કુસુમમાળા/દિવ્ય ટહુકો
← સરોવરમાં ઊભેલો બગ | કુસુમમાળા દિવ્ય ટહુકો નરસિંહરાવ દિવેટિયા |
ગર્જના → |
દિવ્ય ટહુકો.
વાદળી ઝીણી છવાઈ રહી સૂતી આકાશે,
ત્હેમાં થકી ચળાઈ ચાંદની આછી પ્રકાશે;
શાન્ત સકળ આ નગર, શાન્ત આ વ્યોમ વિશાળું,
મધ્યરાત્રિને સમે ધ્યાન ધરતું કંઈં ન્યારું. ૧
ત્ય્હાં આ અણચિંતવ્યો ટુહૂરવ ક્ય્હાંથી આવ્યો?
હઈડું લેતો હરી, કોકિલા ! ત્હેં જ ચલાવ્યો;
ટહુકો આ મીઠડો મ્હને ઊચકી લઇ જાતો
અમૃતસિન્ધુ જ્ય્હાં શીળો ધીરે ગાતો ફેલાતો. ૨
નથી સુણિયો શું ત્હમે મીઠડો ટહુકો બીજો,
હ્રદય ભેદી આવતો કોકોલાશબ્દ સરીખો?
ધ્યાન ધરંતાં કદી શાન્તિનદી રેલે જ્ય્હારે.
દિવ્યલોકથી તેહ ટુહૂરવ આવે ત્ય્હારે. ૩
ટીકા
[ફેરફાર કરો]આ ટહુકો કિયો છે તે છેલ્લી બે લીંટિયોમાં જણાવ્યું છે. - ગમ્ભીર ચિન્તન કરતાં આત્મામાં શાન્તિ પસરી રહે છે ત્ય્હારે દિવ્યલોકના જ્ઞાનની પ્રેરણા એકાએક ઊર્મિ હ્રદયમાં ઊઠે છે તે જ આ દિવ્ય ટહુકો.
આ કાવ્યમાં મધ્યરાત્રિયે નગરની શાન્તિ તે ધ્યાનસ્થ આત્માની સ્થિતિનું પ્રતિરૂપ જ છે.