કુસુમમાળા/વિનીતતા
Appearance
← દિવ્ય મંદિર તથા લેખ | કુસુમમાળા વિનીતતા નરસિંહરાવ દિવેટિયા |
નદીકિનારે → |
વિનીતતા.
સલૂણી સન્ધ્યા ! રૂડા રંગ કોમળ તુજ શોભે,
ઝીણી વિધ વિધ છાય ધરંતા મનડું લોભે;
મોહભર્યો મુજ પ્રેમ ભલે તુજ વિશે વિલાસે,
નવ તેથી તૂં કાં ફૂલાઈ મન મલકાશે. ૧
શીળી ચંદા ! ભલે ત્હને હું હઇડું ખોલી,
તુજશું પ્રેમ મુજ કહી દઉં નિઃશંકે બોલી;
ને વળી તુજ સૌંદર્ય વખાણું ત્હારી આગે,
તદ્યપિ નમ્ર તુજ વદન મહિં કંઈ ફેર ન લાગે. ૨
હશે અહિં કહિં હેવી સુન્દરી મનુજસમૂહે,
જે’ણે સુણી નિજરૂપ-પ્રશંસા કીધી સહુએ;
મલકાવ્યું નવ મુખ નહિં મદ મનમાં ધરિયો?
તે લલના ધરું હ્રદય સદા હું ભાવે ભરિયો. ૩
ટીકા
[ફેરફાર કરો]કડી ૨. ચરણ ૧. ચંદા = ચંદ્ર (‘ચંદા’ એ શબ્દ કોઈ ઠેકાણે ‘ચંદ્ર’ના અર્થમાં અને કોઈ ઠેકાણે ‘ચાંદની’ ના અર્થમાં છે તેથી તે તે ઠેકાણે અર્થ દેખાડયા છે.)