છાયાનટ/પ્રકરણ ૧૦
← પ્રકરણ ૯ | છાયાનટ પ્રકરણ ૧૦ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૧૧ → |
"બદમાશ ! ખૂન કરીને હવે શાહુકાર બનવા બેઠો છે ?’ સિપાઈએ કહ્યું.
‘ખૂન ? મેં કર્યું ?’ ગૌતમ ચમક્યો.
‘એનો હાથ બાંધ. હમણાં પંચ ક્યાસ કરી લઈએ.' બીજા સિપાઈએ કહ્યું.
‘પંચ ક્યાસ પછી કરજો. આ માણસ હજી જીવે છે; દવાખાને લઈ જાઓ.' ગૌતમે કહ્યું, અને હાથ બાંધવા આવતા સિપાઈની સામે દાંત કચકચાવી તે ઊભો રહ્યો.
કાયદાની દૃષ્ટિએ માણસના જીવ કરતાં પંચક્યાસનું કાગળિયું મહત્વનું હોય છે.
ગાડીઓ અને મોટરકાર પાંચ મિનિટ પહેલાં જોઈએ એટલી મળી શકે એમ હતું; પાંચ મિનિટમાં તો ધનવાનોની એ માયા અદૃશ્ય થઈ ગઈ. ઘવાયલા માણસને દવાખાને પહોંચાડવા માટે સેંકડોમાંથી એકે વાહન કામ લાગ્યું નહિ. ખાનગી મિલકત સમાજને જરાયે કામ લાગતી નથી - જોકે સમાજ એ ખાનગી મિલકતો ઊભી કરવા દે છે; ગરીબને જરૂર પડે ત્યારે એ મિલકત સંતાઈ જાય છે.
ગાડી આવતા સુધી પોલીસે ગૌતમને હકીકત પૂછવા માંડી. ગૌતમે કહ્યું કે તે પોતે ક્રિકેટ મૅચ જેવા આવ્યો હતો. ઘાયલ યુવક તેનો એક પરિચિત સહવિદ્યાર્થી હતો. એક મુસ્લિમે તેના દેહમાં ચપુ ખોસી દીધો. તેને પકડવા ગૌતમ દોડ્યો, પરંતુ આસપાસ ઊભાં થઈ દોડવા માંડતાં સ્ત્રીપુરુષોની ગીરદીમાં ચપુ ખોસનાર માણસ નાસી ગયો. તેને પાસેની મસ્જિદમાં ભરાઈ જતો પણ ગૌતમે જોયો; એટલે ઘાયલ યુવકની સારવાર માટે તે પાછો તંબૂમાં આવ્યો. અને તંબૂ તથા મેદાન ઝડપથી ખાલી થઈ ગયું. એથી તેણે જખમી યુવક પાસે બેસી ચપુ કાઢ્યું અને ઘા ઉપર પાટો બાંધવા મંથન કર્યું.
આ સીધી સટ વાત પોલીસે માની નહિ.
‘તમે કહો છો એ વાતનો પુરાવો શો ?' પોલીસે પૂછ્યું.
'પુરાવો ? અહીં બેઠેલા ગમે તેને પૂછી જુઓ.’ 'તે તમે અહીં રજૂ કરો.’
‘મને છુટ્ટો મૂકો તો હું પુરાવો રજૂ કરું.’
‘સાહેબ પાસે પ્રથમ તમને લેઈ જવા પડશે, પછી બીજી વાત.'
એકબે પોલીસ સાહેબો પણ ક્રિકેટ જોવા તેમ જ દેખરેખ રાખવા આવ્યા હતા. થોડી વારમાં તેઓ આવી પહોંચ્યા. જખમી બેભાન યુવકને દવાખાને મોકલ્યો અને લોહિયાળા હાથવાળા ગૌતમને શકદાર તરીકે પોલીસથાણે લેઈ ગયા.
ગૌતમને માટે આ વળી નવો અનુભવ હતો. માનવજાત પ્રત્યેની બેપરવાઈથી ઊભરાતા આ થાણામાં કેટલીયે વાર સુધી તેને બેસાડી મૂક્યો. સાહેબો, જમાદારો અને સિપાઈઓએ ચા પીધી. બીડીઓ પીધી અને ખાધી, ટોળટપ્પા કર્યા, થોડા માણસોને ધમકીઓ અપાઈ અને અંતે બે કલાકે ગૌતમને બોલાવવામાં આવ્યો.
'મિસ્તર, તમારું નામઠામ લખાવો.' ગૌતમે પોતાનું નામ અને ઠામ બંને લખાવ્યાં. ‘તમને હમણાં તો છોડી મૂકીએ છીએ, પણ હજી નક્કી કહેવાય નહિ. કદાચ સાક્ષીમાં તમને બોલાવવા પણ પડે.'
‘મને કેમ છોડી મૂકો છો ? અને પછી મારી સાહેદી શા માટે ?’
‘પેલા જખમી છોકરાએ લખાવ્યું કે મારનાર તમે ન હતા. એ એક મુસ્લિમ જ હતો. તમે તેની સારવાર જ કરતા હતા. એ જ માણસ એમ કહેતો હોય તો પછી તાત્કાલિક તમે છૂટા જ છો.’
‘એ છોકરો ભાનમાં આવ્યો ?’
'તે વગર લખાવ્યું હશે ?'
‘બચી જશે. ખરો ને ?’
‘આપણે ઓછા પરમેશ્વર છીએ !’ પોલીસ અમલદારે કહ્યું.
જગતનું સદ્ભાગ્ય છે કે હજી પોલીસ પૂરી પરમેશ્વર બની નથી !
ગૌતમ થાણાની બહાર નીકળ્યો. નવી દુનિયા જોઈને આવનાર માણસ જેમ ચકિત થાય તેમ તે ચકિત બની ગયો હતો. મારવાનો આરોપ તેને માથે ! જખમી યુવાન જાગૃત થયો ન હોત તો ? ગૌતમ જ ગુનેગાર ગણાત, નહિ ? કોઈને બચાવવું અગર ઘવાયલા માણસની સારવાર કરવી એ જોખમભરેલું તો છે જ.
સાંજ પડવા આવી હતી. રમત પાછી શરૂ થઈ ગઈ હતી - જોકે હવે જોનારમાં નહિ જેવાં માણસોએ આવવા હિંમત કરી હતી. ગૌતમે નળ ઉપર પોતાના લોહીવાળા હાથ પૂરેપૂરા ધોઈ નાખ્યા. મેદાનની આસપાસ એક ચક્કર મારી તેણે રમત જોઈ. રમતમાં તેને કશો જ રસ પડ્યો નહિ. તંબૂમાં તપાસ કરતાં તેને જણાયું કે પ્રિન્સિપાલ સાહેબ ત્યાં ન હતા. તેણે પ્રિન્સિપાલના બંગલાનો માર્ગ લીધો અને ત્યાં પહોંચી ગયો.
