છાયાનટ/પ્રકરણ ૧૯
← પ્રકરણ ૧૮ | છાયાનટ પ્રકરણ ૧૯ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૨૦ → |
કેદખાનાના દરવાજાએ આનંદભરી ચીસ પાડી અને કેદખાનું ગૌતમને ગળી ગયું.
કેદખાનામાં પ્રવેશતાં જ ગૌતમે કોઈ કરાલ રાક્ષસી પડછાયાને સામે આવતો જોયો. કેદખાને પણ એ જ ? ગૌતમને નવી જ ઢબનો થરથરાટ થયો.
સમાજના આયનોને બે પાસાં. એક પાસાની રચનામાં કવિતા, સંગીત, ચિત્ર અને ફિલસૂફીનાં પડ પહેલાં છે; બીજા પાસાની રચનામાં કેદખાનાં, દવાખાનાં, કુટ્ટણખાનાં ને કારખાનાં ઊપસી આવે છે. સમાજનો મોટો ભાગ બંનેમાં પોતાનું મુખ નિહાળ્યા કરે છે. આજે ગૌતમ પોતાનું મુખ આાયનાની બીજી બાજુએથી જોઈ રહ્યો.
કેદખાનામાં માનવીઓ ન હતા, માનવ પડછાયા હતા, માનવભૂત હતાં. ગૌતમ એ ભૂતભૂમિનો નિવાસી બની ગયો.
હાથ બંધાવી. તે આવ્યો હતો. પગ પણ અહી બંધાયા. એનો પોશાક બદલાઈ ગયો. સૂથણું, પહેરણ અને ટોપી - વિચિત્ર, જાડાં અને નજરે જોવા પણ ન ગમે એવાં. આખું હિંદ કેદખાનું છે એમ માનીને તો ગાંધીએ ખાદીનો કદરૂપો પોશાક નહિ સર્જ્યો હોય ! પરંતુ સમાજવાદી ગૌતમે તો ખાદીને તિલાંજલિ આપી હતી.
હાથમાં ટીનનું ટમ્બલર.
જમવા માટે ટીનનાં તાંસળાં, બધું જ જમણ ભેગું; અને જમણ એટલે ?...
એણે ચક્કી પણ ફેરવી જોઈ. શરીરબળનું ગુમાન જોતજોતામાં ગળી ગયુ.
એણે ખોદકામ પણ કર્યું. એને પાવડો વાગ્યો અને પગમાંથી લોહી નીકળ્યું. વૉર્ડરે આવી. આવું અણઘડ કાર્ય કરવા માટે તેને ધબ્બો માર્યો. એનું સ્વમાન ભભૂકી ઊઠ્યું. એણે પાવડો ઊંચકી વૉર્ડરને જ લગાવી દીધો, પરંતુ બંધનમાં પડેલા પગ એના દેહને પૂરતી સહાય આપી શક્યા નહિ એટલે એના હાથ વૉર્ડર સુધી પહોંચી શક્યા નહિ. સ્વમાન સાચવવાના ગુના બદલ એને ફટકા મળ્યા અને વધારામાં ચક્કી મળી. અસહાય બની ગયેલા ગૌતમને જીભ કરડી મરવાનું મન થયું.
એણે નાડાં વણ્યાં, પાટીઓ વણી, શતરંજી વણી.
રોટલા ઘડવાનું શિક્ષણ પણ સોટીની બીક સાથે તેણે લીધું.
ભયંકર એકાંતે તેના મનને બાવરું બનાવી દીધું. તેના મુખ ઉપર, તેની આંખમાં એક પ્રકારની વિહ્વળતાએ પ્રવેશ કર્યો. સાથીદારો હતા, એ સર્વ માનવીઓ ન હતા; એ ભસ્મીભૂત જ્લામુખીઓ હતા. કદી કદી તે ફાટતા પણ હતા.
