કુસુમમાળા/અસ્થિર અને સ્થિર પ્રેમ

વિકિસ્રોતમાંથી
← માનવબુદ્‌બુદ કુસુમમાળા
અસ્થિર અને સ્થિર પ્રેમ
નરસિંહરાવ દિવેટિયા
પ્રેમસિન્ધુ →


અસ્થિર અને સ્થિર પ્રેમ

ચોપાઈ

ઉઝડ એક ગિરિ કેરી કરાડ,
જ્ય્હાં જનનો નહિં પગસંચાર;
તો પણ ત્ય્હાં આગિયા અનન્ત,
લટકાવે દીપક ચળકંત. ૧

ને ત્ય્હાં એક અતિ લાજાળ,
ગુલાબકળી નાજુકડી બાળ,

લલિત વસન્તાનિલને તેહ,
લલચાવંતી કુમળી દેહ. ૨

"અનિલ ! તું ચંચળ જાતે દીસે,
સ્થિર રહી કો સહ તું નવ વસે;
અનેક કળિયો ચૂમી આજ,
આવ્યો અહિયાં તું ઠગરાજ. ૩

વળી તજી મુજને તું જશે;
જ્ય્હાં કળિયો બીજી ખીલી હશે;
માર્ગ જતાં સહુને તું ચૂમે,
નિએલજ તોપણ હરખે ઘૂમે." ૪

"કોમળ કળી ! તું કાં રીસાય ?
તુજ સરિખી નવ દીઠી કય્હાંય;
અનેક અનિલો આવી ભમે,
અહિં તુજશું તે રંગે રમે. ૫

નવ તરછોડ્યો ત્હેં કોઈને,
સૌરભ સહુને દીધું મોહીને;
હા, હું ચૂમું કળી અનન્ત;
જય્હારે હું માર્ગમાં રમંત. ૬

પણ સૌરભ સઘળી એ તણું;
નિજ અંગ ધરી હરખું ઘણું,
સુગન્ધ-સ્મરણ હું ધારું એમ;
પણ તું તો નવ જાણે પ્રેમ. ૭

અનિલ અનેક ગયા અહિં વહી,
તું ત્હેવી ને ત્હેવી રહી,
સ્મરણ ન રાખ્યું કોઈતણું,
પ્રેમીલી તુજને ક્યમ ગણું ?" ૮

"રે ઠગ ! મુજને કાં તું વ્હાય ?
નહિં એ જુદા અનિલ બધાય;
જુદાં જુદાં રૂપ જ ધરી
તુંનો તું આવે ફરી ફરી. ૯

હું જાણું સઘળા તુજ ફંદ,
કો ઘડી ચણ્ડ તું કો ઘડી મન્દ;
કો ઘડી ઝીણો સ્વર કરી ગાય,
કો ઘડી ગાજી તું ઘુઘવાય. ૧૦

તું જાતે છે એક જ એક,
ધારે રૂપ અનેક અનેક;
કહે હવે મુજમાં શી ખોડ્ય ?
કપટ મહિં નવ ત્હારી જોડ્ય." ૧૧

સુણી આ બે જણની ગોઠડી
હું છાલ્યો મન ખેદ જ ધરી;
આગળ "ગમ્ભીર રસશૃંઙ્ગાર -
પ્રતિમા" સારસ દીઠો સાર; ૧૨

ઊભો નિજ કાન્તાની સંગ
નિરખે ઝીણા નદીતરઙ્ગ,
કમળતન્તુ લઈ ત્હેને દિયે,
પ્રેમસુધા તે વેળા પિયે. ૧૩

બોલ્યો તે નિજ કાન્તા ભણી,-
"જો, આ લહરી સરિતાતણી,
ત્હેમાં આપણ બેની છાય,
મળી એકઠી શી મલકાય ! ૧૪

જીવ આપણા એમ જ મળ્યા,
મરણ લગી નવ ટળશે ટળ્યા;"
એમ કહી ઊંચા નભ મહિં;
સારસજુગ ઊડી ગયું તહિં. ૧૫

ઊડતાં ભૂખરું દીપે અંગ,
પાછળ વ્યોમ જ ભૂરે રંગ;
ને મધુરે સ્વર ગાન કરંત,
ઊડતું, જય્હાં આકાશ અનન્ત. ૧૬

આ સઘળું નિરખીને તહિં,
શાન્તિ વશી રહી મુજ મન મહિં,
ને ચાલ્યો સુખ હૃદયે ભરી,-
ઉપર નભ નિરખે સ્મિત કરી. ૧૭



ટીકા[ફેરફાર કરો]

આ કાવ્યની પ્રથમ બે કડીઓ તે અંગ્રેજી મહાકવિ વર્ડ્ સ્વર્થ ના એક ન્હાના સુન્દર કાવ્યના આરમ્ભની છ લીંટિયોનું ભાષાન્તર છે. તે કાવ્યમાં તો એટલેથી પછી આગળ જુદી જ વાત છે, અહિં આટલાનો આગળ જુદો જ ઉપયોગ કરી લીધો છે.

એ કાવ્યનું નામ "The Primrose of the Rock" છે. હેની ઉપયોગમાં લીધેલી પંક્તિઓ નીચે પ્રમાણે છે:-

A Rock there is whose homely front
The passing Traveller slights;
Yet there the glow-worms hang thier lamps
Like starts, at various heights:
And one coy Primrose to that Rock
The Vernal breeze invites.

કડી ૩, ૪. કળીનું વચન છે. કડી ૫-૮ અનિલનો ઉત્તર છે. કડી ૯-૧૧ કળીનો પ્રત્યુત્તર છે.

કડી ૭. સુગંધસ્મરણ = સૌરભ, સુગંધરૂપી સ્મરણ; તે જ સ્મરણ.

કડી ૧૨. 'ગમ્ભીરરસશૃંઙ્ગારપ્રતિમા' - આટલું વિશેષણ "ગમ્ભીર રસશૃંઙ્ગારપ્રતિમા સરસ સરસ આ ભમે" - એ 'ચિત્રદર્શન' એ મથાળા નીચે ઇ૦ સ૦ ૧૮૮૩ના મે માસના 'ગુજરાતશાળાપત્ર'માં આવેલી રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાંથી લીધું છે.

કડી ૧૬. ઉત્તરાર્ધ - ને જય્હાં અનન્ત આકાશ છે ત્ય્હાં અનનત આકાશમાં મધુરે સ્વરે ગાન કરતું કરતું ઊડતું - ઊડ્યું.

કડી ૧૭. છેલ્લી લીંટી નિરખે - મ્હને નિરખે.

અનિલ અને કળી એ અસ્થિર પ્રેમનું નિદર્શક જોડું, અને સારસયુગ્મ તે સ્થિર પ્રેમનિદર્શક જોડું, અને અસ્થિર પ્રેમથી થતો અસંતોષ અને અશાન્તિ તથા સ્થિરપ્રેમથી થતો સંતોષ તથા શાન્તિ, એટલું આ કાવ્યમાં સ્પષ્ટ જ છે, એટલે તે વિશે વિશેષ કહેવાની જરૂર નથી.

-૦-