છાયાનટ/પ્રકરણ ૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧૦ છાયાનટ
પ્રકરણ ૧૧
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૨ →

૧૧


ત્રણ દિવસ ગામમાં અતંત્રતાનું સામ્રાજ્ય ફેલાયું.

‘ખબરદાર’, ‘હોશિયાર’, ‘અલ્લા હો અકબર’, ‘હર હર મહાદેવ'ના પુકારો દિવસે અને રાત્રે સંભળાયા કરતા હતા, અને વીસમી સદીના એક હિંદી શહેરમાં સુધારાની ટોચે ચઢેલી બ્રિટિશ સલ્તનતના ન્યાય, શાંતિ અને સુશાસનભર્યાં મનાતા રાજઅમલમાં અશાંતિની - શાસનભંગની - ભૂતાવળ રમી રહી હતી.

કારણ ?

ગુલામીની જંજીર હાથે પગે પહેરી બેઠેલી હિંદુમુસ્લિમ જનતાને એક મહાસત્ય મળી આવ્યું છે કે -

હિંદુ-મુસલમાનો પરસ્પર દુશ્મન છે અને એ દુશ્મનાવટ જાગ્રત રાખવાથી જ તેમને - તેમના દેશને સ્વાતંત્ર્ય મળવાનું છે !

જગત હિંદને ગણકારતું નથી. ગુલામોને ગણે પણ કોણ ? પરદેશી રાજસત્તા શિખામણો આપે છે, ધર્મભેદના ચિરાડા રાષ્ટ્રમાં પાડતા જઈ એક બનવાનો આગ્રહ કરે છે, બંને હાથે બંને પક્ષની પીઠ ઠોકે છે, અને જરૂર પડ્યે ધબ્બો મારે છે; અને જગતના મૂર્ખશિરોમણિ હિંદી હિંદુ અને હિંદી મુસ્લિમો માટે અંદર અંદર આંખ મિચકારી કોઈ ન દેખે એવું સ્મિત કરે છે.

અને સ્મિત શા માટે ન કરે ? હિંદ સરખી મહામૂર્ખ પ્રજા ઉપર રાજ્ય કરવું કોને ન ગમે ? હાથી કબૂલ કરે તો તેના ઉપર અંકુશ-અંબાડી કોણ ન ચઢાવે ?

ધર્મની સાથે જેને તલપૂર પણ લાગતુંવળગતું નથી એવા આગેવાનો હિંદભર ઘૂમી ભાષણો આપે છે. કેવાં ?

મુસ્લિમ આગેવાન કહે છે : સલ્તનત મુસ્લિમની હતી ! તલવારબહાદુર મુસ્લિમ હિંદુને આગળ થવા દે ? એના કરતાં હિંદને વીખીપીંખી એના ભાગલા પાડી અલગ થઈ જવું એ વધારે સારું ! અલગ થતા બરોબર હિંદ બહારનું મુસ્લિમ જગત અમને છાતી સાથે ચાંપશે !

જાણે મુસ્લિમ ધર્મની સ્થાપના પછી મુસ્લિમ દુનિયા સદાય એક બની રહી હોય ! મુગલાઈ-પાકિસ્તાન ગુમાવી બેસનારને હવે નવું પાકિસ્તાન જોઈએ ! ટર્કીના ટુકડા પડ્યા, મિસર, અરેબિયા, ઈરાક અને સિરિયા ઉપર ધોળો હાથ ફરી વળ્યો, અને ઈરાન અને અફઘાનિસ્તાન બાકી રહ્યા તેમાં આજનું યુદ્ધ કોનું પાકિસ્તાન રચે છે તે જોયા જાણ્યા છતાં !

હિંદુ આગેવાન કહે છે : હિંદ અમારી માતૃભૂમિ. એના અમે પાટવીપુત્ર. હિંદ અમે ગમે એટલી વાર ગુમાવ્યું હોય તોપણ અમારું પાટવીપણું એ અમારો ઈશ્વરદત્ત હક્ક. દુનિયા જ્યારે જંગલી અવસ્થામાં હતી ત્યારે અમે હિંદુઓ સંસ્કૃતિની ટોચે હતા. અને માર ખાતા ખાતા પણ હજી અમે જીવીએ છીએ.

