છાયાનટ/પ્રકરણ ૨૦
← પ્રકરણ ૧૯ | છાયાનટ પ્રકરણ ૨૦ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૨૧ → |
એકાન્ત કોટડીના કેદી તરીકે રાત્રે ઘેલછાની તટે આવી ઊભેલા ગૌતમને થોડા દિવસ આમ એકલા જ રહેવાનું હતું. એક દિવસ અસહ્ય થઈ પડ્યો ! તો વધારે દિવસો શું શું પરિવર્તન ન ઉપજાવે ?
ગૌતમના દેહમાં કેટકેટલાં પરિવર્તનો થયાં હશે ? ટમ્બલરના પાણીમાં કે પાકને પાણી પાવાની નીકમાં કોઈ કોઈ વાર તે પોતાનું મુખ જોઈ લેતો હતો. જોનારનું મુખ ખરાબ છે એમ એક પણ પ્રતિબિંબ કહેતું નથી. છતાં કેદખાનાનાં કપડાં, ખોરાક અને વાળ ગોઠવવાનાં સાધનોનો અભાવ માનવીને પશુદ્દશ્યમાં ફેરવી નાખવા મથે છે. માનસિક ઉગ્રતા મુખ ઉપર નવી નવી રેખાઓ ઉપસાવે છે. ગૌતમ જોતજોતામાં બદલાઈ ગયો. એને પોતાને પણ લાગ્યું કે તેનો દેહ, તેનું મુખ આ કેદખાને નવેસર ઘડાય છે.
કેદમાં પડ્યા પછી તે ભાગ્યે હસ્યો હતો. ખિસકોલીની રમતે તેને હસાવ્યો. રોજના ખોરાકમાંથી ગૌતમે ખિસકોલીનો ભાગ પાડવા માંડ્યો, ખિસકોલી હવે દિવસનો મોટો ભાગ ગૌતમની ઓરડીમાં જ રહેવા લાગી. ગૌતમની બહુ નજીક આવતે આવતે તેણે ગૌતમના હાથમાંથી પણ ખાવાનું શરૂ કર્યું; એટલું જ નહિ પણ ગૌતમના દેહ ઉપર પણ તેણે વગર ભયે ફરવા માંડ્યું.
એક સાંજે નિશ્ચિંતતાથી ગૌતમ અને ખિસકોલી બંને જમ્યાં. ગૌતમે તેની સાથે વાતો પણ શરૂ કરી દીધી હતી.
‘તારું શું નામ પાડીશું ? મિત્રા ?’ ગૌતમે પૂછ્યું.
ખિસકોલીએ 'ટીટ્' જવાબ આપ્યો.
‘ના ગમ્યું ? નિશા કહું? આશા કહું? કે નૂર કહું?'
‘ટીટ્, ટીટ્, ટીટ્.’ ખિસકોલીએ આગ્રહ કર્યો.
‘એમ ? તને મુસ્લિમ નામ ગમ્યું ? મને પણ એ નામ ગમે છે. મારી બહેનનું નામ પડ્યું ન હોત તો હું એને નૂર જ કહેત.'
'ટીટ્. ટીટ્'
‘ઠીક. જો હું તારી કવિતા બનાવું....’
- નૂર, નૂર, નૂર
- ચાલી તું દૂર.
- આંખમાં આવે છે પાણીનાં પૂર !
‘હા... હા... હા... !’ ગૌતમને પોતાની કવિતા ઉપર ખડખડાટ હસવું આવ્યું.