ઓટલી ઉપર સૂવું, કામળ, ઓઢવી અને અક્ષર પણ ઉચ્ચાર્યા વગર દિવસરાત ગુજારવાં, એ ગૌતમનો નિત્યક્રમ હતો.
જગતથી એ અળગો પડી ગયો. એને વર્તમાનપત્રો મળ્યાં નહિ. એને પુસ્તકો મળતાં નહિ. વાંચવાનું વ્યસન સંતુષ્ટ થતું નહિ એ એનું ભારેમાં ભારે દુઃખ સાંજથી ઓરડાઓમાં પુરાયા પછી વાંચન વગર સમય શી રીતે કાઢવો ? કેદીઓની વસ્તીમાં ગૌતમનું એકાંત વધી ગયું - જોકે પત્રો વાંચવા માટે મળતાં હોત તોપણ યુદ્ધ, કતલ, વિનાશ સિવાય બીજા કયા સમાચાર વર્તમાન જગત આપી શકે એમ હતું ?
કોઈ કોઈ વાર બહારની દુનિયાનાં સુખી માનવો કેદખાનું જોવા આવતાં. એમને ઘેર આયના નહિ હોય ? આયનામાં પોતાનું જ મુખ જોઈ લે ! શા માટે એ કેદીઓની પશુતાને આગળ કરવા આવતાં હશે ? સ્વતંત્ર ફરતી સમાજ અને કેદીસમાજની વચ્ચે જાળીનો જ પડદો હોય છે. છુટ્ટા ફરતાં કેટકેટલાં માનવીઓ આ જગતમાં આવવાને પાત્ર નહિ હોય ?
કેદખાનાના અમલદાર સાહેબો બધે ફરી જતા. ઊભા રહીને તેમને સલામ કરવી જ જોઈએ, નહિ તો ફટકા.
પરંતુ સલામ શા માટે ? કેદખાને થતું શાક એ સાહેબો ખાઈ જાય છે માટે ?
કેદખાને બનતી શતરંજીઓ ઉપાડી જાય છે માટે ?
કેદખાને ગૂંથાતી ટોપલીઓ અને ખુરશીઓ ગુમ કરી જાય છે માટે ?
કેદીજનતાએ કરેલા કયા દોષ છુટ્ટી જનતા કરતી નથી ?
ક્વચિત્ તપાસસમિતિના ખાધેલપીધેલ સફાઈદાર સભ્યો બધા કેદીઓની ખબર લઈ જતા.
‘તમને કાંઈ હરકત છે કે ?’ કેદીઓને પૂછવામાં આવતું. આ ક્રૂર મશ્કરીનો એક જ જવાબ હોઈ શકે : એ પ્રશ્ન કરનારને એક વર્ષ કેદખાનાનો સાચો અનુભવ કરાવવો. ‘તમારે કાંઈ ફરિયાદ કરવાની છે કે ?’ કેદીઓને બીજો પ્રશ્ન કરવામાં આવતો.
આખું કેદખાનું જ માનવજાત સામેની મોટામાં મોટી ફરિયાદ હોય, ત્યાં બીજી નાની ફરિયાદ કરવાની ક્યાંથી હોય ?
‘ના રે સાહેબ, અમને તો અહીં બહુ સુખ છે.' પ્રશ્નનો શરમાવનારો ઉત્તર મળતો. અને કદી ફરિયાદ થઈ તો ?'
એ કેદીને ફટકા, મજૂરી અને એકાંત કોટડી આપવાની સઘળી તરકીબો ઊભી થઈ જતી.
કદી કદી કેદીઓને સુધારવાના શુભ ઉદ્દેશથી ઉપદેશકોને કેદખાને બોધ કરતા મોકલતામાં આવતા.
સુધારવાનો ઉદ્દેશ !
‘જગતને - બહારના જગતને સુધાર ! પછી કેદખાનાં જ નહિ રહે !’ ગૌતમને આવા એક ઉપદેશકને જોતાં વિચાર આવ્યો.
