કુસુમમાળા/ગિરિશૃઙ્ગ

વિકિસ્રોતમાંથી
← અમૃતત્વસિન્ધુ કુસુમમાળા
ગિરિશૃઙ્ગ
નરસિંહરાવ દિવેટિયા
દિવ્ય મંદિર તથા લેખ →


ગિરિશૃઙ્‌ગ

રોળાવૃત્ત

ઘોર ઝાડિયે ભર્યું, ઘેરાયું ઘન અંધારે,
ભવવન આ તે મહિં પથિક બહુ ફાંફાં મારે,
કરે અફળ કંઈ યત્ન અણદીઠું ભાવિ નિરખવા,
રાગ, મોહ, ભ્રમ તણા લઈ કરદીપ નવનવા. ૧

મન્દતેજ એ બધા દીપ માયાવી ચીતરતા
છળદાયી છબિ અનેક, રંગ નશ્વર મહિં ભરતા.
હેવી કપટમય છબિ પૂંઠે ધાતા જ ઉમંગે
અથડાતા કહિં પથિક કઠણ તરુથડની સંગે. ૨

ભાગ્યશાળી કો વિરલ ભુલભુલામણી-એ-માંથી
છૂટી ચઢે ગિરિશૃઙ્ગ ઊંચે ને તે પછી ત્ય્હાંથી
નિરખે લાંબી નજર દૂર પડિયો સાગર જે
અનન્ત ગતિ ગમ્ભીર, ગભીરું જે વળી ગરજે; ૩

દિવ્ય જેહનું નૂર ચળકતું ચંદા માંહિં,
નિહાળી હેવો ઉદધિ અનુપ આનન્દ જ લાહી,
એ વિરલા જન જુવે માર્ગ ગિરિશિખરથી જાતો
જ્ય્હાં સુખમય ઉપકણ્ઠ ઉદધો એ તણો જણાતો. ૪

હા ! ઉન્નત ગિરિશૃઙ્ગ એહ પર ચઢી એકાન્તે
નિહાળું એ ગમ્ભીર ઉદધિને હું મન શાન્તે,
નીચે નિબિડ અરણ્ય, કપટમય ત્ય્હાંની છબિયો,
તજી ધરું નવ લક્ષ તેહ પર ઉંચે ઠરિયો; ૫.

ને નીચે નિજ બન્ધુ ભૂલ્યા જે વનમાં ભમતા
બોલાવી ત્હેમને ઉપર સહુને ધરી મમતા,
સુણાવું સાગરગાન, પન્થ ઉપકણ્ઠ બતાવું, -
હા ! એ મ્હોટી આશ ધારી હઈડું હરખાવું. ૬




ટીકા[ફેરફાર કરો]

કડી ૩. ગિરિશૃઙ્ગ – સત્યજ્ઞાન. સાગર – પરાકાળ. એ સાગરનું દર્શન તથી ત્હેના ગાનનું શ્રવણ આ કાવ્યમાં કહ્યું છે તે સત્યજ્ઞાન દ્વારા જ સમઝવું આ જ્ઞાન અનલંકૃતધર્મજનિત નહિં પણ રસયુક્તધર્મજનિત ગણવું ઠીક છે, જો કે પરિણામે તો બંને એક જ છે.

કડી ૪. ચરણ ૧. ચંદા = ચાંદની

-૦-