જાણે માર ખાતે ખાતે જીવતી પ્રજાને સદાય જીવવાનો હક્ક ન હોય ! પોણા એશિયા ખંડની સીમાઓ સુધી વિસ્તરેલા આયાવર્તને સંકુચિત બનાવી હાથમાં આવેલી હિંદુપત પાદશાહીને ગુમાવી બેસનાર નિર્માલ્ય હિંદુ ટોળાને ફરી રાજ્ય કરવું છે !

વક્તાઓ ભાષણો કરે છે, વિદ્વાનો લેખો લખે છે, અક્કલબાજ મનાતા પુરુષો આઘે ઊભા રહે છે ! અને મરે છે માત્ર ફકીરો, બાવાઓ, નોકરો, ગુમાસ્તા, ફેરિયા, પાનવાળા, બીડીવાળા, દૂધવાળા અને મજૂરો !

‘રાત્રે સાત ખૂન થયાં અને ચાર દુકાનો બળી !!' ભગવાનદાસ શેઠને ત્યાં ફોન રણક્યો.

‘આ ગાંધીએ આવી હિંદુઓને બાયલા બનાવી દીધા !’ ભગવાનદાસ શેઠ અકળાઈ ઊઠ્યા. સહકુટુંબ તેઓ ચા પીતા હતા.

જાણે ગાંધીજીના આવતા પહેલાં હિંદુઓ શૌર્યના નમૂના હતા ! અને ગાંધીજીની અહિંસા જાણે બધાય હિંદુઓએ મનકર્મ વચનથી પાળી દીધી !

મિત્રા, ગૌતમ, નિશા અને મિત્રાની માતા સુશીલા પણ ત્યાં જ બેઠાં હતાં.

‘ગૌતમ તો ચાની ના પાડે છે.’ મિત્રાએ કહ્યું.

‘કાલે તો પીધી હતી, નહિ ? ભગવાનદાસે પૂછ્યું.

‘હા, જી. પણ ત્યારથી જ નિશ્ચય કર્યો કે ચા હવે છોડી દેવી.' ગૌતમે કહ્યું.

‘સારું કર્યું.' જુવાનોને જેટલી ઓછી ટેવ પડે એટલું વધારે સારું.’ ભગવાનદાસે સત્ય વાત કહી. ‘અરે, પણ આપણે ત્યાં હોય ત્યાં સુધી ભલે પીએ. અખતરો કરવો હોય તો કૉલેજમાં જાય ત્યારે કરે.' સુશીલાએ કહ્યું. પતિના સ્પષ્ટ વકતૃત્વમાં પત્નીને કંજૂસાઈનો ભાસ થયો.

‘હું હવે કૉલેજમાં જવાનો જ નથી.' ગૌતમે કહ્યું.

'કારણ ? હજી તમારો ઝઘડો મટ્યો નથી ?' ભગવાનદાસે પૂછ્યું. શહેરના આગેવાન તરીકે શહેરના નાના મોટા બનાવોમાં તેમને સ્થાન મળતુ ખરું.

‘મારા પૂરતો ઝઘડો હજી છે. પણ મારે તે આગળ ચલાવવો જ નથી.’ ગૌતમે કહ્યું.

‘ગૌતમની ના હોય તો જુદી વાત બાકી ગૌતમને કૉલેજમાં ન દાખલ કરે તો અમે ફરી હડતાળ ઉપર ઊતરીએ.' નિશાએ કહ્યું.

‘વિદ્યાર્થીઓની જિદ છે એ જ ખોટું છે, મેં તો મિત્રાને પહેલેથી જ ચેતવણી આપી હતી કે એ તોફાનમાં એણે પડવું જ નહિ.' સુશીલાએ કહ્યું.

'વિદ્યાર્થીઓનું અપમાન થાય તોય તેમણે જિદ ન કરવી ?’ નિશાએ પૂછ્યું.

‘છોકરાંને વળી અપમાન કેવું ? અને તેમાંય છોકરીઓને ? ભણતી થાય છે એટલે હજાર પાખંડ ઊભાં કરે છે. મારું ચાલત તો મિત્રાને મૅટ્રિકમાંથી જ ઉઠાડી લેત.' સુશીલાએ કહ્યું.

માતાપિતાએ પસંદ કરેલા વર સાથે પરણવાની મિત્રાએ જ્યારથી ના પાડી હતી ત્યારથી તેનાં માતાપિતા અંગ્રેજી કેળવણી - કહો કે આખી કેળવણીની વિરુદ્ધ થઈ ગયાં હતાં.