ટોળામાં હારબંધ કેદીઓ બેઠા હતા. ઉપદેશકે પ્રભુપ્રાર્થના કરી. દારૂ ન પીવો, ચોરી ન કરવી, બીજાનું બૂરું ન તાકવું, વ્યભિચાર ન કરવો, એમ અનેક બાબતો ઉપદેશકે સંભળાવી, અને અંતે આશ્વાસન આપ્યું કે કેદખાનાથી બહાર નીકળ્યા પછી ઉપદેશ પ્રમાણે વર્તન કરનારને પ્રભુ સહાય આપ્યા વગર રહેવાનો જ નથી.
‘પ્રભુએ સહાય ન આપી તો ?’ ગૌતમથી પુછાઈ ગયું.
‘એવી અશ્રદ્ધા જ તમને દુઃખમાં નાખે છે !’ ઉપદેશકે કહ્યું.
‘તમને પ્રભુ ઉપર શ્રદ્ધા છે ?’
‘બહુ જ. શ્રદ્ધા વગર જિવાય જ કેમ ?’
‘આ અમે જીવીએ છીએ ને ? અને... તમને તો આ બોધ માટે પગાર મળતો હશે, નહિ ?’
‘હાસ્તો. પગાર વગર કશું કામ કેમ થાય ?’
‘તમને જેટલો પગાર મળે છે એટલો અમને બધાયને મળે તો અમે કદી ગુના નહિ કરીએ. તમારા પ્રભુને એટલું કહો.’
‘પ્રભુ બધું જ જાણે છે.’
‘પ્રભુ જો બધું જાણતો હોય તો તમને અમારી ભેગા જ લાવીને બેસાડી દીધા હોત ?'
'એટલે ?'
‘ખાઈ પી આરામ લેઈ પછી અમને ઉપદેશ આપવા નીકળ્યો છે.' બોલાવ અહીં તારા પ્રભુને ! અને પૂછ કે અમારામાં સાચો ગુનેગાર એક પણ છે ખરો ?’
‘પ્રભુ તે એમ આવે ?’
‘ખોટા પકડાયલાને છોડાવવા પ્રભુ ન આવે તો એ પ્રભુ અમારે જોઈએ નહિ.’
'નાસ્તિકતા.'
‘ચૂપ, બદમાશ ! જો પ્રભુનું કે ચારિત્ર્યનું નામ દેઈ ફરી આવ્યો છે તો તારું માથું ધડ ઉપર નહિ રહે ! પ્રભુનો ચમત્કાર હું જ તને પહેલો બતાવીશ ! પ્રભુ !’ કહી ગૌતમ પોતાના હાથનું ટમ્બલર ઉપદેશક તરફ ફેંકવાનો ચાળો કર્યો.
બેચાર ગુનેગારોએ તેને પકડી લીધો. ચારેપાસ ધાંધળ થઈ ગયું. ઉપદેશક પ્રભુને શોધવા માટે દોડાદોડી કરવા મંડી પડ્યા. વૉર્ડરોએ આવી ગૌતમનો કબજો લીધો. તોફાન કરવા માટે ગૌતમને સજા થઈ અને એકાંત કોટડી તથા તોફાની કેદીની ટોપી તેને મળી. તે સાંજનો ખોરાક તેને ન મળ્યો. ગૌતમનો ક્રોધ ઓસર્યો નહિ. ચારેપાસ ભયાનક એકાંત હતું. જગત તેને ભચડી ભીંસીને એક અંધારી કોટડીમાં કચરી નાખતું હતું. સાથેની ઓરડીઓ પણ ખાલી હતી. એકાએક કોટડીના સળિયા ગૌતમે હલાવી નાખ્યા. કોટડીની ભીંતે તેણે ઉપરાઉપરી લાત મુક્કા લગાવ્યા. જમીન ઉપરના પથ્થર ઉખાડી નાખવા માટે મંથન કર્યું, અને એ સર્વમાં નિષ્ફળ પ્રત્યાઘાત દેખાતાં તેણે એક મોટી ચીસ નાખી. ગૌતમને લાગ્યું કે તેના હૃદયનો એકાદ તાર તૂટે છે !
