ગુલાબસિંહ/તરંગ ૩:શરત પૂરી કરી

વિકિસ્રોતમાંથી
← સિદ્ધ અને આશક ગુલાબસિંહ
શરત પૂરી
મણિલાલ દ્વિવેદી
નવો શિષ્ય →


પ્રકરણ ૧૭ મું.

શરત પૂરી કરી.

દિલ્હી શેહેરમાં પેલો ઉડાઉ સ્વચ્છંદી અમીર કાંઈ વહેમી માણસમાં ગણતો ન હતો; પણ એ ભૂમિનું માહાત્મ્યજ કાંઈક એવું હતું કે બુદ્ધિમાન્‌માં બુદ્ધિમાન્‌ અને નાસ્તિકમાં નાસ્તિક વિદ્વાનોના મનમાંથી પણ કોઈ પ્રકારનો ગુપ્ત વિશ્વાસ કેવલ નિર્મૂલ થઈ શકતો નહિ. અમીરે પોતાના પ્રપિતાનાં પરાક્રમની અનેક વાતો સાંભળેલી હતી, તેણે ગુપ્તવિદ્યા પાછળ જે શ્રમ કર્યો હતો તેની ભવ્યતા તેના જાણવામાં હતી, અને પોતાના વંશના દૃષ્ટાન્તથી દોરાઈ એણે પણ ઘણું કરીને યુવાવસ્થામાં તે વિદ્યા તરફ લક્ષ આપ્યું હતું. એના મરણ પછી એક ગુટકો નીકળ્યો હતો, જેના ઉપર એનું નામ તથા એની છાપ હતી, અને જેમાં કીમીઆ વિષે અર્ધી ગંભીર અને અર્ધી ઉપહાસાત્મક વાર્તા વિસ્તારેલી હતી.

આવા શોધમાંથી એનું ચિત્ત મોજમઝાએ ખેંચી લીધું, અને એની સ્વાભાવિક તીવ્ર બુદ્ધિ બહુ ઉંડા ને ગુંચવણ ભરેલાં કાવતરાંમાં વળી ગઈ. એની નિઃસીમ સમૃદ્ધિ, અપરાજિત અહંકૃતિ, અને અસ્ખલિત સિદ્ધિ પામે તેવી વૃત્તિ, એ સર્વથી એ રાજમંડલને વિભીષિકારૂપ થઈ પડ્યો, તથા એનાં અવળાં સવળાં કૃત્યો ઉપર તેમણે આંખ આડા કાન કરવા માંડ્યા. આજે શ્રીમત્સ્યેન્દ્રનાથની આશ્ચર્યકારક મુલાકાત અને તેથી પણ અધિક આશ્ચર્યયુક્ત અદૃશ્ય થઈ ગયાની વાત, એ ઉભયથી, એના મનમાં કાંઈક એવું અવર્ણ્ય ભય ભરાઈ ગયું કે તેની સામે એના નાસ્તિક બુદ્ધિબલે જેટલા પ્રયત્ન કર્યા તેટલા વ્યર્થ ગયા. ગુલાબસિંહને જેવો તેણે અદ્યાપિ કોઈ વાર ધાર્યો ન હતો, તેવો તે. એને ત્સ્યેન્દ્રના દર્શનથી જણાવા લાગ્યો. જે શત્રુ એણે ઉભો કર્યો હતો તેનું એને કોઈ અવર્ણ્ય ભય લાગવા માંડ્યું. જમવાના થોડાક વખત આગમચ જ્યારે એ શાન્ત અને આત્મસ્થ થઈ શક્યો, ત્યારે એટલાજ નિશ્ચય ઉપર નીરાંતવાળી ઠર્યો કે ગમે તે રીતે પણ હવે ગુલાબસિંહને નક્કી દૂર કરવો. એને એમ નક્કી થઈ ગયું કે મારી પોતાની જીંદગીની ખાતર ગુલાબસિંહની જીંદગી લેવી આવશ્યક છે, ને તેથી મેં જો આગળ કોઈ વાર એવો નિશ્ચય કર્યો હોય તો તેને આ ત્સ્યેન્દ્રના આવવાથી દશગણો ટેકો મળે છે. પોતાના મુખ્ય ખવાસને બોલાવતાં એણે મનમાં નિશ્ચય ઉઠાવ્યો “વારૂં જોઈએ, એનો યોગ એને કેવોક કામ આવે છે ! પેલા વિષ ઉપર એનો યોગ કેવી અસર કરે છે.” એ વિષ તે કોઈ એવી અપૂર્વ બનાવટ હતી કે જેનો એક કણમાત્ર પેટમાં જવાથી સહજમાં મૃત્યુ થઈ જાય. એ વિષની ક્રિયા માત્ર એ અમીરના કુટુંબમાંજ જાણીતી હતી, કેમકે એના પ્રપિતાએ તે કોઈ કારણસર કોઈ મહાત્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. એ વિષ લેનારને કાંઈ દુઃખ ન જણાતું એટલું જ નહિ, પણ મુંવા પછી પણ તેની કશી નિશાની શરીર ઉપર કે અંદર રહેતી નહિ. ગમે તે રીતે કાપો, શોધો, પણ કાંઈ સમજાતુંજ નહિ. લગભગ બાર ઘડી સુધી તો લેનારને માત્ર આનંદ અને આવેશની મઝા સમજાયાં જતી, પણ પછી ધીમે ધીમે મીઠી તંદ્રા થવા માંડતી, જેમાંથી એકાએક તાવ ચઢી વાગતો અને ત્રિદોષનાં કાંઈક ચિહ્‌ન થઈ મરણ નીપજતું. એ વિષ પોતાના પરોણાને આપવાના દારૂમાં અમીરે પોતાને હાથે મેળવી રાખ્યું.