નૂર હસી નહિ. એને ખોટું લાગ્યું. તે જાળીની બહાર ફરવા નાસી ગઈ. ગૌતમ હસતો હસતો જાળી પાસે ઊભો રહ્યો. થોડી વાર નૂરની એણે રાહ જોઈ. એનો ટીટકારો દૂર દૂરથી સંભળાયા કરતો હતો. એકાએક ચારેપાસથી પક્ષીઓનો કલબલાટ અને નાનકડાં જાનવરોના ઝીણા નાદથી વાતાવરણ ઊભરાઈ ગયું - અલબત્ત એકાંત, ગૌતમનું ધ્યાન અને ઘોંઘાટનો સંપૂર્ણ અભાવ એ નાદને વરતાવી આપતાં હતાં. સામાન્ય પરિસ્થિતિમાં એ નાદ કોઈનું ધ્યાન પણ ન રોકે, છતાં ગૌતમની આંખ ઝીણી થઈ. પશુપંખીની દુનિયામાં કાંઈ ભય પ્રગટ થયો લાગ્યો. જાળીમાંથી ગૌતમે આસપાસ લાંબે સુધી નજર નાખી, અને તેને કાંઈ પણ ખ્યાલ આવે તે પહેલાં સાપની ચપળતાથી નૂર જાળીમાં પેસી ગૌતમના દેહ ઉપર કૂદી પડી અને તેની પાછળ એક જ ક્ષણમાં એક મોટો રાની બિલાડો પૂર્ણ બળ અને ચાપલ્યથી જાળી સામે અથડાયો. અથડાઈને એણે ઊંચે ફાળ ભરી અને ગૌતમને જાળી પાછળ ઊભેલો જોઈ ઘુંધરાઈ, આંખો માંડી તે ઊભો રહ્યો.
‘એમ હતું ? નૂરને પકડવી છે ? હટ ! હરામખોર, ભાગ અહીંથી.’ ગૌતમ ગર્જી ઊઠ્યો. એની પાસે બિલાડાને મારવા કાંઈ સાધન ન હતું. પથ્થર પણ તેને હાથ લાગે એમ ન હતું. તેણે જોરથી તાળી પાડી અને જાળી ઉપર પોતાના હાથ અને પગ વડે હુમલા કર્યા.
મારી શકવાની ગૌતમની અશક્તિ નિહાળી બિલાડો ધીમે ધીમે દરકાર કર્યા વગર દૂર ચાલ્યો ગયો અને પાછળ જોઈ ગૌતમ સામે આંખ ચળકાવી સૂચવ્યું કે નૂરનો શિકાર હાથવેતમાં છે.
બિલાડો ગોરો હતો. એની ગોરાશ એની ક્રૂરતાને ઢાંકી શકતી ન હતી.
ગૌતમના ગુસ્સાનો પાર ન હતો. તે છુટ્ટો હોત તો બિલાડાને તે પૂરો કરત. નૂર ગૌતમના ખંભા ઉપર ચઢી સંતાઈ ગઈ. જાળી પાસેથી ખસી જઈ ગૌતમે બહુ જ ધીમેથી નૂરને હાથમાં લીધી; હજી તે ધ્રુજતી હતી. તેની આાંખો મીંચાઈ ગઈ હતી. ધીમે ધીમે તેણે અાંખ ઉઘાડી બંધ કરી. વળી પાછી આંખ ઉઘાડી અને નિરાધારને આધાર મળતાં આધાર ઉપર ઢળી પડે એમ ગૌતમના હાથમાં જ તે સમાઈ ગઈ.
‘નૂર, બચ્ચું ! વાગ્યું તો નથી ને ?’ ગૌતમે તેનો દેહ તપાસતાં પૂછવા માંડ્યું. તેને વાગ્યું ન હતું. પરંતુ છેક નજદીક આવી પહોંચેલા કાળે તેને ભયત્રસ્ત બનાવી દીધી હતી. તેનો દેહધડકાર હજી ચાલુ જ હતો.
ધીમે ધીમે તેનો ધડકાર શમવા માંડ્યો. આંખો સ્થિર થવા માંડી. સ્વસ્થતાભર્યું હલન શરૂ થયું. અને થોડી વારે તો તેણે એક ઝીણી અવાજ-ઘંટડી પણ વગાડી.