વળી ફોન આવ્યો અને તેમાં ખબર પડી કે હિંદુ અને મુસલમાન ટોળાં સામસામે થઈ ગયાં છે, પોલીસ કોઈ જુદી જ બાજુએ વ્યવસ્થા કરે છે, બે ખૂન થઈ ગયાં છે ને સ્થાનિક મહાસભાના પ્રમુખ ઘાયલ થઈ ગયા છે. બીજો ફોન આવ્યો અને ભગવાનદાસે વાત શરૂ કરી.

‘હા. ભગવાનદાસ બોલે છે... હું. હા... હા.. ના... ઓહ... શું કહો છો ? બજાર બંધ કર્યું ? કૉલેજ બંધ હશે ?... મૅચ પણ બંધ હતી. ?... બધા અખાડાવાળા શું કરે છે ? ઉઘરાણાં તો રોજ... એમ ?... લાઠી લઈ લે છે ?... પાંચ માણસ કરતાં વધારે ભેગા થવા નથી દેતા ?... હા... હવે અટકશે... સરકારના કામમાં વાર જ બહુ.. કોંગ્રેસ કમિટીવાળા... હા ! હા !... બૈરાને બહાર મોકલવા માંડ્યા ?... આપજો વોટ હવે એમને !.. હિંદુઓ પણ સામે થયા ?... મસ્જિદ તોડી ? સામના વગર... ના ના.. હું બહાર નીકળીશ તો ગેરસમજૂત થશે... અપીલમાં જરૂર મારું નામ આપો... હા, હા.. પહેલું નામ મૂકશે તોય મને હરકત નથી. ઘાયલફંડમાં મારી સો રૂપિયાથી શરૂઆત... હા જી. ખબર આમ આપતા રહેજો. થે...ન્ક....યૂ !'

‘કોનો ફોન હતો ?’ સુશીલાએ પૂછ્યું.

‘વેપારી મંડળના મંત્રીનો.'

ટોળાંની અવરજવર ચાલુ જ હતી. પોલીસના સવારો આવતાં ટોળાં ભાગી જતાં, અને પોલીસ જતાં પાછાં ભેગાં થતાં. સરકારી નોકરો, વિદ્વાનો, ધર્મગુરુઓ, વકીલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ આ ટોળામાં ભળતા નહિ. બીક તો તેમને લાગતી જ નહિ, પરંતુ ટોળાં ભેગાં પોતે થવામાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હતી. બુદ્ધિ વિશેષ હોવાનો ભ્રમ સેવતા આ વર્ગના સજ્જનો આછો આછો પકડાઈ ન જવાય એટલી હદ સુધીનો, દોરીસંચાર કરવાનું માન જરૂર લેતા હતા.

‘પચીસ જણ દંડા લેઈ ઊભા થાઓ ! મગદૂર છે કોઈની કે સામે આવે ?’ કોઈ ગૃહસ્થ ધીમી શિખામણ આપતા. અલબત્ત, એ ગૃહસ્થ જાતે કે તેમના કુટુંબમાંનો એક પણ માણસ લાઠી લઈને બહાર નીકળતો નહિ.

'પોળ બહાર દસેક જણ ઊભા રહો. જોતા બરોબર ટીપી નાખવા.’ કોઈ વીરવાણી ઊછળતી. પરંતુ પોળ બહાર ઊભા રહેવાનું બીજાએ, અને ટીપવાનું કાર્ય ત્રીજાએ કરવાનું ! બોલનારે તો નહિ જ.

બોલનાર તથા સલાહ આપનાર પોતપોતાનાં કુટુંબોને ક્યાં સલામત સ્થળે મોકલી દેવાની તેની યોજનાઓ ઘડ્યા કરતા હતા. એ સગવડ ન થાય તો પરગામ પોતે જાતે ચાલ્યા જવાની પણ ઈચ્છા એક ખૂણે અત્યંત તીવ્રતાપૂર્વક તેમનામાં જાગતી હતી. કુટુંબોનો આધાર કુટુંબપતિ ઉપર હોય છે. કુટુંબને સંભાળનાર ઈશ્વર મહાન હોય જ ! પરંતુ કુટુંબપતિએ તો એકલા પણ જીવતા રહેવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ ! કુટુંબપતિના ચિરંજીવીપણામાં અનેક કુટુંબોની ભાવિ શક્યતા રહી છે. એટલે કુટુંબને ઈશ્વરઆધારે છોડી પરગામ નાસી જવાનું શૌર્ય પણ કંઈક કુટુંબપતિઓ બતાવી રહ્યા હતા.