પરોણાઓનો જમાવ થવા માંડ્યો, મહોટા મહોટા ઉમરાવો અને દરબારીઓ આવવા લાગ્યા. ઉજ્વલ સૂર્ય અને ચંદ્ર વંશના કુમારોની ઠઠ જામી; ચોહાણ અને બીજા રજપૂતો પણ અન્યોન્યનાં પરાક્રમોની વાતોએ ચઢ્યા. છેક છેલો ગુલાબસિંહ આવ્યું. જેવો તે આવ્યો અને અમીરની તરફ જવા લાગ્યો તેવો બધાએ એને માગ આપ્યો. અમીરે એને સાર્થ હાસ્યપૂર્વક આવકાર દીધો, અને ગુલાબસિંહે નીચા નમી એના કાનમાં કહ્યું કે “કપટના પાસાથી જે માણસ રમે છે તે હંમેશાં જીતી જતો નથી.” અમીરે પોતાનો હોઠ કરડ્યો પણ ગુલાબસિંહ આગળ ચાલી ગયો અને ખુશામદખોર મુખ્ય ખવાસની સાથે વાતે વળગ્યો.

“અમીર સાહેબનો વારસ કોણ છે ?” ગુલાબસિહે પૂછ્યું.

“મોસાળ તરફનો એક દૂરનો સગો. એમના પિતાનો વંશ તો એમની સાથેજ પૂરો થાય છે.”

“આ મીજબાનીમાં એ માણસ આવ્યો છે ?”

“ના, એને ને અમીર સાહેબને જરા અણબનાવ છે.”

“કાંઈ ફીકર નહિ; કાલે આવશે.”

