ગુજરાતી નાટ્યવિવેચન/સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા ગુજરાતી નાટ્યવિવેચન
સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન
ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ
પંડિતયુગમાં નાટક વિશેનું વિવેચન →Guj 2.svg સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન

અંગ્રેજી શાસનના સંસ્કાર આંદોલનોએ ગુજરાતી સર્જકને જાગ્રત કરવાનું કામ કર્યું. અંગ્રેજી કેળવણી પામેલા સર્જકોએ ગુજરાતી સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ કરવાનું આવ્યું. આ સમય દરમિયાન આપણે ત્યાં લોકનાટ્ય ભવાઈનું ચલણ ગામેગામ હતું. સંસ્કૃત નાટકોના છૂટાછવાયા પ્રયોગો થતા રહેતા હતા. ગુજરાતી સાહિત્યમાં નવાં સાહિત્યસ્વરૂપોની ભરમાર હતી. ગુજરાતમાં નાટકની પરંપરા ઘણી જૂની. હેમચંદ્રાચાર્યના સમયે સંસ્કૃત નાટકો ભજવાતા એ પછી લોકનાટ્ય ભવાઈ લઈને અસાઈત ઠાકર આવે છે. તેમના ભવાઈ વેશોમાં તત્કાલીન ગુજરાતી સમાજનું ચિત્ર તેમણે આલેખ્યું. ગુજરાતમાં લોકનાટ્ય અને સંસ્કૃત નાટકોની દીર્ધ પરંપરા હોવા છતાંય પહેલું નાટક લખાય છે ત્યારે ભારતીય કે ગુજરાતી લોકનાટ્ય કે શાસ્ત્રીય નાટ્યની પરંપરાનો સ્પર્શ ભાગ્યે જ થતો જણાય છે. દલપતરામ પહેલું રૂપાંતર ઈ.સ. ૧૮૫૧માં એરિસ્ટોફેન્સના 'પ્લુટસ' પરથી કરે છે તે 'લક્ષ્મી' નાટકમાં કે ૧૮૬૯માં લખાયેલા 'મિથ્યાભિમાન'માં લોકનાટ્ય – ભવાઈની અસર દેખાય છે. પણ જેને આપણે પ્રથમ ગુજરાતી નાટકનું ગૌરવ પ્રદાન કરીએ છીએ તે 'ગુલાબ'માં આપણી સંસ્કૃતિ કે પરંપરાનો સ્પર્શ જણાતો નથી. ભજવાતા નાટકોની પ્રત કદીય પ્રગટ થઈ નહોતી આથી સાચા મૌલિક નાટકની શોધમાં 'ગુલાબ' (નગીનદાસ મારફતિયા) ખીલી આવ્યું. ‘ગુલાબ'ને ભજવાતું ભાગ્યે જ કોઈએ જોયું હશે છતાંય તે ગુજરાતી ભાષાનું પહેલું મૌલિક નાટક છે. ભવાઈની અશ્લીલતા સામે તે સમયના વિદ્વાનો – સર્જકોએ શિષ્ટ નાટકોની આવશ્યકતા જોઈ. ભવાઈ સામેનો વિરોધ એટલો પ્રબળ હતો કે ભવાઈ જેવું આપણી ભૂમિમાં જ ઊગેલું. ભૂમિના પ્રશ્નોથી જોડાયેલું, સમાજમાં જાગૃતિ આણવા મથતું ને સાથે જન-મન-રંજન કરતું એવું આપણું લોકનાટ્ય ધીમે ધીમે નામશેષ થવા માંડ્યું. ભવાઈનાં સારાં ઉત્તમ તત્ત્વો પ્રત્યે ધ્યાન દોરનારા કે ભવાઈને શુદ્ધ કરવાના પ્રયત્નો કરનારા મહાનુભાવોએ માત્ર ભવાઈ જ નહીં તત્કાલીન રંગભૂમિ પર ભજવાતા નાટકો પ્રત્યે પણ સુગાળવી દૃષ્ટિ નોંધી. ભવાઈ અને ભજવાતા નાટકો પ્રત્યેના આ નિષેધક અભિગમે નાટકના વિકાસની એક સાચી દિશાને બંધ કરી દીધી. સુધારો આખાય યુગનો ધર્મ હતો; આથી સુધારો પ્રબોધતા સર્જકોએ ભવાઈનાં ઉત્તમાંગોને પણ નજરઅંદાજ કર્યા. સમાજને – સમાજનાં ઉત્તમ ચારિત્ર્યને ઘડવાનાં પ્રયત્નમાં એક ગાતું, રમતું ખેલતું લોકનાટ્ય તીવ્ર ઉપેક્ષા – તિરસ્કારનો ભોગ બન્યું.

નાટકની શોધ હતી. ભજવી શકાય તેવા અને શિષ્ટ – સાહિત્યિક નાટકોની શોધ તો 'ગુલાબ' આદિ નાટકોથી આરંભાઈ પણ નાટ્યવિવેચક વિના તેનું માર્ગદર્શન કોણ કરે ! સુધારક યુગમાં નાટકની જેમ અનેક સાહિત્યસ્વરૂપોની સાથે કૃતિવિવેચનનો આરંભ થયો છે. નાટક વિશેનું વિવેચન પણ આ સમયમાં આરંભાય છે. આપણા સર્જકો નાટકો લખે તો છે પણ સ્વરૂપ અંગેની તેમની સમજણ હજી બરાબર સ્પષ્ટ થતી નથી. દલપતરામ નાટક વિશે જે વાત કરે છે તેમાં નાટકની દેશયાત્મકતાના ગુણની ચર્ચા છે – 'વાર્તારૂપે કે સંવાદ રૂપે નિબંધ લખેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસના મનમાં વધારે અસર થાય છે. જેમ ચહેરાપત્રક ઉપરથી કોઈ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય તે કરતાં ફોટોગ્રાફી - છબિ જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે. તેમજ નાટક છે તે ફોટોગ્રાફી છબિ જેવું છે.' દલપતરામ નાટકને 'છબિ' સાથે સરખાવે છે ત્યારે નાટકમાં સમાજનું પ્રતિબિંબ પડે છે તેવી વિચારણામાં તેનાં મૂળ જણાય છે. નગીનદાસ મારફતિયા પણ 'ગુલાબ'ની પ્રસ્તાવનામાં નાટક વિશે કશી વાત કરતા નથી. નાટક પાશ્ચાત્ય શૈલીનું છે તેવી જ નોંધ પ્રસ્તાવનામાં એ કરે છે. નર્મદ નાટક લખે છે આજીવિકા માટે, ડાંડિયોમાં શાકુંતલના અનુવાદની નોંધ લીધી છે પણ તેના વિશે વિગતે કશી ચર્ચા કરી નથી. તત્કાલીન છાપાં - વર્તમાનપત્રોમાં નાટક – રંગભૂમિ પર ભજવાતા)નાં અવલોકનો કે અહેવાલ મળે. છે પરંતુ તેમાં સમીક્ષાનો અભાવ છે. નર્મદ-નવલરામ એ આદ્યવિવેચકો છે. નર્મદાશંકર લાલશંકર દવે પાસેથી નાટકના સ્વરૂપ અંગે મંતવ્યો મળે છે.

નર્મદાશંકર લાલશંકર દવે (૧૮૩૩-૧૮૬૬)

કવિશ્રી નર્મદે નાટકના એ આરંભકાળમાં નાટક વિશેની પોતાની સમજને વ્યક્ત કરી છે. નર્મદે પોતે પણ નાટકો લખ્યા હતા. નાટકના સ્વરૂપ વિશેના, તેના ઉદ્દભવ વિશેનો વિચાર તેમણે 'નાટક એક અંકનું પાત્ર' એ લેખમાં વધારે વિશદ રીતે વ્યક્ત કર્યો. 'કવિ અને કવિતા' એ લેખમાં 'નાટ્ય'ની વાત કરતી વખતે પાદટીપમાં તેમણે નાટકના ઉદ્દભવની વાત કરી છે. એટલું જ નહીં નાટકની વ્યાખ્યા આપવાનો તેમનો પ્રયત્ન છે. 'બોલવું, ચાળા કરવા, અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક, બોલ્યા વગર (મૂંગા) હાવભાવ વગેરે ચાળા કરવા તે નૃત્ત અને લઈ, અને નૃત્ય એટલે માત્ર નાચવું. એ નાટકાદિકની રીત પ્રથમ ભરત નામના ઋષિએ ઈશ્વરની આજ્ઞા ઉપરથી કાઢી, પણ કેટલાક કહે છે કે એ રીતિઓ વેદમાંથી બ્રહ્માએ જુદી પાડી અને તેણે પછી ભરત નામના મુનિને કહી. તાંડવ અને લાસ્ય એ બે બીજી નાચવાની રીતિ છે. શિવે પોતાના સેવક તાંડુને શીખવી, તે ઉપરથી તાંડવ નામ પડ્યું ને લાસ્ય જાતનું નાચવું પાર્વતીએ ઉષા (ઓખા) રાણીને શીખવ્યું, જે ઓખાએ પછી દ્વારકાની સ્ત્રીઓને શીખવ્યું જ્યાંહાં ઓખાનો ધણી રહેતો હતો.'

