી એ રોજ દેવસ્મિતાને ઘેર જવા આવવા લાગી.
જ્યારે પરસ્પર વધારે પરિચય થઈ ગયો, ત્યારે એ વૃદ્ધ સંન્યાસિનીએ વાતવાતમાં દેવસ્મિતાના યૌવન અને પતિવિયોગ સંબંધી વાત કાઢીને દિલગીરી જણાવી. બિચારી ભોળી યુવતી આ કર્કશાના છળપ્રપંચમાં શું સમજે ? એ તો એમજ જાણતી હતી કે, આ સંન્યાસિની એક બહેનપણી તરીકે વાતો કરે છે અને એને લીધે એણે એની વાતો ઉપર બહુ ધ્યાન ન આપ્યું. એક દિવસ જ્યારે દેવસ્મિતા એકલી બેઠી હતી, ત્યારે એણે લાગ જોઈને પેલા કટાહ દેશથી આવેલા ચાર જુવાન બદમાશ વેપારીઓને ઈશારો કર્યો અને સતીને કહ્યું કે, “એ યુવકો તારા વિરહથી વ્યાકુળ થઇ રહ્યા છે અને તું એક વાર તેમની તરફ પ્રેમથી ઝાંખે એવી તેમની ઈચ્છા છે.”
બુઢ્ઢી તપસ્વિનીની આવી હલકી વાત સાંભળીને દેવસ્મિતા ચમકી ઉઠી. હવે એને એ દુષ્ટાના આવવાનું ખરૂં કારણ સમજાયું. તેણ સમયસૂચકતા વાપરીને હસીને કહ્યું: “ઠીક, હું કાલે તમારી વાતનો જવાબ આપીશ.” બુઢ્ઢી ચાલી ગઈ અને મનમાં ને મનમાં પ્રસન્ન થઈને ઘણી કુલાઈ જવા લાગી. એને ખાતરી થઈ કે હવે તો સતીને ફસાવી છે. અભિમાન સાથ એણે પોતાના મહેમાનોને એ વાત જણાવી. એ લોકો પણ આનંદમાં ગરકાવ થઈ ગયા.
દેવસ્મિતાએ બુઢ્ઢીના ગયા પછી બધી હકીકત પોતાની સાસુને કહી સંભળાવી. સાસુએ કહ્યું: “ કાલથી એને ઓટલે ન ચડવા દઈશ.” પણ દેવસ્મિતા ઘણી ચતુર હતી. એણે વિચાર્યું કે, એ બધા હરામખારોને સજા કર્યા વગર ન છોડવા જોઈએ. એણે સાસુને સમજાવીને રાતે એ વાણિયાઓને પોતાને ઘેર બોલાવવાની રજા માગી લીધી.
બીજે દિવસે જ્યારે એ બુઢ્ઢી આવી, ત્યારે દેવસ્મિતાએ તેને હસીને કહ્યું કે, “ઠીક, એ યુવકોને આજે અમુક સ્થળે લઈ આવજો. હું એમને પૂછીશ કે તેઓ શા માટે મળવા માગે છે.”
રાતે બધાં સૂઈ ગયાં, એટલે એ વૃદ્ધ સંન્યાસિનીએ એકે એકે એ ચારે યુવકોને ઘરમાં પેસાડ્યા. એ ઓરડામાં દેવસ્મિતાએ પોતાના બે વિશ્વાસુ નોકરીને પણ રાખ્યા હતા. તેમના હાથમાં તપાવેલા લોઢાના કૂતરાના પંજા હતા. ઘરમાં પેસતાંવારજ એ નોકરોએ એ દુષ્ટોના માથામાં એ કૂતરાના પંજાના ડામ દીધા અને અંધારામાં ઉપરથી એમને નીચે ફેંકી દીધા. એમની ઘણીજ દુર્દશા થઈ. સૂર્ય ઊગતા પહેલાં એ લોકો શરમાઈને મંદિરમાંથી ચુપચાપ ચાલ્યા ગયા અને એ વૃદ્ધ સંન્યાસિનીને પણ પોતાની વિગત કહી ન શક્યા. માથા ઉપરના ડામ કોઈ જુએ નહિ માટે માથે કપડું બાંધી દીધું.