મુખ્ય ખવાસ તો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો; પણ જમવાની તૈયારી થઈ ગઈ હતી એટલે પરોણાઓ પોતપોતાના સ્થાને બેસવા લાગ્યા. જમવાનો ઓરડો બહુ ભભકાથી શણગારવામાં આવ્યો હતો. સાંયકાલને સમયે અનુકૂલતાથી મૃદુ અને મધુર પવન સાથે અતિસ્વાદિષ્ટ ગાનનો સુવાસ વિસ્તરે એવી સર્વ યોજના કરવામાં આવી હતી. જમવાની બેઠક ચોતરફથી ખુલ્લી હોવાને લીધે ચારે બાજુએ પથરાઈ રહેલા સુંદર બાગનાં સુવૃક્ષોથી પુષ્પપરાગ બધે અજાણ્યો પણ અતિ રમ્ય રીતે વ્યાપી રહ્યો હતો. સ્વાભાવિક યોજના ઉપરાંત અત્તર, ગુલાબ, ધૂપ, આદિ કૃત્રિમ યોજનાથી જે જે થઈ શકે તેની પણ ખામી રાખી ન હતી, સુવર્ણરેખાથી વિચિત્ર શણગારેલા રૂપાના થાળ ભાતભાતનાં પકવાનથી ઉભરાઈ જતા હતા, જમતી વખતે જે વાતચીત ચાલતી હતી તે પણ સાધારણ કરતાં જુદા જ પ્રકારની હતી. અનેક વિદ્યા, કલા, ઈત્યાદિ વિષે રમુજી વાતો થવા ઉપરાંત, અન્યોન્યમાં એવા આનંદથી ટોળ ચાલતો હતો કે એ બધા વચ્ચે જ યજમાનની બહુજ શાન્ત મુખમુદ્રા — જે પ્રસંગે પ્રસંગે જાગ્રત્‌ તથા આનંદી જણાવા બહુ પ્રયત્ન કર્યા કરતી — તે વિલક્ષણ લાગતી હતી. ગુલાબસિંહ તો બધાંને પ્રિયતમ થઈ પડ્યો હતો; એની સરલ તથા મૃદુ વાતચીત અને ઉપહાસમિશ્ર આનંદ ઉપજાવવાની, કોઈને પણ દુભવે નહિ તેવી નિર્દોષ રીતિ, એના ઉચ્ચકુલ અને ગુણનું ભૂષણ હતી; અને એથીજ એ સર્વનું મન આકર્ષતો હતો. આ પ્રસંગે એના યજમાન કરતાં એની રીતિ કેવલ વિલક્ષણ હતી, ને તેથી એ બે ઉપર બધાનું બહુ લક્ષ રહેતું હતું. આવો આનંદ મચી રહ્યો છે એવામાં ચાકરે આવી ધીમેથી ગુલાબસિંહના કાનમાં ખબર કહીં કે “લાલાજી નામે કોઈ માણસ આપને બહુ અગત્યના કામસર મળવા આવ્યો છે.”

તુરતજ ગુલાબસિંહે અમીર તરફ વળી કહ્યું “સાહેબ ! મને માફ કરજો, પણ મારે જરા ઉઠવું પડશે. મારો એક મિત્ર જેને આપ છેક ન ઓળખતા હો એમ હું ધારતો નથી તેની સાથે મારે કેટલુંક બહુ અગત્યનું કામ છે ને તે અત્યારે મારે માટે ખોટી છે.”

અમીરે જરા હસ્તે વદને પણ બહુ માનથી કહ્યું “ગુલાબસિંહ ! મે એ ગૃહસ્થનું નામ સાંભળ્યું છે. લાલાજી આપણી સાથે આવી બેસે એવીજ મારી ઈચ્છા છે તો તમે એટલી મારી યાચના માન્ય રાખશો ?”

ગુલાબસિંહે કાંઈ બોલ્યા સિવાય માત્ર નમનતાઈથી ડોકું નમાવી આજ્ઞા માથે ચઢાવી, અને નોકરને કાંઈ સમજાવી પાછો મોકલ્યો. લાલાજીને માટે ગુલાબસિંહની પાસેજ થાળ ગોઠવ્યો અને આસન મંડાવ્યું. લાલાજી આવીને સર્વને રામરામ કરી બેઠો કે તુરતજ અમીરે કહ્યું “ભાઈ ! તમે આવ્યા તેથી મને બહુ સંતોષ થયો. મારા ઉપર ઉપકાર થયો. મને આશા છે કે તમારે જે કામ છે તે ખુશીના સમાચારનુંજ હશે, નહિ તો હું માંગી લઉં છું કે હાલ કાંઈ બોલતા ના.” લાલાજી આવેશમાં ને આવેશમાં બોલવા જતો હતો પણ ગુલાબસિંહે એને અટકાવ્યો અને વાત ઉડાવી, લાલાજીને કહ્યું “ફીકર નહિ, હાલ તુરત જે થાય તે જોયાં કરો, કામની વાત કામે છે.”

લાલાજી વાત સમજ્યો, અને તેથી આડી અવળી વાતો ચાલવા માંડી તે વખત ધીમેથી ગુલાબસિંહને પૂછવા લાગ્યો “ત્યારે તમે જાણોછો કે જેને તમે બચાવવાની શક્તિ ધરાવવાનું અભિમાન રાખતા હતા તે મા—”

“અત્યારે અહીંઆં છે, હા અહીંઆં છે. હું એથી વિશેષ પણ જાણું છું કે આપણું યજમાનના જમણા હાથ પર અત્યારે યમદૂત આવી બેઠો છે. પણ એનું અને એ અબલાનું ભાગ્ય આ ક્ષણથીજ કેવલ જુદું પડી ગયેલું છે; અને જે આરસીમાંથી મને તે ભાગ્યનું દર્શન થાય છે તે આરસી રુધિરમાં નહવાઈ ગયેલી છે. શાન્ત થા, તે પાપનો ઘડો કેમ ફૂટે છે તે જોયાં કર.” આ વાત થઈ રહ્યા પછી ગુલાબસિંહે ઉચ્ચ સ્વરે કહ્યું “મિત્રો ! મારા મિત્રે મને જે ખબર આપી છે તે પ્રમાણે મારે દિલ્હીથી કાલેજ જવું પડશે, માટે આજે જેટલી થાય તેટલી મઝા કરી લેવી.”