પ્રિન્સિપાલ સાહેબ તે જ ક્ષણે પોતાનાં પત્ની સાથે મોટરકારમાં બેસવા જતા હતા. ગૌતમે સલામ કરી તે તેમણે ઝીલી નહિ અને તેની સાથે વાત કરવાની જરા પણ ઈચ્છા દેખાડી નહિ. તેઓ સીધા કારમાં બેસી ગયા.
કારના બારણા પાસે આવી ગૌતમે કહ્યું :
‘સાહેબ હું આવી ગયો છું.’
'Yes, I have eyes to see you. But I am not interested...'[૧]
‘આપના કહેવા પ્રમાણે હું ચાર દિવસ બહાર રહ્યો...’
'I never told you, did I ?'[૨]
ખોટી વાતને ખરી લાગે એવા સ્વરૂપમાં મૂકવાની અંગ્રેજી ભાષાની શક્તિ અજબ છે. મુત્સદ્દીઓનાં ભાષણો, યુદ્ધસમયની યાદીઓ, સરકારી જાહેરાતો એ સઘળું ચોકસાઈથી વિચારાય તો આખી અંગ્રેજી ભાષાની ખૂબી સમજાઈ આવે એમ છે. સંસ્કૃત સાહિત્યકારોએ વાણીના ત્રણ અર્થ કહ્યા છે : વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગાર્થ. અંગ્રેજી ભાષા વાચ્યાર્થને ઓળખતી નથી, લક્ષ્યાર્થને હડસેલી મૂકે છે અને વ્યંગાર્થ ઉપર જ ભાર મૂકે છે. વ્યંગાર્થમાં જ રસનિષ્પત્તિ થાય છે. એ ધોરણે અંગ્રેજી ભાષા રસ આ કવિતાથી ભરપૂર છે. પરંતુ કવિતાની માફક અંગ્રેજી ભાષા સમજૂતીગ્રંથો વગર ઊકલે એમ નથી. આપણે ધારીએ નહિ એવો અર્થ એમાંથી નીકળી શકે છે - અને એ અર્થને ખોટો કહેવાની આપની હિંમત ચાલતી નથી ! પશ્ચિમ સંસ્કૃતિનું એ ભાષા સાચું પ્રતિબિંબ છે !
ખરેખર, પ્રિન્સિપાલ અને ગૌતમને એ વાત થઈ જ ન હતી ! તેના પિતા અને મિત્રોએ તેને પ્રિન્સિપાલની એવી ઈચ્છા હોવાનું કહ્યું હતું.
‘મારા પિતાએ કહ્યું કે આપની એવી ઈચ્છા હતી.'
"That might have been his views, not mine.'[૩]
‘મારા મિત્રોએ પણ કહ્યું ને ?'
'શું કહ્યું?'
‘કે ચારેક દિવસ હું બહારગામ જાઉં પછી આપ મને કૉલેજમાં દાખલ કરશો.'
'I should have considered your case if you were repentent. But now I do not think I should.'[૧]
'પણ કાંઈ કારણ ?’
'I don't Want murderers in my college. You understand? ચલાઓ ?'[૨]
ગાડીનું ભૂગળું વાગ્યું, અને તે હાલી ઊઠી. પોલીસ જેવી હૃદયહીન સત્તાએ તેને છૂટો કર્યો હતો. અને હૃદય ઘડવાને બહાને ઊભી કરાયલી કૉલેજનો સત્તાધીશ હૃદયહીનતાનો નમૂનો બની જૂઠો આરોપ પોતાના જ વિદ્યાર્થીને માથે ઓરાઢતો હતો !
કાર, શોફર, પ્રિન્સિપાલ અને તેમનાં પત્ની એ ચારેનું ખૂન કરવાની ગૌતમને તીવ્ર વૃત્તિ થઈ આવી. નાનાં નાનાં અપમાનો, નાના નાના અન્યાયો, નાની નાની તુમાખીમાં ભયાનક ગુનાઓ ઉપજાવવાની શક્તિ રહેલી છે. માનવશાસ્ત્ર ઉપર ભાષણો આપતા એ કેળવણીકારને ક્યાંથી ખબર હોય કે તે પોતાનાં વર્તન, શબ્દ અને સત્તાપ્રદર્શનથી એક લીલી કુંજાર સરખી જિંદગીને સળગાવી મૂકતો હતો !
માનવ જગતમાં આવી જીવતી ચિતાઓ કેટકેટલી સળગતી હશે ?
ગાડી પાછળ દોડવાનું ગૌતમને મન થયું ! ગાડીને ઊંચકી પછાડવાનું તેને મન થયું ! બંગલાને સળગાવી દેવાની પણ તેને ઈચ્છા થઈ આવી!
પરંતુ એ અશક્તનો રોષ હતો ! પોતાની જાત સિવાય તે કોઈનેય બાળે કે પછાડે એ અસંભવિત હતું ! કાર તો ક્યારનીયે તેની નજર આગળથી ચાલી ગઈ હતી.
ગૌતમનું માનસ શૂન્ય બની ગયું. તેણે અત્યારે ક્યાં જવું ? એકબે રાત હોસ્ટેલમાં જૂનાં ઓળખાણને જોરે છુપાઈને કદાચ રહી શકે. પરંતુ
પછી ?
તેના પગ વગર સૂચને ધીમે ધીમે ચાલવા માંડ્યા. પ્રિન્સિપાલ સાહેબના બગીચામાં ઊગેલાં અનેક પુષ્પોમાંથી એક પુષ્પ તેના હાથે વગર ઉદ્દેશે તોડ્યું.
‘ફૂલ કેમ તોડી લો છો ? કહ્યા વગર ?’ ગૌતમે એક ઝીણો સ્ત્રીસાદ સાંભળ્યો. તેણે પાછળ જોયું. અંગ્રેજી અને ગુજરાતી સફાઈના મિશ્રણ સરખી એક કિશોરીનો એ સાદ હતો. પ્રિન્સિપાલની તે દીકરી હતી.
એક બાજુએથી જબરજરત કૂતરો ભસી રહ્યો !
ધનવાનો-સત્તાવાનો પાછા ફાડી ખાનારા કૂતરાઓને પણ બંગલામાં રાખે છે ! નિષ્ઠુર સ્વભાવ, તોછડાઈભર્યું વર્તન, એકલપેટાપણું અને સ્વસંતોષના કિલ્લાઓ જાણે તેમને ઓછા પડતા હોય તેમ તે હિંસક કૂતરાઓનો પણ કિલ્લો બાંધી ચોર, ભિખારી, રખડેલ અને અજાણ્યા કે અણગમતા માનવીઓને દૂર કરવાના ચક્રવ્યુહ રચ્યે જ જાય છે !