‘આખા જગતને તોડી નાખું ! જે દેખું તેનો ભુક્કો કરી નાખું !’ ગૌતમનું હૃદય બોલ્યું અને તેની કોટડી બહારથી તેણે એક માનવ અવાજ સાંભળ્યો :
‘એ... સુવર ! કેમ ચીસો પાડે ?... મરવાનો થયો શું ?’
ગૌતમના હૃદયનો ઉચાળો હલકો પડ્યો. તૂટતો તાર તંગ બની તૂટવાને બદલે પોતાના સ્થાનકે બેસી ગયો. ગાળ દેતો પણ માનવી પાસે છે એટલા વિચારે તેને સહજ શાતા વળી.
‘હું આમ એકલો પડીશ તો ઘેલો થઈ જઈશ.’ ગૌતમે કહ્યું.
‘ધેલો થઈશ તો ઘેલાની ઈસ્પિતાલ તારે માટે તૈયાર છે !’
માનવજાતમાં દયાના કેટકેટલા ધોધ વહેતા હશે ? માનવીને ઘેલો કરી મૂક્યા પછી વધારે ઘેલો બનાવવા એ ક્રૂર જાત ભ્રાંતચિત્તાલયો સ્થાપે છે !
ગૌતમ એકાએક સ્વસ્થ બન્યો. અંધારામાં તેણે આંખો સ્થિર કરી. ઘેલા ન બની જવાય માટે તેણે પોતાના શ્રદ્ધાના દિવસોમાં યાદ કરેલા ગીતાના એક શ્લોકને સંભાર્યોં.
प्रज्महाति यदा कामान् सर्वान् पाथे मनोगतान्
आत्मन्येवात्मनातुष्ठः स्थितप्रज्ञस्तदोच्यते ।
એ શ્લોકને તે મોટેથી બોલ્યો.
‘ચક્કરે ચઢ્યો ? લે આ થોડું ખાવાનું.' જાળી બહાર ઊભેલા માનવીએ કહ્યું.
‘ખાવાનું ન આપવું એવી મને સજા થઈ છે. હું લઈ શકું ?’
‘હવે ડાહ્યો થતો છાનોમાનો લે ને ? કાયદો પાળવા જઈશ તો મરી જઈશ !’ આવેલા માણસે કહ્યું.
એટલે જીવી શકે એ જ કે જે સફળતાપૂર્વક કાયદો તોડે ! ગૌતમે રોટલો અને વટાણા જાળીમાંથી હાથમાં લીધા.
‘જો હવે બૂમ નહિ પાડતો. ચાર દહાડા આામાં ગમે તેમ કરી કાઢી નાખ. પછી પાછો બધા ભેળો તને મૂકીશ. સમજ્યો ?’
સહજ દયાના અંશવાળો કોઈ વૉર્ડર આ સમજ પાડતો હતો. એકાન્ત કોટડી એટલે શું તેની એને ખબર હતી. કંઈક કેદીઓને આમ ગાંડા બની જતા તેણે જોયા હતા. તે પોતે પણ આવી એકાંત કોટડીનો અનુભવ કરી ચૂક્યો હતો, એટલે સહજ ખબર જોવા અને સજા થઈ છતાં થોડો ખોરાક આપવા તે કોટડી તરફ આવતો જ હતો. ગૌતમની ચીસ એ ઘેલછાની ચીસ હતી, એણે ચીસ ઓળખી અને ગૌતમના મનની કમાન છટકે તે પહેલાં તેણે માનવવાક્ય ઉચ્ચાર્યું.
‘મને શું થયું હશે ?’ ગૌતમે પૂછ્યું.
‘કેમ ? શું થયું ?’