ગૌતમ અકળાઈ રહ્યો. ફોનમાં અનેક વાતો સંભળાયા કરતી હતી. નિર્દોષ, રસ્તે જતાં, કુટુંબઆધાર ગરીબ યુવાનના પેટમાં છરો ખોસાય ! સહુને આશીવાર્દ આપતા કોઈ વૃદ્ધના માથા ઉપર લાઠીની ઝડીઓ વરસે ! પૂજનીય સ્ત્રી ઉપર પથરા પડે ! અને ફૂલબાળકોને બાળી દેવાય ! હિંદુના ખૂને મુસ્લિમ રાજી થાય, મુસ્લિમના ખૂને હિંદુ રાજી થાય ! અભાગિયા હિંદ દેશમાં જ આ શક્ય છે !

વળી છરી ખોસનાર પીઠમાં છરી ખોસી ભાગી જાય ! લાઠી વરસાવનારનો હાથ પકડવાની હિંમત કોઈની ન ચાલે ! પથરા સહન કરતી સ્ત્રીને જોઈ પુરુષોનાં ટોળાં પલાયન કરી જાય ! બાળકને બળતું જોનાર આંખ મીંચે !

આવાં નાપાક નામર્દાઈભર્યાં કાર્યો કરનાર પાછા પોતાને વળી બહાદુર માને !

આવાં કાર્યો ચલાવી લેનાર નામદોં પાછા પોતાને અહિંસક માને !

ગરવી ગુજરાતમાં જ આ શક્ય છે !

આવી ઢબે મારનાર, મરનાર અને મરવા દેનાર ત્રણે વર્ગ હિચકારાઓનો બનેલો છે. એક જ ઢાલની એ બધી બાજુઓ !

તેમાંયે અક્રિય, મરવા દેનાર, પલાયન કરનાર વર્ગ તો ઢાલની કાળામાં કાળી કલંકિત બાજુ ! એ આપણા નૈતિક અંત્યજો - નહિ, નૈતિક પુંશ્ચલીઓ !

ગુણવંતી ગુજરાત એમનું - પુંશ્ચલીઓનું મહાધામ ! નહિ ?

‘નિશા, આમ બેસી તો ન રહેવાય !’ ગૌતમે કહ્યું.

‘શું કરી શકાય ?’

‘મરી તો શકાય ને ?’ ગૌતમે કહ્યું.

‘નિરર્થક મર્યાથી કશો ફાયદો ?'

'પુરુષો તો આ તોફાન અટકાવી શકતા નથી. નિશા, તું અને મિત્રા એક સ્ત્રીસમૂહ ઊભો ન કરો ?’

‘બહાર જ નીકળાતું નથી ને ?' મિત્રાએ કહ્યું.

‘આપણે ત્રણે જણ બહાર નીકળીએ.' ગૌતમે કહ્યું.

‘અને શું કરીએ ?’

‘દરેક ઘરમાંથી એક એક પુરુષ અને એક એક સ્ત્રીને બહાર લાવીએ.'

‘પછી ?’ નિશાએ પૂછ્યું.

'પચાસ પુરુષો અને પચાસ સ્ત્રીઓ ભેગાં થાય તો આખા શહેરના હુલ્લડને શમાવી શકે'

'કેવી રીતે?'

‘પ્રથમ સમજાવીને, અને ન માને તો સામા થઈને.' ‘આપણું કોણ સાંભળશે ?' મિત્રાએ કહ્યું.

‘ન સાંભળે તો ઘરને આપણે જ આગ લગાડીએ. ગુંડાઓની રાહ જોવાનું કાંઈ કારણ ?’ ગૌતમે કહ્યું.

મિત્રા અને નિશા બંને હસ્યાં.

'ગૌતમ તો છે જ એવો ! આ હુલ્લડોમાંથી એને ક્રાન્તિ સર્જવાનાં સ્વપ્ન આવતાં હશે !’ નિશાએ કહ્યું.

‘સ્વપ્ન ? આપણે સ્વપ્નને સત્ય બનાવીએ.'