નર્મદ માત્ર નાટક જ નહીં નૃત્ત અને નૃત્યના ઉદ્‌ભવની પુરાણકથા કહે છે. જોકે અહીં આ વાક્ય ધ્યાનમાં લેવા જેવું છે. 'બોલવું, ચાળા કરવા અને નાચવું જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક' – અહીં 'વિષય' એ નિબંધના કે લખાણના તત્કાલીન સંદર્ભમાં છે. દલપતરામે પણ નાટકને નિબંધનો જ એક પ્રકાર કહે છે.

'વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખાયેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસનાં મન પર વધારે અસર થાય છે.'દલપત-નર્મદ' બંને નાટકને સ્વતંત્ર વિશેષ પ્રકાર માનતા હોય તેવું અહીં જણાતું નથી. પરંતુ નર્મદના બીજા એક લેખમાં નાટક વિશેની તેની પરિપક્વ સમજનો ખ્યાલ આવે છે. 'કવિતા જાતિ'એ લેખમાં નાટકને કાવ્યનો જ એક પ્રકાર માનીને વીરકવિતા, ગીતકવિતા, વનકવિતા, ઉપદેશકવિતા, વર્ણનકવિતા જેવા ભેદ પાડ્યા છે તેમાં નાટકને તેમણે કવિતા જાતિમાં ગણાવ્યું છે. 'નાટક – એ એવી રીતનું લખાણ છે કે જેમાં કવિ પોતાને નામે કોઈ બીજાઓનું વર્ણન નથી કરતો, પણ તે બીજાઓને બોલાવી તેમની વાત તેઓની જ પાસે કહેવડાવે છે. કોઈની વાત આપણે કરીએ તેના કરતાં તે કોઈ પોતાની વાત પોતે કરે એમાં સાચવટ અને એથી વધારે અસર હોય જ. નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે.' નર્મદ નાટકને કવિતાના એક પ્રકાર તરીકે ગણાવે છે ને સાથે બહુ જ મહત્ત્વની વાત પણ એ નાટક ગદ્યમાં હોય છે પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે – કહેતી વખતે કરે છે. નાટક ગદ્યમાં હોય છે તેવી વાત આ યુગમાં નવલરામ કે રણછોડભાઈ દવે પણ કરતા નથી. નર્મદ પાસે આ સમજ તે સમયે હતી તે અદ્‌ભુત કહી શકાય તેવી વાત છે. પછીના સમયમાં પણ નાટકને – કાવ્યનું 'દૃશ્યકાવ્ય'નું જ સ્વરૂપ દૃઢતાથી માનવામાં આવ્યું હતું. તે ગદ્યમાં હોય છે ને પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવાની સમજ નર્મદ પછીના નાટ્યસર્જકો કે વિવેચકોમાં દૂર સુધી ક્યાંય જણાતી નથી. નર્મદ 'કવિતા જાતિ' તેના બે ભેદ પાડીને કહે છે કે નાટક બે રીતનાં હોય છે, દુઃખ પરિણામક નાટક અને સુખ પરિણામક નાટક. પહેલા નાટકમાં મનના જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતનાં દુઃખ એઓનાં ચિત્ર પ્રત્યક્ષ માલૂમ પડે છે. ને બીજા નાટકમાં માણસ જાતની મૂર્ખાઈ, તેઓની રીતભાત, તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણારસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્યરસનું પ્રાધાન્ય હોય છે'. આમ ટ્રેજડી અને કૉમેડી વિશે વાત કરતા હોય તેમ જણાય છે. નાટક વિશેની તેમની સમજ પશ્ચિમના નાટ્યવિચારથી ઘડાઈ છે. મહદંશે નાટકને તેમણે પણ સંસ્કૃત નાટ્યવિચારને ધ્યાનમાં રાખી કાવ્યના જ પ્રકાર તરીકે સ્વીકાર્યું છે. પણ સુખ-પરિણામક અને દુઃખ-પરિણામક જેવા ભેદ પાડે છે ત્યારે તેમનો નાટક વિશેનો ખ્યાલ ભારતીય પરંપરા સાથે પાશ્ચાત્ય નાટ્યચિંતનનો પણ સ્પર્શ પામ્યો હોવાની ખાતરી કરાવે છે. 'નાટક એક અંકનું પાત્ર' એ લેખમાં નર્મદે નાટક વિશે પોતાની સમજને ભવાઈની સાથે તુલના કરીને વ્યક્ત કરી છે. 'નાટક – એ કવિતા પ્રકરણનો એક ભાગ છે. જોસ્સા, રીતભાત, કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા છે. કવિતાનો બીજો ભાગ એક પ્રકારે દિલમાં અસર કરે છે. પણ આ ભાગ તો બે રીતે. એક તો ઉપલી વાતોનાં રૂપો પ્રત્યક્ષ બતાવે છે. અને બીજું કે, તે રૂપો અથવા વેશોને કવિતા અને ગાયનની ભાષામાં બોલાવે છે. આ બેથી જોનાર-સાંભળનારનાં હૈયામાં હર્ષ અથવા દિલગીરી ભેદાઈ જાય છે. આથી વિદ્યાર્થી માણસ ઘણું સુધરે છે ને ખબરદાર થાય છે. અંગ્રેજીમાં શેક્સપિયર નામનો નાટ્યકાર ઈસવીસન ૧૫૮૪-૧૬૧૬માં ફક્ત ઇંગ્લાંડમાં નહીં, યુરોપ ખંડમાં નહીં પણ અર્વાચીન વખતમાં પૃથ્વીમાં એક મોહરું થઈ ગયો છે. પ્રાચીન કાળે આપણા દેશમાં પણ ઘણા નાટકકાર થઈ ગયા છે. તે મધ્યે કાલિદાસ તો શેક્સપિયરની પેઠે સઘળા દેશના વિદ્વાન મંડળમાં પ્રસિદ્ધ છે. નાટક અથવા રૂપકવિદ્યા બહુ ઉપયોગી છે. એ વિદ્યાની માહિતગારી મેળવવી કઠણ છે. એ કવિતાનો ભાગ છે એટલે એ ભણતર પણ જન્મબુદ્ધિ વિના આવડતું નથી. જેવું જે હોય તેવું તે તેવાં થઈ લોકોને બતાવવું તે નાટક. આપણામાં જે ભવાઈ થાય છે તે નાટકનું ઠીક ભાન કરાવે છે.' નર્મદ નાટકના પ્રભાવની અને તેના સ્વરૂપ અંગેની વાત કરે છે. નર્મદે અંક અને પ્રવેશ વિશેની ચર્ચા કરીને નાટકના બાહ્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે. 'નાટકમાં વેશો કાઢી ખેલ બતાવે છે. નાટક પ્રકરણ જ્યારે ઘણું લાંબુ હોય છે અથવા ભવાઈમાંનો એક જ ખેલ બહુ મોટો હોય છે ત્યારે તેના ભાગ કરી, એકેકા ભાગને વિદ્વાનોએ અંક નામ આપ્યું છે. અને અંકના ભાગ કરી એ નાના ભાગોને પ્રવેશ નામ રાખ્યાં છે. 'બાળમિત્ર’નાં પહેલા ભાગમાં નાનો સારંગીવાળો, તરવાર વગેરેનાં પ્રકરણો ઘણાં લાંબાં નથી, માટે તેને એક અંકનાં નાટક કહે છે. એ પુસ્તકના બીજા ભાગમાં પ્રકરણો મોટા છે, માટે તેના ભાગ કરી નાટક બે અંકના એમ લખેલું છે. એ પ્રમાણે, નાટકના દરેક વિષયના વિસ્તાર પ્રમાણે ભાગ અથવા અંક થાય છે. નાટક એક અંકનું, નાટક બે અંકનું, નાટક છ અંકનું વગેરે.' નર્મદ 'બાળમિત્ર'નો દાખલો આપી અંક અને પ્રવેશ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરે છે. જોકે તેની પાસે તત્કાલ તો નાટકના સ્વરૂપને સમજવા-સમજાવવા કે વ્યાખ્યા કરવા માટે ભવાઈનું જ ઉદાહરણ હતું. આથી ભવાઈના જ સંદર્ભને સાથે લઈને તેણે નાટકનાં અંક અને પ્રવેશની સમજૂતી આપી છે. જોકે ભવાઈ અને નાટક વચ્ચેનો ભેદ તેમના મનમાં સ્પષ્ટ છે. આથી ભવાઈનો ઉપયોગ નાટકની સમજને સંસ્કારવા માટે કરે છે. 'આપણા જિલ્લાઓમાં ભવાયા એક રાતમાં ભવાઈ પૂરી કરે છે. તેમાં જે જે જુદા જુદા વેશો આવે છે તેને નાટક નામ ન આપવું જોઈએ. એ તો નાના નાટકના નાના અંક છે. પ્રવેશ તો એમાં નહીં જ, પણ મોટી અંબાજીમાં જે ઠેકાણે આઠ આઠ દશ દિવસ સુધી કામગીરી રહે છે અને એક ખેલમાં ત્રણચાર વેશ આવે છે તે ત્રણચાર વેશને તે એકઅંકી નાના નાટકના પ્રવેશો સમજવા.' નાટકનાં પાત્ર વિશે પણ તેની સમજ જાણવા જેવી છે. 'પાત્ર એટલે ટીપ, જેમાં જેટલા આદમીની વચ્ચે સંવાદ ચાલવાનો હોય છે તે માણસોની સંખ્યા, તેમનો પરસ્પર સંબંધ અને સ્થળ દેખાડ્યાં હોય છે. જેમ પાત્ર એટલે વાસણ, વસ્તુને ઝીલી રાખવાનું હોય છે તેમ.'

