કુસુમમાળા/પ્રેમીજનનો મંડપ
← ત્હારી કાન્તિ, પ્રેમ અને આત્મા | કુસુમમાળા પ્રેમીજનનો મંડપ નરસિંહરાવ દિવેટિયા |
વસન્તની એક સાંઝ → |
પ્રેમીજનનો મંડપ
ગૂંથી ડાળી ડાળી ભીડી સજડ આલિઙ્ગન ત્હમે
રહ્યાં છો વીંટાઈ, નહિં અલગ થાશો વળી ક્યમે;
ભલે આજે ઘૂમે પવન કરી તોફાન ઉપરે,
ત્હમે રહેશો ભેટ્યાં તદપિ રહી આ મણ્ડપ તળે. ૧
વળી વાશે ઝીણી અનિલલહરી જો સુખકરી,
ત્હમે તો એ ત્હેવાં અહિં વળગી રહેશો થિર ઠરી;
હશી ભૂરું ભાળે નભ કદી, કદી મેઘ ગગડે,
ત્હમે રહેશો તો એ વળગી રહી આ મણ્ડપ તળે. ૨
'અરે વ્હાલી! હાવાં વળગી વળગી આપણ સદા
રહીએ ભેટેલાં, નવ કદી પડીએ જ અળગાં,'
કદી ઊર્મિ હેવી નિરખી ત્હમને ઊઠતી મને,
નિરાશાએ પાછી શમી હ્રદયમાં પીડતી મ્હને. ૩
હમારે તો સર્જ્યું વિરહદુખડું સ્હેવું જ સહી,
સુખે વા દુઃખે વા મળવું પ્રિયનું શાશ્વત નહિં;
કદી જો નાચંતી મુજ સમીપ આનન્દલહરી,
નહિં તે વેળા તે લહરીજળ પીવા મુજ સખી. ૪
અને જ્ય્હારે હૈડે ધુંધવી ગુંગળાવે વિપતડી,
મીઠાં નૅને ત્હેને હરતી મુજ વ્હાલી દૂર પડી;
દશા હેવી છે જ્ય્હાં તહિં ક્યમ કરી નિશ્ચય મળે,-
ખરે રહેશું ભેટ્યાં ઘડી પણ અહિં આ નભ તળે? ૫
અહિં ખેંચે આજ્ઞા અટળ દૃઢ કર્તવ્યની મુને,
મૂકી દે આ ગાઢું મૃદુ કરતણું બન્ધન હવે;
પ્હણે મિત્રો પ્રત્યે ફરજ મુજને તાણતી પ્રિયે!
કહો ક્ય્હાંથી કોટે વળગી રહિયે હાવી સ્થિતિયે? ૬
અરે એ તો ખોટું, અચળ બળ બીજું મુજ કને,
મળેલાં કે છૂટાં પ્રિયજન રહો, દુઃખ ન મને;
ગૂથ્યું હૈડે હૈડું, સજડ જીવડો જીવશું જડ્યો,
હમે હેવાં ભેટ્યાં રહીશું, સુખ હો કે દૂખ પડો. ૭
ભલે ત્ય્હારે ભેળાં રહી નયન ભેટે નયનશું,
વસે વા વિખૂટાં, તહિં મન ધરું દુઃખ ન કશું;
અને ઈર્ષ્યા નાવે, સજડ ગૂંથિયાં વૃક્ષ! તમપેં,
જ્યહાં સૂધી ભેટ્યા અમર અમ-આત્મા ચિર તપે. ૮
ટીકા
[ફેરફાર કરો]મુંબાઈમાં વિક્ટોરિયા ગાર્ડન્સમાં એક મંડપમાં એકમેક સાથે ડળીઓ ગૂંથીને ઊગેલાં ઝાડ છે; હેને Lover's Bower એમ નામ આપ્યું હતું તે જોઇને આ કાવ્ય પ્રેરાયલું છે.