હિંદમાં ચોર કોણ ? ભિખારી કોણ ?
ભવિષ્યમાં કોઈ અર્થશાસ્ત્રી એમ નહિ કહે કે પચાસ રૂપિયાની વાર્ષિક આવકવાળા હિંદના નાગરિકોમાંથી જેમણે એથી વધારે રકમ મેળવી હોય તે બધા જ ચોર છે ? જે ચોર નહિ તે ભિખારી ! હિંદમાં બે જ વર્ગોં દેખાય છે !
ગૌતમે ફૂલ પાછું ફેંકયું અને કૂતરો આવી કરડે તે પહેલાં તેણે પ્રિન્સિપાલ સાહેબનો દરવાજો ઓળંગ્યો.
પરંતુ પ્રિન્સિપાલ સાહેબની કાર પાછી કેમ આવતી હતી ?
અંદર બેસનારનાં મુખ ઉપર ગભરાટ હતો ? કે ગૌતમનો એ ભ્રમ?
ગૌતમ આગળ ગયો. કોઈ દોડતા આવતા માણસે કહ્યું :
‘ભાગી જા ભાગી જા ! શહેરમાં ભારે હુલ્લડ મચ્યું છે !’
હુલ્લડ થાય એટલે ભાગવું એ ગુજરાતનો પરમ ધર્મ છે !
ક્રિકેટ મૅચમાં ગૌતમને એ ધર્મપાલનનો સાચો અનુભવ થયો હતો. તેણે હૃદયને મજબૂત બનાવ્યું - અલબત્ત, પહેલો વિચાર તો તેને પણ એ જ આવ્યો કે ટૂંકે રસ્તે હોસ્ટેલમાં ચાલ્યા જવું.
પિતાએ આપેલા પચીસ રૂપિયા તેના ખિસ્સામાં હતા. હવે કૉલેજમાં તેને સ્થાન ન હતું એટલે હૉસ્ટેલમાં પણ ગૌતમ ન હોય એ સ્વાભાવિક ગણાય. તેનાં પુસ્તકો અને કપડાં ઓરડીમાં જ પડ્યાં હતાં; એટલા પૂરતો તેને ત્યાં જવાનો હક્ક હતો. પરંતુ હોસ્ટેલ નિરીક્ષક તેને તત્કાળ ચાલ્યા જવાની પણ સૂચના આપી શકે. વિનંતી કરીને એકાદ રાત તે રહી શકે. પરંતુ પછી ?
અભ્યાસ બંધ !
રહેવાનું સ્થાન નહિ !
પચીસ રૂપિયા પૂરા થતાં કમાણીની શોધ !
અને દેશની સ્વતંત્રતા માટેનો પ્રયત્ન તો બંધ રખાય જ કેમ ?
શું એને માટે નવી સાહસ સૃષ્ટિ તો ઊભી થતી ન હતી ?
તે આગળ ને આગળ શહેર બાજુએ ચાલ્યો જતો હતો. લોકો નાસતા દોડતા સંતાતા હતા તેનું એણે ભાન પણ ગુમાવ્યું હતું. પાછા જવાની, સંતાવાની ચારેપાસ થતી સૂચનાઓ સાંભળ્યા છતાં તેને તે સંભળાતી ન હતી. વસ્તીવાળા ભાગમાં આવતાં જ અંધારું થઈ ગયું અને દીવાઓ પ્રગટી નીકળ્યા.
એકાએક તેનો હાથ કોઈએ ખેંચ્યો. ગૌતમ ચોંકી ઊઠ્યો. નજર ફેરવતાં તેણે પોતાના મિત્ર દીનાનાથને ઓળખ્યો.
‘ક્યાં ફરે છે તું ? આખા શહેરમાં તને શોધી વળ્યો !’ દીનાનાથે કહ્યું.
‘શા માટે ?’
'જખ મારવા...'
એક કરુણ ચીસ સંભળાઈ, દોડી જતાં માનવીઓમાંનો એક જમીન ઉપર રુધિર વહતો તૂટી પડ્યો ! ‘ઓ રામ !' પડતા માનવીએ ચીસ પાછળ ઉચ્ચાર કર્યો.
એક બીજો માનવી ઝડપથી ભાગતો હતો ! એ ભાગતા માનવીની પીઠ ઉપર પણ છરો ભોંકાયો.
‘મારનાર તો ભાગ્યો છે, પણ તું તો લેતો જા !’
એ શબ્દો સંભળાયા અને તેની સાથે જ ઘવાયલા બીજા માનવીએ ચીસ પાડી.
‘યા અલ્લા !'
લોકો વધારે ઝડપથી દોડવા માંડ્યા. ‘એ રામ !' અને ‘યા અલ્લા !’ની બૂમ સાથે હિંદુ અને એક મુસ્લિમ નિદાન મૃત્યુઐક્ય અનુભવતા સાથે જ જમીન ઉપર સૂતા બંનેનો દોષ શો ? એક હિંદુ હતો તે દોષ ! બીજો મુસલમાન હતો તે દોષ !
મારનાર ભાગી ગયા. જોનાર એથી પણ વધારે ઝડપ રાખી ભાગ્યા. ગૌતમ આગળ ધસ્યો અને ખમચ્યો. દીનાનાથ જોડે જ હતો.
'કેમ ઊભો રહ્યો ?’ દીનાનાથે પૂછ્યું.
‘જખમીની સારવાર કરવા જતાં હું આજ એક વખત તો ખૂની ગણાઈ ગયો. ફરી એ મૂર્ખાઈ કરવી કે કેમ ?’ ગૌતમે કહ્યું.
‘કોણ એવું કહે છે ?’
‘આપણા પ્રિન્સિપાલ સાહેબ - પોલીસને બાજુએ રાખીએ તો.'
‘અરે, પણ પેલા ચન્દ્રકાન્તનું ‘ડાઈંગ ડેકલેરેશન[૧]' તને ઊની આંચ પણ આવવા દેવાનું નથી.’
ક્રિકેટ મૅચમાં જખમી થનાર વિદ્યાથીનું નામ ચંદ્રકાન્ત હતું.
'ચંદ્રકાન્તનું શું થયું?'
‘ગુજરી ગયો. બિચારો !’
‘એમ ?’
‘ઘા તો જીવલેણ ન હતો, પરંતુ એને લાગેલો Shock[૨] જીવલેણ નીવડ્યો.'
‘ઘા અને આઘાત બે જુદા પડે ખરા કે ?’
‘ડૉક્ટરે એવું નિવેદન કર્યું અને એમાંથી જ તોફાન વધ્યું.’
‘કેવી રીતે ?’