ગૌતમ બહુ જ રાજી થયો. તેને હસવું પણ આવ્યું. તેણે હસતાં હસતાં કહ્યું :
‘નૂર, તું ગુજરાતી યુવતી હોત તો તારું હૃદય ક્યારનું બેસી ગયું હોત !'
ગૌતમને એ રાત્રે સુંદર સ્વપ્ન આવ્યાં. નૂર એની પાસે જ ચોંટીને સૂતી હતી. ગૌતમના હલનમાં તે કચરાઈ જાય એટલી નાનકડી હતી; પરંતુ તેને જરાય ઈજા થઈ નહિ. પ્રભાત થતાં તો તે પાછી દોડવા અને રમવા માંડી. એટલું જ નહિ, કાળ સરખી બિલાડીને વીસરી જઈ એણે ઓરડી બહાર દોડવા માંડ્યું.
‘નૂર, તું મરવાની છે, હોં !' જાળી પાછળ ગૌતમ બોલતો હતો. થોડી વારમાં નૂર સડસડાટ એક ઝાડ ઉપર ચડી ગઈ. ગૌતમે જોયું કે ત્રણ ચાર માણસો તેની ઓરડી તરફ આવતા હતા. તાળું ખોલતે ખોલતે એક માણસે પૂછ્યું :
‘અલ્યા, કોની જોડે વાત કરતો હતો ?'
‘એકલો બોલતો હતો.... અને કોઈ વાર એક ખિસકોલી જોડે.'
‘ગાંડો થઈ જવાનો.’ બીજા માણસે કહ્યું.
‘તે થવાનો બાકી છે ?’ ત્રીજા માણસે કહ્યું.
'એકાંત ઓરડીની સજા પૂરી થવાથી તેને પાછો સામાન્ય કેદી સમૂહમાં મૂકવા માટે લેઈ જવા આ માણસો આવ્યા હતા.
‘મારે આ ઓરડી છોડવી નથી.' ગૌતમને ખબર પડતાં તેણે જવાબ આપ્યો.
‘તારો હુકમ અહીં ઓછો ચાલે છે ?’
‘હું ત્યાં આવીશ તો ફરી તોફાન કરીશ.’ ગૌતમે ધમકી આપી.
'તે વખતે જોઈ લેવાશે. અત્યારે તો ચાલ.'
‘મારી નૂરને લઈને હું આવું.’
‘બેવકૂફ ! અહીં વળી કયી તારી નૂર સંતાઈ છે ?’
‘પેલી ઝાડ ઉપર બોલે છે તે !’ ઝાડ ઉપરથી આવતા નૂરના બોલને એકાગ્રતાપૂર્વક સાંભળી રહેલા ગૌતમે કહ્યું. ‘આણે તો ખિસકોલાં પકડવા માંડ્યાં ! ચાલ, ચાલ હવે. સાવ ભેજુ ગેપ થઈ જાય તે પહેલાં બધાની ભેગો રહે !’ દયા લાવી વધારે આગ્રહપૂર્વક ખેંચ માણસોએ કરી.
‘મને નહિ ગમે એના વગર, હું ખરું કહું છું....’
'તે તને ગમાડવા માટે અહીં મોકલ્યો’તો, ખરું ને ?’
‘તમે જાઓ. હું એને લેઈને આવું ! તમે હશો ત્યાં સુધી એ ઝાડ ઉપરથી ઊતરશે નહિ.'
‘માળો ખરો મૂરખ દેખું ? તને તે છુટ્ટો અને એકલો મુકાય ખરો ? ચાલ.' ગૌતમને સહજ ઘસડીને આગળ લીધો.
પાછળ નૂરની ઘંટડી વાગી ! ગૌતમ ઊભો રહ્યો. તેણે આગળ વધવાની ના પાડી. સામે મજબૂત માણસો હતા. ગૌતમની માનસિક અસ્થિરતા જ આ હઠીલાઈમાં કારણભૂત હતી એમ માની દયા કરી તેમણે ગૌતમને ઘસડી સહુ ભેગો નાખ્યો. માણસોમાં તેનું મગજ ઠેકાણે આવી જશે એમ તેમની ખાતરી હતી.