દેવસ્મિતાએ બીજે દિવસે એ સંન્યાસિનીને બોલાવીને ખૂબજ ધમકાવી અને કહ્યું કે, “તું આ પ્રમાણે લોકોને છેતરવા માટેજ સંન્યાસિનીનો વેશ ધારણ કરે છે ? ધિક્કાર છે તને ! વેશ તો સાધુનો રાખે છે અને ધંધો કૂટણીનો કરે છે ! તું ઇંદ્રવર્ણાના ફળ જેવી છે કે, જે દેખાવમાં સુંદર પણ અંદરથી કડવું ઝેર છે. તારા ચાર બદમાશોને તો મેં ખૂબ સ્વાદ ચખાડ્યો છે. હવે બોલ, તારી શી વલે કરૂં કે, જેથી તારા જેવી ઢોંગી સ્ત્રીઓ હવેથી ચેતીને ચાલે ?”
એ બુઢ્ઢી ડરી ગઈ અને રોતે રોતે દેવસ્મિતાને પગે પડી. એની સાસુ વચ્ચે પડી પણ દેવસ્મિતાએ કહ્યું: “નહિ, સાસુજી એને તો સજા કરવીજ જોઈએ. દુષ્ટોને વાજબી સજા નહિ કરવાથી પાપ વધતું જાય છે અને અંતે ધર્મકર્મનો લોપ થઈ જાય છે.”
આખરે સાસુજીની સલાહથી એણે એ બુદ્ધમંદિરના પૂજારીને બોલાવ્યો અને એ સંન્યાસિનીનું પોગળ વિસ્તારથી કહી સંભળાવ્યું અને તેને સલાહ આપી કે, “એ ડોશીને હવેથી એ મંદિરમાંથી કાઢી મૂકવી, તેમજ મંદિરના બીજા સાધુ તથા સંન્યાસિનીઓ ઉપર ચાંપતી દેખરેખ રાખવી, જેથી તેઓ સંસારી મનુષ્યોના આચરણને બગાડી ન શકે.” પૂજારીએ એમનું કહ્યું માનીને એ ડોકરીને મંદિરમાંથી કાઢી મૂકી.
આ બનાવ બન્યા પછી એ ચા૨ દિવસે દેવસ્મિતાને વિચાર આવ્યો કે, એ બદમાશો કંઈ સંપ કરીને પરદેશમાં મારા પતિ ઉપર મારી દાઝે ન કાઢે, તેથી એણે પોતાની સાસુને કહ્યું કે, “બા ! તમારા પુત્રના સમાચાર ઘણા દિવસ થયાં આવ્યા નથી. એ ચારે વાણિયાઓ એમના દોસ્ત હતા અને એમને પ્રસાદી ચખાડી છે, એટલે મને શંકા રહે છે કે એ લોકો મારૂં વેર એમના ઉપર ન લે ! આપ આજ્ઞા આપો, તે હું પોતે પરદેશમાં જઈને એમનું રક્ષણ કરૂં અને ક્ષેમકુશળ એમને લઈને પાછી આવું.” સાસુએ પહેલાં જરા આનાકાની કરી, પણ પછીથી વિચાર કર્યો કે વહુ ધર્માત્મા છે, એને કાંઈ પણ વિઘ્ન આવવાનો સંભવ નથી. પછીથી એમણે વહુને પતિની શોધમાં જવાની રજા આપી.
દેવસ્મિતાએ સાસુને પગે પડીને આશીર્વાદ લીધો તથા પોતાની દાસીઓને સાથે લઈને પુરુષના વેશમાં વહાણમાં બેસીને એ કટાહ બંદરે પહેાંચી અને પોતાના પતિની દુકાનની પાસે મકાન ભાડે રાખીને ઠાઠમાઠથી રહેવા લાગી. મણિભદ્રે એને જોઈ; એણે જાણ્યું કે એનો ચહેરો પોતાની સ્ત્રીના જેવો છે, પણ તેનો વેશ પુરુષનો હોવાથી એને જઈને મળવાનું કે વાતચીત કરવાનું સાહસ એનાથી ન થયું. એણે એમ જાણ્યું કે, આ કોઈ મારા દેશના શેઠિયાનો પુત્ર છે.