નર્મદના નાટક વિશેના વિચારમાં નાટકના સ્વરૂપને સમજવાની મથામણ જણાય છે. તેની સામે 'બાળમિત્ર'નાં નાનાં નાટકોનો આદર્શ છે, ભવાઈ છે, એરિસ્ટોટલ અને ભરત આદિનાં નાટકસંબંધી વિચારોનો સ્પર્શ છે પરંતુ તેની મથામણમાંથી તેની સ્પષ્ટ નાટ્યવિચારણાનો ખ્યાલ નથી આવતો. બાકી નર્મદે નાટકની વ્યાખ્યા કરવાના જે પ્રયત્નો કર્યા છે તે કાબિલેદાદ છે. નર્મદની જેમ નાટક એટલે આ એમ આંગળી ચીંધીને સમકાલીન વિવેચકોએ હજુ કહ્યું નહોતું. નાટક કાવ્યનો જ પ્રકાર છે તેમ માની લીધા પછીય નર્મદ 'નાટક ગદ્યમાં હોય છે' એ વાતની સ્પષ્ટતા કરી છે.

નવલરામ, રણછોડભાઈ ઉદયરામ, મહીપતરામ નીલકંઠ કે દલપતરામ આદિ સહુ સર્જકોએ ભવાઈ વિશે જે મત આપ્યો છે નર્મદ પણ તેનાથી જુદો મત નથી આપતા. પરંતુ અન્યની જેમ જ કહે છે કે "ભવાઈ ઘણી રીતે ધિક્કારવા જોગ છે. જે કારણને માટે ભવાઈ અસલ નીકળી, તે કારણ તો ભવાયા અને બીજા લોક ભૂલી ગયા છે. લોક કવિતા અને ગાયનમાં તો સમજે નહીં, ત્યારે વેશ જોવા અને ભૂંડું ટોળિયું બોલવા સાંભળવામાં ખુશી માની લે છે. મૂર્ખ ભવાયા પણ પોતાને થોડુંક નાણું ભેગું કરવાને મસ્તાની બોકડાની પેઠે ભૂંડા શબ્દો આરડે છે. કાં તો ભવાઈમાં તદ્દન સુધરાવટ જલદીથી થવી અથથા આપણા દેશમાંથી ભવાઈનું નામ જ નીકળી જવું (જોઈએ).

નર્મદે ભવાઈનું નામ નીકળી જવું જોઈએ એમ કહ્યું છે તે પાછળનો એક તર્ક ભવાઈની અશુદ્ધ રીતિ જ છે ને સાથે એ ચિંતા પણ છે કે 'કોઈ પરદેશી આપણી ભવાઈ જોય તો ભૂંડું સાંભળીને અકળાય એટલું જ નહીં પણ તેમાંના સ્વાંગને ભજવવાની રીત જોઈને પણ કણકણા ખાય.

નર્મદની નાટ્યસમજ પાશ્ચાત્ય નાટ્યવિચાર અને સંસ્કૃત નાટ્યચિંતનના સ્પર્શથી ઘડાઈ છે. અલબત્ત, તેમનાં નાટક વિશેનાં મંતવ્યોમાં એ બહુ સ્પષ્ટપણે સ્વરૂપ કે આકારની ચિંતા કરતા નથી છતાંય નાટકના અંક અને પ્રવેશ વિશે ભવાઈના સંદર્ભે – 'બાળમિત્ર' ભાગ ૧ અને ૨નાં એક અંકી, દ્વિઅંકી નાટકોને સંદર્ભે નાટકના સ્વરૂપને સમજવાનો સહુ પહેલો પ્રયત્ન નર્મદે કર્યો છે. 'બાળમિત્ર'ના અનુવાદક – રૂપાંતરકાર રણછોડદાસ ગિરધરદાસ નાટક વિશે કશી ચર્ચા છેડતા નથી. મહીપતરામ રૂપરામ નીલકંઠ 'ભવાઈસંગ્રહ'ની પ્રસ્તાવનામાં નાટક વિશેની વ્યાખ્યા આપવાનો સાદો સીધો પ્રયત્ન કરે છે. 'સુધરેલા અને અર્ધસુધરેલા લોકોમાં રમવાના તથા ગમત કરવાના જે અનેક પ્રકાર હોય છે તેમાંનો એક પ્રકાર નાટક છે. બીજી રમતો કરતાં નાટકમાં વધારે એટલું છે કે એથી માણસના મનના વિકારો જણાઈ આવે છે. સુબોધ થાય છે અને સારી ભાષા આવડે છે.'૧૧ મહીપતરામ નીલકંઠ ભવાઈને પણ નાટકનો પ્રકાર માને છે. તે સમયમાં નર્મદ, દલપત, મહીપતરામ જેવા સર્જકોએ ભવાઈ અને નાટક વચ્ચેની ભેદરેખાને વારંવાર સ્પષ્ટ કરતાં જઈનેય નાટક તથા ભવાઈને ચોખ્ખાં જુદાં નથી પાડ્યાં. નર્મદે નાટકને જુદું સ્વરૂપ માન્યું છે. પણ નાટકમાં આવતા અંક અને પ્રવેશોની ચિંતા કરતાં તેમણે સહેલાઈથી સમજાય તે હેતુથી જ કદાચ ભવાઈનો દાખલો લીધો છે. મહીપતરામ નીલકંઠ પણ નાટક – ભવાઈની તુલનામાં ભવાઈના મૂળ વસ્તુવિચારની પણ ચિંતા કરે છે. સંસ્કૃત, ગ્રીક, અંગ્રેજી વગેરે સુધરેલી ભાષાનાં નાટકનાં પુસ્તકોમાં ખોટું કર્મ કરનારાને અંતે ખોટું ફળ મળ્યું એમ સાફ દેખાડ્યું છે કે તેથી લોકને સારો બોધ થાય. સદ્‌ગુણાને હંમેશ આશરો આપ્યો.છે અને દુરગુણાને આખરે પરાજય પમાડ્યા છે. ભવાઈનાં શૃંગારરસનો થોડે ઠેકાણે વાસ્તવિક ઉપયોગ કર્યો છે. પણ ઘણી જગાએ બદફેલીના કામમાં વાપર્યો છે એ પણ મોટી ભૂલ છે. ટૂંકામાં મીઠાશ કેમ લાવવી તે ભવાયા જાણતા નથી.'૧૨ મહીપતરામ ભવાઈ સંગ્રહની પરિભાષામાં નાટક અને ભવાઈની ભાષા વિશે પણ ચર્ચા કરે છે. બીજા દેશોનાં નાટકની ભાષા ઘણી જ શુદ્ધ હોય છે. વિલાયતમાં એવું કહેવાય છે કે દરબાર, અદાલત અને નાટકશાળામાં બોલાતી ભાષા શુદ્ધ છે. તેમ સંસ્કૃત નાટકગ્રંથની ભાષા પણ ઘણી જ સારી છે, ને તેમાં અભણ લોક કેવું બોલતાં તે દેખાડ્યું છે અને એની ચેષ્ટા કરી છે. ભવાઈની ભાષાને એ માન આપી શકાતું નથી. ભવાયા સંસ્કૃત નથી શીખતા અને ગુજરાતીયે નથી ભણતા, ને ગામડિયા લોકના જેવું ઘણું કરીને અશુદ્ધ બોલે છે.'૧૩ મહીપતરામ રૂપરામ નીલકંઠ ભવાઈ અને નાટકને એક જ માને છે. વિદેશની નાટકશાળા અને ગુજરાત, મુંબઈની નાટકશાળા વિશે પણ નોંધ કરે છે. વિલાયતની ભવાઈમાં ને આપણી ભવાઈમાં વળી એ ફેર છે કે તેમાં ઘણું કરીને નટી સ્ત્રીઓ જ હોય, પુરુષો સ્ત્રીનાં લૂગડાં પહેરી કોઈ વાર જ્યારે વેશમાં ઘણી નટીઓનો ખપ હોય ત્યારે જ ભેળા થાય છે, ને કોઈવાર ગરજ હોય તો સ્ત્રીઓ ભાયડાને રૂપે આવે છે. નટીઓ ભણેલી સ્ત્રીઓ હોવાથી નાટકમાં બહુ મીઠાશ આવે છે.૧૪

મહીપતરામ નીલકંઠ ભવાઈ અને નાટકની રજૂઆતની શૈલી વિશે તુલના કરે છે. પરંતુ તેમાં ભવાઈ ને નાટક સાવ ભિન્ન પ્રકાર છે તેવી સમજ જણાતી નથી. તેમણે ભવાઈ અને ભવાયાને સુધારવા ઘણો પ્રયત્ન કર્યો છે.

