કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુમના–કૌશલકુમારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← થેરી વિશાખા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સુમના–કૌશલકુમારી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુમના (પહેલી) →


३२–सुमना–कौशलकुमारी

બુદ્ધ ભગવાનના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એ જન્મી હતી અને કૌશલદેશના રાજાની ભગિની થતી હતી. પ્રસેનજિત રાજાને બુદ્ધદેવે એક વખત અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશનો આરંભ એવી રીતે થતો હતો કે, “આ સંસારમાં ચાર પ્રાણી એવાં છે કે જેની ઉપેક્ષા કરવી ન જોઈએ. રાજા, સર્પ, અગ્નિ અને ભિક્ષુ એ ચાર મહત્વના પદાર્થ છે કે, જે ભલાઈ પણ ઘણી કરી શકે છે અને હાનિ પણ અત્યંત પહોંચાડી શકે છે.” એ ઉપદેશ સાંભળીને સુમનાના મનમાં વૈરાગ્યના અંકુર ફૂટ્યા હતા. પરંતુ એ વખતે એની દાદી જીવતી હતી. બંનેનો એકબીજા પ્રત્યે અપૂર્વ સ્નેહ હતો. દાદીની સેવા કરવાના હેતુથી તેણે એ સમયે સંસારનો ત્યાગ કર્યો નહિ. દાદીના મૃત્યુ પછી સુમના પોતાના ભાઈ કૌશલ્યાધિપતિને લઈને બુદ્ધ ભગવાનના વિહારમાં ગઈ અને કિંમતી શેતરંજીઓ તથા શાલદુશાલા વગેરે સાધુઓને ભેટ ધર્યા. ત્યાં આગળ તેણે ફરીથી બુદ્ધદેવનો ઉપદેશ સાંભળ્યો અને સંસારનો ત્યાગ કરીને થેરી બની તથા તત્ત્વજ્ઞાનનું ચિંત્વન કરતાં નિર્વાણપદને પામી.