વૉર્ડમાં જઈ સોંપવામાં આવેલું કામ કરવાની તેણે ના પાડી. થોડા ફટકા ખાઈ લીધા. તેના ચિત્તમાં પેલી નાનકડી ખિસકોલી જીવતી હતી, બીજું જગત મરી ગયું હતું. બે દિવસ સુધી તેણે કશું ખાધું નહિ. નાના ડૉક્ટર પણ તપાસીને ગયા. ગ્રેજ્યએટ કેદીનો વધારે સારો ઉપયોગ કરવાની તેમણે મોટા ડૉક્ટરને ભલામણ કરવાનો નિશ્વય કર્યો. કેદખાનાનો કોણ જાણે કેમ પણ ડૉક્ટરોને જ હવાલો સોંપાય છે. વાઢકાપ કરવામાં મેળવેલી માનસિક કઠણાશ કેદખાનાની વ્યવસ્થા માટે બહુ ઉપયોગી ગુણ ગણાતો હોય એ સંભવિત છે !
કેદીઓમાં વાત ચાલી કે ગૌતમ એક ખિસકોલી પાછળ ઘેલો થયો છે; એનું નામ પાડી. ‘નૂર' કહીને બોલાવે છે. અતૃપ્ત કામવાસનાઓથી ધગધગી રહેલાં કેદીઓનાં માનસ આવી વાતમાંથી અનેક વાર્તાઓ રચે છે અને બીભત્સ શબ્દચિત્રોમાં તેમને ઉતારી મનોરંજન કરે છે. એક વાત એમ પણ ચાલી કે ખિસકોલી પાળતી કોઈ ‘નૂર' ગૌતમની પ્રિયતમા હોવી જોઈ ! અને મશકરી, બીભત્સરસ એ તો પવિત્રમાં પવિત્ર જીવનવાહી પ્રેમને જ નામે વપરાય ને ? કેદખાનાની બહારનું જગત પણ બીજું શું કરે છે?
ડૉક્ટરના સમભાવી આગ્રહને માન આપી. તે આજે બે દિવસે હારબંધ બેઠેલા કેદીટોળામાં ટીનનું વાસણ લેઈ ખાવા બેઠો. રોટલો અને ભાજી એ બે વાનીઓ આજે સહુને મળી હતી. બેચાર દિવસ પછી કેદીઓને મીઠાઈ મળવાની હતી. તેનો અત્યારથી આનંદ અનુભવતા કેદીઓ જરા મસ્ત બન્યા હતા.
એકાએક મુખમાં રોટલો મૂકતે મૂકતે ગૌતમે નૂરનો ટણટણાટ સાંભળ્યો અને તેના આખા દેહમાં હર્ષ વ્યાપી ગયો. તેને આશા હતી જ નૂર ગમે તેમ કરી. ગૌતમને શોધી કાઢશે.
‘નૂર !’ ગૌતમે બૂમ પાડી.
ખિસકોલીએ સામો જવાબ આપ્યો. કેદીઓ બધા ખડખડ હસી પડ્યા.
દૂરથી એક કુમળી ખિસકોલી એક પાસથી બીજી પાસ દોડી ગઈ દેખાઈ.
‘લે, બીએ છે શા માટે ?’ કહી ગૌતમે એક રોટલાનો ટુકડો દૂર ફેંક્યો.
‘એ...તું ક્યાં ખિસકોલાંને પાછો અહીં પેધાડે છે ?' એક બેડી બિરાદરે કહ્યું.
‘તારું શું જાય છે ?’ ગૌતમે પૂછ્યું.
‘મારું શું જાય છે ? બે દહાડાથી મારો રોટલો ખેંચી જાય છે !’
'તે તું ચોરીને રોટલો રાખી મૂકતો હોઈશ.’
‘બધાય કરે તે હું કરું છું.’