‘ચન્દ્રકાન્તના પિતાએ આમ કહેનાર ડૉક્ટરને જ ઘાયલ કર્યા.’
'પછી?'
‘એનું મગજ ખસી ગયું, અને મુસ્લિમોને દેખે ત્યાંથી મરવા લાગ્યા. એમાંથી આખા શહેરમાં તોફાન ફેલાયું છે. તને શોધવામાં અમે છયે જણ અહીં ફસાઈ ગયાં છીએ.'
'ક્યાં?'
‘મિત્રોના ઘરમાં. તને ત્યાં લેઈ જવાનો છે.'
‘આમ ઘરમાં બેસી રહેવાનું છે ?’
‘ત્યારે બીજું શું થાય ? રહીમ આપણી સાથે જ છે, અને આ મહોલ્લો હિંદુઓનો છે.' ધીમે રહી દીનાનાથે કહ્યું.
કૉલેજના દોઢસો બિરાદરો સાચા બિરાદરો બન્યા હોત તો ! આજ એ આખું ટોળું બહાર નીકળી હિંદુમુસલમાનોની ઘેલછાને દાબી શકત.
પરંતુ કોઈ સક્રિય કાર્યક્રમ વિદ્યાર્થીઓને ફાવતો જ નથી. સારામાં સારા મિત્રો ફરી ગયા ! ચારપાંચ પોલીસના સિપાઈઓએ દોડતા આવી ગૌતમના વિચારપ્રવાહને અટકાવ્યો.
‘ભાગી જાઓ અહીંથી ! કેમ રખડો છો ?’ એક સિપાઈએ કહ્યું.
‘પોલીસ હોય ત્યાં બીક કેવી ? અમે શા માટે ભાગીએ ?’
‘અરે ! પોલીસની તે જિંદગી છે ? આમથી ઉપરીઓ હેરાન કરે અને આામથી લોકો ! અને પગારમાં આપવાનું શું ? ઘણે ભાગે તો દંડ !’ એક સિપાઈ બબડી ઊઠ્યો.
‘અરે જાઓ ને ભાઈ ! અમારું લાગ્યું અમે ભોગવીશું. પાછળ એક મોટું ટોળું આવે છે.’ બીજા સિપાઈએ કહ્યું.
દૂરથી કોલાહલ સંભળાતો હતો.
‘કોનું ટોળું છે ? હિંદુઓનું કે મુસલમાનોનું ?' દીનાનાથે પૂછ્યું.
‘અરે જેનું હશે તેનું; બંને સરખા છે ! જાઓ, સંતાઈ જાઓ.'
દીનાનાથે ગૌતમને દોર્યો. એક મોટા મકાનને ઓટલે ચઢી દીનાનાથે બારણું ખખડાવ્યું. બારણું ઊઘડતાં જરા વાર લાગી અને ટોળાનો શોર તદ્દન નજીક આવી લાગ્યો. લાઠી ધારણ કરેલા પચીસેક માણસો ‘મારો, મારો’ની બૂમ પાડતા ધસી આવતા હતા. પોલીસના પાંચેય માણસો અદૃશ્ય થઈ ગયા. મૃતદેહની પીઠમાં વાગેલા છરા હિંદુ-મુસ્લિમ ખાનદાનીના નમૂના સરખા હજી બંને દેહમાં ખોસાયલા જ હતા. ઝડપથી બારણું ઊઘડ્યું અને ટોળું પાસે આવે તે પહેલાં દીનાનાથ અને ગૌતમ ઘરમાં દાખલ થઈ ગયા. રહીમ, અરવિંદ શરદ, નાગેન્દ્ર અને નીશા તેની રાહ જોઈને જ ઊભાં હતાં. બારણું ઊઘડ્યું તેવું શરદે બંધ કરી દીધું.
‘તારી રાહ જોઈને થાકી ગયા !’ શરદે કહ્યું.
'તને મોટરકારમાં ફરતાં પણ થાક લાગે છે ?’ ગૌતમે હસીને, છતાં કટાક્ષમાં પૂછ્યું.
‘અરે પણ અમારા તંબૂમાં કેમ ન આવ્યો ?' રહીમે પૂછ્યું.
‘હું ક્યાં રમતમાં હતો ?’ ગૌતમે કહ્યું.
‘પણ અમે તો હતા. ને ? અમારી સાથે બેઠો હોત તો આજની મુશ્કેલીમાંથી તું ઊગરી જાત !' અરવિંદે કહ્યું.
‘તમારી સાથે હું ત્યારે બેસત કે જ્યારે તમે મારા વગર આ રમત રમ્યા ન હોત !'
'તે શું તને કૉલેજમાં દાખલ થવાની ના પાડી ?’ ‘ચોખ્ખી ના ! પણ મને તેની દરકાર નથી. મેં તો કહ્યું જ હતું ને કે એવા પ્રિન્સિપાલના હાથ નીચે ભણતા સ્વર્ગ મળતું હોય તોય હું ન ભણું!'
‘હજી કાલ ક્યાં ગઈ છે ? ચાલ, ચા પી લેઈએ. અજાણી જગાએ મહેમાન થયા છીએ એ નિશાનો પ્રતાપ !’ શરદે કહ્યું.
એટલામાં બારણાં ઉપર પથરા ફેંકાવા લાગ્યા અને લાકડીઓના પ્રહાર પડવા લાગ્યા. કોલાહલમાં એટલું સમજાયું :
‘અહીં સંતાડ્યો છે ! મુસલમાન છે ! કાઢો બહાર !’
સહુના દેહમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. શું રહીમની ખબર ટોળાને પડી ગઈ હતી ? અંગ્રેજી ઢબના કપડાંમાં સજ્જ રહેતો રહીમ ભાગ્યે જ પોશાક ઉપરથી મુસલમાન જેવો લાગતો હતો !