અમારે અધીરા થઈ પૂછ્યું “એવું તે શું છે ?”

“મને સંપૂર્ણ પ્રીતિથી ચહાનાર એક પરમ મિત્રનું પાસે આવતું મરણ. પણ એ વાત જવા દો; શોક કરવાથી કાંઈ વળવાનું નથી; રકાબીમાં મૂકેલાં ફૂલમાંથી કરમાઈ જતાં ફૂલોને કાઢી નાખી તે બદલ તાજા ગોઠવીએ છીએ તેવુંજ આ સંસારના સ્નેહનું છે.”

“એ તો ખરું બ્રહ્મજ્ઞાન !” અમીરે કહ્યું “મારો પણ એજ નિશ્ચય છે, गतं न शोचामि એ મારો પણ સિદ્ધાન્ત છે. આ જીવિતમાં શોક કરવા જેવું કાંઈ નથી. –હા, એક છે; જ્યારે કોઈ અપ્રતિમ કાન્તિ ઉપર આપણું દિલ લાગ્યું હોય ને તે આપણા હાથથી જાય ! એવે પ્રસંગે આપણે બધું જ્ઞાન ભેગું કરી ધીરજ રાખવી જોઈએ, ને ગાંડા થઈ ન જવું જોઈએ. કેમ ગુલાબસિંહ ! તમે શું ધારો છો ? તમે તો કદાપિ એમ ન કરો. આવો, એક પ્યાલો લો, ચાલો — જયવાન્‌ આશકને આનંદની પ્રાપ્તિ સાથેજ પરાજિત પ્રતિપક્ષીના મોહનો ભંગ થાઓ.”

“લાવો, હું એજ પ્રતિજ્ઞાપૂર્વક” ગુલાબસિંહે, પેલો વિષમય દારૂ પ્યાલામાં રેડાતો હતો તે વખતે અમીર ઉપર દૃષ્ટિ બાંધી કહ્યું “આ દારૂથી પણ તમને વચનસિદ્ધિ ઈચ્છું છું.”

ગુલાબસિંહે પ્યાલો મોઢે માંડ્યો. એની દૃષ્ટિ પોતાના ઉપર લાગેલી જોઈને યજમાન ગભરાવા લાગ્યો, પણ ગુલાબસિંહે તો પ્યાલો ચોખો કરી જમીન ઉપર મૂકતા સુધી એક નિમિષ વાર પણ પોતાની દૃષ્ટિના તાપથી અમીરને મુક્ત કર્યો નહિ. “તમારો દારૂ બહુ જૂનો જણાય છે; પણ એમાં જોશ ઝાઝો નથી. બીજાને તો એ બહુ ચઢી જાય, પણ મને કાંઈ થનાર નથી. કેમ ભાઈ” ખવાસ તરફ દૃષ્ટિ કરી બોલ્યો “તમને દ્રાક્ષની સારી પરખ છે, તમે જરા જોશો.”

ખવાસે કૃત્રિમ ગંભીરતાથી જવાબ આપ્યો “નાજી મને દારૂની ટેવજ નથી, આપના મિત્ર લાલાજીને વખતે અનુભવ હશે.”

“મારા મિત્રને પણ આ દારૂનો સ્વાદ ચખાડવાની ઈચ્છા છે ?” ગુલાબસિંહે અમીર તરફ જોઈ કહ્યું “પણ સમજવું જોઈએ કે બધાને મારી પેઠે નહિજ ચઢે એમ ન હોય.”

અમીરે ઉતાવળથી ઉત્તર વાળ્યું “ના, ના, આપની ઈચ્છા ન હોય તો, મારે લેશ પણ મરજી, આપના મિત્રને આગ્રહ કરવાની નથી.”

“ત્યારે એ દારૂ, ને આ વાત એ બન્ને હવે બદલી નાખો” ગુલાબસિંહે કહ્યું.