આરંભના આ મહાનુભાવોએ (નર્મદ, દલપત, મહીપતરામ) નાટક વિશેનો વિચાર કર્યો છે. પરંતુ કોઈએ નાટકની સમીક્ષા કરી નથી. મહીપતરામ ભવાઈના વેશ અંગે ભવાઈ સંગ્રહ કરે છે. તેની પરિભાષામાં નાટક-ભવાઈની તુલના કરે છે. પણ નાટકના સ્વરૂપને આ ત્રણેયે સ્પષ્ટ કર્યું નથી. નર્મદે નાટક વિશે જે વ્યાખ્યા કરી છે તે જોઈએ. 'બોલવું, ચાળા કરવા, અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક'.૧૫

'નાટક – એ કવિતા પ્રકરણનો એક ભાગ છે. જોસ્સા, રીતભાત, કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા તે. કવિતાના બીજા ભાગ એક પ્રકારે દિલમાં અસર કરે છે. અને બીજું કે, રૂપો અથવા વેશોને, કવિતાની અને ગાયનની ભાષામાં બોલાવે છે. નાટક અથવા રૂપકવિદ્યા બહુ ઉપયોગી છે. એ વિદ્યાની માહિતગારી મેળવવી કઠણ છે. એ કવિતાનો ભાગ છે એટલે એ ભણતર પણ જન્મબુદ્ધિ વિના આવડતું નથી. જેવું જ હોય, તેવું તેને તેવાં થઈ લોકોને બતાવવું તે નાટક.૧૬

નાટક - એ એવી રીતનું લખાણ છે કે જેમાં કવિ પોતાને નામે કોઈ બીજાઓનું વર્ણન નથી કરતો, તે બીજાઓને બોલાવી તેમની વાત તેઓની જ પાસે કહેવડાવે છે. કોઈની વાત આપણે કરીએ તેના કરતાં તે કોઈ પોતાની વાત પોતે કરે એમાં વધારે સાચવટ અને એથી વધારે અસર હોય જ. નાટક વિશે થોડું ઘણું સને ૧૮૫૬ના વરસના બુ. વ. ગ્રંથમાં લખાયેલું છે. એટલે તે ઉપરથી સમજાયું હશે. નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે... 'નાટક બે રીતમાં હોય છે : દુઃખ-પરિણામક નાટક અને સુખ-પરિણામક નાટક. પહેલા નાટકમાં મનના જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતનાં દુઃખ એનાં ચિત્ર પ્રત્યક્ષ માલમ પડે છે, ને બીજા નાટકમાં માણસ જાતની ભૂખ, તેઓની રીતભાત, તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણરસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્યરસનું પ્રાધાન્ય હોય છે.”૧૭

નર્મદ નાટકને આ પ્રકારે સમજવાનો યત્ન કરે છે. દલપતરામે તો મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાં "વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસના મન પર વધારે અસર થાય છે. જેમ ચહેરાપત્રક ઉપરથી કોઈ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય તે કરતાં ફોટોગ્રાફી – છબિ જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે. તેમ જ નાટક છે તે ફોટોગ્રાફી –'છબિ' જેવું છે.૧૮ તેવી વાત કરી છે. મહીપતરામ નીલકંઠ પણ ભવાઈ સંગ્રહની પરિભાષા આલેખતાં "નાટકનો હેતુ સુધરેલા અને અર્ધસુધરેલા લોકોમાં રમવાના તથાગમત કરવાના જે અનેક પ્રકાર હોય છે તેમાંનો એક પ્રકાર નાટક છે. બીજી રમતો કરતાં નાટકમાં વધારે એટલું છે કે એથી માણસના મનના વિકારો જણાઈ આવે છે, સુબોધ થાય છે અને સારી ભાષા આવડે છે.'૧૯ એવી વ્યાખ્યા કરવાનો યત્ન કરે છે. નાટકથી 'વિકારો જણાઈ આવવા ને સુબોધ થવો' એ વાતમાં ટ્રેજેડીના 'કેથાર્સિસ'નો પ્રભાવ જણાય છે. 'મહીપતરામ નીલકંઠ અને નર્મદ પાશ્ચાત્ય નાટ્યવિચારને પ્રત્યક્ષ રાખીને નાટક વિશેની ચર્ચા કરે છે. અલબત્ત, નાટકના સ્વરૂપ વિશે સ્પષ્ટ થવાનો જ પ્રયત્ન નર્મદ અને મહીપતરામે કર્યો છે. નર્મદ જોકે નાટકને વિશે વધારે સ્પષ્ટ સમજ ધરાવે છે.' નાટક ગદ્યમાં હોય છે.' તેવું કહેનારો પ્રથમ પુરુષ નર્મદ છે.

નવલરામ પંડ્યાઃ (૧૮૩૬-૧૮૮૮)

ગુજરાતી ભાષાના – સાહિત્યના સમર્થ સર્જકવિવેચક નવલરામે કવિતા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ આદિથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. નાટક વિશેનું વિવેચન પણ તેમનાથી આરંભાય છે. વિવેચક નવલરામ અવલોકનો અને પ્રત્યક્ષ વિવેચન કરે છે. ક્યાંક સિદ્ધાંતચર્ચા પણ તેમના વિવેચન લેખોમાં થતી રહી છે. આ વિવેચક હોવાથી ઘણી અવધારણા – વિચારણનો આરંભ પણ, તે જ કરે છે. નાટકનું વિવેચન પણ તેમણે કર્યું. નાટકનાં સ્વરૂપ વસ્તુસંકલના, પાત્રાલેખન, સંઘર્ષ પરાકાષ્ઠા આદિ ઘટક તત્ત્વો વિશે તેમણે ચર્ચા કરી છે. નાટકમાં આવતાં પદ્યો, છંદ આદિ અંગે તેના ઔચિત્ય કે અનૌચિત્યની દૃષ્ટિએ તેમનાં સૂચનો તત્કાલીન સર્જકોને પ્રોત્સાહક નીવડ્યાં છે. વિવેચક તરીકેની પૂરી સભાનતાથી તેમણે વિવેચન કર્યું છે. સર્જકોને તે સૂચના આપતા તેમાંય તે સર્જન એ ગંભીર અને જવાબદારીવાળી પ્રવૃત્તિ છે એ વાત નજર સામે રાખી ઉત્તમ સાહિત્ય કૃતિના પક્ષધર રહ્યા છે. એ કહેતા જે લખો તે સકારણ, ગંભીર, રસીલું લખજો, પક્ષપાતનો વિચાર મનમાં આવવા દેવો નહીં, કારણ તો સહજ લખાશે... જુસ્સાને હદમાં રાખજો. જે લખો તે બે દિવસ શાંત થઈ પછી તપાસીને છપાવવા આપજો, સત્યનો  ત્યાગ અજાણતાં પણ ન થઈ જાય તેને માટે નિરંતર દિલમાં ખટકો રાખવો.'૨૧ સત્યાન્વેષી દૃષ્ટિ ધરાવતા વિવેચક છે નવલરામ પંડ્યા. વિવેચનમાં તેમની આ દૃષ્ટિએ જ કૃતિલક્ષી ધોરણો નક્કી કર્યા છે. વિવેચનનું ધોરણ નક્કી કરતાં તેમણે કહ્યું છે – 'મેં તો એવો નિયમ જ પકડ્યો છે કે પુસ્તકો વસ્તુતઃ દૂષિત પણ દેશકાળ જોતાં ઉત્તેજન લાયક હોય તો તેની એક સારી નોંધ જ થોડાઘણા વિસ્તારથી લેવી અને તેમાં તેના દોષ તો માત્ર ચતુરને ચેતાવવા ખાતર જૂજ ઇશારે જ દર્શાવવા. હજી આપણો વાંચનારો વર્ગ એવો છે કે જો આવાં પુસ્તકોના દોષને વિસ્તારું, તો તેના ગુણ ગમે એટલા પ્રદર્શાવ્યા હોય તો પણ તેની કદર થાય નહીં. માટે આવા પુસ્તકની એક આવૃત્તિ ખપી રહે ત્યાં સુધી તો વિરુદ્ધ વિવેચનથી પરહેજ રહેવું એ ન્યાય અને દેશહિતનો રસ્તો છે.’ ૨૨વિવેચનનું વ્યાવહારિક પાસું તેમણે વ્યક્ત કર્યું છતાંય દોષ નહીં જ જોવા તેમ તેમણે નથી કહ્યું. નવલરામ પંડ્યા જે પુસ્તક વિવેચન યોગ્ય હોય તેવાં જ પુસ્તક હાથમાં લેતા. ઘણીવાર કડક રીતે ટીકા પણ કરતા, સર્જકને શીખ આપતા. સર્જક-વિવેચન બંનેનાં ધોરણો વિશેની સભાનતાથી તેમણે સમીક્ષા કરી છે.

