લખાણ પર જાઓ

કુસુમમાળા/કાળચક્ર

વિકિસ્રોતમાંથી
← સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ કુસુમમાળા
કાળચક્ર
નરસિંહરાવ દિવેટિયા
અમૃતત્વસિન્ધુ →


કાળચક્ર

રોળાવૃત્ત

મહાનદીનો ઓઘ ઘુઘવતો ચાલ્યો જાએ,
કાળચક્રનો ત્યહાં પડે ચીલો ન જરા એ;
ગગનચુમ્બી ગિરિરાજ ઘડ્યો કઠ્ઠણ પથરાએ,
કાળતણું ત્ય્હાં ચક્ર ઘસાઈ ખાંડું થાએ. ૧

ધ્યાન ધરંતો ઊંડું પડ્યો નભ ભણી નિહાળે
સિન્ધુરાજ ગમ્ભીર ઘોષ કરતો કંઈ મ્હાલે,
કાળચક્ર જે ઘૂમે ન્હાનુંશું ત્હેની નજરે
હશી મન્દ તે ભણી લગીરે મન તે ન ધરે. ૨

ને છેદી ગિરિશીશ ચણે મન્દિર મ્હોટાં જે,
નિજ આજ્ઞા-અનુસાર ખેંચી નદિયોને ગાજે,

નાચે સાગરપીઠે, ન જાણી મહિમા ત્હેનો,
બેશી કાચલા માંહિં, જગતધણી માનવ તે તો, - ૩

તે તો માનવરાજ, ઘૂમે જે ગર્વે ભરિયો,
લઈ મન્દિર નિજ સાથ સાથ લઈ નાવનગરિયો,
ચક્ર અડંતાં વાંત કાળતણું, થાએ ચૂરો,
ને જાણ્યું નવ જાય-જાય કય્હાં ઊડી શૂરો. ૪




પૂર્વના કાવ્યના છેલ્લા ભાગથી કાંઈક સૂચિત થઈ આ કાવ્યનો આરમ્ભ છે. નદી, પર્વત, સિંધુ ઈત્યાદિ પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર કાળની આસર થતી નથી, પરંતુ તે જ પ્રકૃતિસ્વરૂપો ઉપર રાજ્ય ચલાવવાનો દમ્ભ કરનાર ક્ષુદ્ર માનવ તે સહજ કાળનો ભક્ષ્ય થઈ પડે છે, એ અર્થ આ કાવ્યના ગર્ભમાં છે.

કડી ૩, ચરણ ૪.

કાચલું – નાવ (મહાન્ સાગરને હિસાબે નાવ તે કાચલું જ.)

-૦-