કુસુમમાળા/ગર્જના
← દિવ્ય ટહુકો | કુસુમમાળા ગર્જના નરસિંહરાવ દિવેટિયા |
સરિત્સંગમ → |
ગર્જના.
નભ ચુમ્બતી આ પેલી માળ ગિરિરાજની ઊભી,
તે પાછળ શો ધીર નાદ ઊઠી જાતો ડૂબી!
કુપિત સિંહ કો તહિં મત્ત બની રાડ શું પાડે?
કે ગિરિશિખર વિશાળ પડ્યું ગગડી કો ખાડે? ૧
ન હોય કેશરિનાદ નહિં શૈલસિખરપાતો,
ગર્જનરવ ગમ્ભીર મેઘરાય તણો આ તો.
તપ્તભૂમિ ચૂમીને મેઘજળ ત્ય્હાં ઉપજાવે
ગન્ધ સ્હરો, તે પીઠ વહી ગન્ધવહ શું આવે! ૨
ને ઘન-શ્યામળ શૈલ-શિખર ઊભાં આકાશે
તે પર ઊભું ઈન્દ્ર-ધનુષ નિજ વર્ણ પ્રકાસે.
ને પેલો મોરલો લવે કેકારવ ઘેરો,
મેઘનાદમાં ભળી વ્યાપી તે બને અનેરો. ૩
આ જીવનનો શૈલ ચઢ જ્ય્હાં મનુષ્યજાતિ,
તે પાછળ ગમ્ભીર ગર્જના કદી કદી થાતી,
તે સુણી આત્મમયૂર કરે કેકારવ મ્હારો,
રવ બે મળી ગમ્ભીર નાદ ઊપની ર્હે ન્યારો ! ૪
ટીકા
[ફેરફાર કરો]કડી ૨. શૈલશિખરપાતો(બહુવચન) - પર્વતના શિખરનાં પતન.
ઉત્તરાર્ધ. - તપેલી ભૂમિને ચુમ્બન કરીને મેઘજળ ત્ય્હાં (ગિરિમાળ ઉપર) સ્હેરો ગન્ધ ઉત્પન્ન કરે છે ત્હેને પોતાની પીઠ ઉપર વહીને ગન્ધવહ (પવન) શો આવે છે!
કડી ૩. પૃ ૧૫. અનેરો = જુદાજ પ્રકારનો ઓર તરેહનો - 'અન્ય ' ઉપરથી (જેમ 'ઘણું' ઉપરથી ઘણેરું' થાય તેમ,) 'અન્યતર' ઉપરથી.
કડી ૪. જીવનશૈલ પાછળની ગર્જના - પરકાળના જ્ઞાનની ઊર્મિ. આત્મમયૂરનો કેકારવ - તે જ્ઞાનની ઊર્મિથી આત્મામાં થતો પ્રતિધ્વનિ. એ બે રવ મળી ઉત્પન્ન થતો નાદ= એ જ્ઞાન આત્મામાં પ્રતિબિમ્બિત થતાં ઉત્પન્ન થતી અલૌકિક સ્વાનુભુતિ.