નાટકના સ્વરૂપ વિશે સંસ્કૃત નાટ્યપરંપરા અને પાશ્ચાત્ય નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને પ્રત્યક્ષ રાખી પૃથક્કરણાત્મક અભિગમથી નાટકને યથાર્થ સમજવા – પામવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. 'કાન્તા' (મણિલાલ નભુભાઈ દ્વિવેદી) નાટકની સમીક્ષામાં રસ, પાત્રભેદ, વસ્તુસંકલનાની ચર્ચા કરી નાટક માટે કેવા પ્રકારનું કવિત્વ કામનું છે તેની વિગતે ચર્ચા કરે છે. 'રસ એ જ ખંડકાવ્યોમાં એટલે છૂટક કવિતામાં બસ છે. પદ, ગરબી વગેરે લખનારામાં એટલું હોય તો તે કૃતાર્થ થયો, કેમકે તેવી કવિતામાં તો પોતાના આત્મામાં જે ઊર્મિઓ ઊઠે તે દર્શાવી એટલે થયું, અને તે તો પોતામાં રસ હોય તો સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવી કવિતાને સ્વાનુભવી અથવા અંતઃસ્થિત કવિતા કહે છે. .....પણ નાટક કાવ્યોમાં આથી જુદા જ બહુ ઊંચી જાતના કવિત્વનો ખપ પડે છે. એમાં પોતાના અંતરમાં અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી, અથવા વખતે કંઈ જ કામનું નથી. એમાં તો ભિન્નભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્નભિન્ન પ્રસંગોએ કેવા લાગે છે તેનું વર્ણન કરવાનું છે. એને અંતઃસ્થિત નહીં બાહ્ય સ્થિત, સ્વાનુભવી નહીં પણ સર્વાનુભવી કવિત્વ કહે. છે. ૨૩ નાટક વિશે નવલરામ સંસ્કૃત પરંપરામાં જે મત આરંભથી ચર્ચાતો રહ્યો છે તે નાટક એ સાહિત્યની સર્વ સિદ્ધિ હાંસલ કર્યા પછી સિદ્ધ થતો વિશિષ્ટ પ્રકાર છે એમ માને છે.

નવલરામ પંડ્યાએ તત્કાલીન રંગભૂમિ અને નાટકની સ્થિતિ જોઈને તે સુધારવા – સંમાર્જવા પ્રયત્ન કર્યો હતો. 'કાન્તા' જેવાં નાટકો જોઈને તેને – નાટ્યકારને પ્રોત્સાહિત અવશ્ય કરતા પરંતુ વિવેચ્ય પદાર્થ પ્રત્યેની સત્યનિષ્ઠા કદી છોડી નહોતી. નવા લેખકો સાથે ઉદાર વલણ રાખતા પણ સાહિત્યકૃતિની ગુણવત્તા સાથે કશી બાંધછોડ કદી કરતા નહીં. આથી જ ‘દુષ્ટ ભાર્યાદુ:ખદ ર્શક'ના લેખકને કહે છે ‘આ કીડીલા જુવાને આ નાટક છે એમ નથી લખ્યું એ જ આ આખી ચોપડી બનાવવામાં ડહાપણ વાપર્યું છે’ ... ‘ભાઈ લલ્લુને અમારી તો ભલામણ એ છે કે હાલ કેટલાક વખત સુધી નાટક-ફાટક લખવાનું ચેટક મૂકી દઈ છૂટક કવિતા બનાવવામાં જ મંડ્યા રહેવું, કેમકે એ તરફનું એનું વલણ ઠીક છે અને તેમાં જશ મેળવી શકવાનો સંભવ છે.’૨૪ નાટકના સ્વરૂપ વિશે નવલરામ ઉચ્ચ આદર્શ પ્રતિભાની આવશ્યકતાવાળા સર્જકની અપેક્ષા રાખે છે. નાટક એ ‘કાવ્યકળાની સર્વોપરી કલા’ છે આથી જ નાટક વિશેની આલોચના કરતાં તે વધારે સભાનતા રાખે છે. ‘કજોડા દુઃખદર્શક’ નાટકના કર્તાને એમણે સ્પષ્ટ સૂચના આપી છે – ‘નાટકનો વિષય એવો છે કે જેમાં વિચક્ષણ વિદ્વાનો પણ ફતેહ પામે તો તેમનાં ભાગ્ય સમજવાં. ‘બે સમજની બલા દૂર’ એ કહેવત પ્રમાણે હાલ નાદાન છોકરાઓને નાટક ભજવવા બનાવવાનો છંદ લાગ્યો છે, અને તેમને મન આ મહાન વિષય ભાજીમૂળા જેવો જ લાગે છે... હજી પણ અમારી ભલામણ એ જ છે પોતાની બુદ્ધિ ચાલે છે તેને વળગી રહી નાટક જેવી કાવ્યકળાની સર્વોપરી વાતમાં હાથ ઘાલી નકામા હાંસીપાત્ર થવું નહીં.’૨૫

નાટકને ભારતીય પરંપરા પ્રમાણે કાવ્યનો જ એક પ્રકાર માને છે. આથી નાટકોની સમીક્ષાનો આધાર પણ મુખ્યત્વે સાહિત્યિક કે કાવ્યગત માપદંડો જ રહ્યા છે. ‘ગોપીચંદ નાટક અને નાટકશાળા’ એ લેખમાં નવલરામ પંડ્યાની નાટકના વિવેચનની અવધારણા ઘડાતી અનુભવાય છે. નાટક, સ્વરૂપ, નાટકની લોકો પર થતી અસર, લોકરુચિનો નાટક પરનો પ્રભાવ તથા નાટકશાળાના સારા-માઠા પાસા અને તત્કાલીન આરંભની રંગભૂમિનું નિદર્શન કરાવતો આ લેખ છે. ‘ગોપીચંદ નાટક' ભજવાયેલું નાટક છે. ભજવાતા નાટકની સમીક્ષા નવલરામ પંડ્યાએ કરવા ધારી છે પણ થઈ શકી નથી. ‘ગોપીચંદ નાટક'ની પ્રત – એ ભજવાતા નાટકની પ્રત જે તે સમયે ભાગ્યે જ ઉપલબ્ધ થતી – તેમની પાસે આવે છે. તેનો અભ્યાસ કરતાં જે વિચારો જન્મ્યા છે તે ‘નાટકશાળા’નાં પ્રભાવને વ્યક્ત કરે છે. જોકે ગોપીચંદ નાટકના સંદર્ભે શરૂ થતી આ ચર્ચામાં ભજવાતા આ નાટક વિશે ઝાઝી ચર્ચા કરી નથી. છતાં તત્કાલીન રંગભૂમિ પર પ્રસ્તુત થતાં નાટકો વિશે અછડતાં તોય મહત્ત્વનાં નિરીક્ષણો તેમણે આપ્યાં છે.

‘નાટકશાળા’ તેમને મન ‘સુધારાની નિશાની’ છે. નાટકશાળાનો મહિમા કરે છે ને સાથે તેનું મહત્ત્વ પણ સ્વીકારે છે. ‘આખો જનસમૂહ, જ્ઞાન, વિચાર તથા મનોવૃત્તિમાં કેવો છે તેની ખરેખરી આરસી તો નાટકશાળા જ છે, કેમ કે ત્યાં તો વાંચનાર ને ન વાચનાર આખું આલમ વખતોવખત આવી જાય છે, અને તેથી તે બધાને ગમતાં, સમજાતાં અને સરસ લાગતાં નાટકો જ ત્યાં ભજવવામાં આવે છે. માટે જે દેશનાં નાટકો સુઘડ, સુરસ ને સૂક્ષ્મ વિચાર કરવાની સ્થિતિએ પહોંચેલાં છે એમ જે માનવામાં આવે છે તે સામાન્યપણે વાજબી જ છે.’૨૬ આવી નાટકશાળાઓને એ ‘સર્વોત્તમ શિક્ષાગુરુ’ માને છે. નાટકશાળા એ પરિવર્તનનું મોટું ઓજાર છે. કવિઓ કવિતા-ગીતો લખીને સમાજને બેઠો ફરવાના પ્રયત્નો કરે તે સફળ થતાં થાય પરંતુ ‘નાટકશાળા તો જનસમૂહની વચ્ચે જ સાદ કરતી ઊભી રહે છે, અને એનો મનોહર સાદ સાંભળી લોકો દોડ્યા આવે છે. આખા દેશની મનોવૃત્તિને નાટકશાળા જે માર્ગે વાળવા ચાહે, તે માર્ગે વાળી શકે.’૨૭ નાટકશાળાની ક્ષમતા વિશે નવલરામ જરા પણ સાશંક નથી. દેશમાં સુબોધ કે કુબોધ ફેલાવવાનું નાટકશાળા જેવું એકે સાધન નથી. દેશને સુરસિક, શૂરવીર કે ફૂવડ ને બાયલો કરવો એ નાટકશાળાના વ્યંગ્ય પણ સફળતમ બોધની ઉપર જ બહુધા આધાર રાખે છે. નાટકશાળા એ સુધારા કે કુધારાનું એક મહાજબરદસ્ત હથિયાર છે અને વિચારવંત સુધારકો હંમેશાં તેને પક્ષમાં લેવાનું ચૂકતા નથી.”૨૮