'મને ચીસ પાડવાની જરાય મરજી ન હતી. છતાં કેમ ચીસ પડાઈ ગઈ?'
‘એ તો એમ થાય, સહુનેયે. માટે જ હું તારા ભણી આવતો હતો. હવે બૂમ ન મારતો, નહિ તો ફટકા પડશે.’ વૉર્ડર ચાલ્યો ગયો, કે આસપાસ ફરતો રહ્યો ? ભલે ગયો હોય.
ઘેલછાની ઘડી ચાલી ગઈ. ખરેખર ગૌતમને ભૂખ લાગી હતી. રોટલો તેને સ્વાદિષ્ટ લાગ્યો. વટાણા એથી પણ વધારે સ્વાદિષ્ટ લાગ્યા. ખાતે ખાતે ગૌતમે સંતોષ અનુભવ્યો. અલબત્ત, રોટલામાં કસકસાટ હતો જ, અને વટાણા સાથે ત્રણ ચાર કાંકરા ચવાઈ ગયા એ ખરું, પરંતુ એ ખામીઓ તેને આજ એવડી મોટી ન લાગી કે જેથી તે ખોરાકને ફેંકી દે.
ઉઘાડા પડેલા ટમ્બલરમાંથી તેણે પાણી પણ પીધું. જર્મ્સજંતુઓની હયાતી જ તે ભૂલી ગયો.
આવા બેચાર પ્રસંગો બને તો માનવી ઘેલો થાય, નહિ ?
ગૌતમે એ વિચાર જ છોડી દીધા. એણે મિત્રોને સંભાર્યા, ભણતર સંભાર્યુ. કૉલેજ સંભારી, દેશસેવાની યોજનાઓ વિચારી, જર્મનો સાથે અંગ્રેજોને કાંઈ યુદ્ધ થયું છે કે થવાનું છે એની કેદીઓમાં ચાલતી વાત ઉપરથી રશિયાની પરિસ્થિતિ તે પોતે જાણે સ્ટેલિન હોય એમ વિચારી ગયો. પિતાને અને બહેનોને યાદ કરતા. તેને લાગ્યું કે પાછું હૃદય ધબકવા માંડ્યું. એણે એ વિચાર બદલી નાખ્યા. ઓરડીના જ સહજ બહાર આવેલા નાનકડા ભાગમાં તે બારણાની જાળી સામે નજર નાખી આડો પડ્યો. અંદર તો અંધારું ઘોર હતું. બહાર વીજળીના દીવાનો પ્રકાશ દૂર દૂર દેખાતો હતો, આકાશના એક ટુકડામાં તારાઓ પણ ઝબકઝબક ઝબકી રહ્યા હતા.
તારા ! ગૌતમને એકાએક આનંદ થયો. જાણે રૂંધાયલા માણસે શ્વાસ લીધો.
વિશ્વ છે તો ખરું ! અંધારી કોટડીએ પૃથ્વીને અલોપ કરી દીધી. પરંતુ આ પૃથ્વી સરખી અનેક પૃથ્વીઓને પરિક્રમા કરાવતા તારકસૂર્યો સમૂળ અલોપ નહોતા થયા ! કેવા સુંદર તારા ! હીરામોતી જાણે ઝગઝગી ઊઠ્યાં ! કે મિત્રાની આંખ બધે ટમટમ્યા કરતી હતી ?
‘મિત્રા !’ ગૌતમ હસ્યો. ક્યાં આ અંધારકોટડી અને ક્યાં મિત્રાનો મહેલ ! છતાં મિત્રાના વિચાર તો આ કઢંગી ઓરડીમાં આવી શકે !
સાચું શું ? વિચાર કે વસ્તુ ?
ફિલસૂફીની ગૂંચવણ ઉકેલવાનું તેનામાં સામર્થ્ય ન હતું. એને હવા જોઈતી હતી - ચોખ્ખી હવા. એને દૃષ્ટિ જોઈતી હતી - આખું જગત જોવાય એવી દૃષ્ટિ.