અંદરના ઓરડામાંથી ઘરના માલિક, માલિકનાં પત્ની અને તેમની દીકરી મિત્રા ઉતાવળાં ઉતાવળાં આવી પહોંચ્યાં. ત્રણેમાં વધારે ગભરાટ ઘરમાલિકના મુખ પર હતો. સટ્ટામાં અકસ્માત ધન મેળવી તેને સાચવી રાખી એ ધન ઉપર પ્રતિષ્ઠિત ગણાતા એ ગૃહસ્થ સુધરાઈમાં સભ્ય હતા. મનનું કે તનનું જરા પણ શોષણ ન થાય એવાં કેટકેટલાં સ્થાનો અંગ્રેજી રાજઅમલમાં હિંદીઓ માટે સ્થપાયાં છે ! સહજ ધનનો ખર્ચ કરતાં એમાં પ્રતિષ્ઠા મળે છે. પરવારતા ધનિક બાબરાઓ માટે સુધરાઈ, પંચાયત, ગ્રામોદ્ધાર, જે. પી. કેળવણી બૉર્ડ, ઉદ્યોગબૉર્ડ, યુદ્ધસહાય, સંકટનિવારણ, અનાથયોજના, ભિખારીત્રાસમુક્તિ સફાઈમંડળ જેવા ચઢઊતર કરનારના કૈંક વાંસ આપણા દેશમાં સ્થળે સ્થળે ઊભા કરવામાં આવ્યા છે. એમાંના એકબે વાંસ ઉપર શેઠ ભગવાનદાસ વર્ષોથી ચઢઊતર કરતા હતા. ગાંધીજી સ્ટેશને આવે ત્યારે ખાદીનાં ટોપી-કપડાં પહેરી હાથકાંતણના તારનાં ભરાવદાર ગૂંછળાં હાર તરીકે આપવાને તત્પર રહેતા આ ગૃહસ્થ, ગર્વનર કે કલેક્ટરની અવરજવર વખતે પરદેશી તારદોરા અને કસબવાળા સુગંધિત દેશી પુષ્પોના ગુચ્છ લેઈ કડકડતા પરદેશી વસ્ત્રોમાં બરાબર હાજર રહી શકતા હતા. ગાંધીવાદી નેતાઓને ચા પીવા બોલાવી બ્રિટિશ રાજ્યઅમલની વગોવણી કરવાનું તેઓ ચૂકતા નહિ. તે સાથે કલેક્ટર કે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મળતાં ગાંધીવાદીઓની બેવકૂફી અને ચાલચલગત વિરુદ્ધની કંઈક વાતો તેઓ ખુલ્લી કરી આપતા હતા. કૉન્ગ્રેસનું જોર હોય ત્યારે કૉન્ગ્રેસની બાજુએથી પોતાની ઉમેદવારી નોંધાવતા; તેમ ન હોય તો સ્વતંત્ર ઉમેદવાર બની સરકાર તથા કૉન્ગ્રેસ એ બંનેને ખાતરી આપતા કે તેમની વફાદારીમાં વાંધો આવવાનો નથી.
આ પ્રતિષ્ઠિત ગૃહસ્થને ઘેર અચાનક ગૌતમને શોધવા નીકળેલા મિત્રો આવી પહોંચ્યા. મિત્રા અને નિશા એક જ વર્ગમાં હતાં અને તેમની વચ્ચે મૈત્રી પણ હતી. શરદની મોટી કારમાં નીકળેલા એ સમૂહને મિત્રાએ ચાનું આમંત્રણ આપ્યું હતું એટલે ગૌતમ ન મળતાં એ સર્વ સંધ્યાકાળે મિત્રા પાસે આવ્યા. રસ્તામાં જ તોફાન શહેરવ્યાપી બન્યાની ખબર પડી અને આ હિંદુ લત્તો હોવાથી ભગવાનદાસ જેવા જાણીતા ગૃહસ્થનું ઘર રહીમ માટે પણ તાત્કાલિક સલામતીભર્યું નીવડશે એ કારણ ત્યાં આવવામાં હતું જ.
ગૌતમની ભાળ કાઢવા માટે દીનાનાથ વિશાળ ઓટલા ઉપર ઊભો જ રહ્યો હતો. ગૌતમને જોતાં બરોબર તેણે સહુને ખબર આપી અને તેને ખેંચી લાવવા દીનાનાથ ઘર બહાર નીકળ્યો.
પરંતુ ટોળાને કોઈ પણ કારણે ખબર પડી કે ભગવાનદાસે મુસલમાનને આશ્રય આપ્યો છે, એટલે ટોળું તેમનાં બારણાં તોડી નાખવા પ્રવૃત્ત થયું હતું. શેઠના માણસો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તેની શેઠને ખબર ન પડે !
સહુથી વધારે ગભરાયેલા ભગવાનદાસે કહ્યું : ‘જો બેટા મિત્રા ! તું, તારી મા અને નિશા આગળ થાઓ, અને બારણાં ઉઘાડી ટોળાના લોકોને કહો કે કોઈ મુસલમાન આપણા ઘરમાં નથી.’
'આપ જ કહો તો વધારે વજન પડશે.’ અરવિંદે કહ્યું.
‘ટોળાનું ભલું પૂછવું ! પુરુષને દેખે એટલે એ ગમે તે કરે, બૈરાને કોઈ હરકત નહિ કરે. એટલે હું કહું છું તેમ જ કરો.' શેઠે ગભરાટ વધારીને કહ્યું.
‘એમ કરતા પહેલાં રહીમને સંતાડી દઈએ. આવડા મોટા ઘરમાં જગા મળી રહેશે.’ મિત્રાએ કહ્યું.
‘એટલો વખત નથી. બારણાં તૂટશે. હમણાં...ઓ... મૂર્ખી ! ઝડપ કર, નહિ તો મારે રહીમને સોંપી દેવો પડશે.'
‘એના કરતાં તો હું પોતે જ જાહેર થઈ જાઉં. મને ડર નથી.' રહીમે કહ્યું.
એકદમ બારણું તૂટ્યું અને ઓટલા ઉપર પચીસેક લાઠીધારીઓ ધસી આવ્યા.
ગૌતમ, દીનાનાથ, અરવિંદ અને રહીમ આગળ ધસી આવ્યા. તેમની પાછળ શરદ અને નાગેન્દ્ર ઊભા રહ્યા. નિશા, મિત્રા અને તેની માતા પાછળ ઊભાં. ભગવાનદાસ ઘરમાં જડે નહિ એમ અલોપ થઈ ગયા. તેમનો એવો મત હતો કે સ્ત્રી, પુત્રી, ઘર એ સઘળું આ તોફાનમાં ભસ્મ થાય તોપણ તેમનું જીવન તો અખંડિત રહેવું જ જોઈએ ! કારણ તેઓ જીવતા હોય તો તેમના ભસ્મ થયેલા જગત ઉપર તેઓ નવીન જગત નવેસર સર્જી શકે એમ હતું; પરંતુ તેમને કાંઈ થાય તો ?'
નિશાએ બેત્રણ લાકડીઓ પોતાના હાથમાં લઈ શરદને આપી જે એણે આગલી હારમાં ઊભેલા મિત્રો તરફ રવાના કરી.
‘કેમ ? શું તોફાન લાવ્યા છો ?’ ગૌતમે કહ્યું. ગાડીમાં કરેલી સફળ મારામારી તેને યાદ આવી, અને તેનો જુસ્સો વેગવાન બન્યો.
‘અરે કેમવાળા ! મુસલમાનોને સંતાડે છે અને પાછો મિજાજ કરે છે?’ ટોળાના એક આગેવાને કહ્યું. સહુનાં મુખ ઉગ્ર, વ્યગ્ર અને ઘેલછાભર્યાં બની ગયાં હતાં.
