લખાણ પર જાઓ

કુસુમમાળા/અવતરણ

વિકિસ્રોતમાંથી
← મંગળાચરણ કુસુમમાળા
અવતરણ
નરસિંહરાવ દિવેટિયા
સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ →


અવતરણ

તોટક

રમતાં ભમતાં કદી દિવ્ય વને,
ફૂલડાં જડિયાં રૂડલાં મુજને,
બહુ વેળ રહ્યાં પડી મુજ કને,
ગૂંથી આજ દઉં રસિકો ! ત્હમને. ૧

બહુ વેળ રહ્યાં પણ દિવ્ય બધાં
ન ગયાં, કરમાઈ ખીલ્યાં બમણાં,
સહુ તેતણી, આજ વિવેકગુણે
ગૂંથી માળ દઉં રસિકો ! ત્હમને. ૨


મૃદુ ગન્ધ મનોહર કોઈ વિશે,
વળી ઉત્કટ ગન્ધ બીજે વિલસે,
વળી કો મહિં ગન્ધ ગભીર સુવે,
ગણિયા નહિં જાય અહિં સહુ એ. ૩

વળી રંગ અનેક, ઝીણા કુમળા,
વળી દીપ્ત, ગંભીર અને વિમળા,
રમતા વિવિધે ફૂલડે સઘળાં
મળી નૅન દિયે સુખ તે રસીલાં. ૪

ઋતુ સર્વતણાં ફૂલડાં ખીલિયાં,
તહિં એક સમે સધળાં મળિયાં,
સહુ તેહની માળ વિવેકગુણે,
રસિકો ! ગૂંથી આજ દઉં ત્હમને. ૫

સહુ રંગ ભળે અનુકૂળ રીતે,
વળી ગન્ધવિરોધ કહિં ન પીડે,
ત્યમ એ કુસુમોતણી આજ દિને
ગૂંથી માળ દઉં રસિકો ! ત્હમને. ૬




અવતરણ – પૃષ્ઠ ૧.

અવતરણ = વિષય દાખલ કરવાને અર્થે ‘ઉપોદઘાત’ (Introduction)

કડી ૨ જી, ‘વિવેકગુણે,’ – વિવેક = યોગ્યાયોગ્યતાનો નિશ્ચય કરવાની શક્તિ.

ગુણ = ૧. માનસિક ધર્મ. ૨. દોરો. ફૂલની માળા જેમ દોરામાં ગૂંથાય છે તેમ આ સંગીતકાવ્યનાં કુસુમની માળા વિવેકવડે ગૂંથીને અર્પી છે. કડી ૬ઠ્ઠીમાં “સહુ રંગ ભળે” ઇત્યાદિથી આ વિવેકનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કર્યું છે. કિયું કાવ્ય કિયા સાથે મૂકવાથી યોગ્ય જણાશે અને રસ અવરોધ નહિં આવે તે જ વિવેક.

-૦-