કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વાક્‌પુષ્ટા

વિકિસ્રોતમાંથી
← અમૃતપ્રભા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વાક્‌પુષ્ટા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દેવસ્મિતા →


९०–वाक्पुष्टा

પ્રકૃતિની લીલાભૂમી–નંદનવન સમાન કાશ્મીરમાં વિક્રમ સંવતનાં ૧૨૬ વર્ષ પૂર્વે તુંજીન નામનો એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી, ઉદાર અને દાનશીલ હતો. એની રાણીનું નામ વાક્‌પુષ્ટા હતું. કાશ્મીરનો ઇતિહાસલેખક કહલણ લખે છે કે, “એ બન્ને રાજારાણીએ પૃથ્વીને એવી રીતે અત્યંત ભૂષિત કરી દીધી હતી, કે જેવી રીતે ગંગા અને મૃગાંકના ટુકડાએ શિવજીની જટાને શોભિત કરી રાખી છે; અથવા એ બન્નેએ નાના પ્રકારના વર્ણથી કાશ્મીરને એવી રીતે મનોરમ બનાવ્યું હતું કે, જેવી રીતે વીજળી અને મેઘ મળીને મેઘધનુષ્યની શોભા ઉત્પન્ન કરે છે. એ રાજાએ તુંગેશ્વર નામનું શિવાલય બંધાવ્યું હતું. એક વખત પ્રજાને તડકાનું ઘણું દુઃખ વેઠતી જોઈને એણે સડક ઉપર છાયાવાળાં વૃક્ષો રોપાવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. રાજા જેવો પરોપકારી હતો તેવીજ રાળી વાક્‌પુષ્ટા હતી. પોતાની પ્રજાને એ સંતાન સમાન ગણતી હતી અને એમનાં કષ્ટનું નિવારણ કરવાને સદા તત્પર રહેતી.

એ રાજદંપતીનો સંસાર ઘણા સુખમાં વ્યતીત થઈ રહ્યો હતો, એવામાં એમના ઉપર એક ભારે વિપત્તિ આવી પડી. ખરા રાજાઓ પોતાની પ્રજાના સુખમાંજ સુખ અને પ્રજાના દુઃખમાંજ દુઃખ માને છે. રાજદંપતીનાં ધૈર્ય અને મહત્તાની પરીક્ષા કરવા સારૂજ દૈવે કાશ્મીરની પ્રજા ઉપર મહાન આફત નાખી. ત્યાંની ફળદ્રુપ જમીનમાં શરદઋતુમાં તૈયાર થવા આવેલા પાક ઉપર ભાદરવા મહિનામાં અકસ્માત્ એટલો બધો બરફનો વરસાદ વરસ્યો કે જાણે વિશ્વનો સંહાર કરવાને તૈયાર થયેલો સાક્ષાત્ કાળ અટ્ટહાસ્ય કરી રહ્યો હોય એવું દેખાવા લાગ્યું. હિમ પડ્યાથી અનાજનાં ખેતરોની સાથે સાથે પ્રજાના જીવનની આશા પણ નાશ પામી ગઈ. એ સુંદર દેશમાં ઘોર દુકાળ પડ્યો. લોકોને અન્નના સાંસા પડવા લાગ્યા અને દરરોજ હજારો સ્ત્રીપુરુષો કાળના વિકરાળ મુખમાં પડવા લાગ્યાં. પેટની ઝાળથી વ્યાકુળ થયેલી માતાઓ પોતાના લાડકાં બાળકોના હાથમાં ખોરાકનો કોળિયો ઝૂંટવી લઈને ખાવા તૈયાર થતી હતી. પતિ પત્નીના હાથમાંથી જુવાર પડાવી લેતો અને એવાં અનેક હૃદયવિદારક દૃશ્ય એ દુકાળના સમયમાં દેખાવા લાગ્યાં. ઇતિહાસ કહે છે, કે એ સમયે પેટની જ્વાળાથી પીડાતા ભૂખ્યા મનુષ્યો પત્નીનો પ્રેમ, સંતાનનો સ્નેહ, પિતા પ્રત્યે પૂજ્યભાવ–બધું વીસરી ગયા. અલક્ષ્મીની કૃપાકટાક્ષથી એક કોળિયા ધાનની ખાતર લોકોએ લાજ, શરમ, અભિમાન, કુળનું ગૌરવ આદિ બધા વિચારોને તિલાંજલિ આપી દીધી. જ્યાં જુઓ ત્યાં હાડપિંજર સમાં દેહવાળા મૂર્તિમાન પ્રેતસમા મનુષ્યો એક રોટલીના ટુકડા સારૂ લડી મરતા દેખાતા હતા. એ ભયંકર દુકાળનું વર્ણન કરીને અમે અમારાં વાચકોનો અમૂલ્ય સમય લઈશું નહિ. છપ્પનિયામાં જે લોકોએ બહાર જઈ ગરીબ લોકોની દુર્દશા નિહાળી હશે, તેમને કાશ્મીરના એ ભયંકર દુકાળની કાંઈક કલ્પના આવશે.

