લખાણ પર જાઓ

કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શુભા જીવકંબવનિકા

વિકિસ્રોતમાંથી
← શુભા (સોનીની કન્યા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શુભા જીવકંબવનિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચારુમતી →


८१–शुभा जीवकंबवनिका

એક ઘણા પ્રસિદ્ધ બ્રાહ્મણની કન્યા હતી. રાજગૃહ નગરમાં તેનો જન્મ થયો હતો. એનો દેહ, ઘણો ઘાટદાર અને સુંદર હતો. બુદ્ધદેવ રાજગૃહમાં બિરાજતા હતા એ વખતે એણે એમની પાસે દીક્ષા લીધી હતી અને સંસારનો ત્યાગ કર્યા વગર ઘરમાંજ ધર્મસાધના કરતી હતી, પાછળથી ઇંદ્રિયોના સુખો પ્રત્યે અરુચિ ઉત્પન્ન થતાં અને વૈરાગ્યથી વળતી શાંતિનું ભાન થતાં એ મહાપ્રજાપતિ ગૌતમીના સ્થાપેલા ભક્ષુણીસંઘમાં દાખલ થઈ.

બિંબિસાર રાજના વૈદ જીવકે રાજગૃહ નગરમાં એક સુંદર બગીચો બનાવ્યો હતા. એ ઉદ્યાનમાં પુષ્કળ આંબાનાં વૃક્ષ હોવાથી એ આમ્રકાનન નામથી પ્રસિદ્ધ હતું. સાધુમનુષ્યોને ધર્મસાધના કરવાને એ એકાંત મનોહારી સ્થળ ઘણું અનુકૂળ હતું. શુભા એક દિવસ ત્યાં જઈ રહી હતી, તે વખતે એક સુંદર, સ્વચ્છંદી, ધૂર્ત યુવક તેને મળ્યો અને શુભાના સુંદર રૂપથી લલચાઈને તેનો માર્ગ રોકીને ઊભો. શુભાએ તેને કહ્યું: “ભાઈ ! મેં તારો શો અપરાધ કર્યો છે ? શા માટે મારો માર્ગ રોકે છે ? પ્રવ્રજિતા સ્ત્રી સાથે આવું અધમ આચરણ શા સારૂ કરે છે ? હે મિત્ર ! કોઈ પણ પુરુષે એવું કરવું ઘટતું નથી. મેં મારા પવિત્ર ગુરુજી પાસેથી એવું શિક્ષણ મેળવ્યું છે. એજ પવિત્ર બ્રહ્મચર્યવ્રતમાં અમે ભિક્ષુણીસંઘની પરિવ્રાજિકાઓ ટેવાયલી છીએ. શા માટે તું મારો માર્ગ રોકીને ઉભો છે ? હું શુદ્ધ છું, તારૂં મન મેલું છે. હું વાસનાથી મુક્ત છું, તારા હૃદયમાં અધમ વાસનાઓ ભરેલી છે. હું પાપભોગશૂન્ય છું, તો પછી તું મને હેરાન કરવા સારૂ શા માટે ઉભો છે ?”