તે જ ક્ષણે બહાર કોલાહલ સંભળાયો. ગૌતમ એકદમ ઊભો થયો. નિશા અને મિત્રા પણ ઊભાં થયાં અને ગૌતમની પાછળ ચાલ્યાં. બારણું ઉઘાડી ઓટલા ઉપર આવી જોતાં સમજાયું કે મુસ્લિમો હિંદુ લત્તા ઉપર મોટી સંખ્યામાં ધસી આવ્યા છે અને હિંદુઓ પણ બહાદુરીની ચિનગારી ઝબકાવી એમને રોકવા તૈયાર ઊભા છે.

રાક્ષસ બનેલાં માનવીઓનાં બે ટોળાં કેમ અટક્યાં ?

હિંદુ લત્તાના એક ખૂણામાં રહેતી દૂધ વેચનાર મુસ્લિમ બાઈની છ વર્ષની દીકરી નૂરબાઈને લેઈને એશી વરસના હિંદુ મેનામા રસ્તો કાપતાં હતાં. મેનામાને નૂરબાઈની ભાળવણી કરી તેની મુસ્લિમ માતા દીકરાને લેઈ પોતાના ભાઈને મળવા ઘરની ભાડે ફરતી ગાડીમાં મિલ બાજુના ઝુંપડામાં ગઈ હતી. હિંદુ-મુસ્લિમ રમખાણે આખી રાત અને દિવસ મા-દીકરીને છૂટાં પાડ્યાં. રાત્રે નૂરબાઈ સૂઈ રહી. સવારે ઊઠી તેણે મા વગર રડવા માંડ્યું. મેનામાએ તેને ખવરાવ્યું; બહુ સમજાવી, પરંતુ અંતે નાનકડી નૂરબાઈનું રુદન અસહ્ય થઈ પડ્યું.

મેના ડોશી આખા લત્તામાં જાણીતાં હતાં. તેમના દીકરા બહારગામ રસોઈના ધંધામાં રોકાતા અને એ વૃદ્ધ માતાને થોડા પૈસા મોકલતા. કામકાજ વખતે, સલાહ લેવા માટે, દુઃખસુખના પ્રસંગોમાં મેનામા સહુને ઘેર જતાં. પોતાની જરૂરિયાત નહિ જેવી એટલે તેમને કોઈની પરવા ન હતી. આખા લત્તામાં તેઓ ઉંમરે મોટા હોવાથી તેમનું માન પણ અમુક અંશે સચવાતું. માન ન સચવાયું લાગે ત્યાં તેઓ બૂમાબૂમ કરી, ધમકાવી, માનભંગ કરનારાંને જિંદગી સુધી સાલે એમ પાણીછલ્લાં કરવાની તાકાત ધરાવતાં શરીરે હજી સશક્ત હતાં એટલે કોઈની ચાકરી તે માગતાં ન હતાં. પાસે રહેતા ગાડીવાળાની દીકરી નૂરબાઈની તેમને ઘણી માયા થઈ ગઈ હતી. ગાડીવાળાની પત્ની એક ગાય ને એક ભેંસ રાખી દૂધ વેચવાનો વધારાનો ઉદ્યોગ કરી ઘરની આવકમાં ઉમેરો કરતી હતી - કોઈ પણ સરકારી અધિકારીની સલાહ વગર. ગાડી હાંકી જતા પતિએ પત્નીની ઈચ્છા અનુસાર તેને તેના ભાઈને ઘેર થોડા કલાક મૂકી આવવા નિશ્વય કર્યો. ત્યાંથી સ્ટેશને જઈ ભાડું મેળવવાની પણ તજવીજ કરવાની હતી. નૂરબાઈએ મા સાથે જવાની ચોખ્ખી ના પાડી - કારણ મામાને ઘેરથી આવતી વખતે પગે ચાલવાનું હતું, અને મેનામા દેવનો પ્રસાદ તૈયાર કરતાં હતાં તે નૂરબાઈને સહુથી પહેલો મળવાનો હતો.

આમ મેનામાને બાળકો સોંપી મરિયમ ઘણીયે વાર દૂધ આપવા અગર બજાર ખરીદી કરવા જતી હતી. એટલે નૂરબાઈને મૂકી આખું કુટુંબ ચાલ્યું ગયું. પરંતુ સાંજે એ કુટુંબને પાછા આવવું સલામત ન રહ્યું. ગામમાં તોફાન ફેલાયું છે એમ મેનામાને ખબર પણ થઈ ગઈ. મરિયમનું ઘર લુંટવા કે બાળવા રાત્રે હિંદુ યોદ્ધાઓએ પ્રયત્ન કર્યો હતો; પરંતુ ઘરમાં કોઈ ન હોવાથી અને મેનામાની બૂમાબૂમથી લોકોએ પોતાનું કાર્ય મુલતવી રાખી બીજે સ્થળે વીરત્વ દર્શાવ્યું. બ્રાહ્મણ મેનામાએ મુસ્લિમ નૂરબાઈને પોતાની ભેગી સુવાડી દીધી.

