કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ભારતી

વિકિસ્રોતમાંથી
← દેવસ્મિતા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ભારતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ભામતી →


९२–भारती

સ્વામી શંકરાચાર્ય જે વખતે બૌદ્ધધર્મના પાશમાંથી હિંદુધર્મને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને પોતાનો વેદાંતમત પ્રતિપાદિત કરવાને દેશમાં ઠેકાણે ઠેકાણે ભ્રમણ કરી રહ્યા હતા, તે વખતે તેમને એ ધર્મપ્રચારના કાર્ય માં એક સ્ત્રીએ ઘણી મદદ આપી હતી. એ રમણી મંડનમિશ્ર નામના પંડિતની સ્ત્રી ભારતીદેવી હતી. ભારતી એક મહાન વિદુષી સ્ત્રી હતી.

મંડનમિશ્ર સાથે શંકરાચાર્યને એક વખત શાસ્ત્ર સંબંધી વાદવિવાદ થયો. એ વાદવિવાદ કરતાં પહેલાં શંકરાચાર્યે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું આ વાદવિવાદમાં હારૂં તો મારે સંન્યસ્ત ત્યજી દેવો અને મંડનમિશ્રના શિષ્ય થઈને રહેવું.” અને મંડનમિશ્રે પ્રતિજ્ઞા કરી હતી કે, “જો હું વાદવિવાદમાં હારૂં તો મારે સંસારનો ત્યાગ કરીને શંકરાચાર્યના શિષ્ય બનવું.” બન્ને ધૂરંધર પંડિતો હતા, એટલે એમનો વાદવિવાદ કાંઈ સાધારણ હોય એમતો બને જ નહિ. હવે આ વાદવિવાદમાં મધ્યસ્થ કોણ થાય ? બન્ને પંડીતોનો ફેંસલો આપવાની શક્તિ ધરાવનાર મહાપંડિત કોણ હોય ?

પરંતુ એ લોકોને મધ્યસ્થની શોધમાં ઘણે દૂર જવું પડ્યું નહિ. મંડનમિશ્રની સ્ત્રી ભારતીદેવીને એ સન્માન આપવામાં આવ્યું. એ ઉપરથીજ સમજી શકાશે કે એ કેટલી વિદ્વાન હશે !

વિવાદ શરૂ થઈ ગયો. ભારતી જયમાળા હાથમાં પકડીને બેસી રહી, એ માળા કોના ગળામાં અર્પણ કરવી, કોણ એ જયમાળા પહેરવાને યોગ્ય છે, એનો એ ધીરજથી નિર્ણય કરતી બેસી રહી. બન્નએ યોગ્ય મધ્યસ્થના હાથમાં જ પોતાનો કેસ સાંપ્યો હતો. ભારતીદેવી પણ પોતાની જવાબદારી સમજતી હતી. તેણે જોયું કે સ્વામી મંડનમિશ્ર પોતાના પક્ષનું સમર્થન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, એટલે વગર સંકોચે તેણે વિજયમાળા શંકરાચાર્યના ગળામાં પહેરાવી દીધી.

સ્વામીને પરાજિત થયેલા જોઈને ભારતીએ કહ્યું: “હવે મારી સાથે તર્કયુદ્ધમાં અગ્રેસર થાઓ. મને જીતો ત્યારે તમે પૂરા જીત્યા કહેવાશો.” રમણીના મુખમાંથી આવી સ્પર્ધાનાં વચનો નીકળ્યાથી શંકરાચાર્ય ચમકી ગયા.

આખરે શંકરાચાર્ય અને ભારતીદેવી વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. ભારતી પ્રશ્ન પૂછવા લાગી; શંકર તેના ઉત્તર આપતા ગયા. પછી શંકર પ્રશ્ન પૂછતા ગયા અને ભારતી તેના ઉત્તર આપતી ગઈ. આ પ્રમાણે રાતદિવસ શાસ્ત્રાર્થ કરતાં કરતાં મહિનાઓ વીતી ગયા, પણ ભારતી જરા પણ થાકી નહિ. તેણે શંકરાચાર્યને જીતીને ઊઠવાનો વિચાર કર્યો હતો. શંકરાચાર્ય પણ તેનું પાંડિત્ય, ધર્મ તથા અધ્યવસાય જોઈને સ્તંભિત થઈ ગયા; મનમાં વિચારવા લાગ્યા કે, “હું ઘણા પંડિતો સાથે વાદવિવાદમાં ઊતર્યો છું પણ આવો શાસ્ત્રાર્થ આજ સુધી કોઇની સાથે થયો નથી.” ભારતીદેવી એક પણ પ્રશ્ન છોડતી નહિ. એક દલીલ પૂરી થતી તો બીજી દલીલ રજૂ કરતી, પણ એ શંકરાચાર્યને કોઈ પણ રીતે હરાવી શકી નહિ. આખરે ભારતીએ રતિશાસ્ત્ર સંબંધી પ્રશ્ન શરૂ કર્યો, એટલે શંકરે નિરાશ થઈને કહ્યું: “હું સંસારત્યાગી છું. રતિશાસ્ત્રનું મને જરા પણ જ્ઞાન નથી.” ભારતીદેવી જય પ્રાપ્ત કર્યાના હર્ષથી ઉઠીને ઊભી થઈ.

પ્રતિજ્ઞા પ્રમાણે પરાજિત મંડનમિશ્ર સંસારત્યાગ કરીને શંકરાચાર્યનો શિષ્ય થયો. ભારતીદેવી પણ સ્વામીની અનુવર્તિની થઈ. શંકરાચાર્યે આ શાસ્ત્રાર્થમાં વિજયી થઈને ફક્ત મંડનમિશ્રનેજ મેળવ્યા એમ નહિ, પણ ભારતીદેવી જેવી વિદુષી સ્ત્રીને પણ પોતાના પક્ષમાં લીધી. શંકરાચાર્યના ધર્મપ્રચારના કાર્યમાં ભારતી જેવી રમણીઓની મદદની ઘણી જરૂર હતી. ભારતીએ ખરા અંતઃકરણથી શંકરાચાર્યને એ કામમાં મદદ આપી. શંકરાચાર્ય પણ તેની કદર જાણતા હતા. જીવનની છેલ્લી ઘડી સુધી એ શંકરાચાર્યના કામકાજમાંજ ગૂંથાયલી રહી હતી. શૃંગેરીમાં શંકરાચાર્યે તેને માટે એક મંદિર બંધાવી આપ્યું હતું જ્યાં એ પાછલી વયમાં રહેતી હતી.