કુસુમમાળા/અમૃતત્વસિન્ધુ
← કાળચક્ર | કુસુમમાળા અમૃતત્વસિન્ધુ નરસિંહરાવ દિવેટિયા |
ગિરિશૃઙ્ગ → |
અમૃતત્વસિન્ધુ
અસ્થિર મુજ સુખરંગ ભૂરો ચિર વ્યોમ પ્રકાસે,
મનુજ ક્ષણિક, ને સિન્ધુ અનન્ત રહેતો ભાસે.
એક સિન્ધુ પણ બીજો, જ્યહાં નહિં તરંગ ચંચળ,
શાન્ત સદા જ્ય્હાં નીર, નહિં જ્ય્હાં વાદળ ધાંધળ; ૧
હેવો ને વળી અમર, સદા આનન્દ-સ્વરૂપે,
જે'માં આ સિન્ધુડું કદી લય પામી ડૂબે;
જ્ય્હારે જાશે ડૂબી ભૂમિ, પર્વત ને નદિયો;
જ્ય્હારે ગ્રહ, ગ્રહરાજ, તારલા ને ચાંદલિયો, ૨
જાશે સહુ બૂઝાઇ, મળી જઈ જ્યોત બીજીમાં;
ત્ય્હારે અહિંનો સિન્ધુ જશે ભળી તે જલધિમાં.
તે જલધિમાં ઝીણી લહરિ કદી કદી મકલાએ,
ચળકે શીળું નૂર તેહનું તે વેળાએ; ૩
તે વેળાએ ત્યહાં થતો રવ કાંઈ ગભીરો,
કો વેળા અહિં ભૂમિ લગી આવે ધીરો;
અહિંનો જે ઘોંઘાટ વીંટાઈ ચૉગમ વળિયો,
ત્હેમાંથી તે ધીર નાદ કદી મ્હેં સાંભળિયો. ૪
ટીકા
[ફેરફાર કરો]પાછલા કાવ્યમાં પ્રકૃતિનાં ચિરસ્થાયી સ્વરૂપોને કાળથી આબાધ્ય ગણ્યાં છે. અહિં બીજી દ્રષ્ટિએ ત્હેમને પણ નશ્વર ગણ્યાં છે. મનુષ્યની સાથે સરખાવતાં અનશ્વર જણાતા સિન્ધુ વગેરે પદાર્થો અનન્તકાળ (અનન્તત્વ, અમૃતત્વસિન્ધુ) સાથે સરખાવતાં નશ્વર જ છે, તે અનન્તસિન્ધુમાં સમાઈ જનાર જ છે, - એ આ કાવ્યનો ઉદ્દેશ છે.
કડી ૩, ૪, પૃ ૫.
અનન્તત્વસિન્ધુની લહરીનું દર્શન, અને ત્હેના ગમ્ભીર શબ્દનું શ્રાવણ થતું આ ઠેકાણે કહ્યું છે, તે પ્રકૃતિનાં ગમ્ભીરભાવોદ્દીપક પદાર્થોદ્વારા તથા અનન્તત્વનાં ચિન્તને કરીને કલ્પનાચક્ષુથી અને કલ્પના શ્રવણથી જ થવાનું સમઝવું.