‘એ જ ખિસકોલી રોટલો ખાઈ જાય છે એવું શા ઉપરથી ? વકીલની ઢબે તેણે પોતાના માનીતા જાનવરનો બચાવ શરૂ કર્યો.
સામાવાળા કેદીએ જવાબ ન આપ્યો.
બપોર પછી કેદીઓની એક ટોળી કમ્પાઉન્ડમાં. ખોદકામ કરતી હતી. ગૌતમ પણ આ શારીરિક કસરતને અંગે મજબૂત બન્યો હતો, એટલું જ નહિ પરંતુ દેખાવમાં પણ તે બીજા કેદીઓની બહુ નજીક આવી ગયો હતો. કપાળનાં સ્વેદબિંદુ પોતાના પહેરણ વડે જ લૂછી નાખતા ગૌતમને ખભે એક હાથ પડ્યો.
‘જો તારી નૂર મારો રોટલો ખેંચે છે !’ ટમ્બલર નીચે ઢાંકેલા રોટલાના ટુકડાને ખેંચી કાઢવા મથતી એક ખિસકોલી તરફ અંગુલિનિર્દેશ કરતા એક કેદીએ ગૌતમને કહ્યું.
ગૌતમને ખિસકોલીનો પ્રયત્ન રમૂજભર્યો લાગ્યો. આનંદપૂર્વક હસતે ચહેરે એ નાનકડા જાનવરની રમત જોતો. તે બોલ્યો :
‘એટલા એક ટુકડામાં તું શું મરી જાય છે ? ખિસકોલીએ રોટલાનો ટુકડો બહાર કાઢ્યો અને ચારેપાસ નજર નાખી તે ઝડપથી તેને ખેંચવા લાગી.
‘એટલા ટુકડામાં કોણ મરી જાય તે હું તને હમણાં બતાવું છું.' કહી એ કેદીએ પોતાના હાથમાં રાખેલું માટીનું મોટું ઢેકું ખિસકોલી ઉપર ફેંક્યું. ચપળ જાનવરની ચપળતા પણ એને કામ ન લાગી, અને એ માટીનો ટુકડો આબાદ એને વાગ્યો.
ગૌતમે કેદીને રોકવાનો કરેલો પ્રયત્ન પણ એક ક્ષણ મોડો પડ્યો અને ગૌતમે ફાટી આંખે જોયું કે એક નાજુક ખિસકોલી એક જ આામળો ખાઈ ચપટ પડી રહી હતી !
ગૌતમના હાથમાં કોદાળો ન હતો. નહિ તો આમ નિર્બળ જાનવરનું ખૂન કરવા માનવીનું તે ખૂન કરી નાખત. તેણે એક જબરજસ્ત મુક્કો કેદીના મોં ઉપર ખેંચી કાઢ્યો. મજબૂત કેદી એ પ્રહારથી જમીન ઉપર ગબડી પડ્યો, અને આસપાસના બેડીબંધુઓ તત્કાળ ભેગા થયા ત્યારે ગૌતમ નૂરની પાસે બેસી તેને એકીટસે નિહાળી રહ્યો હતો.
ગૌતમે એ નાજુક દેહ ઉપર આંગળી ફેરવી. નૂર સહજ હાલી, એણે આંખ પણ ખોલી અને ગૌતમની આંખ સાથે દૃષ્ટિ મેળવી તે ઊલટી પડી. ચત્તી પડેલી ખિસકોલીની આંખ ખુલ્લી થઈ ગઈ. તે મીંચાતી ન હતી. ગૌતમ સામે તે જોયા કરતી હતી. ક્ષણ બે ક્ષણ, પાંચ ક્ષણ, ગૌતમ તેની સામે જોઈ રહ્યો.
ગૌતમનું હૃદય હાલી ઊઠ્યું. તેણે પોતાની આંખ મૃત પશુ તરફથી ખસેડી લીધી. ત્યાંથી તે પોતાના સ્થાન ઉપર આવ્યો અને તેની આંખમાં વહી આવતા હૃદયને અટકાવવા તેણે કોદાળા વડે એકીટશે એટલું ખોદવા માંડ્યું કે એ સ્થળે ખાડો પડી ગયો !