એ યુવક પોતાની વાસના તૃપ્ત કરવા સારૂ તેનું મન પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ ઉદ્દેશથી તેણે સહાનુભૂતિ અને લાલચ બન્ને બતાવવા માંડ્યાં અને કહ્યું: “તું નિષ્પાપ યુવતી છે ! તું શા માટે ભિક્ષુણી બની છે ! ભગવાં વસ્ત્ર કાઢી નાખ; આ રમ્યવનમાં ચાલ આપણે રમીએ. કુસુમિત વૃક્ષો મધુર સુગંધ પ્રસારી રહ્યાં છે. આ બેસતી વસંત ઋતુ છે; ચાલ આપણે પુષ્કળ સુખ ભોગવીએ. પવનના હલાવ્યાથી ફૂલવાળાં વૃક્ષો મૂળથી તે ટોચ સુધી હાલી રહ્યાં છે ! એકલી આ વનમાં ગયાથી તને શું સુખ મળવાનું છે ! નાના પ્રકારના મૃગ અહીંયાં ફરે છે, મસ્ત હાથીઓ અહીં ફરી રહ્યા છે. આવા દારુણ ભયંકર વનમાં તું એકલી શા માટે જાય છે ? સુવર્ણના જેવી ઝગમગતી સ્વચ્છ બનારસી સાડી પહેરીને ચિત્રરથમાં બેસીને, હે સુંદરિ ! તું અપ્સરાની પેઠે આ વનમાં ભ્રમણ કર ! હે કિન્નરલોચને ! મને આ સંસારમાં તારા જેટલું પ્રિય કોઈ નથી. હું તારો દાસ છું. હું તારી સાથે સાથે આ બગીચામાં ફરીશ. મારૂં કહ્યું માનીને મારે ઘેર ચાલીશ તો મહેલમાં નિવાસ કરવાનો મળશે, દાસીઓ સેવામાં હાજર રહશે. ઝીણી બનારસી સાડી પહેરીશ, ગળામાં કંઠાઓ ધારણ કરીશ, મુખ ઉપર સુગંધી પદાર્થ ચોળેલા હશે અને તારૂં આખું અંગ મોતી અને હીરાના દાગીનાઓથી શણગારવામાં આવશે. સુખડના પલંગ ઉપર, અત્તરો છાંટેલા, કોમળ બિછાના અને સુંદર ચાદરો તથા નવા ઓશીકા અને મચ્છરદાનીવાળી સેજ ઉપર તને સૂવાનું મળશે. આ દુનિયામાં કોઈને ન મળે એવું ખીલેલા કમળ જેવું અંગ બ્રહ્મચર્ય વડે શા સારૂ સૂકવી નાખે છે”

શુભાએ તેને ઉત્તર આપ્યો: “ભાઈ ! તને મારી ઉપર આટલો બધો અનુરાગ શાને ઊપજ્યો છે ? આ મારૂં શરીર તો શબપુરી છે. આ મારૂં કલેવર તો શ્મશાનની માટીમાંજ વધારો કરનારૂં છે, તો પછી એ શરીર ઉપર તું ભાન ભૂલી જઈને આટલો બધો મોહ કેમ પામી જાય છે ?”