‘અહીં કોઈ જ મુસલમાન નથી.' દીનાનાથે કહ્યું.
‘અને હશે તોય તેને સોંપવાનો નથી.' ગૌતમે કહ્યું.
‘કર એને જ પૂરો ! પછી બીજી વાત !’ કહી એક જણે લાઠીનો ફટકો માર્યો. બારણાના ઉપલા ભાગમાં લાઠી વાગી અને બચી ગયેલા ગૌતમે બારણાની બહાર ધસી ધક્કો મારી લાઠીધારીને ઓટલેથી નીચે ફેંક્યો. બીજી લાઠીઓ ઊછળી, પરંતુ સાંકડું બારણું ઉપયોગી નીવડ્યું અને દીનાનાથે પોતાના કસરતી દેહનો ઉપયોગ કરી બેત્રણ જણને ઓટલેથી નીચે ગબડાવી પાડ્યા. અરવિંદ અને રહીમ પણ પોતાની લાકડીઓનો ઉપયોગ કરી ટોળા ઉપર તૂટી પડ્યા.
આખું ટોળું ઓટલા નીચે ઊતરી ગયું. સામનો થતાં રાક્ષસો પણ ડરે છે. અને ટોળામાં ભેગા થયેલા માનવીઓમાં ઝનૂન અને ઘેલછા સિવાય બીજું કશું બળ કે બીજી આવડત ન હતાં.
‘હવે ઘર બાળ્યા વગર છૂટકો નથી. લાવો કાકડા !’ ટોળામાંથી કોઈએ કહ્યું.
ટોળામાંથી ગમે તેમ પથ્થરો પણ આવવા લાગ્યા. સહુને થોડા વધતા વાગ્યા અને ઓટલા ઉપર મૂકેલાં ફૂલનાં કુંડાં મિત્રોએ ટોળા ઉપર વેગથી ફેંકવા માંડ્યા.
ટોળું ચકલાં ઊડે એમ વીખરાઈ ગયું. રાત ઘાડી થતી હતી. જરા દૂર કમ્પાઉન્ડની દીવાલને અઢેલીને એક પુષ્ટ પુરુષ ઊભો હતો. તે આછું આછું હસતો હતો. તેની બાજુમાં ત્રણેક માણસો લાઠી લેઈ ઊભા હતા. એમાંથી કોઈએ હજી સુધી ટોળાનાં કાર્યમાં કશો ભાગ લીધો ન હતો.
‘અરે, પેલો ગૌતમ છે, નહિ ?' પુષ્ટ માણસે કહ્યું. ‘હા, હા, હું ગૌતમ છું. શું છે ?’ ગૌતમને લાગ્યું કે આ માણસને તેણે જોયો હશે.
‘તારાં કૂંડાં પૂરાં થયાં. હવે લાકડી વગર કશું તારી પાસે નથી. વગર આવડતે પણ ગુંડાગીરી શું કરે છે તે જોયું ?’
‘કીસન પહેલવાન છે કે ?’ ગૌતમે કહ્યું.
‘હા. તું છે એટલે હવે કશું આગળ નહિ થાય. નહિ તો આ ઘર અત્યારે બળીને ખાખ થઈ જાત.'
‘પણ કાંઈ કારણ ?’
‘કારણ તારા કરતાં શેઠ વધારે સારી રીતે સમજશે.' કહેતાં કીસન પહેલવાન આવ્યો. તેની પાછળ ફરી ભેગા મળી આવતા ટોળાને તેણે લાઠી ઊંચી કરી રોક્યું અને કહ્યું :
‘અરે, પાછા જાઓ મૂર્ખાઓ ! અહીં ક્યાં મુસલમાન તમને જડ્યો ? આ છોકરો જુઠું બોલે એવો નથી. આગળ વધો અને જય કીસનદાસનું ઘર જુઓ !’
‘આ શું તોફાન માંડ્યું છે ? નાહકનાં ખૂન થાય છે ! જરા અટકાવો.' ગૌતમે કહ્યું.
‘બેત્રણ દિવસમાં બધું શમી જશે. ચાલો, તમારે કોઈને જવું છે ? પહોંચાડી દઉં.' કીસને કહ્યું.
‘હા, અમારે હૉસ્ટેલમાં જવું છે.’ અરવિંદે કહ્યું.
‘ચા પીઈને જાઓ.’ મિત્રાએ કહ્યું.
‘આમંત્રણ મને પણ ખરું કે નહિ ?' કીસને આમંત્રણ માગી લીધું.
‘સહુની ખાતરી થઈ ગઈ હતી કે કીસન તોફાનીઓનો સરદાર હતો. અને તેના તથા ગૌતમના પરિચયને લીધે આ ઘર બળતું રહી ગયું. કીસનને ના પડાય એમ ન હતું, છતાં તે આવ્યો નહિ. એકલે માણસોને બહાર બેસાડી તે ચાલ્યો ગયો.
સહુ અંદર ગયા. મિત્રાએ તથા નિશાએ ચા તૈયાર કરી સહુને આપી.
‘પણ શેઠસાહેબ ક્યાં છે ?’ શરદે પૂછ્યું.
‘એ તો ગભરાઈ ગયા લાગે છે.’ મિત્રાએ કહ્યું.
‘અહીં બોલાવો ને ?’ દીનાનાથે કહ્યું.
મિત્રાએ અંદર જઈ પોતાના પિતાને બોલાવ્યા. તેઓ એવી જગાએ સંતાયા હતા કે જ્યાંથી બહાર બનતા બનાવો તેમને સમજાય અને છતાં તેઓ સલામત રહે. પરંતુ તેમણે જ્યારે ઘરને આગ લગાડવાનો પ્રસંગ આવતો જોયો ત્યારે સંતાવું પણ તેમને માટે સલામત ન હતું. બેબાકળા શેઠે જ્યારે સાંભળ્યું કે ગૌતમના પરિચયે ઘર બચે છે, ત્યારે તેમને પુત્રીની ઉદારતા માટે સદ્દભાવ થયો.
તેમણે આવી ચામાં ભાગ લીધો. સહુને રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ બહાર ફરતી પોલીસ, કીસને મૂકેલાં બે માણસો અને શરદની કારથી મળતી સગવડનો સહુને મળતો લાભ જોયો ત્યારે તેમણે પોતાનો આગ્રહ ઓછો કર્યો.
સહુ જવા માટે તૈયાર થયા. દીનાનાથે પૂછ્યું :
'ગૌતમ, તું હૉસ્ટેલમાં જાય છે ને ?'
‘શી રીતે ? મને તો કાઢી મૂક્યો છે.' ગૌતમે કહ્યું.
‘હરકત નહિ. મારા મહેમાન તરીકે રહેજે.' અરવિંદે કહ્યું.