કેદખાનું આખા વિશ્વને પણ સાંકડું બનાવી દેતું હતું, નહિ ? તારા પણ આકાશના એક ટુકડામાં દેખાતા હતા.
તારાના તેજને વળગી ઊંચે ચઢાતું હોત તો ? તોપણ આ જાળીમાંથી ગૌતમનો દેહ કેમ કરી નીકળે ?
કેદખાનાની બહાર ન નીકળાય ? એની દીવાલો ન તોડાય ? ન ઓળંગાય ? ઘણાએ એ કાર્ય સફળ કર્યું છે.
- ચાર વર્ષ તો સતત આ સ્થળે ન જ રહેવાય !
- આજથી જ કેદખાનું ભાંગવાની યોજના ઘડાય તો ?
કેદખાનાની ઘડિયાળમાં એક ટકોરો વાગ્યો. બુરજ ઉપરના પહેરેગીરે બૂમ પાડી પોતાની જાગૃતિ જાહેર કરી. નિદ્રાનું એક જબરજસ્ત મોજું ગૌતમ ઉપર ફરી વળ્યું. તારાના પ્રકાશ સામે ત્રાટક કરી રહેલા ગૌતમે આંખ મીચી અને તેને ખબર પણ ન રહી કે તે એક કેદખાનાની કાળી કોટડીની જમીન ઉપર વગર પથારીએ, વગર તકિયે, વગર ઓઢણે સૂઈ ગયો હતો.
કંઈક તારાઓના ઝૂમખાં એની ઓરડી ઉપરથી પસાર થયાં. ગૌતમને અનેક સ્વપ્ન આવ્યાં. પરંતુ તે જાગૃત થયે તેને સાંભરે એવા તીવ્ર ન હતા.
એ જાગૃત થયો ત્યારે જોયું કે ઓરડીની દીવાલ ઉપર બે ઘરોળીઓ ચોટી રહી હતી.
એણે પાસું બદલ્યું. એ પ્રાણી પ્રભાતદર્શનને યોગ્ય ન હતાં !
બાજુના ખૂણામાં એક ખિસકોલી પાછલા પગ ઉપર બેસી આગલા પગમાં વટાણાનો વેરાયલો દાણો લઈ ઝડપથી ખાતી હતી. ગૌતમની આંખ તેની બાજુએ ફરી એટલે ઝટ ખિસકોલીએ દોટ મૂકી. માનવીથી પશુપંખીની સૃષ્ટિ બહુ ડરે છે. માનવીએ માનવી ઉપર કરેલા અન્યાયો અને અત્યાચારો એટએટલા ઘોર છે કે યુદ્ધસંહારનાં લોહીતર્પણ સિવાય એનાં પાપ ધોવાતાં નથી. પશુપંખીની સૃષ્ટિ ઉપરના એના અત્યાચારો એથી પણ વધારે ભયંકર છે ! એ પાપ ધોવા માનવજાતને પોતાનું કેટલું લોહી નહિ રેડવું પડે ?
ખિસકોલી જરા ભીંતે ચડી પાછી અટકી ગઈ. એને પણ માનવીની દોસ્તી જોઈતી હતી. શું ? વિશ્વાસઘાતી માનવી ! સ્ત્રીસૌન્દર્યને રીઝવવા કેટલીયે ખિસકોલીઓની ખાલ માનવીએ ઉઝરડી લીધી છે !
ખિસકોલી પાછી આવવા માંડી; ધીમે ધીમે, રમતે રમતે. ક્વચિત્ ટીટ્ર ટીટ્ર સૂર તે સંભળાવતી હતી. સ્વરરહિત બની ગયેલા જગતમાં ખિસકોલીનો સૂર પણ સંગીતભર્યો લાગે છે.