એટલી વાત થયા પછી ગુલાબસિંહ અધિક ઉત્સાહપૂર્ણ અને આનંદી જણાવા લાગ્યો. એના મોમાંથી જે ટોળની વાત નીકળી હતી તે કરતાં વધારે ચમત્કૃતિ કે આનંદ બીજા કોઈ સ્થલે ગમે તેવાં ગંમત કરનારાંએ પણ ભાગ્યેજ દાખવ્યાં હશે. સાંભળનાર સર્વે નજરબંદીથી બંધાયા હોય એમ એના ઉપર કુરબાન થઈ ગયા; ઉમરાવ પોતે પણ એના ઉપરજ મોહી ગયો. લાલાજી પણ એ અસરથી મુક્ત ન થયો. જ્યારે વિષયુકત મદિરાનું પાત્ર ગટગટાવી ગયો ત્યારે ગુલાબસિંહ જે વાણી વદ્યો તેથી યદ્યપિ ઉમરાવનો જીવ ગભરાઈ ગયો હતો, તથાપિ જેમ જેમ ગુલાબસિંહ વધારે ખીલતો ગયો તેમ તેમ એને પોતે પ્રયોજેલા વિષની નિશ્ચિત અસર થતી જોઈ આનંદ થતો ગયો. દારૂબાજી ચાલુજ હતી, પણ કોઇને ભાન ન હતું કે કેટલો લેવાયો. એક પછી એક બધા જેભ નજરબંદીથી ઘેરાઈ ગયા હોય તેમ ઠંડા પડી ગયા, માત્ર ગુલાબસિંહજ એક એકને માથે ચઢે તેવાં તડાકા ને વાતો ઠોકતોજ ચાલ્યો, એના શબ્દોને પણ હવે તે બધા વીણી લેતા હોય એમ એકચિત્ત થઈ એના વર્ણોચ્ચારના શ્રવણાર્થે ઊંચો શ્વાસ લેઈ એકદૃષ્ટિ થઈ રહ્યા ! આમ છતાં એના ટોળનો મર્મ કેવો ગૂઢ હતો ! કેવો કરડો હતો ! ત્યાં ભરાયેલા દારૂડીઆજ કરડાકી, અને તેમની જીંદગી જે નિર્જીવ ટાયલાંની બનેલી હોય છે તેની મશ્કરીઓથી ભરેલો હતો ! આમ ને આમ રાત પડી, દીવાનખાનામાં અંધકારનો પટ છવાવા લાગ્યો. પણ કોઈ હાલતું ન હતું. મીજબાની બહુ લાંબી ચાલી, ગંમતનો રસ જરા પણ ઉણો થયો નહિ. એવામાં સ્વચ્છ આકાશમાં ચંદ્રનો પ્રકાશ વિસ્તર્યો, અને બહારના બાગમાંનાં પુષ્પવૃક્ષ અને ફૂવારા ઉપર રૂપેરી રંગ રમવા લાગ્યો. એ પ્રસંગે ગુલાબસિંહ બોલ્યો.

“મિત્રો ! આપણા યજમાન આપણાથી કંટાળ્યા નથી એમ હું ધારૂં છું, તો એમની આ ખુબસુરત વાડીના આકર્ષણે લલચાઈ આપણે બે ઘડી વધારે ત્યાં બેશીએ તો હરકત નથી. કેમ મેહેરબાન ! તમારા રસાલામાં ગવૈયા પણ હશેજ, હોય તો પુષ્પવાસથી ઘ્રાણેન્દ્રિય આનંદ પામે તે ભેગાં કર્ણ અને હૃદય પણ રસબસ ભરાય.”

“વાહ, બહુ મઝાની વાત” ઉમરાવે કહ્યું “ખવાસ ! ગાયન થવા દે.”

