કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ભદ્દા કુંડલકેશા
← સોણા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ભદ્દા કુંડલકેશા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
પટાચારા → |
६३–भद्दा कुंडलकेशा
એના ગૂંચળાદાર સુંદર કેશને લીધે એ ભદ્દા કુંડલકેશા કહેવાતી હતી. એક વખત એ જૈનધર્મ પાળતી હતી તેથી એનું બીજું નામ ‘પુરાણ નિર્ગ્રંથી’ પણ છે.
એના જીવનચરિત્રમાં કાંઈક વિચિત્રતા છે. એનો જન્મ રાજગૃહ નગરમાં એક ધનવાન વણિકને ઘેર થયો હતો. યુવાવસ્થાને પ્રાપ્ત થતાં વણિકકન્યા ભદ્દા પોતાના પુરોહિતના પુત્ર સાર્થકના ઉપર મોહી પડી. પરંતુ તેના કમનસીબે બ્રાહ્મણ પુત્ર સાર્થક ખરાબ ચાલચલણનો હતો. એક દિવસે ચોરી કરવાના અપરાધ સારૂ રાજા તરફથી તેને એવી સજા કરવામાં આવી કે, એને સિંહના પાંજરામાં પૂરીને સિંહ પાસે ફાડી ખવરાવવો. ઘાતક સિપાઈઓ તેને વધ્યભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં ભદ્દાની દૃષ્ટિ તેના ઉપર પડી અને તેણે પોતાના પ્રેમની વાત પિતાને જણાવી. તેના ધનવાન પિતાએ રાજ્યના અમલદારોને પુષ્કળ લાંચ આપીને સાર્થકની સજા માફ કરાવી અને તેનું લગ્ન પોતાની પુત્રી સાથે કર્યું.
સાર્થક કુચરિત્ર હતો. ભદ્દાનાં ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી તેણે એક વખત કપટપૂર્વક કહ્યું કે, “વહાલિ ! એક વેળા મારા ઉપર મોટી આફત આવી પડી હતી. તે વખતે મેં પર્વતના શિખર ઉપર વસનારા એક દેવતાની માનતા માની હતી કે, હું સજોડે આપનાં દર્શન કરવા આવીશ; માટે તું સુંદર વસ્ત્રાલંકાર પહેરીને મારી સાથે ચાલ. આપણે પર્વતના શિખર ઉપર જઈને દેવતાને પગે લાગી આવીએ.” બન્ને જણાં પર્વત ઉપર ચડ્યાં. પછી ભદ્દાને જ્યારે ખબર પડી કે સ્વામી તો તેને વસ્ત્રલોચન કરીને મારી નાખવા માગે છે, ત્યારે તેણે કહ્યું: “સ્વામીનાથ! આ અલંકાર તમારા છે, આ જીવન પણ તમારૂં છે, મારો વધ શું કામ કરો છે ? તથા અલંકાર લઈને નાસી જવાના ઈરાદો શું કામ રાખો છો ?” પરંતુ દુષ્ટ સાર્થકના પથ્થર જેવા સખ્ત હૃદય ઉપર તેની કોઈ અસર થઈ નહિ. તેણે પોતાનો વિચાર બદલ્યો નહિ. ત્યારે ભદ્દાએ પોતાનો જીવ બચાવવા સારૂ બીજી એક યુક્તિ શોધી કાઢી. તેણે કહ્યું: “પ્રાણનાથ ! મને મારી જ નાખવી છે, તો મારી એક વિનતિ સ્વીકારો. મને છેલ્લી વખત પ્રેમપૂર્વક આપને આલિંગન આપવા દો.” સાર્થકે તેનો સ્વીકાર કર્યો અને આલિંગન સારૂ હાથ પહોળા કર્યા એટલે ભદ્દાએ તે દુષ્ટને ધક્કો મારીને પર્વત ઉપરથી ગબડાવી મૂક્યો. સાર્થક નીચે પડ્યો એટલે એ પર્વતમાં વસતા દેવતાએ ભદ્દાની સમયસૂચકતાની ઘણી પ્રશંસા કરી. એ પ્રસંગને લઈને ટીકાકાર ધર્મેપાલ લખે છે કે, “પુરુષ શું બધી જગ્યાએ પંડિતાઈ બતાવી શકે છે ? રમણી પણ કામ પડ્યે વિચક્ષણ પંડિતાઈ બતાવી શકે છે.”
