ચિત્રદર્શનો/રાજવીર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કાઠિયાણીનું ગીત ચિત્રદર્શનો
રાજવીર
ન્હાનાલાલ કવિ
શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ →
(૭)

રાજવીર

રાજ્યના સિંહાસન સમુ
ઉંચું એક શિખર હતું.
એ સિંહાસને ઈન્દ્ર શો તે ઓપતો.
પૃથ્વીને પાટલે દેવપતિ જેવો
દેદીપ્યમાન તે દીસતો.

શિખરે વનના વાઘા સજ્યા હતા,
ને સ્કન્ધે પ્રફુલ્લ સાગ મ્હોરતો.
સાગમંજરીના ચમ્મર નીચે
માનવ મુગટ શો મનમોહન,
શિખર સમોવડ અડગ ને અડોલ,
બલમૂર્તિ તે વિરાજતો.

શિખરના છત્ર સરીખડો
ટોચે શિવમન્દિરનો ઘુમ્મટ ઘેરાતો,

સૂર્યતેજમાં બાલ સૂર્ય શો
ઘુમ્મટે સુવર્ણકલશ ઝળહળતો:
અણમૂલાં જવાહીરની એવી એને શિર
કલગીની જ્યોત ઝગઝગતી.

તે એક રાજવીર હતો.
લાંબી શમશેરને અઠીંગી
આજાનબાહુ તે કીર્તિકેતુ
રાજ્યવિસ્તારને વિલોકતો ઉભો હતો.

ફરતી કુંજોમાં ઘેનુનાં ધણ ચરતાં,
ને ગોપવૃન્દ વેણુ વાતા.
શિખરનું મન્દિર ભરી
બ્રાહ્મણો વેદોચ્ચાર ગજવતા.
નીચે નગરનગરના ચોકમાં
ત્‍હેમના લોકપાવન ધ્વનિ પડતા,
ને એમ વાતાવરણ પવિત્ર થતો.
વેદવર્ચસ્‌ના વૈભવવન્તો તે
પુણ્યની પ્રતિમા જેવો પ્રકાશતો.

ત્‍હેને મહિમાવાન દેહદેશે
રાજ્યશ્રીની પ્રભા પ્રગટતી.
શેષની ફણાઓ સમોવડા
વિષદંશી ને મણિદાનેશ્વરી

કરદંડ ત્‍હેના ઝૂલતા,
પદ્મ સમું હૃદય પથરાતું.
વિશાલ અને સ્નાયુબદ્ધ
વજ્રવાળેલ દેહદુર્ગ હતો.
ત્‍હેનાં ગૌરવવન્તાં નયનોમાં
સૂર્ય ને ચન્દ્ર બેઠા હતા.
પ્રજાએ ધરાવેલા મુગટમાંથી
તારકાવલિ સમું રત્નમંડલ તગતગતું,
ને મહીંથી પ્રકાશની ધારાઓ વર્ષતી.
ગાંડીવ અને પિનાક જેવી
નમણી ભમ્મરો નમેલી હતી.
ચ્‍હડાવેલાં શર સરીખડાં
દૃષ્ટિનાં કિરણો ઝબકતાં.
અગ્નિની શિખા જેવો અધર હતો,
વિધાત્રીની પાટી જેવું લલાટ હતું.
પ્રગટતાં પ્રભાતરંગી કપોલે
તપની ઉગ્રતા, દાનની ઉદારતા,
સામન્તનું શૂરાતન, નાયકની રસિકતા,
સરલતા, દક્ષતા ને સાદાઈની
જન્મપુરાણ રેખાઓ લંબાતી.
તડકાછાયાની પેઠે વદનમાં
પ્રતાપ ને શીતળતા રમતાં.
રોમરોમમાંથી સત્યનું તેજ ભભૂકતું.

કાળી કામણ જેવા મ્યાનમાં
વીરત્વભીની સમશેર વિરામતી.
કંઈ વારી રાખેલા જેવી,
મહાસાગરની માઝાવતી
તે માનવસાગરની મુદ્રા હતી.
ત્‍હેનું ખડ્‍ગ નીકળતું
ત્ય્હારે વીજળીઓ ચમકી ર્‍હેતી :
ત્‍હેની હાકલ વાગતી ત્ય્હારે
અસુરલોકની પ્રલયગર્જના ગર્જતી.
આરસપાટ જેવો ઉજ્જવલ
ધર્મનો જાણે સ્થંભ હોય,
વડછાયા જેવો શીતલ
રક્ષાનો જાણે મંડપ હોય :
ત્‍હેવો તે ઘેરગમ્ભીર દીસતો;
આભના આધાર જેવો
ભવ્ય ને વિરાટાંશ ભસતો.
પુણ્યશ્લોક ત્‍હેનું નામ હતું.
સંગ્રામના વિજયધ્વજ સરીખડો,
મહારાજ્યની પ્રગટ કલા સમોવડો
રાજરાજવી તે વિશ્વખોળે વિલસતો.
જગતનું પ્રારબ્ધ ઘડનાર,
ભવિષ્યના ઇતિહાસ રચનાર,
પ્રજાના લાડકોડ પૂરનાર,

લાલન પાલન ને વાત્સલ્યભર
પુણ્યશાળી પાવનકારી પિતામહને
નીરખી નીરખી પૃથ્વી નમન નમતી.

પદ આગળથી ત્‍હેના ગંગા ફૂટતી
આબાલવૃદ્ધ સકલ રાજ્યલોક
બારે માસ ત્‍હેનું પાણી પીતાં.

મેઘ જેવી ભૂમિ ભીની હતી.
દેવી અન્નપૂર્ણાના અખૂટ પાત્ર સમી
ભૂમિ ધનધાન્યથી ભરચક ઉભરાતી,
ને લોકો વિધવિધની લણણી લણતા.
પૃથ્વી પ્રસન્નવદની હતી,
ને ત્‍હેના સ્મિત સરીખડી
દિશદિશમાં હરિયાલી હસતી.

ઝરણની નાળના ઘાસમાં
દીપડો લપ્પાતો હતો.
કાંઠે વાઘ ઘવાઈ પડ્યો હતો.

પાછળ સૂર્ય પ્રગટતો,
કોટી કોટી કિરણમાળે વધાવાતો.
પ્રજાહિતના અભિલાષ શી છાયા
આગળ દેશ વીંધી પડતી.
ધર્મ, સમભાવ, સહકર્મશીલતાના

તાણાવાણા વણી વણી
નાગરિકો તે છાયામાં નગર ગૂંથતા.

આકાશમાંથી વાદળ ઉતરે
ને જગત્‌ભરી પડછાયો પડે,
ત્‍હો ય ઉન્નત શિખર તેજસ્વી રહે :
એવો જગત્‌છાયાથી પર મહૌજસ્
તે રાજવીર વિરાજતો હતો.