પરંતુ મા વગર નૂરબાઈ એક રાત કરતાં વધારે લાંબો ગાળો રહી શકે એમ ન હતું. શહેરમાં તોફાન હોવાની ખબર એ બાળકીને પણ પડી અને હિંદુઓ તથા મુસલમાનો પરસ્પર કાપાકાપી કરી રહ્યા છે તેની અસ્પષ્ટ તથા ભયાનક છાપ તેના મન ઉપર પણ પડી.

‘મારે મા પાસે જવું છે !’ નૂરબાઈ જીદ લેઈને બેઠી અને રડવા લાગી. અંતે મેનામાને લાગ્યું કે નૂરબાઈને વધારે વાર રાખી શકાશે નહિ. ઈશ્વરનું નામ દેઈ તેઓ ઊઠતાં અને નૂરબાઈને સાથે લેઈ બહાર નીકળ્યાં. મિલનો માર્ગ તેમનો જાણીતો હતો.

મહોલ્લો સૂમસામ હતો. છજેથી લોકો બહાર નજર નાખ્યા કરતા હતા; કોઈ કોઈ માણસો ફરતા હતા, પરંતુ તે ઉતાવળમાં.

‘મહોલ્લામાં મરદો વસે છે કે બધાય બાયાંબાઈ છે ? અલ્યા બંગડીઓ પહેરો, બંગડીઓ !’

મેનામાનો વૃદ્ધ પણ સહુને સંભળાય એવો સ્પષ્ટ અવાજ ચારે પાસ ફેલાયો. હિંદુ અને મુસલમાન લઢે છે એ પ્રશ્રમાં તેમને સમજ પડતી ન હતી. પરંતુ ગમે તે લઢતા હોય, ઘરમાં પેસી રહેવાય જ કેમ ? તેમને પોતાના જૂના ગામડાના દિવસો યાદ આવતા હતા. કોળી, પીંઢારા કે મિયાણા પણ તેમને ગામે ધાડ પાડી શકતા નહિ. ઈંટો અને સાંબેલાં લેઈ ગામડાની સ્ત્રીઓ પણ ધાડપાડુઓનો સામનો કરવા તૈયાર રહેતી. પાંચસો પુરુષોનો મહોલો આમ ખાલી ખમ દેખાય તે એમનાથી વેઠાયું નહિ. મેનામાને ક્યાં ખબર હતી કે સુંદર કફની અને ઝીણું ધોતિયું પહેરી લાંબા વાળનાં ઝુલ્ફાંની મોહિની વેરતો, કલામય લચકથી ડગલાં ભરતો, ગુજરાતનો યુવાન કલાકાર હવે જરા સરખો આગ્રહ થતાં બંગડી પહેરી લેવાની તૈયારીમાં જ છે ! નૃત્યને જીવનની ક્ષણેક્ષણમાં ઉતારતો એ કલાવીર ઘૂઘરા અને કંગન સુધી તો પહોંચી જ ગયો છે !

‘અરે ડોશી ! પાછાં જાઓ, પાછાં !' સડક ઉપર ઝડપથી ચાલ્યા જતા એક યુવકે કહ્યું.

‘રસ્તો તારા બાપનો છે. ખરું ને ?’ મેનામાએ સહેલો સવાલ પૂછ્યો.

‘મરવાનાં છો, ડોશી ! મુસલમાનો આવે છે તે રહેંસી નાખશે. ઠીક કહું છું; ભાગો !’

‘અરે મુસલમાનો આવે કે મુસલમાનોના પીર આવે ! મને કોઈની બીક નથી.' મેનામાએ સાચી વાત કહી.

તેઓ નૂરબાઈનો હાથ ઝાલી આગળ વધ્યાં, અને એકાએક બાજુમાંથી પચાસેક માણસોનું એક ટોળું ‘મારો ! મારો !’ પોકારતું ધસી આવ્યું.

