કુસુમમાળા/સરિત્સંગમ
← ગર્જના | કુસુમમાળા સરિત્સંગમ નરસિંહરાવ દિવેટિયા |
મેઘવૃષ્ટિવાળી એક સાંઝ → |
સરિત્સંગમ
સીતાના મહિનાની ચાલ
ગાન મધુરું કરી ઉછરંગે હર્ષનદી નાચતી,
ઘોર શોકસરિત ગમ્ભીર ઘુઘાટે વહી જતી,
એ બે સરિત તણાં જ્યહાં નીર ભળે એકમેકશું,
ન્હાની પર્ણકુટીમાં તે ઠામ નિરન્તર હું વસું. ૧
મુજ વાસ નિરન્તર આંહિં ભલે ઠરીને રહે,
પ્રિય ! તુજ સંગબેશી હું ત્યાંહિં નિરખું નદિયો વહે;
વહી ચાલતી નિરખું દૂર દૂરથી બે આવતી,
ભિન્ન બેના પ્રવાહનું પૂરા અહિં ખેંચી લાવતી. ૨
એક સ્મિતમય ક્ષેત્રોની ભૂમિ મહિંથી ચાલતી,
હાસમય રચનાની મધ્ય વહીને મ્હાલતી;
બીજી આવે વહી ગમ્ભીર ઘોર ગિરિ ભેદતી,
ચીરી કઠણ કરાડયોનાં મધ્ય પડંતી ઊંચે થકી. ૩
શીળી ચંદામાં ચળકંતી એકા કદી કદી શી હસે !
વ્યોમ મધુરરંગ નીચે કાંહિં રંગ લેતી એ ધસે;
બીજી ઘન ગમ્ભીરો છાયો વ્યોમ તે નીચે વહે,
ઘોર રંગા અધિક અધિક અંગે નિજ એ લહે. ૪
એક તટકુંજકુસુમો અનેક આવે નચાવે તરંગમાં
મીઠી કોયલરવ વહી આવે સમીર તે સંગમાં;
બીજી શુષ્ક અરણ્યનાં પર્ણ ધરે જળપટ પરે,
ઝંઝાવાત એ સરિતાનું પૂર ઘૂઘવી અદકું કરે. ૫
હેવું સરિતયુગલ વહેતું આમ, આમ, આવે મુજ ભણી,
ત્હેને નિરખું રહી આ ઠામ શાંતિ ધરીને ઘણી;
‘મુજ મનડું ઠરેલું શાન્ત ડગે નહિં કો ભણી,
જાય આમ નહિં , નહિં આમ , ગભીરું રહે બની. ૬
મન શું ડગે ! વસું છું હું જ્યાંહિં સરિત બંને ભેટતી,
મિશ્રગાન કરી મુજ વાસ તળે નાચીને જતી;
શોકજળમાંથકી કરું પાન કદી શોકનીરનું,
શોકજળમાંથી હર્ષનું નીર મીઠું પીઉં ધીર હું. ૭
ટીકા
[ફેરફાર કરો]કડી ૪. ચંદા= ચાંદની. મધુરરંગ = (બહુવ્રીહિ સમાસ) મધુર રંગવાળું (વ્યોમ); - ૦ વાળા વ્યોમ નીચે.
ચરણ ૩. - વ્યોમમાં ગંભીરો ધન છાયો તે નીચે બીજી વ્હે. વ્યોમ-સપ્તમીનો પ્રત્યય લુપ્ત થયો છે.
કડી ૫. પૂર્વાર્ધ. - મીઠી કોયલનો શબ્દ વહી આવતા સમીર (પવન)ની સંગે તરંગમાં તટકુગ્જકુસુમો નચાવે - એમ અન્વય લેવો. ઝંઝાવાત= તોફાની પવન.
આ કાવ્યમાં કડી ૩, ૪, ને ૫ માં 'એક' - અને 'બીજી,' તે યથાક્રમ 'હર્ષનદી' અને 'શોકસરિત'ને ઠેકાણે છે.
આ કાવ્યમાં દુઃખમાં સુખ માનવું અને સુખમાં ન છલકાતાં ગમ્ભીર રહેવું એ તાત્પર્ય છે.