કાશ્મીરના સદ્‌ભાગ્યે એ સમયે તુંજીન અને વાક્‌પુષ્ટા જેવાં પરોપકારી, દયાળુ અને પ્રજાવત્સલ રાજારાણી હતાં. એમણે એવી આપત્તિના રામયમાં રાજમહેલમાં બેસી રહીને મોજમજાહ ઉડાવવાનું અયોગ્યજ ધાર્યું. દુકાળથી પીડાતા લોકોનો આર્તનાદ એમની છાતીને વીંધી નાખવા લાગ્યો. તેઓ બહાર આવ્યાં અને પોતાનો બધો ખજાનો, પોતાના સઘળા દરદાગીના પ્રજાના હિતને સારૂ, દુકાળિયાંઓને અન્ન આપવા સારૂ ખુલ્લા મૂક્યા. રાજારાણી જાતે પોળોમાં, રસ્તાઓમાં અને ઘેર ઘેર ફરીને ગરીબોને અન્ન વહેંચવા લાગ્યાં. એમના દર્શન માત્રથી રૈયતનું દુઃખ ચાલ્યું જતું. જંગલ, સ્મશાન, ગલી, ચૌટું, ઘરબાર કોઈ પણ સ્થાન એવું ન રહ્યું કે જ્યાં રાજારાણીએ જાતે જઈને દુઃખી લોકોને ભોજન નહિ કરાવ્યું હોય્. આ પ્રમાણે પ્રજાની સેવા કરતાં કરતાં રાજ્યનો બધો ખજાનો ખાલી થઈ ગયો. વળી પૈસા ખરચીને પણ ખરીદવા ધારે તોપણ દેશમાં અન્નજ ખૂટી ગયું હતું, એટલે રાજા અત્યંત નિરાશ થયો. હવે એનું ધૈર્ય રહ્યું નહિ. એક દિવસ ભૂખ્યોતરસ્યો આખો દિવસ પરિશ્રમ કરીને રાજા ઘેર આવ્યો અને પ્રજાનું દુઃખ સંભારીને મોટે સાદે વિલાપ કરવા લાગ્યો. એનાં નેત્રમાંથી અશ્રુ દડદડ ટપકતાં હતાં. રાણી વાક્‌પુષ્ટા એ સમયે શયનગૃહમાં ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહી હતી કે, “હે પરમાત્મન્ ! અમારા ઉપર દયા કરો. અમારી ગરીબ રૈયતના દુઃખનો પાર રહ્યો નથી. હે કરુણાસાગર ! હે કૃપાળુ ! અમારા સામું જુઓ અને એમનું અન્નનું કષ્ટ નિવારો.” જે સમયે રાણી પ્રાર્થનામાં નિમગ્ન હતી તેજ સમયે પતિનો વિલાપ તેને કાને પડ્યો અને એ આકુળવ્યાકુળ થઈને રાજાના દીવાનખાનામાં ગઈ અને શોક તથા ચિંતાનું કારણ પ્રેમપૂર્વક પૂછવા લાગી. રાજાએ આંસુને રોકીને કહ્યું: “ દેવિ ! મારી તો ખાત્રી થઈ ગઈ છે કે આપણા અપરાધથી જ ગરીબ, નિર્દોષ પ્રજા આ અસહ્ય દુઃખ વેઠી રહી છે. હાય ! મારા જેવા અભાગિયા રાજાને ધિક્કાર છે કે જેની આંખ આગળ દયાને પાત્ર પ્રજા ટળવળી મરે છે. આ પૃથ્વીમાં મારી રાંક પ્રજાને ક્યાંય પણ શરણ રહ્યું નથી. આ ઘોર આફતમાંથી મારી એ લાડકવાઈ રૈયતનું રક્ષણ ન કરી શકું, તો મારૂ રાજા બન્યાનું અને જીવ્યાનું સાર્થકજ શું ? મારાથી બન્યું ત્યાં સુધી મેં એમને બચાવ્યાં અને અન્ન વગર મરવા ન દીધા, પણ હવે શું કરવું ? હવે તો દેશમાં અન્નજ નથી રહ્યું. ઘોર દુઃખસાગરમાં ડૂબેલી મારી આ પ્રજાનો ઉધ્ધાર કેવી રીતે થાય તેનીજ મને ફિકર છે. સૂર્ય વાદળાંઓથી ઘેરાયલો હોવાથી અંધકાર છવાઈ ગયો છે અને કાળરાત્રીએ ચારે તરફથી વિશ્વને ઘેરી લીધું હોય એવો દેખાવ થઈ રહ્યો છે. બરફના પર્વતોને લીધે ચારે તરફનો માર્ગ રોકાઈ ગયો છે અને લોકો કહીં આવજા કરી શકતા નથી, માળામાં બંધ કરેલા પક્ષીના જેવી મારી રૈયતની દશા થઈ છે. રાણિ ! આ દુકાળે તો મોટા મોટા શૂરવીર, બુદ્ધિમાન અને વિદ્વાનોની બુદ્ધિ ચક્રાવામાં નાખી દીધી છે. વહાલિ ! મારા રાજ્યમાં એવા અનેક યોગ્ય પુરૂષો છે કે જે બહાર જઈને પોતાની સલાહ વડે બીજાઓનાં દુઃખ દૂર કરી શકે, પણ અત્યારે કોઈની બુદ્ધિ કહ્યું કરતી નથી.

