કુસુમમાળા/સરોવરમાં ઊભેલો બગ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← નદીકિનારે કુસુમમાળા
સરોવરમાં ઊભેલો બગ
નરસિંહરાવ દિવેટિયા
દિવ્ય ટહુકો →


રોળાવૃત્ત


ભૂરો મ્હોટો ઉપર વ્યોમમણ્ડપ તાણેલો,
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો !
હેમાં આ ઊજળો બરફશો બગ ઊભેલો.
ને ચૉગમ સૂકું રાન પડ્યું જે’નો નહિં છેડો; ૧

તે મૂકીને પાર્ય નજર બગ નાંખે લાંબી,
કરીને ઊંચી ડોક, જુવે જ્યહાં ભૂમિ વિરામી,
ને વળી ત્હેની પાર્ય ઊંડાં નભમાંહિં નિહાળે,
નવ લેખે નિજ છાય પડી જે જળમાં મ્હાલે. ૨

હું પણ આ જગરાન મહિં ઊભો રહી ઝાંખું,
જીવનકેરું ક્ષિતિજ,દૃષ્ટિ વળી ઊંડી નાખું,
નાંખી નિરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળ માંહિં. ૩
-૦-

ટીકા

કડી ૨. જ્ય્હાં ભૂમિ વિરામી = ક્ષિતિજ, દૃષ્ટિમર્યાદા.

કડી ૩. ચરણ ૪. નિજ છાય - ઐહિક જીવન; સિન્ધુ - ભાવિકાળ.