કોઈએ ગૌતમને બોલાવ્યો નહિ અને ગૌતમે પણ કોઈને બોલાવ્યા નહિ.
દિવસ ઊગે અને રાત પડે, ગુપચુપ વગર બોલ્ય ગૌતમ કામ કર્યો જતો હતો. એના જીવનમાંથી રસ ઊડી ગયો; એના હૃદયમાંથી જેમ ઓસરી ગયું.
એકાદ સહાનુભૂતિવાળા સાથીએ આશ્વાસન પણ આપ્યું :
‘ખિસકોલી તે કાંઈ એક જ હશે ? નૂર મરી ગઈ એમ શા ઉપરથી ?’
બીજા કોઈએ એમ પણ વાત ફેલાવી કે એ પ્રસંગ પછી એકાંત કોટડીમાં એક ખિસકોલી બેસી રહેલી તેણે જોઈ હતી. એ જ નૂર હશે. ગૌતમ શા માટે દુઃખી થાય ? નૂર મરી જ નથી ગઈ ! પરંતુ ગૌતમને એ વાતો આશ્વાસન આપતી જ ન હતી. કેદીએ ઘા કર્યો ત્યારથી જ એની નાનકડી લાડકી બહેન નૂર એને મૂકી સદાય દૂર થઈ. નૂરને રમાડતાં એને એની બહેન સુનંદા અને અલકનંદા યાદ આવતી. અને પેલી મેનામાને વળગી પડેલી નૂર. નૂરની આંખ કેવી વહાલી લાગે એવી હતી ! એ મુસલમાન હતી તેથી શું ? હિંદુઓ એને ઝબેહ કરી શકત ખરા ? એ નિર્દોષ, ફૂલ સરખું કુમળું, સંસ્કૃતિના સ્મિત સરખું મુખ ભયભીત જોતાં પણ ગૌતમનું હિંદુત્વ લાજતું હતું ! એને બાળસૌંદર્ય સમસ્ત નૂરમય લાગતું હતું.
અને કેદખાને નૂર ઉપર ઘા કરીને માનવજાતે એની આખી સ્નેહસૃષ્ટિને છેદી નાખી.
રાક્ષસ માનવી બધુંય કરે, એ મેનામાને પણ કાપી નાખે અને એ નૂરને પણ છરો ભોંકી દે.
તેમ કરીને વળી એક જણ મુસ્લિમ તરીકે ગર્વ લે, ને બીજો હિંદુ તરીકે ગુમાન ધારણ કરે !
આ જગત ! આ માનવી ! એના કરતાં પથ્થર બનવું શું ખોટું ?
ગૌતમના હૃદય ઉપર નિરાશાનાં પડ ચઢી ગયાં. એના હૃદયમાંથી ઊર્મિ જ શોષાઈ ગઈ. એની બુદ્ધિ ઉદાસીનતામાં ઝબકોળાઈ. ચેતન માનવી બનવાને બદલે એ જડ પૂતળું બનતો ચાલ્યો.
એક વર્ષ વીત્યું - બે વર્ષ વીત્યાં. બધાંય સરખાં.
એને લેખનકાર્ય સોંપવામાં આવ્યું. નકલો કરવી, હિસાબ રાખવા, વસ્તુઓ ઉપર ચિઠ્ઠીઓ ચોડવી, એવાં બુદ્ધિપ્રધાન કાર્યો તેની પાસેથી લેવાવા માંડ્યાં. બુદ્ધિપ્રધાન ! ગૌતમ યંત્ર બનતો જતો હતો !