નાટકશાળા ‘સુધારો’ કે બોધ પ્રબોધે છે એમ કહે છે ત્યારે પણ એ બાબતથી તેઓ સભાન છે કે નાટક એ બોધપ્રધાન ન હોવું જોઈએ. ‘અમારા વિચારમાં તો બોધ કરવો છે તે વાત જ તે ભૂલી જાય તો સારું –’ એમ નાટ્યકારોને ઉદ્દેશીને કહે છે. માત્ર બોધ એ નાટકનું અંગભૂત તત્ત્વ ન થઈ શકે. એટલું જ નહીં ‘બોધ ઉપર નજર રાખનારાં નાટકો તો નકામાં ટાયલાં જ સમજવાં’ એમ કહીને રસને નાટકનું પ્રધાન લક્ષણ ગણે છે. ‘રસ, જે કાવ્ય નાટકોનું લક્ષણ છે જેણે છોડ્યું તે કાવ્ય નાટકે તો પોતાનો સ્વધર્મ જ છોડ્યો.’ સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે તેનો ઉદ્દેશ નથી.’૨૯ નાટકનો ઉદ્દેશ આનંદ સાથે બોધ આપવાનો રહ્યો છે. આ પ્રકારના નાટકની અસર સીધી લોકહૃદય પર થાય છે એમ પણ માને છે. નાટકશાળાનો મહિમા કર્યા પછી તેમના સમયની નાટ્યમંડળીઓ વિશે ચર્ચા કરે છે. તત્કાલીન નાટકશાળાઓ ‘નઠારાં’ નાટક દ્વારા નઠારા લોકમતને પ્રોત્સાહન આપતી હતી. નવલરામ માને છે કે ‘નઠારા નાટકો નઠારાં લોકમતને કારણે ભજવાતાં હતાં. આથી સદ્‌ગૃહસ્થાએ નાટકો જોવા જવું અને તેની ખોડખાંપણ દોષો જાહેરમાં મુકવા. એનાથી બે બાબતો બને છે, એક તો નાટકશાળાને એમના ગુણદોષનો ખ્યાલ આવે છે, અને સામાન્ય લોકોને પણ શું જોવું ને શું ન જોવું તેની ખબર પડે છે. લોકો જેવું ઇચ્છે છે તેવું નાટકશાળા પીરસે છે. આથી લોકોએ જ જાગૃત થવું જોઈએ અને નાટકોનું નિરંતર વિવેચન કરવું જોઈએ. વિવેચનથી નાટકમાં રહેલી અશુદ્ધિઓ, દોષોથી સહુને માહિતગાર કરવા અને નાટકશાળાની સામે ‘શુદ્ધ અને ઊંચા રસનાં નાટકો’ મૂકવાં જેથી સારો ઊંચો લોકમત કેળવી શકાય ને નાટકને સુમાર્ગે વાળી શકાય.’

નવલરામ પંડ્યા ખરાબે ચઢી ગયેલી તત્કાલીન નાટ્યમંડળીઓને સુમાર્ગે પાછી વાળવાના રસ્તાઓમાં એક નિરંતર વિવેચન સૂચવે છે. વિવેચને જ સાહિત્યકૃતિની દિશાઓ ખોલી આપી છે. પરંતુ નાટ્યવિવેચનમાં વિવેચકની ગતિ ઘણી ધીમી છે. નાટક ગતિશીલ રહ્યું છે. નવલરામ પંડ્યા તે સમયે પણ માને છે કે વિવેચનથી જ કલાના ક્ષેત્રમાં સુધારો આવે. નવી ક્ષિતિજો ખૂલે. નાટકને બે પ્રકારમાં વિભાજિત કરે છે. આપણે ત્યાં ભરત નાટ્યશાસ્ત્રમાં કે એરિસ્ટોટલના પોયેટિક્સમાં પણ નાટકને કાવ્યકલાના વિભાગમાં મૂકવામાં આવે છે. નાટકને કાવ્યનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. નવલરામ પણ એનો જ આધાર લઈ નાટકના બે ભેદ પાડે છે. ‘નાટક બે પ્રકારનાં કહેવાય છે. વાંચવાનાં અને ભજવી બતાવવાનાં, એમાં ભજવી બતાવવાનાં તે જ નાટક ખરાં, અને વાંચવાનાં નાટક તો ફક્ત બીજા પુસ્તક જેવાં છે.’ આપણી ભાષામાં વિદ્વાનોએ કેટલાંક નાટકો લખ્યાં છે ‘પણ તે માત્ર વાંચવા લાયક છે.’ નવલરામ એક વા સ્પષ્ટ છે કે ભજવી બતાવવાનાં તે જ નાટક બીજાં નહીં. ભજવાય તે જ નાટક તેની અવધારણાંને તેમણે આરંભથી જ પકડી રાખી છે. ભજવાતા નાટક વિશે તેમણે વાત નથી કરી છતાંય આટલી સ્પષ્ટતા મનમાં છે કે નાટકનું યથાર્થ પ્રત્યાયન તેના પ્રયોગમાં જ રહેલું છે, અન્યથા નથી.

તત્કાલીન નાટકશાળાએ ભજવેલા નાટકો તેમણે જોયા હશે તેની ચર્ચા કરી છે. વિવેચનનું તત્ત્વ તેમાં ઓછું હોય કે ન જ હોય છતાં તે સમયે ભજવાતા નાટકોની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ તો અવશ્ય આપે જ છે. ‘ભજવાતા નાટક તો હાલ આપણા દેશમાં કાંઈ ઓર જ પ્રકારના છે. ઘણીક નાટકમંડળીઓ પાસે તો લખેલાં નાટક જ હોતા નથી પણ કથાભાગ યાદ રાખી પાત્રો પોતાની મરજીમાં આવે તેમ તે તે પ્રસંગાનુસાર બોલી લે છે. આવા બિનતૈયારીના બકબકાટમાં તે કાંઈ પણ ભલીવાર શી રીતે હોઈ શકે ? કેટલીક મંડળીઓ પાસે પદબંધ આખ્યાનો હોય છે. તે આખ્યાન સૂત્રધાર ગાઈ બતાવે છે ત્યારે પાત્રોને શું બોલવું તેની ખબર પડે છે. આના જેવું તો અસ્વાભાવિક કે હસવા જેવું એકે નથી. સૂત્રધાર રાગડો કાઢી રહે કે તેનો ભાવાર્થ અભણ પાત્ર પોતે જેમ સમજે તેમ ભાગીટૂટી ભાષામાં બોલે, અને તેમાં છેવટે અગત્યનો પ્રશ્ન પૂછ્યો હોય જેનો જવાબ સામા પાત્રે જુસ્સાથી તત્કાળ જ દેવો જોઈએ એમ હોય, તોપણ તે બિચારું સામું પાત્ર મોં વકાસીને ઊભું જ રહે છે, અને શો જવાબ દેવો તે સૂત્રધાર તાનમાંથી રાગ ઘુમાવતો દોઢ પહોરે ગાઈ રહે છે ત્યારે જ તેને માલૂમ પડે છે. આ તો શ્યકાવ્ય નહીં, પણ શ્રાવ્યકાવ્ય જ થયું.’ ભજવવાનાં કે ભજવી બતાવવાનાં નાટકોમાંય કલાદૃષ્ટિની અને ગુણ સમૃદ્ધિની ખામી તેમણે જોઈ છે. તે સમયે ભજવાતા નાટકોમાં બહુ ઓછા – ભાગ્યે જ કોઈ શિષ્ટ – શ્રેષ્ઠ નાટકો મળતા, મોટા ભાગે રંગભૂમિ પર લોકોની નિમ્ન વૃત્તિઓને ઉશ્કેરે તેવા નાટકો પ્રસ્તુત થતા. નઠારા નાટકો પાછળ તેઓ માત્ર નાટકશાળાને દોષિત નથી માનતા પરંતુ નટ, નાટ્યકાર અને પ્રેક્ષકને પણ નાટકની હીન સ્થિતિ માટે સરખા જવાબદાર ગણે છે, નાટકનું સતત નિરીક્ષણ, વિવેચન થયા કરે તો આ બગાડમાંથી બહાર નીકળી શકાય. નઠારા નાટક અને નાટકશાળાની સ્થિતિ સુધારવા માટે નવલરામ સતત સભાન રહીને વિવેચન કરે છે.