“આવી સ્થિતિમાં શું કરવું એ મને સૂઝતું નથી, એટલે મેં સળગતી આગમાં ઝંપલાવીને દેહનો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે. મારામાં હવે એટલી શક્તિ નથી રહી કે, મારી નજર આગળ રૈયતને નાશ પામતી જોઈ શકું. અહા ! ધન્ય છે એ રાજાને કે જે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણીને તેમને સુખી જુએ છે અને પોતે સુખમાં સૂએ છે.” આટલું કહેતાં કહેતાં રાજાનું હૃદય ભરાઈ આવ્યું અને એને ગળે ડૂમો બાઝ્યો. પલંગ પર સૂઈ જઈને મોં ઉપર કપડું ઢાંકીને એ ખૂબ રોવા લાગ્યો.

પતિના મનની વ્યથા રાણી બરાબર સમજી ગઈ. પતિએ ધૈર્યનો ત્યાગ કર્યો એ વખતે રાણી વાક્‌પુષ્ટાએ હૃદયને કઠણ કર્યું અને પતિને ધીરજ ધરવાનો ઉપદેશ પ્રેમમયી વાણીમાં આપવા માંડ્યો: “ રાજન્ ! પ્રજાના પાપને લીધે જ આપની આવી અવળી મતિ થઈ છે કે આપ સાધારણ કાયર મનુષ્યોના જેવી વાતો કરી રહ્યા છો. વીર પુરુષને ન છાજે એવો આત્મહત્યાનો વિચારજ તમને કેમ સૂઝ્યો ? રાજા અસાધ્ય દુઃખોને દૂર ન કરી શકે તો પછી એની મોટાઈ શામાં છે ? સત્યવ્રત રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ દેવતાઓમાં પણ નથી. પતિમાં ભક્તિ રાખવી એ સ્ત્રીઓનું વ્રત છે, માંહોમાંહે દ્રોહ અને કુસંપ ન કરવો એ મંત્રીઓનું વ્રત છે; અને સર્વ પ્રકારે પ્રજાનું પાલન કરનું એ રાજાનું વ્રત છે; માટે હે વ્રતધારીઓમાં શ્રેષ્ઠ ! ઊઠો, મારા વચનને મિથ્યા ન માનશો. પ્રજાપાળ ! ચાલો, આપની પ્રજાનું ભૂખમરાનું દુઃખ ટળી ગયું એમ સમજો. નિરાશ થઈને પડી રહ્યે નહિ પાલવે. આપણા દેહમાં પ્રાણ છે ત્યાંસુધી આપણી ફરજ છે કે રૈયતને બચાવવી. એક પણ મનુષ્યને મૃત્યુના મુખમાંથી બચાવી શકીશું તો આપણું જીવ્યાનું સાર્થક છે. આપણા બધા પ્રયત્ન જ્યારે નિષ્ફળ જશે, પ્રજાજનોમાંથી એકેએક કાળના મુખમાં સપડાઈ જશે, ત્યારે બેશક લાચાર થઈને આપણે બન્ને ચિતામાં ચડીશું; પણ ત્યાંસુધી નિરાશ થવાની કાંઈ આવશ્યકતા નથી. પ્રભુએ આપણી પરીક્ષા લીધી છે. એ પરમ દયાળુ પિતા આપની પવિત્ર નિષ્ઠાનો જરૂર બદલો આપશે. જો મેં સાચા દિલથી પતિસેવા કરી હશે, જો મેં શુદ્ધ મનથી પ્રભુને સેવ્યા હશે, તો એ મને અવશ્ય આ સમયે સહાય કરશે.”