કવચિત્ રાતમાં એ ઝબકીને જાગતો. ક્રાન્તિકારીઓને મોખરે ધ્વજ લેઈ એ જગતના દલિતોને સત્તા અપાવતો હોય ! એવામાં કોઈ બેવકૂફ દલિત મેનામાને, નૂરને કે ખિસકોલીને રિબાવતો દેખાતો ! ગૌતમનું સ્વપ્ન ઊડી જતું, અને પછી આખી રાત મૂર્છિત માનસસહ તે વિતાવતો.
ત્રણ વર્ષ વીત્યાં. ગૌતમને કંટાળો ઊપજતો પણ અટકી ગયો. કદી કદી તે જૂનાં જીવનસ્મરણોમાં જાગી ઉત્સાહ અનુભવતો, પરંતુ તે સ્વપ્નનો ઉત્સાહ ! કદી કદી તેને ભયચમક થઈ આવતી કે એનું હૃદય થીજી જઈ એના ભૂતકાળને ઠંડા હુતાશથી બાળી મૂકશે શું ? કદી કદી તે ભાવિમાં નજર નાખી રોમાંચ અનુભવતો. પરંતુ તે ક્ષણ બે ક્ષણ માટે. એનું આખું ભાવિ દુશ્મને બાળી ભસ્મ કરેલા પ્રદેશ સરખું ખાખભરેલું હતું ! કેદમાં એ સહરાના ધગધગતા રણને અનુભવતો. કેદ બહારના ભાવિમાં તે ઉત્તર ધ્રુવની બળતી અને બાળતી શીતળતા નિહાળતો. કેદખાનું પણ સરખું, બહારનો પ્રદેશ પણ સરખો ! એણે શાનો કંટાળો ઉપજાવવો ?
કેદખાનેથી બહાર નીકળ્યા પછીની એની ઘડાતી યોજનાઓ પેલા કેદીના ઘાએ છિન્નભિન્ન કરી નાખી. જે જીવન એને આબેહયાત દેખાયું હતું એ જીવન તો જંતુભર્યું બંધિયાર ખાબોચિયું બની ગયું. ખાબોચિયા ઉલેચનારને ઉત્સાહ શો ? જીવન એટલે વેઠ ! કંટાળો કે ન કંટાળો, વેઠ વહેવાની જ.
કોઈ કોઈ વાર એ હિંદુભૂમિ ઉપર ઘૂમતા પડછાયાઓને મળતો.
‘જાણ્યું કોનો વિજય થયો તે ?' કોઈ પડછાયો પૂછતો.
‘ના ભાઈ. કોનો વિજય થયો ?’
‘હિંદુઓનો.’
‘એમ ? કેવી રીતે ?’ ગૌતમે પૂછ્યું.
'કારોબારી મંડળમાં એક હિંદુ નિમાયો.' એક પડછાયાએ કહ્યું.
‘અરે જા ! બે મુસ્લિમો તો એ મંડળમાં ક્યારનાયે છે.’ બીજો પડછાયો બોલી ઊઠ્યો.
'પણ એમાં હિંદી કેટલા છે ?’ ગૌતમે પૂછ્યું.
‘એ શી ખબર પડે ? એક જણ તિલક કરે છે અને બીજો દાઢી રાખે છે' એમ પડછાયાએ કહ્યું.
‘પછી ?’ ગૌતમને સમજ ન પડવાથી પૂછ્યું.
‘પછી ? વિજય થયો !’
‘કોનો ?'
‘એ કહેવું પડશે ? સાચો વિજય બ્રિટિશ સત્તાનો ! કેવા લઢી મરો છો, બચ્ચા ?’ કહી પરમ આનંદથી ત્રીજો પડછાયો નૃત્ય કરતો.
એક વાર એણે જોયું કે કૂકડાં, ઘેટાં, પાડા અને હાથી સામસામી ટક્કર કરતા હતા. ટક્કર કરતાં પ્રાણીઓની આસપાસ જેમના તેમના પક્ષના માણસો ઊભાં રહી પ્રાણીઓને થાબડી ઉશ્કેરતાં હતાં.