‘અગર મારે ઘેર ચાલ.' રહીમે કહ્યું.
'ત્યાં પાછા મુસ્લિમો મને ખોળતા આવે ત્યારે ? હું તો ગમે ત્યાં જઈશ.'
‘અરે, એમ તે હોય ? મારું ઘર ક્યાં નથી ? ગૌતમ, તમે હમણાં મારે ઘેર જ રહો.' ભગવાનદાસે ભારપૂર્વક આગ્રહ કર્યો. તેમને લાગ્યું કે ગૌતમને આ તોફાનના સમયમાં પોતાની પાસે રાખવામાં જ સારું છે.
‘ના જી. આપના ઘરનો હું પરિચિત નહિ. આપને મૂંઝવણમાં હું શા માટે નાખું ?’ ગૌતમે કહ્યું.
‘નિશાને પણ અહીં જ રાખીએ. એ તો તમારી પરિચિત ખરી ને ?’ મિત્રાએ પૂછ્યું.
‘એને ઘેર ઊંચો જીવ થશે ને ?’ શરદ બોલ્યો. કારમાં નિશા ઘણુંખરું શરદની સાથે જ આગલી બેઠક ઉપર બેસતી. શરદ પોતાની કાર જાતે જ ચલાવતો હતો.
‘હું અહીંથી ફોનમાં કહાવી દઉં.' ભગવાનદાસે કહ્યું.
ગૌતમને આ મિત્રો સિવાય બીજે ક્યાંય જવાની સગવડ હતી જ નહિ. રહીમ પોતાને ઘેર રહેતો, શરદ પણ પોતાના ધનવાન પિતાને ઘેર રહેતો, નિશા માટે કાંઈ હોંસ્ટેલ ન હતી. એ ત્રણેને ત્યાં ગૌતમને જવાની ઈચ્છા ન જ હોય. હૉસ્ટેલમાં રહેતા અન્ય મિત્રોની સાથે એકાદ રાત ગાળવામાં પણ પ્રિન્સિપાલની મહેરબાની ઉઠાવવી પડે એમ હતું. ગૌતમને પ્રિન્સિપાલ તથા તેના તંત્ર પ્રમાણે ચાલતી સંસ્થા ઉપર એટલો તિરસ્કાર આવી ગયો હતો કે તેણે બીજે ક્યાંય ન જતાં ભગવાનદાસના આમંત્રણને સ્વીકારી લીધું.
નિશા રહેવાની હતી એટલે તેને બહુ અજાણ્યું લાગે એમ ન હતું. ભગવાનદાસને તો ગૌતમની હાજરીમાં મહાન સલામતી જડી. મિત્રાને અણધાર્યો આનંદ થયો. રૂપાળા, રઢિયાળા અને છેલબટાઉ વિદ્યાર્થીઓનાં ઝોલાંને તિરસ્કારતી મિત્રા ગૌતમની મહેમાનગીરીમાં આનંદ માની રહી હતી.
ગૌતમના માથામાં સહજ વાગ્યું હતું તેની ખબર પણ નિશાને મોડી પડી. ગાલની ઉપરના ભાગમાં ડાઘ ઊપસી આવતો હતો. ગૌતમને પોતાને પણ તેની ખબર ન હતી.
'ગૌતમ, વાગ્યું શું ?' નિશાએ પૂછ્યું.
‘ખબર નથી.’
‘જો તો ખરો.'
ગૌતમે પોતાના ગાલ ઉપર હાથ ફેરવ્યો. એક સ્થળે તેને દુ:ખનો અનુભવ થયો.
‘સહજ પથ્થર વાગ્યો લાગે છે; મટી જશે.’ ગૌતમે કહ્યું.
‘હું ક્રીમ લઈ આવું. તમે ચોપડી લો.’ મિત્રાએ કહ્યું.
ગરીબીમાં ઊછરેલા - ગરીબીને વિદ્યાર્થી તરીકે આગ્રહપૂર્વક પકડી રહેલા સમાજવાદી ગૌતમને ક્રીમમાં દુ:ખનો ઈલાજ દેખાયો નહિ.
ક્રીમની સુંદર શીશી મિત્રા લઈ આવી.
ક્રીમ કેટલી લઈને ચોપડવી તેનો ગૌતમને ખ્યાલ ન હતો. શીશી ઉઘાડી કંજૂસની માફક આંગળી અરાડી તેણે ગાલે ચોપડી. ક્રીમની સુંવાળાશ અને સુવાસ આકર્ષક હતાં - સિનેમાની નટીઓ સરખાં. ગૌતમને સૌંદર્ય, સુંવાળાશ, સુવાસ પ્રત્યે ભારે અણગમો હતો. કૉલેજની લાડતી છોકરીઓ તરફ નજર કરવાને બદલે ભારો ઊંચકી લાવતી મજૂરણ તરફ નજર કરવી એ તેને વધારે ગમતું. સરસમાં સરસ ક્રીમ પ્રત્યે તેણે જરાય ઉત્સાહ દશાવ્યો નહિ.
મિત્રા અને નિશા તેને જોઈ રહ્યાં હતાં. નિશા તેને ઓળખતી અને ગૌતમના મનને અનુસરી તે ઓછામાં ઓછો રૂપપ્રયત્ન કરતી હતી. પરંતુ મિત્રા - અતડી મિત્રા - પોતાનાં વસ્ત્રો અને દેખાવ માટે ચીવટાઈ બહુ જ રાખતી હતી.
‘અરે વધારે ક્રીમ લો ? આટલે શું થાય ?' કહી મિત્રા હસી. ગૌતમે સહજ વધારે ક્રીમ લીધી.
‘એમ નહિ. લાવો હું ચોપડી આપું.' કહી મિત્રાએ ક્રીમનો સારો જથ્થો ગૌતમના ડાઘ ઉપર મૂકી દીધો.
ચચરતા ગાલ ઉપર ટાઢક વળી.
જગતનો પ્રત્યેક માનવી ક્રીમ વાપરી ન શકે ત્યાં સુધી આ નાનકડા વૈભવને આવકારવામાં ગૌતમ ગુનો કરી રહ્યો હતો એમ તેને લાગ્યું.
વૈભવની ટેવ વગરના માણસોને વૈભવનું સુખ પણ ખૂંચે છે; ફાવતું નથી. સરસ પલંગમાં સરસ ગદેલાં ઉપર સૂતેલા ગૌતમને રાત્રે નિદ્રા ન આવી. સહુના સૂતા પછી એણે મિત્રાને પોતાના ખંડમાં આવતી નિહાળી.
‘કેમ ? સૂતા નથી ? મિત્રાએ પૂછ્યું.
‘સૂતો છું ને ?’
‘અજાણ્યું લાગતું હશે.’