આવો ઠરાવ થતાની સાથે જ બધા એકદમ ઉઠીને બાગમાં ગયા; ને એજ પ્રસંગે અત્યાર સુધી ઠાંસેલા દારૂની અસર સર્વને એકાએક માલુમ પડી; લાલચોળ વદને, ઘેરાયલાં નયને, અને લથડતે પગે સર્વે બાગમાં આવ્યા, જાણે કે અત્યાર સુધી સાચવેલા મૌનનો બદલો વાળવાનેજ હોય તેમ સર્વેની જીભ એકીવારે છૂટી ગઈ; ને આખા બાગમાં ગરબડાટ, ઘોંઘાટ, અને તોફાનની ધૂન મચી રહી. શાન્ત સુંદર રાત્રી અને તેના આશ્રયમાં કેવલ ઉચ્છૃંખલ મત્તતા એ ઉભયનો વિરોધ ભયાનક લાગતો હતો. એ બધી મંડલીમાં રાજકુમારના કુલનો વહીવંચો જે હાજર હતો તે તો ઘણોજ આનંદમાં જણાતો હતો. તે સ્વભાવે આનંદી, બુદ્ધિએ તીક્ષ્ણ, અને પ્રતિષ્ઠાએ પ્રામાણિક હતો. આ ગરબડાટ મચ્યા પછી જે ખેલ થયો, અને જેની વાતથી આખા દિલ્હી શેહેરમાં ખળભળાટ થઇ ગયો, તે બીના આ વહીવંચાએ જે લેખ પોતાના ચોપડામાં કરી રાખ્યો છે. તેને આધારે કહેવીજ ઠીક પડશે. તે લખે છે કે :—

“કદી પણ મારૂં લોહી આવું ઉકળ્યું હોય એમ મને સ્મરણ નથી. પંડ્યાની નીશાળેથી છૂટી મળતાં નાઠેલાં છોકરાંના ટોળા જેવા અમે થઈ ગયા, છ કે સાત પગથીઆંની નીસરણી ઉતરીને બાગમાં જતાં એક એકના ઉપર પડતા હતા, ગબડી જતા હતા, ગબડાવી પાડતા હતા, ને એમાં પણ કેટલાક હસતા, કેટલાક રડતા, કેટલાક લડતા, કેટલાક ગાળો દેતા. દારૂએ જાણે પ્રતિમનુષ્યની ગુપ્ત વૃત્તિ બહાર ખેંચી કાઢી હતી. કેટલાક બૂમો પાડતા હતા, ને લડતા હતા; કેટલાક પ્રેમની વાતો કરતા હતા, ને રડતા હતા; જેને અમે આજ પર્યંત મુવા જેવા ધારતા હતા તેજ ઘણામાં ઘણા આનંદે ચઢેલા હતા; જેને નિરંતર અભેદ્ય ગંભીરતાવાળા ધારતા હતા તેજ ટંટાખોર જણાતા હતા. મને સ્મરણ છે કે આ બધા તોફાનમાંથી પણ મારી દ્રષ્ટિ જ્યારે ગુલાબસિંહ ઉપર પડી ત્યારે તેની આકૃતિ મને નિરંતરના જેવીજ શાન્ત અને સર્વનો તિરસ્કાર કરતી હોય તેવી લાગી. મઝાને આ રીતે અપમાન આપનાર જોડે કાંઈક બહાનું કાઢી લઢવાની પણ અધી પર્ધી ઈચ્છા મને પેદા થઈ. મનેજ આમ લાગેલું એમ નહિ, પણ પાછળથી વાત કરતાં ઘણાએ મને એનું એજ કહેલું છે કે એને જોવાથી અમારૂં લોહી વધારે ઉકાળે ચઢતું, ને ખુશમિજાજીને બદલે ગુસ્સો પેદા થઈ આવતો. એના ઠંડા સ્મિતમાંજ કાંઈક એવું હતું કે જેથી બીજાને માનભંગ થયા જેવું લાગે ને લડવાની ઈચ્છા થાય. આ ક્ષણે ઉમરાવ અમારી પાસે આવ્યો. એના પગ પણ જમીન પર ટકતા ન હતા, એણે પણ ઠાંસવામાં બાકી રાખી ન હતી. એકદમ મારી પાસે આવી એણે મારો હાથ પોતાના હાથમાં લીધો ને મને એક બાજુએ તેડી ગયો, એને ગુલાબસિંહનો પૂરેપૂરો ચેપ લાગેલો હતો, તેથી એના જેવોજ ડોળ કરવા પોતે જતો હતો. છતાં કાંઈ ઠેકાણું હતું નહિ. એણે કેટલાંક આડા અવળાં ગપ્પાં માર્યા પછી, દિલ્હી શેહેરની ખુબસુરત અંગનાઓની વાત છેડી, અને મારી મશ્કરીઓ કરવા માંડી કે આ ગામનાં સુંદર ગુલાબ તો અમેજ ભોગવીએ છીએ, તમે શું સમજો ! આથી મારા અભિમાનમાં મને ઓછું આવ્યું, અને મેં પણ એને બે ચાર ન કહેવાની વાતો સંભળાવી. મારે કબુલ કરવું જોઈએ કે, બીજી વખતે, હું તેમ ન કરત પણ એ વેળે તો મારો મિજાજ એવો થઈ ગયો હતો કે વા સાથે પણ વઢવાનું મન થાય. ઉમરાવ મારી પાસેથી ખશ્યો કે તુરત મેં ગુલાબસિંહને મારી પાસે દીઠો.