એકાએક એ માણસો જ ઘેટાના સ્વરૂપમાં બદલાઈ ગયાં. તેમની લઢાઈ ગોરા માનવીઓ જોતા હતા.
એક ઘેટો પાછો હઠ્યો. તેને થાબડી હિંમત આપવામાં આવી : ‘અરે બહાદુર, તું પાછો હઠે ? ચલ, આગે બઢ અને લગાવ જોર ! શાબાશ !'
લઢાઈ ફરી જામતી અને બીજો ઘેટો પાછો હઠતો. એને બીજા પક્ષ તરફની ઉશ્કેરણી થતી :
‘વાહ મેરે બહાદુર ! તું પાછો હઠે તો તારા પૂર્વજો લાજે. લગે લગે ! શાબાશ !'
અને બંને ઘેટા પાછા વજ્રકાટકા સાથે પરસ્પર અથડાતા.
‘આ કોણ લઢે છે એ જોયું ?' ગૌતમે પ્રશ્ન સાંભળ્યો.
‘ના; પૂરું ન સમજાયું.’
‘એ લઢે છે તે એક તું અને બીજો તારો ભાઈ.’ અવાજ આવ્યો.
‘અને પ્રેરણા પાય છે તે કોણ ?’
‘ઓળખી કાઢ.'
'નથી ઓળખાતા.'
‘ઓળખાય નહિ ત્યાં સુધી તમે બંને લઢ્યા કરજો. જગતનાં માનવીઓને રંજન માટે ખેલ જોઈએ ને ?'
‘લઢતાં લઢતાં એકાદ ઘેટું ઘવાયું તો ?'
'મિજબાનીનું મેજ ભરાશે ! બીજું શું ?’
‘કોનું મેજ ?’
અને ઉત્તરમાં હસતો છાયાનટ આકાશમાં અલોપ થઈ જાગી ગયેલા ગૌતમને વ્યગ્રતાપૂર્વક જાગૃત રાખતો.
પરંતુ આ ત્રીજા વર્ષમાં કોઈ કોઈ વાર જ બનતું. સ્વપ્ન ગૌતમને વધારે ગમગીન અને વધારે શાંતિ બનાવતું. એ દિવસ અને એ રાત પણ વારાફરતી ચાલ્યે જ જતાં.
એક દિવસ ગૌતમને ખબર પણ નહિ અને કેદખાનાના દરવાજાએ ઉપાડી. ગૌતમને બહાર મૂક્યો.
‘કેમ ? મને ક્યાં મોકલો છો ?’ ગૌતમે પૂછ્યું.
‘કેદખાનાની બહાર. તું હવે છૂટ્ટો થયો. સજા પૂરી થઈ.’
‘બહાર જઈને શું કરું ? ટેવ અહીં રહેવાની પડી છે; બહાર અજાણવું લાગશે.'
પરંતુ એનું કથન કોઈએ ગણકાર્યું નહિ. ગૌતમને બહાર મૂકી દરવાજા બંધ થયા. દરવાજાએ ઝીણો નાદ, બંધ થતે થતે કર્યો. નૂરનો એ સૂર ! કેદખાનાની ગુંડાગીરીએ એની હત્યા કરી. ગૂંચવાઈ રહેલા ગૌતમને આખા સાડાત્રણ ચાર વર્ષના ગાળામાં એક ખિસકોલી જ યાદ કરવા સરખી લાગી.
એને એનાં જૂનાં કપડાં મળ્યાં. વીસ રૂપિયા રહી ગયા હતા તે પણ મળ્યા. કામધંધામાંથી પરવારી ગયેલાં સેવાભાવી સ્ત્રીપુરુષોએ કાઢેલી બંદીવાનોને છૂટ્યા પછી મદદ કરનારી એક મંડળીમાં જઈ સહાય લેવાની સૂચના પણ મળી, અને જગત સાથેનો તૂટી ગયેલો સંબંધ પાછો સંધાયો.
કયો સંબંધ ?