ત્યાર પછી ભદ્દા એ વિચાર્યું કે, “મારે હવે ઘેર પાછાં જવું એ મિથ્યા છે. હું અહીંથી જ સંસારનો ત્યાગ કરીશ.” એ ઉદ્દેશથી એ જૈનોના નિર્ગંથ સંપ્રદાયમાં સામિલ થઈને ભિક્ષુણી બની. ત્યાંની સાધ્વીઓએ તેને પૂછ્યું: “તું કયી શ્રેણીમાં દીક્ષા લેવા માગે છે ?” એણે કહ્યું: “સૌથી ઊંંચા પ્રકારની.” ત્યાર પછી તેમણે કાંસકા વતી તેના સુંદર વાળ કાપી નાખીને દીક્ષા આપી. પરંતુ પાછા જ્યારે તેના વાળ ઊગ્યા ત્યારે ગૂંચળાંવાળા જણાયા. તેથી તેઓએ તેનું નામ કુંડલકેશા પાડ્યું. સાધ્વીઓના આશ્રમમાં રહીને ભદ્દાએ જૈનધર્મશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું, પરંતુ એથી તેને સંતોષ ન થયો, એટલે તેમની સંગત છોડીને એ બહાર નીકળી પડી. શાસ્ત્રાર્થ કરવાની તેનામાં અદ્ભુત શક્તિ આવી હતી. રસ્તામાં જે જે વિદ્વાન પંડિતો મળ્યા તેમની સાથે ધર્મ સંબંધી વાદવિવાદ કરવા લાગી; પરંતુ એની શંકાઓનું સમાધાન કરે એવો કોઈ પણ પંડિત તેને મળ્યો નહિ. ત્યાર પછી તે એવું કરવા લાગી કે જે ગામમાં જાય તે ગામની ભાગોળ આગળ રેતીનો ઢગલો કરીને એમાં એક છોડવો દાટતી અને ગામનાં છોકરાંઓને કહેતી કે, “તમે અહીંયાં રમ્યા કરજો અને કોઈ શાસ્ત્રી, પંડિત કે સંન્યાસી મારી સાથે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા બતાવે તો એને આ છોડવાને પગ તળે કચરી નાખવાનું કહેજો.”
એમ કહીને એ ગામમાં ધર્મપ્રચાર સારૂ જતી અને આઠ દહાડા પછી ગામની ભાગોળે આવીને જોતી અને પોતાના છોડને સહીસલામત દેખીને એને ઉપાડી લઈને આગળ પ્રવાસ કરવા લાગતી.
એક દિવસ ભગવાન બુદ્ધદેવનો શિષ્ય સારિપુત્ત ત્યાં આગળ થઈને જતો હતો. તેના દીઠામાં એ ઢગલો અને પુષ્પનો છોડ આવ્યો. તેણે છોકરાઓ પાસેથી સર્વ વૃત્તાંત જાણી લઈને કહ્યું “આ છોડને ચગદી નાખો.” સાંજે ભદ્રાએ આવીને જોયું તો છોડ ચગદાઈ ગયો છે, એટલે તે સારિપુત્તની પાસે જઈને પૂછવા લાગી: “આપ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છો ?” સારિપુત્તે હા કહી, એટલે ભદ્દા શ્રાવસ્તી નગરીમાં જઈને અનેક વિદ્વાનોને પોતાનો અને બૌદ્ધ સાધુનો વાદવિવાદ સાંભળવા સારૂ તેડી લાવી. ભદ્દાએ પૂછ્યું: “મહારાજ ! પહેલાં પ્રશ્ન કોણ કરશે ? આપ કે હું ?” સારિપુત્તે ઉત્તર આપ્યો: “સાધ્વિ ! પહેલાં તમેજ પ્રશ્ન કરો. પછીથી હું પ્રશ્ન કરીશ.” ભદ્દાએ અનેક પ્રશ્નો કર્યા. તેના ઉત્તર સારિપુત્તે સંતોષકારક આપ્યા, એટલે ભદ્દાને શાંત થવું પડ્યું. છેવટે સારિપુત્તે કહ્યું: “ભદ્દા ! તમે ઘણા પ્રશ્નો કર્યા, હવે મને એક જ પ્રશ્ન પૂછવાની રજા આપશો ?” ભદ્દાએ સંમતિ દર્શાવી એટલે સારિપુત્તે પૂછ્યું: “एकम नाम किम् । જેને આપણે એક કહીએ છીએ તે શું છે ?” આ સાદા પરંતુ ગહન પ્રશ્નનો ઉત્તર ભદ્દાથી દેવાઈ શકાયો નહિ. તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી “ભગવન્ મને ખબર નથી” એ ઉપરથી બૌદ્ધ સાધુએ કહ્યું: “તને આ વાતની ખબર નથી તો તું બીજું શું જાણતી હોઇશ ?” એમ કહીને તેને પોતાના ધર્મનો ઉપદેશ આપ્યો, ભદ્દા તેને ચરણે પડીને કહેવા લાગી: “ભગવાનને શરણે આવું છું” સાધુ સારિપુત્તે કહ્યું: “બા ! મારે શરણે ન આવશો. મનુષ્યો અને દેવતાઓમાં શ્રેષ્ઠ એવા મહાપૂજ્ય અમારા ગુરુ ભગવાન બુદ્ધદેવ છે તેને શરણે જાઓ.” ભદ્દાએ તેની સલાહ પ્રમાણે બુદ્ધ દેવ પાસે જઈને ધર્મોપદેશ ગ્રહણ કર્યો અને ઘણા થોડા સમયમાં તેણે અર્હંત્પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૧૦૭ થી ૧૧૧ સુધીના શ્લોક તેના રચેલા છે.