કુસંગને લીધે મણિભદ્ર જુદાજ રંગમાં રંગાઈ ગયો હતો. એના જે ચાર મિત્રો તામ્રલિપ્તીનગરીથી પાછા આવ્યા હતા, તેમણે દેવસ્મિતા ઉપર વેર લેવાને માટે એની વિરુદ્ધમાં ઘણી ખરાબ ગપો મારી અને એમ કરીને મણિભદ્રના મનમાં પોતાની સતી સ્ત્રી માટે ખરાબ અભિપ્રાય બેસાડ્યો. દેવસ્મિતા ત્યાં રહીને એ દેશની શીખવા યોગ્ય બધી વાતો શીખી અને પછી એક દિવસ ત્યાંના રાજાની કચેરીમાં જઈને કહ્યું કે, “મારા ચાર ગુલામો નાસી આવીને આપના રાજ્યમાં સંતાઈ ગયા છે. આ૫ તપાસ કરીને એમને મારે સ્વાધીન કરો.” એ દેશનો રાજા સૂરસેન ઘણો ધર્માત્મા અને નીતિકુશળ હતો. એણે આ પરદેશી વેપારીની ફરિયાદ સાંભળીને કહ્યું: “તારા ગુલામોનો પત્તો દેખાડ, એટલે એમને બાંધી મંગાવીને તારે હવાલે કરીશું.” દેવસ્મિતાએ એ ચારેનાં નામ બતાવ્યાં. એ ચારે યુવકો એ રાજ્યના પ્રસિદ્ધ અને ધનવાન શેઠશાહુકારોના પુત્ર હતા. પહેલાં તો કાઈને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો પણ એમને પકડી મંગાવ્યા પછી રાજાએ પુરુષવેશધારી દેવસ્મિતાને પૂછ્યું કે, “જેમને તું દાસ કહે છે એ તો મારા રાજ્યના ધનાઢ્ય શાહુકારોના પુત્રો છે. તું છેતરાય છે. એમનું અપમાન કરવાની કસૂરમાં તું પોતે કંઈ ફસાઈ ન જાય.”
દેવસ્મિતાએ કહ્યું: “મારા દાસોના માથામાં કૂતરાના પંજાનું ચિહ્ન હોય છે. આ લોકોએ પાઘડીની નીચે એ ચિહ્નને સંતાડી દીધું છે. આપ એમની પાઘડી ઉતરાવીને જાતે જુઓ કે એ મારા દાસ છે કે નહિ ?” જ્યારે રાજાની આજ્ઞાનુસાર તેમની પાઘડીઓ ઉતારવામાં આવી ત્યારે એમના માથા ઉપર ખરેખાત કૂતરાના પંજાનાં ચિહ્ન દેખાયાં, બધા એ ચિહ્ન જોઇને ઘણા આશ્ચર્ય પામ્યા. રાજાએ ઘણીયેવાર એ યુવકોને એ ચિહ્નોના સબંધમાં ખુલાસો પૂછ્યો પણ શરમના માર્યા એ ચારે જણા ચૂપ રહ્યા. પોતાના બચાવમાં એ એક પણ શબ્દ ન બોલી શક્યા.
દેવસ્મિતાથી હવે ન રહેવાયું. એણે એ પાપીઓના અન્યાયની તથા તેમને પડેલા મારની વાત મૂળથી માંડીને કહી સંભળાવી. રાજા એની વાત સાંભળીને ક્રોધથી તપી ગયો અને એ અપરાધમાં અમને ચારેને કેદની સજા કરી, પરંતુ જ્યારે એમનાં માબાપોએ દેવસ્મિતાને પગે પડીને વિનયપૂર્વક ક્ષમા માગી, ત્યારે એણે રાજાને વિનંતિ કરીને એ લોકોની સજા માફ કરાવી.
રાજાએ સતી દેવસ્મિતાના પતિવ્રત્યધર્મનાં ઘણાં વખાણ કર્યાં અને બહુ ધન તથા અલંકાર આપીને એને માનપૂર્વક તામ્રલિપ્તી નગરમાં વિદાય કરી. મણિભદ્ર પણ પોતાની સ્ત્રીનું ચરિત્ર સાંભળીને ઘણો પ્રસન્ન થયો, તેની બધી શંકાઓ જતી રહી અને એ પણ પોતાની પત્ની સાથે ઘેર ગયો.
મણિભદ્રની માતાને જ્યારે દેવસ્મિતાના બધા વૃત્તાંતની ખબર પડી, ત્યારે તેણે વહુને છાતીસરસી ચાંપીને, પોતાના હૃદયને ઠંડું કર્યું અને પ્રસન્ન થઈ જઈને કહ્યું: “વહુ ! તું દેવી છે, ઈશ્વર તારા સૌભાગ્યને અચળ રાખે. તારા જેવી દેવીઓથી સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા વધે છે.” નગરવાસીઓએ જ્યારે આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેમના પણ આનંદનો પાર રહ્યો નહિ. દેવસ્મિતા માટે તેમના હૃદયમાં વિશેષ પ્રેમ ઉત્પન્ન થયો.
જે દેશ અને જે જાતિમાં એવી ધર્માત્મા સ્ત્રીઓ ઉત્પન્ન થાય છે, તે દેશ અને તે જાતિને ધન્ય છે !