લખાણ પર જાઓ

ચિત્રદર્શનો/શ્રાવણી અમાસ

વિકિસ્રોતમાંથી
← ચારુ વાટિકા ચિત્રદર્શનો
શ્રાવણી અમાસ
ન્હાનાલાલ કવિ
બ્રહ્મદીક્ષા →




(૧૧)

શ્રાવણી અમાસ

એક વેળા રાત્રિ પડતી હતી,
અને મ્હારાં નયનોમાં નિદ્રા ઘેરાતી.
અન્તે નયન ફરક્યું, ને પ્રવૃત્તિ પ્રજ્જવળી:
હું ઉઠ્યો, ને રાત્રિના તટ ઉપર ઉભો.

સઘળે નીરવ શમશમાકાર હતું ;
પણ મ્હારે અન્તર અનામી ઓઘ કંઈક ગર્જતા.

હું ઉભો હતો:
રાત્રિનાં જલ જોતો—ન જોતો,
અચેત શો સચેત હું
જડતાને કાંઠે ચેતન જડવત્ ઉભો હતો.

મધ્યરાત્રિ હૃદયના ભેદ ખોલતી:
શૂન્યમુખ ચિદાકાશ, મહાકાળની ગુફા સમું,
નિરવધિ, વિભુ, વિરાટ શું, વિસ્તરતું.
કાલરાત્રિના કિનારા ઉપર
સહોદર સંગે હું ઉભો હતો.
આકાશમાંથી તારા વાળી લીધા હતા,

મ્હારે એ પ્રભુતેજનાં દર્શન ન થતાં;
બહાર તેમ જ અન્તરમાં નિસ્તેજ હતું;
અન્ધકાર શ્યામળ જયધ્વજ ફરકાવતો.
ઘનદળ ત્‍હેના ઘટાટોપમાં નર્તતું.
પૃથ્વીના પ્રાણમાં જડેલી ત્‍હેમની છાયાઓ શી
કાજળકાળી ડોલન્ત પર્વતાવલિ
દૃષ્ટિ બાંધી પડી હતી.
કશું ય કાંઈ સૂઝતું નહીં.
તમરાજની સંશયભૂમિકા જેવી
શોકરાત્રિની સીમ ઉપર હું ઉભો હતો.

શૂન્યતાના તરંગ જગત ભરી તરવરતા,
મ્હને રસબોળ ભીંજવતા,
શૂન્યાત્મ કરતા.

આંખ ઉઘાડી હતી, પણ દર્શન ન્હોતાં થતાં:
કીકી દિશાભુવનોમાં દોડતી,
પણ પ્રભુનો જ્યોતિ ક્‍ય્હાંઈ જ મ્હોતો નિર્ખાતો.

અન્ધકાર અલૌકિક હતો:
યમદંડના કિરણજૂથ સમાન,
વિબુધોના આત્મામાં વસે છે એવો,
મૃત્યુની વિશાલ પાંખ સમો,
ઉંડા અમાનુષ ભેદનો પ્રકાશ શો,
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,

અન્ધકાર પણ અલૌકિક હતો.
બ્રહ્માંડ ઝીલતા એ તમસાગરને આરે
સહોદર સંગે હું ઉભો હતો.

સાગરના મહામોજ
નયન આગળ રમતા,
અમને શીકર છાંટતા,
પણ અમે એ જાણતા નહીં.

વિમાન આવ્યું, સૌ બેઠાં;
અન્ધારરાત્રિના હૃદયમાં અમે વ્હેવા માંડ્યું.

પછી ?—પછી પગ લપશ્યો કે શું ?
બન્ધુ ! તું ક્ય્હાં ગયો ?
તમ્મસાગર માનવ દૃષ્ટિને અગાધ છે:
ત્‍હેનું યે વજ્રતલ ફોડી પાર ગયો ?
ત્ય્હાં તો પ્રભુદેશ છે.

શબ્દ થયો ? પડઘો પડ્યો ?
આઘે આઘે કોકિલા શું બોલી ?
અનિલલહરીની શું પાંખ ફરૂકી ?
ધીમી ધીમી ફૂલડાં વાતો કરે છે ?
કે વીર ! ત્‍હારા બોલ શા,
પ્રભુભૂમિનાં ગીતનો મીઠડલો તે કલરવ ?
પ્રભો ! એ ક્ય્હાંનો મધુરો સિત્કાર ?