લખાણ પર જાઓ

છાયાનટ/પ્રકરણ ૧૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૭ છાયાનટ
પ્રકરણ ૧૮
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૯ →



૧૮


જગત આગળ બઢ્યે જતું હતું.

કાળા જગત ઉપર જીવતું ગોરું જગત ઈશ્વરને નામે, પ્રજાને નામે, સ્વાતંત્ર્યને નામે, કાળા જગતના ભાગલા પાડતાં લઢી ઊઠવાની તૈયારીમાં પડ્યું. વિનાશક શક્તિ કેમ વધે એની પૃથ્વી, પાણી અને આકાશમાં શરતો ચાલી.

વ્યાપારીઓ, ધર્મગુરુઓ, શિક્ષકો દેશપરદેશમાં જાસૂસ બન્યા.

કોઈ પ્રજાને શસ્ત્ર આપી; કોઈ પ્રજાને ધન આપી, કોઈ પ્રજાને યંત્ર આપી, કોઈ પ્રજાને ખોટું દેશાભિમાન આપી, જગતને દોરતી કહેવાતી ગોરી પ્રજાઓએ કાળી પ્રજાના દેહમાં વધારે ઊંડા નખ ભેરવ્યા.

લોકસભાઓ અને શાસનો સંભાળવાને નામે આગેવાની કરતા મુત્સદીઓએ પેઢીઓ, કારખાનાં, ખાણો, રેલમાર્ગો અને દુકાનો પોતાને હાથ કરવા માંડ્યાં, અને એ રીતે વધારે જોરથી જગતની ધનનાડી ઉપર ગોરા હાથ આમ દબાતા ચાલ્યા.

માનવમન ઉપર તેમણે મંત્રો ભણવા માંડ્યા. મૌવરને નાદે મણિધર પણ ડોલે ! વર્તમાનપત્રો, માસિકો, ચિત્રો, કલા, સંગીત, વ્યાખ્યાન, મંડળો, આંતરરાષ્ટ્રીય ચક્રમંડળો જેવાં સાધનો જનતાએ ખીલવ્યાં. તેનો લાભ શા માટે ન લેવો ? વિજ્ઞાને બનાવેલું ધ્વનિવર્ધક યંત્ર અને આકાશવાણી સરસ કામ લાગ્યાં. માનવીના મન ઉપર પણ કુમળા દેખાતા હથોડા પડવા લાગ્યા. કલા, સંસ્કાર અને વિદ્વત્તાએ ચક્રવ્યૂહો રચ્યા.

માનવંતી મહાપ્રજાઓએ અરસપરસની અથડામણના ધક્કા ઓછા વાગે એ અર્થે યોજેલી નાની પ્રજાઓના તકિયા ખસી ગયા અને યુરોપમાં જ સંસ્કૃતિની ટોચે ચઢેલી પ્રજાઓએ સાચને જ નહિ પણ સર્વ સંસ્કૃતિને આાંચ લગાડી દીધી.

જગતની સાથે હિંદ પણ આગળ બઢ્યે જતું હતું :

યુવકોએ અખાડા છોડ્યા અને નૃત્ય લીધાં. ખાદી મૂકી અને પરદેશી કાપડનાં લેંધાની બાંયનાં ઘેરાવામાં દસ ઈંચ વધારો કરી પુરુષપહેરવેશને ચણિયાનો આકાર આપી દીધો.

યુવતીઓએ એક હાથની બંગડી બિલકુલ કાઢી નાખી અને બીજો અડધો હાથ બંગડીના ખરખલાથી ભરી દીધો. હિસ્ટીરિયાને દબાવવાની તાકાત કેળવી અને એક પત્ની ઉપર જઈ બીજી સપત્ની બનવાની બહાદુરી પણ કેળવવા માંડી.

ભણેલા, વિદ્વાન, નાસ્તિક કહેવરાવવામાં અભિમાન લેતા બુદ્ધિમાનોએ જોશીઓ અને સામુદ્રિકોને શોધવા માંડ્યા. સટ્ટામાં, વ્યાપારમાં, નોકરીમાં વગર મહેનતે કેમ કરીને ભવિષ્ય ખીલી ઊઠે તેની દૈવી તપાસ શરૂ થઈ ગઈ.

શેઠિયાઓનાં ધન, બંગલા, મોટર વધ્યા.

મજૂરોની ઝૂંપડીઓ વધી.

રાજાઓને એકાએક સ્વપ્ન આવ્યું કે તેમણે રાજ્ય કરવાનું છે. ચાણક્ય દીવાનોએ રાજપ્રજા વચ્ચે પિતાપુત્રના સંબંધની દંતકથા ઊભી કરી, પ્રજાને રાજકાજમાં જવાબદારી આપી શકાય જ નહિ એવો ભ્રમ ઊભો કરવા માંડ્યો, અને દેશી રાજ્યો - જેમણે પરાધીનતાને પહેલી પૂજી તેમાં કોઈ ઈશ્વરદત્ત વિશિષ્ટ સંસ્કૃતિ જગતને મળી ગઈ હોય એમ જાહેર કર્યું. જોકે રાજમર્યાદામાં સર્વોપરી તરીકે પોતાને માનતા આખા રજવાડાને સર્વોપરી સત્તા કોણ તે બ્રિટિશરોએ વારંવાર બતાવ્યા કર્યું.

મુસ્લિમોએ શોધી કાઢ્યું કે તેમની અને હિંદુઓની વચ્ચે અભેદ્ય દીવાલ ઊભી છે. હિંદને બે ભાગે ચીરી તેમાંથી પાકિસ્તાન ખેંચી આપવામાં ન આવે ત્યાં સુધી હિંદને એક ડગલું પણ આગળ વધવા ન દેવાય !’ અમે શેર છીએ ! અમે વાઘ છીએ !’