દૂર વટાણાના બેત્રણ દાણા હજી પડ્યા હતા. ગૌતમ તે લેવા ઊઠ્યો.
બંને ઘરોળીઓ જાળી ઉપર ઊડતા એક પતંગિયાને પકડવા જાળી બહાર ધસી ગઈ. ગૌતમે વટાણાના દાણા ઊંચકી ખિસકોલી તરફ ગબડાવ્યા. અશ્રદ્ધાળુ ખિસકોલી પહેલી તો દોડીને ભીંત ઉપર ઊંચે ચડી ગઈ.
ગૌતમ હસ્યો.
જરા વાર રહી હિંમત કરીને તે નીચે ઊતરી અને ડરતે ડરતે વટાણા પાસે આવી એક દાણો ઊંચકી દોડી ગઈ.
એકાન્ત કોટડીના કેદી તરીકે રાત્રે ઘેલછાની તટે આવી ઊભેલા ગૌતમને થોડા દિવસ આમ એકલા જ રહેવાનું હતું. એક દિવસ અસહ્ય થઈ પડ્યો ! તો વધારે દિવસો શું શું પરિવર્તન ન ઉપજાવે ?
ગૌતમના દેહમાં કેટકેટલાં પરિવર્તનો થયાં હશે ? ટમ્બલરના પાણીમાં કે પાકને પાણી પાવાની નીકમાં કોઈ કોઈ વાર તે પોતાનું મુખ જોઈ લેતો હતો. જોનારનું મુખ ખરાબ છે એમ એક પણ પ્રતિબિંબ કહેતું નથી. છતાં કેદખાનાનાં કપડાં, ખોરાક અને વાળ ગોઠવવાનાં સાધનોનો અભાવ માનવીને પશુદ્દશ્યમાં ફેરવી નાખવા મથે છે. માનસિક ઉગ્રતા મુખ ઉપર નવી નવી રેખાઓ ઉપસાવે છે. ગૌતમ જોતજોતામાં બદલાઈ ગયો. એને પોતાને પણ લાગ્યું કે તેનો દેહ, તેનું મુખ આ કેદખાને નવેસર ઘડાય છે.
કેદમાં પડ્યા પછી તે ભાગ્યે હસ્યો હતો. ખિસકોલીની રમતે તેને હસાવ્યો. રોજના ખોરાકમાંથી ગૌતમે ખિસકોલીનો ભાગ પાડવા માંડ્યો, ખિસકોલી હવે દિવસનો મોટો ભાગ ગૌતમની ઓરડીમાં જ રહેવા લાગી. ગૌતમની બહુ નજીક આવતે આવતે તેણે ગૌતમના હાથમાંથી પણ ખાવાનું શરૂ કર્યું; એટલું જ નહિ પણ ગૌતમના દેહ ઉપર પણ તેણે વગર ભયે ફરવા માંડ્યું.
એક સાંજે નિશ્ચિંતતાથી ગૌતમ અને ખિસકોલી બંને જમ્યાં. ગૌતમે તેની સાથે વાતો પણ શરૂ કરી દીધી હતી.
‘તારું શું નામ પાડીશું ? મિત્રા ?’ ગૌતમે પૂછ્યું.
ખિસકોલીએ 'ટીટ્' જવાબ આપ્યો.
‘ના ગમ્યું ? નિશા કહું? આશા કહું? કે નૂર કહું?'
‘ટીટ્, ટીટ્, ટીટ્.’ ખિસકોલીએ આગ્રહ કર્યો.
‘એમ ? તને મુસ્લિમ નામ ગમ્યું ? મને પણ એ નામ ગમે છે. મારી બહેનનું નામ પડ્યું ન હોત તો હું એને નૂર જ કહેત.'
'ટીટ્. ટીટ્'
‘ઠીક. જો હું તારી કવિતા બનાવું....’
- નૂર, નૂર, નૂર
- ચાલી તું દૂર.
- આંખમાં આવે છે પાણીનાં પૂર !