લખાણ પર જાઓ

કુસુમમાળા/વસન્તની એક સાંઝ

વિકિસ્રોતમાંથી
← પ્રેમીજનનો મંડપ કુસુમમાળા
વસંતની એક સાંઝ
નરસિંહરાવ દિવેટિયા
ગાનસરિત →


વસંતની એક સાંઝ

તોટક

જડી રત્નવડે રૂડી વ્યોમભૂમિ
કરી સાફ, તહિં રસભેર ઘૂમી,
રમતો કદલી સહ તાળી દઈ,
કંઈ ધીર સમીર વહેછ અહિં; ૧

નિજ પાંખ પરે વહી ગાન ઝીણું,
નહિં કો થકી જે કદી જાય સુણ્યું,

લઇ તે મુજ અંતરમાંહિં ભરે,
મુજ અંતર ગાનથી ત્ય્હાં ઊભરે; ૨

મહિં રમ્ય અનેક છબિ ચીતરે,
મહિં એક પ્રિયાતણી મૂર્તિ તરેઃ-
અહિં આ સમયે રૂડી શાન્તિ ફરે,
તુજ, તેહ, પ્રિયે! શીળી કાન્તિ ધરે. ૩

પણ વ્હાલી અહિં મુજ પાસ નહિં.
ઝીલવા સુખ આ ક્ષણ સ્મ્ય મહિં;
તદ્યપિ મુજને અહિં ઊભી દીસે
વળગી, પ્રિયે! તું મુજ અઙ્ગ વિશે; ૪

નભ તારકથી ચળકંત રૂડું,
વહી મન્દ સમીર દિયે સુખડું,
સહુ તે મુજને તુજરૂપ દીસે, –
વળગી પ્રિય શું મુજ અઙ્ગ વિશે! ૫




કડી ૨. પવન પોતાની પાંખ ઉપર કોઈ પણ ન સાંભળે હેવું ઝીણું ગાન વહીને મ્હારા અંતરમાં ભરે છે. આ સમયે હૃદયમાં અલૌકિક શાંત આનંદલ્હેર પવન સીંચે છે. તેજ આ ગાન; એ સુખ તે જ ગાન.

કડી ૩, ચરણ ૧. પવન મ્હારા હૃદયમાં અનેક રમ્ય છબિયો ચીતરે છે;- એ સુખદ પવનથી હૃદયમાં અનેક રમ્ય વિચાર આવે છે.

ઉત્તરાર્ધ - અહિંની આ વખતની શાન્તિ તે ત્‍હારું જ સ્વરૂપ હોય એમ લાગે છે.

-૦-