બ્રિટિશ મુત્સદ્દીગીરીએ જોયું કે હિંદની બે જાડી બિલાડીઓ લઢે છે. તેણે જાહેર કર્યું :

'ટંટો પતાવીને આવો. રોટલો મારા હાથમાં છે. ટુકડો રહ્યો હશે તો તમારી તકરાર મટ્યે હું જરૂર વહેંચી આપીશ.’

‘અને... અને... ભૂલશો નહિ કે હિંદમાં બે જ બિલાડીઓ નથી. રાજસ્થાન, અસ્પૃશ્યમંડળ, આદિવાસી તથા સહુ કરતાં વધારે મહત્વના ગોરાઓના ભાગ છે, એ પણ ભૂલવું નહિ. બાકી અમારી તો તમે કહો તેમ કરવાની તૈયારી છે !’

વસ્તી ગણતરીમાં આદિવાસીઓ એકદમ વધી ગયા !

અને અસ્પૃશ્યોએ ધમકી આપી :

‘હિંદુ ધર્મ ! અમને પશુસ્થાને મૂકનાર એ ધર્મ તજીશું તો મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી, કોઈ પણ ધર્મ અમને ઝડપી લેશે. ઝડપથી અમને ગળે વળગાડો. નહિ તો...’

ન્યાત, જાત, કોમ, ધર્મ સહુને વચમાં ન લાવતાં રાષ્ટ્રીય ભાવના ખીલવી દેશને સ્વાતંત્ર્યનો મંત્ર આપી રહેલી મહાસભા મુસ્લિમોને પંપાળે છે એમ હિંદુ મહાસભાએ શોધી કાઢ્યું.

રાષ્ટ્રીય મહાસભામાં વ્યવહારકુશળતા નથી એવી વિનીતપક્ષે શોધ કરી. સમાજવાદીઓએ જોયું કે મહાસભા તો અર્થવાદની સામ્રાજ્યવાદની મિત્ર છે !

પ્રધાનપદમાં ન સંગ્રહાયલા દેશનેતાઓને લાગ્યું કે મહાસભામાં હિટલરશાહી ચાલી રહી છે.

અને કંઈકને દેખાયું કે સઘળાં દૂષણોનું મૂળ ગાંધી છે.

સનાતનીઓને લાગ્યું કે અંત્યજોને હરિજન બનાવી ગાંધીએ ધર્મ બોળ્યો.

અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે ખાદી ઉપર ભાર મૂકી ગાંધીએ વ્યાપાર ડુબાવ્યો.

સુધારકોને ખબર પડી કે ચારિત્ર્ય ઉપર ભાર મૂકી ગાંધીએ રાજકીય સંસ્થાને મઠ બનાવી દીધો.

રાજસ્થાની પ્રજાને લાગ્યું કે ગાંધીજીએ રાજકોટના ઉપવાસ આદરી દેશી રાજ્યોની પ્રજાને છેહ દીધો.

વિદ્વાનો બથંબથા ઉપર આવી ગયા. હિંદી અને ઉર્દૂની પટાબાજી ચાલી રહી.

પશ્ચિમની સભ્ય લુચ્ચાઈએ મહાયુદ્ધની જ્વાલા પ્રગટાવી.

હિંદની પેઢી દરપેઢીની મૂર્ખાઈ ટોચે ચઢી, અને હતા એટલા સઘળા દુર્ગુણો ફળીફાલીને વિસ્તુત થયા.

રાષ્ટ્રીય મહાસભા અને હિંદુ મહાસભા બંને અંદરખાનેથી એક જ છે અને બંને મુસ્લિમદ્રોહી છે એમ મુસ્લિમ લીગે શોધી કાઢ્યું.

હિંદ પરાધીન છે એ સમૂળ વીસરાઈ ગયું. એનું દુ:ખ નથી હિંદુને કે નથી મુસલમાનને. જેટલા માનવી એટલા વાડા; વાડા એટલે ઝઘડા.

હિંદમાં રાવણ, દુર્યોધન, કંસ, આંભી, જયચંદ, અમીચંદ અને બાજીરાવના ઓળા પથરાઈ ગયા.

હિંદની રંગભૂમિ ઉપર એ છાયા આજ નૃત્ય કરી રહી છે.

આજ શયતાન શાસ્ત્ર પઢે છે.

આખું હિંદ તાળી પાડી એને વધાવી રહ્યું છે ! છાયાનટને ફૂલહાર થાય છે.

હિંદની પ્રગતિ !

અને પ્રભુને નામે આ પ્રગતિ !

દેશને નામે આ પગલાં !

દેશાભિમાનના શપથ સાથે સર્વ કાર્ય !

અને તે બહુ ગંભીરતાપૂર્વક.

એક હસે છે ગોરું પશ્ચિમ ! પાંત્રીસમાંથી ચાળીસ કરોડની સંખ્યા નધારનાર હિંદમાં માનવીઓ જન્મે છે કે અર્ધ માનવી ? પશ્ચિમની આાંખમાં પ્રશ્ન ચમકે છે. કાળી પ્રજાઓ કચરાપાત્ર છે એમ કહેતો હિટલર પશ્ચિમના માનસને વાણીમાં મૂકે છે.

બીજો હસે છે આપણો છાયાનટ !

હજી જયચંદનો નિર્વંશ ગયો નથી.

હિંદની વ્યક્તિમાં તે હજી સજીવન છે !

'વહી રફતાર બેઢંગી
જો પહેલે થી વો અબ ભી હય'