'ના જી'
‘કશું જોઈતું તો નથી ને ?’
'ના જી.'
'Goodnight.'[૧]
'Goodnight.'
કેટલીક વારે ગૌતમને નિદ્રા આવી.
નિદ્રામાંથી તે જાગ્રત થયો. તેણે પોતાની પાસે બે સુંદર યુવતીઓને ઊભેલી જોઈ. બંને હસતી હસતી તેને પાસે બોલાવતી હતી. મિત્રા હતી ? નિશા હતી ?
‘શું આપું તો પાસે આવો ?' મિત્રાએ પૂછ્યું.
‘હું તો સ્વરાજ્ય માગું છું.' ગૌતમે કહ્યું.
‘સ્ત્રી વગર સ્વરાજ નહિ મળે.' મિત્રાએ કહ્યું.
‘વાત સાચી, પણ એ તો મારી પાસે છે. શોખીન સ્ત્રીઓ પાસે સ્વરાજ હોય જ નહિ !’ નિશાએ કહ્યું.
'રસહીન સ્વરાજને કરશો પણ શું ?’ મિત્રાએ ટકોર કરી.
‘રસને માટે હિંદ રંજ વેઠે છે શું ? એને તો રોટલા જોઈએ. રોટલા મળશે તો રસ આપોઆપ આવશે.' નિશા બોલી.
'પણ જેને રોટલો મળ્યો છે એ શા માટે રસ ન અનુભવે ?’ મિત્રાએ
- ↑ ૧૧ નમસ્કાર : અંગ્રેજી ભાષાનો વિદાય ઉદ્ગાર...
‘હું કોઈનું આપ્યું સ્વરાજ્ય લેવા માગતો જ નથી.' ગૌતમે કહ્યું.
‘જવા દે એનું નામ ! એ તો હજી ગાંધીવાદની છાયામાં જ છે !’ મિત્રાએ કહ્યું.
‘શું ? હું ગાંધીવાદની છાયામાં છું ? મારી બદનક્ષી થાય છે !’ ગૌતમે કહ્યું.
‘સાચી વાતમાં બદનક્ષી કેવી ?’
‘ગાંધીવાદની કયી છાપ મારી ઉપર છે ? હું ખાદી પહેરતો નથી, અહિંસામાં માનતો નથી, રેંટિયો કાંતતો નથી...'
‘માત્ર ગાંધીવાદની બ્રહ્મચર્યને નામે ઓળખાતી શુષ્કતા, રસહીનતામાં ડૂબેલો રહે છે ! એને ગાંધીવાદી કહેવાય ?' ખડખડ હસતી મિત્રાએ કહ્યું.
‘નહિ તો બીજું શું ? સામ્યવાદમાં તો લગ્નનો સ્વીકાર જ ક્યાં છે ?’ નિશા બોલી.
‘સામ્યવાદ સ્થપાયા પહેલાં લગ્ન ભાંગવાં છે ?’ ગૌતમે પૂછ્યું.
‘અર્થવાદના મોરચા તોડીશું નહિ તો સામ્યવાદ સ્થપાશે કેમ ? કૉલેજનાં યુવકયુવતીઓએ તો એ મોરચા તોડવાનું શરૂ જ કરી દીધું છે. તું એક પ્રત્યાઘાતી રહી ગયો !’ નિશા બોલી ઊઠી.
‘હું પ્રત્યાઘાતી નથી; લગ્નમાં માનતો નથી.’
‘તો આવ અમારી પાસે; તારી માન્યતા સાબિત કરી આપ.' નિશાએ કહ્યું.
‘અને જો પેલાં બે જણ જગતનું ભાન ભૂલી કેવાં રસમગ્ન બન્યાં છે?’ મિત્રાએ એક પાસ અંગુલિનિર્દેશ કર્યો.
કોઈ મહાપ્રેમી-મહાવિલાસી પુરુષ અને સ્ત્રી આસપાસના જગતને વીસરી પરસ્પર વળગીને બેઠાં હતાં. સિનેમાનાં પ્રેમીઓ ? કે સિનેમા જોવા આવેલા પ્રેમીઓ ?
એ કોણ હતાં ? ઓળખાય એવાં તો હતાં જ. એ શું સામ્યવાદી હતાં ? ના. રાજદ્વારી ઠાઠથી એ ઓપતાં હતાં. એ માર્ગે જવાય ખરું ? પરંતુ ગૌતમને બીજો કોઈ માર્ગ જ દેખાયો નહિ.
ગૌતમને લાગ્યું કે તેના ઉપર પ્રાણવિનિમયનો પ્રયોગ થાય છે. ઈચ્છા નહિ છતાં તે ઊભો થયો અને આનંદથી ખેંચમાં ખેંચાતો હોય તેમ બંને યુવતીઓ તરફ ખેંચાયો. તેણે પગ આગળ મૂક્યો અને એક છરી તેની સામે ઊછળી !
તેને કશું દર્દ થઈ આવ્યું !
ગાલ ઉપર દર્દ હતું, નહિ ?
પેલી મિત્રા અને નિશા ક્યાં ચાલ્યાં ગયાં ?
હજી તે પલંગ ઉપર જ કેમ પડી રહ્યો હતો ? એણે ચાલવા માંડ્યું હતું તેનું શું થયું ?
પાછું સ્વપ્ન ?
વિચિત્ર સ્વપ્નનો રોગ તેને લાગુ પડ્યો હતો શું ?
કે જૂના સંસ્કારો જીવંત બનતા હતા ?
નહિ તો ‘મોહિની સ્વરૂપ’ની કથા તેને યાદ કેમ આવે ?
આજ સુધી કદી તેના સ્વપ્નામાં સ્ત્રી આવી ન હતી - આમ આકર્ષણ અર્થે તો નહિ જ.
હિંદનું રાજ્ય ગુમાવનાર પૃથુરાજ તેને યાદ આવ્યો.
ગુજરાતનું રાજ્ય ગુમાવનાર કરણ તેને યાદ આવ્યો.
રસ અને વિલાસની એ મૂર્તિઓ ! સ્વપ્નમાં દેખાયલું યુગ્મ તે પૃથુરાજ અને સંયુક્તા ! હવે તેને સમજ પડી.
‘હું બે વાર આવી ગઈ ! સારી ઊંઘ આવી લાગે છે, નહિ ?' મિત્રાનો સાચો કંઠ સંભળાયો.
ગૌતમ બેઠો થયો. તેને આ ઘરમાંથી નાસી જવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ સ્વપ્નને બહાને નાસી કેમ જવાય ?
‘તોફાન તો પાછું વધ્યું છે, હોં !’ મિત્રાએ સમાચાર આપ્યા. ‘અને એ શમે નહિ ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે.’ લોપાય નહિ એવી આજ્ઞા મિત્રાએ કરી.