ચિત્રદર્શનો/કાઠિયાણીનું ગીત
← નવયૌવના | ચિત્રદર્શનો કાઠિયાણીનું ગીત ન્હાનાલાલ કવિ |
રાજવીર → |
કાઠિયાણીનું ગીત
મ્હારા સાવજશૂરા નાથ હો ! ત્હારે દેશ-કશા પરદેશ !
કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળ :
મ્હારા સાવજશૂરા.
આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીર :
મ્હારા સાવજશૂરા.
રાતે ઉઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલ :
મ્હારા સાવજશૂરા.
ઉંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહ :
મ્હારા સાવજશૂરા.
સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્હડી, મ્હારાં ઝૂલે આછાં મલીર :
મ્હારા સાવજશૂરા.
આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ;
માણકીએ ચ્હડી આવશે મ્હારો સૂરજમુખો કન્થ :
મ્હારા સાવજશૂરા.
નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ;
ધણ વાળીને વળશે મ્હરો કન્થડ જોબનવેશ :
મ્હારા સાવજશૂરા.
આભ ઝીલીને રેવત ઉભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથ :
મ્હારા સાવજશૂરા.
કસુંબલરાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઉછળે, ઢાલે ઢળકે જુદ્ધ :
મ્હારા સાવજશૂરા.
સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ,
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમ :
મ્હારા સાવજશૂરા.
ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિન્દુરે છાંટી ચુંદડી, મ્હારાં સોહે સૂરજકુળ :
મ્હારા સાવજશૂરા.
આશભરી અલબેલડી રે હીંચે હિન્ડોળાખાટ;
પિયુના પન્થ નિહાળતી કાંઈ વ્હાલમની જૂવે વાટ :
મ્હારા સાવજશૂરા.
આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના ! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાત :
મ્હારા સાવજશૂરા.