“એણે કહ્યું ‘અમીર બોલે છે તે વાત ખોટી છે. જાણે બધી દોલત અને બધી કાન્તિનો એમણેજ ઈજારો રાખ્યો હશે ! આપણે એને ખરેખરો બનાવીશું ?’

“મેં કહ્યું ‘કેવી રીતે ?’

“અત્યારેજ એના ઘરમાં આ શેહેરની પ્રખ્યાત કિન્નર કાન્તિનો સાર મા હાજર છે. અલબત્ત તે કાંઈ ખુશીથી અહીં આવેલી નથી પણ તમે જો તેને ગાવાને મિષે અત્રે લવરાવો, તો પછી તે તમારી બે મીઠી વાતો સાંભળતાં તમારીજ થાય એમાં શક નથી.’

“આ વાત મારે ગળે ઉતરી, તેથી હું તુરત ઉમરાવની તરફ દોડ્યો. ઉમરાવ તોફાનીમાં તોફાની ટોળાની વચ્ચે ઉભો હતો મેં ગવૈયાને એકદમ બંધ પાડી દીધા ને મહોટેથી કહ્યું ‘વાહરે અમીર સાહેબ ! આતે રીત છે ! આવા નિર્માલ્ય ગાયનથી અમને ખુશી કરી પેલી રમાનું દિવ્ય ગીતામૃત તો આપ એકાન્તમાંજ પીવાના હશો ?’ આ વાત સાંભળતાની સાથે બધાએ શોર કરી મૂક્યો, અને અમીરે જે જવાબ આપવા યત્ન કર્યો તેમાંનું કાંઈ કાન પડ્યું નહિ. જરા શાન્તિ થઈ ત્યારે તેણે કહ્યું ‘કદાપિ તમો કહો છો તેમ હું કરું તો પણ આ મંડલી જે અત્યારે જેટલી કુલીન તેટલી જ તોફાની છે તેની સમીપ એ બાલા હાજર કેમ થઈ શકે ? તમે બધા એટલા ઉદાર છોજ કે સ્ત્રીપ્રતિ બલાત્કારની તો મને સલાહ આપોજ નહિ, જોકે આપણા મિત્ર ચંદના પ્રિયતમ અમારા પૂજ્ય તો અત્યારે એટલું પણ ભાન ભૂલી ગયા છે કે મારા ઉપર બલાત્કાર કરવા બેઠા છે.’ આવું સાંભળી મારૂં લોહી તપી ઉઠ્યું ને મેં પણ આવેશમાંજ એવું ટાણું માર્યું કે ‘બલાત્કાર કરવાની બાબતમાં મારે આપ જેવા નામદારનોજ દાખલો છે એટલે કાંઈ દૃષ્ટાન્ત ખોળવા જવું પડે તેમ નથી. બધું શહેર જાણે કે મા તમારા મહેલમાં ખુશીથી આવી નથી, ને તે તમારા પ્રેમને ને પૈસાને લાત મારે તેવી છે. એટલે જો તમે તેને અહીં લાવો તો તે તમારા જુલમની ફરીયાદ આ ઉદાર ગૃહસ્થોને કરે ને તેઓ તેને સહાય કરે, માટેજ તમે પાછાં પગલાં ભરોછો.’ આ પ્રમાણે સળગવા માંડ્યું તેમાં ગુલાબસિંહે ઘી હોમ્યું કે ‘ખરી વાત છે, અમીર પોતાના કેદીને અહીં લાવી શકે તેમ છે જ નહિ.’ આવી બોલાબોલી થતામાં અમે બન્ને એટલા તપી ગયા કે પોતપોતાની તરવાર ઉપર હાથ નાખવા લાગ્યા, વાત વધી પડી, મંડલીમાંના અમીર ઉમરાવો પણ જેને જેમ ફાવે તેમ એક કે બીજાનો પક્ષ કરી બૂમો પાડવા લાગ્યા. તરવારો ખેંચાઈ અને જેવો હું મારી તરવાર લઈ ઉમરાવ સામે ધસતો હતો તેવામાં જ ગુલાબસિંહે મારી તરવાર લેઈ લઈ બીજી મારા હાથમાં મૂકી, અને ઉમરાવને કહ્યું ‘તમારો પ્રતિપક્ષી તમારા પ્રપિતાની તરવાર લઈને ઉભો છે. તમે તો કાંઈ વહેમને ગણકારતા નથી, બડા બહાદુર છો, પણ તમે આપણે જે શરત કરી હતી તે ભુલી ગયા છો, માટે યાદ દેવરાવું છું.’ આટલું સાંભળતાંજ ઉમરાવના હોશ ઉડી ગયા, પણ તે હીંમત લાવી મારા ઉપર ધસ્યો. પછી જે ગરબડ મચી તેમાં શું થયું તે મને યાદ નથી; અમે કેવા ઘા કર્યા, શું થયું, કેમ થયું, કાંઈ સ્મરણ નથી, માત્ર એટલું જ સાંભરે છે કે જ્યારે શાન્તિ થઈ ત્યારે મારા પગ આગળ ઉમરાવનું શબ લોહીમાં લદબદ પડ્યું હતું, ને ગુલાબસિંહ નીચો નમી તેના કાનમાં કાંઈ કહેતો હતો. એ બનાવથી બધાની કેફ ઉતરી ગઈ, ને સર્વે અતિ શોક અને પશ્ચાતાપ કરતા વેરાઈ ગયા.