પરંતુ આ શબ્દોની એ ધૂર્ત ઉપર કાંઈ અસર થઈ નહિ. એ અતિશય કામાસક્ત હતો.શુભાની કમલ સરખી આંખ, હરિણી શી ચાલ એ બધાનું પ્રશંસાપૂર્વક વર્ણન કરીને એણે પ્રેમભિક્ષા માગી. શુભાએ એ વખતે જરા ગુસ્સે થઈને કહ્યું: “કુમાર્ગે જવા માગે છે ? ચંદ્રમા સાથે રમવા માગે છે ? મેરુ પર્વતને કૂદી જવા માગે છે ? બુદ્ધ–સુતાને પોતાના ઘરમાં રાખવા માગે છે ? મૂર્ખ ચાલ્યો જા ! મને ભોગવિલાસ ભોગવવાની તૃષ્ણા જરાયે નથી. મારે આ લોકનાં કે સ્વર્ગલોકનાં સુખ નથી જોઈતાં. ધમનું પાલન કર્યાથી એ વાસનાઓ મારામાંથી ક્યારનીયે મરી ગઈ છે. સળગતા અંગારાની સમાન અને ઝેરના પ્યાલાની સમાન ગણીને મેં વિષયવાસનાઓને સમૂળગી તજી દીધી છે. મારે તારી પાસેથી કાંઈ નથી જોઇતું. જેને મારા જેવું સત્યનું જ્ઞાન ન થયું હોય, જેનો ગુરુ પોતે કોઈ શિખાઉ હોય તેવી સ્ત્રીની આગળ જઈને તું આ બધી લાલચો બતાવજે. મારી આગળ તો તું પરાજિત થયો છે. મારૂં ચિત્ત સાફ છે. સુખદુઃખ કે પ્રેમ કશાની મને પરવા નથી. આ જન્મને હું અશુભ ગણું છું. સંસારના કોઈ સુખમાં મારૂં ચિત્ત ચોટતું નથી. હું બુદ્ધદેવની શ્રાવિકા છું. ધર્મના આઠ અંગમાં મારી ગતિ છે. દુઃખપાપશૂન્ય હું છું. અનાગાર–સુખમાં મારી રતિ છે. મેં સુંદર ચિત્રવિચિત્ર લાકડાંનાં પૂતળાંઓ ઘણાં જોયાં છે. યુક્તિપૂર્વક બાંધેલી દોરી અને ખીલી વડે તેઓ જાતજાતના નાચ રમે છે; પરંતુ એ દોરીઓ અને ખીલીઓ કાઢી લો તો એ પૂતળીઓ ઢીલી પડીને વિખરાઈ જાય છે. એ વખતે એનાં દરેક અંગ જુદાં પડી જાય છે. એવી સ્થિતિમાં એના કયા અંગને લોકો નીરખવાની ઇચ્છા કરે છે ? એજ પ્રમાણ નરદેહ પણ ધર્મ વિના ઢીલો પડી જાય છે. કહો જઈએ, ધર્મશૂન્ય દેહ ટકી શકે ખરો કે ? બધું નિષ્ફળ છે. દીવાલની ઉપર હડતાળથી રંગેલું એક સરસ ચિત્ર હોય અને મનુષ્ય ભૂલમાં એનેજ સાચું સમજી લે, માયાને વશ થઈને સ્વપ્નમાં સુવર્ણનું વૃક્ષ જુએ અને તેને લેવાને લલચાય, એમ હે ! અંધ ! મારામાં આરોપણ કરેલા રૂપ ઉપર મુગ્ધ થઈને તું કેમ નાહક એના પ્રત્યે ધાય છે ? મારી આ આંખ ઉપર તું મુગ્ધ થઈ ગયો છે ? એને તું કમળ વગેરેની ઉપમા આપ છે ? એ વાસ્તવમાં શું છે ? એક પોલા વૃક્ષમાં ગોઠવેલા બે દડા છે. એમાં આંસુરૂપી કેટલાએ પરપોટા ઉત્પન્ન થાય છે. એવી આંખોમાં તો તને શું ગમી ગયું છે ? તેમ છતાં મારાં આ લોચનનીજ તને ઈચ્છા છે ને ? કાંઈ હરકત નહિ, લે, આ આંખ.” એમ કહીને તેણે પોતાની આંગળી વડે પોતાનો ડોળો ખેંચી કાઢીને એ કામી પુરુષના હાથમાં મૂક્યો અને ફરીથી કહ્યું: “હે પુરુષ ! ચક્ષનો તું આદર કરતો હતો તે લે. હવે તો તારી તૃષ્ણાનો નાશ થયો ને ?” તેનું આ સાહસિક કૃત્ય જોઈ, પેલો માણસ ગભરાઈ ગયો અને સાષ્ટાંગ નમસ્કાર કરીને ક્ષમા માગીને કહેવા લાગ્યો: “હવે હું શુદ્ધ બ્રહ્મચારિણીનું અપમાન કદી નહિ કરૂં. તને તારી દૃષ્ટિ ફરીથી પ્રાપ્ત થાઓ ! મારો અપરાધ ક્ષમા કરો. તેં મારા પાપને સખત ડંખ દીધો છે. સળગતા અગ્નિને મેં છાતી સરસો ચાંપ્યો છે. હલાહલ ઝેરી સાપને મેં હાથમાં પકડ્યો છે. હાય ! ભિક્ષુણિ ! મારી શી વલે થશે ? મને ક્ષમા કરો.”

ભિક્ષુણી શુભાએ પોતાનાં સત્કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરી. ભિક્ષુણીઓ ઉપર આ પ્રસંગો ન આવે એટલા માટે તેમણે એકલાં રહેવું નહિ એ બુદ્ધદેવે વિચારપૂર્વક નિયમ કર્યો હતો.

શુભાના ચરિત્ર ઉપરથી જણાઈ આવે છે કે, કોમળ સ્ત્રીજાતિ પણ પોતાના શિયળનો ભંગ થવાનો પ્રસંગ આવે ત્યારે કેવું દુઃખ સહન કરી શકે છે તથા તેનું અંતઃકરણ દૃઢ હોય તો કોઈ પણ પાપી તેનું સતીત્વ ભંગ કરવાને શક્તિમાન થતો નથી.