મેનામાએ નૂરબાઈને કેડે લેઈ લીધી.

‘જરા જોઈને તો ચાલો ! મૂર્ખાઓ ! આંખો છે કે ઘેર મૂકી આવ્યા ?’ મેનામાએ દોડી આવતા માણસોને કહ્યું.

‘આ ડોશી ક્યાંથી બહાર નીકળી છે ? મરવાની થઈ લાગે છે !’ ટોળું હિંદુઓનું હતું. બૈરાં, છોકરાં, બુઢ્ઢાં અને લડતાં ન હોય એવા માનવીઓએ યુદ્ધક્ષેત્રમાં પગ ન મૂકવો જોઈએ એવી આ વીર પુરુષોની માન્યતા હતી.

‘મારવા મરવાનું તમારા હાથમાં હશે, ખરું ને ?’ મેનામાએ સામનો કર્યો.

‘પેલી છોકરી જોઈ ? મુસલમાન છે !’ ટોળામાંથી કોઈએ કહ્યું.

‘મરિયમની દીકરી !’ બીજાએ ચોકસાઈ કરી. તેણે છોકરીને ઓળખી.

‘ડોશી, છોકરીને મૂકો. જમીન ઉપર, નહિ તો માર્યા જશો.'

‘ખરો મરદ તું ! તને મારવા માટે ડોસાં અને છોકરાં જ જડે છે, નહિ? હાથ ઉપાડી તો જો ! આ ડોશીએ તો કંઈ કાળ જોઈ નાખ્યા !’ મેનાએ જરા પણ ડર્યા વગર જવાબ આપ્યો.

અને સામે બાજુએથી ‘અલ્લાહો અકબર !’ ની બૂમ પડી. અલબત્ત, મહાન અલ્લા એ ટોળાથી બહુ બહુ દૂર હતો ! ખાટકી, પાનવાળા, જુગારી અને ફકીરોનું એક ટોળું હાથમાં છરા અને લાઠી સાથે ધસી આવ્યું.

‘ખબરદાર !’ હિંદુઓએ બૂમ મારી, અને થોડા પથરાની આપલે બંને વચ્ચે થઈ.

મેના અને નૂર ઊભાં રહ્યાં હતાં. બૂમાબૂમ અને આવતી ઝપાઝપીનું વાતાવરણ ભયાનક બની ગયું.

ગૌતમ ઝડપથી નીચે ઊતરી આવ્યો અને હિંદુ ટોળામાં થઈને મેના પાસે જઈ ઊભો રહ્યો.

‘એ બુઢ્ઢી ! દૂર હટ.' મુસલમાનોમાંથી આગેવાને પોકાર કર્યો. એકલી બુઢી મળી હોત તો કદાચ તેને મુસલમાનો વધેરી નાખત. પરંતુ તેમની સામે હિંદુઓનું એક ટોળું હતું; એ હિંદુ ટોળાને ખબર પાડવાની તેમને તાલાવેલી લાગી હતી. આ જ સ્થળે બેત્રણ મુસલમાનોનાં ખૂન થયાં હતાં, અને ખૂન થયા કરતાં માર્યાની વધારે કલ્પિત સંખ્યા મુસ્લિમ લત્તાઓમાં પહોંચી ગઈ હતી.

‘બુઢ્ઢી તારી મા ! દૂર રહેવા અહીં આવી હોઈશ. ખરું ને !’

‘લગાવ ! એક ફટકો લગાવ. એને પૂરી કર.' મુસ્લિમ ટોળામાંથી કોઈ બોલ્યું અને બેત્રણ લાકડીઓ ઊછળી પણ ખરી.

ગૌતમે લાકડીઓ ઝીલવા મેનામા ઉપર હાથ ધરી દીધો અને હસતે હસતે કહ્યું :

‘આ છોકરી મુસલમાન છે એ ન ભૂલશો.'

નૂર મેનામાની કોટે વળગી પડી. હિંદુ વૃદ્ધ અને ગળે વળગી પડેલી એક મુસ્લિમ બાળકી : એ બંને જણે હિંદુ તથા મુસ્લિમ ગુંડાગીરી માટે એક ભયંકર કોયડો ઊભો કર્યો. મેનામાને મારતાં નૂરને વાગ્યા વગર રહે એમ ન હતું; નૂરને મારતાં મેનામાને ફટકો પડ્યા વગર રહે એમ ન હતું.