“એ પછી મેં ગુલાબસિંહને જોયો નથી. હું તો એ બનાવની હકીકત કહેવા દરબારમાં દોડી ગયો; અને પુણ્યપ્રતાપ અમરરાજ મહારાજાનો ઉપકાર માનુંછું કે તેમણે યથાર્થ વિચાર કરી મને ક્ષમા બક્ષી.”

આ ઉપરથી વાચનારના સમજવામાં બધો વૃત્તાન્ત આવશે. લાલાજીએ આ તોફાનમાં ભાગ લીધો ન હતો, તેમ તેણે પાન પણ નિયમસર કર્યું હતું. તેમાં મુખ્ય કારણ માત્ર ગુલાબસિંહની વારંવાર ધીમેથી કરેલી શિક્ષાજ હતી. જ્યારે એ બે જણા એ સ્થાનથી દીવાનખાનામાં જઈ એકલા પડ્યા ત્યારે લાલાજીએ પૂછ્યું “આ બનાવ મે શી રીતે જાણી શકયા હતા ? તમે જાતે તો કાંઈ કર્યું નહિ ?”

“જે સેનાની વિજય મેળવે છે તેણે જાતેજ લઢવું જોઈએ એમ નિયમ નથી. પણ હવે ગઈ વાત ને ગયા મનુષ્ય જોડે જવા દે. તારે જો અમારી ગુપ્ત વિદ્યાનો ખપ હોય તે મુના તટ ઉપર જે ટેકરે ભવાનીનું મંદિર છે, તેની પાસે મધ્યરાત્રીએ મળજે. મરજી હોય તો ત્યાંજ તને ગુરુ પણ ભેગા થશે. હાલ તો જા — મારે હજી અહીં કામ છે. મા અહીંજ પરાયલી છે.”

લાલાજી જતો હતો તેવામાં મુખ્ય ખવાસ જેને આવને આવતે ગુલાબસિંહે કાનમાં કાંઈ કહ્યું હતું તે આવ્યો. ગુલાબસિંહે તેને કહ્યું “ભાઈ ! તારો ધણી હવે છે નહિ; તેમ તારા નવા ધણીને તારૂં કામ નથી, કેમ કે તે સદ્‌ગુણી ને ડાહ્યો છે. તારે તારૂં સંભાળવાનું છે, હું તને જવા દઉંછું, નહિ તો તેં જે પેલો વિષમય દારૂ મને પાયો છે તે માટે હું તને અત્યારે ગરદન મરાવી શકું એમ છું. ગભરાવાનું કારણ નથી. એ દારૂથી મને કાંઈ થવાનું નથી; એટલુંજ કામ કર કે મા જ્યાં હોય ત્યાં હવે મને લેઈ જા. તારે તેનું કામ નથી, ને મારે તેની બહુ જરૂર છે — ઉતાવળ કર, મારે જવું છે.”

મનમાં કોણ જાણે શું બડબડતો ને ધ્રૂજતો ખવાસ આગળ થયો, ને ગુલાબસિંહને મા પાસે લઈ ગયો.