એટલું કહીને રાણી વાક્‌પુષ્ટા એકાગ્રચિત્તે પ્રભુપ્રાર્થનામાં નિમગ્ન થઈ ગઈ. આજે એણે નિશ્ચય કર્યો હતો કે, “પ્રભુને મારી પ્રાર્થનાથી સંતુષ્ટ કરીશ, નહિ તો પતિના પહેલાં હુંજ આ સંસારનો ત્યાગ કરીશ.” રાણીએ કલાકેના કલાકો સુધી દીન પ્રજાની ખાતર પ્રભુની ઉપાસના કરી, પુષ્કળ કરગરી, અસંખ્ય આંસુ પાડ્યાં અને અશરણના શરણુ દીનાનાથ તેની વહારે ધાયા.

જોતજોતામાં આકાશમાંથી કબૂતરોનો વરસાદ પડ્યો. નાનાં-મોટાં અસંખ્ય કબૂતરોના મૃતદેહ દુકાળિયાંની પાસે આવીને પડ્યા અને તેમણે અનેક દિવસ સુધી તેનાથી ભૂખ સમાવી.

રાજતરંગિણીકારનું અનુમાન છે કે એ પતિવ્રતા રાણીએ પોતાના પુણ્યપ્રભાવથી કબૂતરના જેવા કોઈ બીજાજ પદાર્થની વૃષ્ટિ કરાવીને પ્રજાનું સંકટ ટાળ્યું હતું; કેમકે પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર અને અહિંસાનું વ્રત ધારણ કરનારાં રાજારાણી અસંખ્ય કબૂતરોની હિંસાનું કલંક પોતાના ઉપર લાગવા દે એ સંભવિત નથી. અમારા અનુમાન પ્રમાણે અતિશય બરફ પડવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં મરણ પામેલાં હોવાં જોઈએ; અને જ્યાં પેટની આગ હોલાવવાનોજ પ્રશ્ન રહ્યો ત્યાં મનુષ્ય વિધિનિષેધનો બહુ વિચાર કરવા રહેતો નથી. એ સંકટના સમયમાં કાશ્મીરવાસીઓએ કબૂતરના માંસથી ઉદરજ્વાળા શાંત કરી હોય તો એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. અસ્તુ !

થોડી વારમાં આકાશ નિર્મળ થઈ ગયું અને રાજાના શોકની સાથે સાથે દુકાળની પણ શાંતિ થઈ ગઈ.

રાજાએ રાણી વાક્‌પુષ્ટાને પોતાની રૈયતની રક્ષક ગણીને ઘણો ધન્યવાદ આપ્યો.

રાણી વાક્‌પુષ્ટા પુણ્યની મૂર્તિ હતી. એણે બ્રાહ્મણોને માટે ઘણી સામગ્રી સહિત બે વિશાળ અગ્રહાર બંધાવ્યા. ત્યાં આગળ ગરીબોને અને બ્રાહ્મણોને છૂટે હાથે અન્ન વહેંચવાની યોજના હતી. સેંકડો વર્ષો સુધી એ અગ્રહારમાં વટેમાર્ગુઓ આશ્રય લેતાં અને રાણી વાક્‌પુષ્ટાને આશીર્વાદ આપતાં.

રાજા તુંજીન છત્રીસ વર્ષ સુધી રાજ્ય કરીને ભરયુવાવસ્થામાં પરમધામ સિધાવ્યા, એટલે પતિવિરહથી પીડિત થઈને રાણી વાક્‌પુષ્ટાએ પ્રાણ ત્યજી દીધો. જે સ્થળે એ પતિવ્રતા રાણી સતી થઈ હતી, એ સ્થાન હજુ પણ વાક્‌પુષ્ટાટવીના નામથી પ્રસિદ્ધ છે.

રાજારાણી નિઃસંતાન મરણ પામ્યાં, પણ એમનો યશ ચિરંજીવ છે.