નવલરામ પંડ્યા પાશ્ચાત્ય અને સંસ્કૃત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને સાથે રાખીને નાટકની સમીક્ષા કરે છે. નાટકમાં ‘રસ’ અને ‘Action’ની આવશ્યકતાને સ્વીકારે છે. નાટક માટે ક્રિયા પણ રસ જેટલું જ મહત્ત્વનું તત્ત્વ છે એમ માને છે. ‘રત્નાવલિ’ અને ‘માલતી માધવ’ નાટકોનાં અવલોકનમાં તેમણે આ ચર્ચા કરી છે. ‘માલતી માધવ ભવભૂતિના નાટકની સમીક્ષામાં કહે છે, ‘સૃષ્ટિવર્ણનમાં sublmity માટે ભવભૂતિ સઘળા સંસ્કૃત કવિઓમાં એક્કો ગણાય છે.’૩૦ નાટકની ચર્ચામાં ‘ઉદાત્ત તત્ત્વ’ ક્રિયાવ્યાપાર અને રસપ્રતીતિની જિકર કરે છે. ‘Action' માટે સૃષ્ટિવર્ણન નડતર રૂ૫ છે.’ કહી નાટકમાં ક્રિયાના મહત્ત્વને સ્વીકારે છે. સંસ્કૃત નાટકોની એક મર્યાદા રસપ્રધાન નાટકો છે જેના કારણે નાટકના ક્રિયાવેગમાં વ્યવધાન આવે છે એમ માને છે, ‘આ નાટકમાં કથનની સાથે વર્ણનભાગ ઘણો છે. માધુર્યાદિક ગુણને અનુસરતું જ જ્યાં જોઈએ તેવું સૃષ્ટિવર્ણન કર્યું છે, અને તે ઉદ્દીપનાર્થે જરૂરનું જાણી કર્યું હશે, તોપણ નાટકના ‘Action’ને નડતર જેવું થઈ પડે છે ત્યાં તે દોષ જ ગણવો જોઈએ.’૩૧ સંસ્કૃત કવિઓ Action, કરતાં રસનું પ્રાધાન્ય વધારે ગણતા જણાય છે. પણ આમ કરવાથી રસ જામવાને બદલે ઊલટો વાતનો રસભંગ થઈ જાય છે.૩૨

નવલરામ પંડ્યા પશ્ચિમ અને ભારતીય વિચારણાને સાથે લઈને નાટકાદિની સમીક્ષા કરે છે. નાટક માટે ‘રસવિચાર’ પહેલો કે ‘કાર્યવિચાર' પહેલો એનું ચિંતન ચાલે છે. નાટકો ભજવાતા બંધ પડે ત્યારે જ કાર્યવિચારનું પ્રાધાન્ય જતું રહે અને કથન વર્ણનાદિકથી ઊપજતો રસ પણ નાટકમાં રસ ગણાય.’૩૩ Actionને ભજવણી સાથે સંબંધ છે તેવું પ્રતિપાદિત કરે છે. સાથે વાંચવાનાં નાટકો લખાવા પાછળનો તર્ક પણ આપે છે. પરંતુ નવલરામની ‘રસ સિદ્ધાંત’ વિશેની સમજણ સ્પષ્ટ થતી નથી. ‘રત્નાવલી’ નાટકના નિરીક્ષણમાં ‘Test and judgment’ કે Unity of action for Unity of time and placeનો એરિસ્ટોટલ કથિત નાટ્યસિદ્ધાંતોને ધ્યાન સામે રાખ્યા છે. એ દૃષ્ટિએ 'રત્નાવલી' નાટકને Artનો નમૂનો કહે છે.

નવલરામ પંડ્યા ૧૮૮૨ ઈ.સ.થી નાટ્યવિવેચન આરંભે છે 'કાન્તા'ના કૃતિનિષ્ઠ નિરીક્ષણથી.એ પછી 'માલતીમાધવ', 'રત્નાવલી' વિશેની ચર્ચામાં નાટક વિશેની તેમની સમજ ઘડાતી જતી અનુભવાય છે. ગોપીચંદ નાટક અને નાટકશાળા એ લેખ ૧૮૮૪માં લખાય છે. આ લેખમાં તેમની નાટક અને નાટકશાળા વિશેની અપેક્ષાઓ અને સમકાલીન સ્થિતિનું અવલોકન છે. 'દુષ્ટ ભાર્યા દુઃખદર્શક નાટક' કે 'કજોડા દુઃખદર્શક નાટક' વિશેનાં અવલોકનોમાં તેમનો નાટક માટેનો ઉચ્ચાદર્શ પ્રગટ થાય છે. નાટક વિશેના સાતેક લેખોમાં તેમની સમીક્ષાનાં વિવિધ પરિમાણોનાં દર્શન થાય છે.

રણછોડભાઈ ઉદયરામ દવે (૧૮૩૭-૧૯૨૩)

રણછોડભાઈ ઉદયરામ દવે નઠારી ભવાઈ અને વ્યવસાયી રંગભૂમિનાં નઠારાં નાટકો સામે શિષ્ટ-સાહિત્યિક નાટકોની આવશ્યક્તા જુવે છે. ભવાઈ પર અભાવ આવી જવાથી તેમણે નાટ્યલેખન આરંભ્યું અને ગુજરાતી નાટકના પિતા કહેવાયા. તેમનો આશય નાટક દ્વારા સદાચારના સંસ્કાર પાડી પ્રજાજીવનને ઉન્નત રાખવાનો હતો. ગુજરાતની રંગભૂમિ વિશે તેઓ ઘણા ચિંતિત હતા. રંગભૂમિનો વિકાસ થાય તેવી તેમની મહત્ત્વાકાંક્ષા હતી. તેમણે કહ્યું છે – ‘ઉત્તમ શ્રેણીના કવિઓએ ગદ્ય પદ્યાત્મક નાટ્યલેખનનો આરંભ કર્યો અને રંગભૂમિ અસ્તિત્વમાં આવી પણ ક્રમશઃ સર્વત્ર અને વિશેષ કરીને ગુર્જર પ્રદેશમાં રંગભૂમિ અને નાટ્યલેખન બન્ને અધઃપતનના માર્ગે વહી સદાચારને બદલે દુરાચાર શીખવનાર બની નાટ્યલેખક તથા નાટકકંપનીના માલિકને દ્રવ્ય પ્રાપ્તિનાં સાધન થઈ પડ્યા છે, એ દુર્દશા ખરેખર અસહ્ય છે.'૩૪ નાટકનું અને રંગભૂમિનું પ્રખર આરાધન તેમણે કર્યું અને નાટકની સૈદ્ધાંતિક-શાસ્ત્રીય પીઠિકા 'નાટ્યપ્રકાશ' જેવા ગ્રંથ દ્વારા બાંધી આપી.

'નાટ્યપ્રકાશ' (૧૮૯૦) : રણછોડભાઈ ઉદયરામ 'પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર ઝીલ્યાં વિના આપણો ઉદ્ધાર શક્ય નથી' એમ માનતા હતા. 'નાટ્યપ્રકાશ'ની અડસઠ પાનાંની પ્રસ્તાવનામાં તેમણે નાટકના ઉદ્‌ભવથી માંડી સ્વરૂપ વિકાસની વિસ્તૃત ચર્ચા કરી છે. ઉત્સવપ્રિય મનુષ્યો વસંત આદિ ઋતુમાં આનંદથી નાચી ઊઠે ત્યાંથી નૃત્ત, તેમાં અભિનય સહિત ભાવ ભળ્યો કે તે નૃત્ય થયું ને તાંડવ-લાસ્ય આદિ પ્રકારોમાં વિકસ્યું. તેમાં રસાનુસાર અનુકરણ કરી બતાવવાથી 'નાટ્ય’ કહેવાયું – તેની પરિપૂર્ણ અસર થવાને તેમાં વાણીનો અને તેના શૃંગારનો ઉમેરો થતાં રસશાસ્ત્રની સાથે સંગીતશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર એ બે તેના અંગભૂત થઈ પડ્યાં. આવા સાધને કરીને પૂર્ણતા પામતું જતું જે શાસ્ત્ર થયું તે 'નાટ્યશાસ્ત્ર' કહેવાયું.'૩૫ એ પછી પશ્ચિમના વિદ્વાનોને આધારે ભારતીય નાટ્યશાસ્ત્રનું નિરીક્ષણ કર્યું છે. 'ભરત નાટ્યશાસ્ત્ર', 'દશરૂપક', 'સાહિત્ય દર્પણ' આદિ ગ્રંથોનો આધાર લઈને 'નાટ્યપ્રકાશ' રચ્યો છે. યુરોપીય નાટકોની 'ત્રણ યુનિટી'નાં સારાં-ખોટાં પાસાંની મનનીય ચર્ચા કરી છે. તેમાં સ્થળ સંકલનાની વાત કરતી વખતે દલપતરામે ગ્રીક ભાષાના નાટકનું ગુજરાતીમાં 'લક્ષ્મી' નામે જે રૂપાંતર કર્યું છે તેની મર્યાદાઓની ચર્ચા કરી છે. આ આખીય ચર્ચા તત્ત્વચર્ચા ધ્યાનપાત્ર થઈ પડે છે. 'તેઓ માને છે કે યુનિટીના બંધનથી નાટક લખવામાં ઘણો જ સંકોચ થઈ આવે છે. અને સારા લેખકો શેક્સપિયર પર્યંતના પણ સર્વદા તેને વળગી નથી રહેતા. થોડા વર્ષ પર ફ્રાન્સમાં એ પવન બહુ ફેલાયો હતો. પરંતુ ધીમે ધીમે સર્વત્ર શક્યતા અને ઔચિત્યના ધોરણને સ્વીકારવામાં આવ્યું છે.૩૬ યુનિટીનાં બંધને સદંતર અનાદર કરવાનું કહેતાં નથી પરંતુ આ નિયમ 'નાટકોને રંગભૂમિ પર નવીન પદ્ધતિથી ભજવી બતાવવાની કૃત્રિમ યોજનામાંથી જન્મ્યો છે માટે અકૃત્રિમ કવિપ્રતિભાના પ્રવાહને અકૃત્રિમ બંધન ન લગાડવાના ઉદ્દેશથી તેનો અનાદર અવશ્ય પ્રાપ્ત થાય છે.૩૭ 'કેટલાંક સંસ્કૃત રૂપક સંબંધી જાણવા યોગ્ય વૃત્તાંત' ઐતિહાસિક દૃષ્ટિથી આપ્યો છે. 'સંસ્કૃત રૂપદર્શક પત્રિકા' આપીને, રૂપકો તથા ઉપરૂપકોની વિગતવાર યાદી મૂકી છે. છેલ્લે 'નાટ્યપ્રયોગ નૃત્યશાળાનું વર્ણન' કર્યું છે.

નાટ્યપ્રકાશમાં આ ઉપરાંત નાટ્યવસ્તુનાં વિભાગો, પ્રકાર, નાયકનાયિકાભેદ, કૌશિકી આદિ ચાર વૃત્તિઓ, નાટકનાં છત્રીસ લક્ષણો, તેત્રીશ નાટ્યાલંકારો, પ્રકરણ આદિ દશવિધ રૂપકો અને નાટિકા - ત્રોટક આદિ અઢાર ઉપરૂપકો આટલા વિષયો અંગેની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ છે. નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ એ અર્થને વળગી રહીને વિચારણા કરી છે. પરંતુ 'રસ' વિશે ચર્ચા કરી નથી. જોકે રસ સંદર્ભે તેમણે અલગ ગ્રંથ કર્યો છે 'રસપ્રકાશ'. આથી નાટ્યપ્રકાશમાં રસ વિશે વિસ્તૃત ગહન ચર્ચા કરી નથી. 'નાટ્યપ્રકાશ' દ્વારા પ્રાચીન નાટ્યશાસ્ત્રને તેમણે ગુજરાતીમાં ઉતાર્યું છે છતાં તત્કાલીન રંગભૂમિને કે કલાકારોને તેનાથી કશો તાત્ત્વિક લાભ થયો નથી. તેમણે પોતે પણ લોકરુચિને અનુકૂળ જ નાટકો આપ્યાં છે. વિજયરાય વૈદ્ય કહે છે તેમ રણછોડભાઈ દવે 'સમર્થ અને સર્વપ્રથમ એવા આદ્ય ગુજરાતી નાટ્યશાસ્ત્રકાર’ છે તેમાં કોઈ બે મત નથી.

નવલરામ આપણા આદ્ય નાટ્યવિવેચક છે. તો રણછોડભાઈ દવે નાટક વિશેની સૈદ્ધાંતિક શાસ્ત્રીય ચર્ચા છેડે છે. બંનેના નાટ્યવિચારમાં ભારતીય અને પાશ્ચાત્ય નાટ્યસિદ્ધાંતોનો સમન્વય છે. આરંભના બંને નાટ્યચિંતકોએ નાટકની ભજવણીનાં વ્યાવહારિક પાસાં પર ભાર મૂક્યો છે. 'ભજવાય તે નાટક' એ કહેવા માટે 'નાટ્યપ્રકાશ'માં રણછોડભાઈ દવે વિસ્તૃત ચર્ચા છેડે છે. નવલરામ પંડ્યાએ પણ તત્કાલીન સાહિત્યિક નાટકોની સામે વાંચવાનાં તે નાટકો નહીં કહીને નાટ્યવિચારને સ્પષ્ટ સમજ તરફ વાળ્યો અને યોગ્ય દિશાદર્શન કર્યું.

આ સમયમાં દલપત, નર્મદ, નવલરામ, રણછોડભાઈ નાટકો લખે છે – ભજવાય છે છતાં વ્યાવસાયિક રંગભૂમિ પરનાં નઠારાં નાટકોનાં વળતા પાણી થયાં નથી. નવલરામ કહે છે તેમ નઠારાં લોકમતને કારણે જ એ બધી નાટ્યમંડળીઓ ફૂલીફાલી છે. લોકરુચિને સંતોષતી રંગભૂમિ અને સંસ્કાર સ્થાપવા મથતાં શિષ્ટ નાટકો વચ્ચેની ખાઈ આરંભથી જ વધતી ચાલે છે. રણછોડભાઈ - નર્મદ આદિનાં નાટકો ભજવાય છે પરંતુ લોકરુચિને સંમાર્જિત – સંશોધિત કરવાના પ્રયત્નોમાં ઊણાં ઊતરે છે. ભવાઈના દોષોથી અભાવ આવી જતાં નાટકમાં શિષ્ટ – મનોરંજન પીરસવા તત્પર થયેલા રણછોડભાઈ રંગભૂમિ ઉપર પણ એ જ દોષોને વધારે વિકૃતરૂપે જુએ છે ને ઢળતી ઉંમરે 'નોદ્યશૃંગાર નિષેધક રૂપક' લખે છે. નીતિબોધનાં કે સુધારાનાં નાટકો ધીમે ધીમે લુપ્ત થવા માંડે છે. નવલરામ નોંધે છે તેમ મોટો અભાવ સારા ઉત્તમ વિવેચકોનો. એ નાટકોનાં કાયમ વિવેચન થતા રહેતાં હોત તો પ્રજામાં જાગૃતિ આવત અને નઠારાં નાટકો સામેનો મત ઊભો કરી શકાત. તેમ થઈ શક્યું નહીં ને નાટકની અવદશા થઈ. નવલરામ પ્રત્યક્ષ વિવેચન દ્વારા મૂલ્યાંકન કરે છે. રણછોડભાઈ નાટ્યપ્રકાશ જેવા ગ્રંથ દ્વારા પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવું શાત્ર સહજ ઉપલબ્ધ કરાવે છે.

સુધારક યુગની અનેક ઉપલબ્ધિઓમાંથી આ નાટ્યવિવેચના અને શાસ્ત્રીય ચર્ચા પણ છે. ભજવાય તે જ નાટકની અવધારણા સાથે જ 'નાટક દૃશ્ય કાવ્ય છે'ની પરંપરિત વિભાવના પણ સતત રહે છે. પછીના સમયમાં પણ તે લંબાય છે. નર્મદ 'નાટક ગદ્યમાં હોય છે' એમ માને છે. પણ અન્ય વિવેચકોમાં આ મત વિશે નોંધ નથી. સાથે કાવ્યના જ નિયમો કે સિદ્ધાંતોથી નાટકનું પૃથક્કરણ – નિરીક્ષણ થયા કરે છે. નાટકની પ્રસ્તુતિ વિશે કશું મળતું નથી.

સંદર્ભસૂચિ

૧. જૂનું નર્મગદ્ય પૃ. ૧૩૦. ૨. મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૩. જૂનું નર્મગદ્ય પૃ. ૩૪૨. ૪. એજન પૃ. ૩૪૨. ૫, એજન પૃ. ૨૯૪. ૬. એજન પૃ. ૨૯૫. ૭. એજન પૃ. ૨૯૫. ૮. એજન પૃ. ૨૯૫. ૯. એજન પૃ. ૨૯૪. ૧૦. એજન પૃ. ૨૯૪. ૧૧, ભવાઈ સંગ્રહ પૃ. ૨. ૧૨. ભવાઈ સંગ્રહ પૃ. ૩, ૧૩. એજન પૃ. ૪. ૧૪. એજન પૃ. ૪. ૧૫ જૂનું નર્મગદ્ય પૃ. ૧૩૦, ૧૬. એજન પૃ. ૨૯૪. ૧૭. એજન પૃ. ૩૪૨. ૧૮, મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૧૯, ભવાઈ સંગ્રહની પરિભાષામાંથી. ૨૦, મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૨૧. નવલ ગ્રંથાવલિ. ૨૨. એજન. ૨૩. એજન પૃ. ૩૬. ૨૪. એજન પૃ. ૫૮. ૨૫. એજન પૃ. ૬૭. ૨૬. એજન પૃ. ૫૯. ૨૭. એજન પૃ. ૬૦ ૨૮. એજન પૃ. ૬૧. ૨૯. એજન પૃ. ૬૧. ૩૦ એજન પૃ. ૬૮. ૩૧. એજન પૃ. ૬૯. ૩૨. એજન પૃ. ૬૯. ૩૩. એજન પૃ. ૭૧. ૩૪. રણછોડભાઈ ઉદયરામ દવે – શતાબ્દી ગ્રંથ . પૃ. ૨૨૫. ૩૫. નાટ્યપ્રકાશ પૃ. ૬૨. ૩૬. સુદર્શન ગ્રંથાવલિ પૃ. ૮૮૪. ૩૭. રણછોડભાઈ ઉદયરામ દવે – શતાબ્દી ગ્રંથ પૃ. ૨૧૨.