છાયાનટ/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
છાયાનટ
પ્રકરણ ૨
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૩ →





નિદ્રા એટલે સામર્થ્યનો અખૂટ ઝરો.

ગૌતમની ઓરડીના બારણા ઉપર ટકોરા પડ્યા છતાં તે ઊઠ્યો નહિ. પરંતુ બારણા ઉપર પડતા મુક્કા નિદ્રાનાં ઊંડાણમાંથી માનવીને બહાર ખેંચી લાવે છે. ગૌતમે ખડખડાટ સાંભળ્યો અને તે ઊઠ્યો. તેણે બારણું ઉઘાડ્યું. વરસાદ રહી ગયો હતો અને સૂર્યપ્રકાશ ધીમે ધીમે વાદળાંને ભેદતો હતો. ઠંડી હવા આખા વાતાવરણમાં શૈત્ય ફેલાવી રહી હતી. સારી નિદ્રાએ ગૌતમને સ્ફૂર્તિ આપી હતી.

‘શું છે ? કેમ બારણાં ઠોકે છે ?’ ગૌતમે પૂછ્યું.

‘પોલીસ આવે છે. તારી જ ઓરડી ઉપર ધસારો લાગે છે. છે કાંઈ ખસેડવા જેવું ?' અરવિંદે પૂછ્યું. અરવિંદ તેનો અંગત મિત્ર હતો.

‘ના. ભલે આવે.' ગૌતમે કહ્યું અને તત્કાળ કૉલેજના પ્રિન્સિપાલ અને પોલીસ અમલદારો ઓરડી પાસે આવી પહોંચ્યા. પાછળ વિધાર્થીઓનું નાનું ટોળું પણ ભેગું થવા લાગ્યું.

‘ગૌતમે પ્રિન્સિપાલને સલામ કરી, જે તેમણે ઝીલી નહિ. પ્રિન્સિપાલ દેશી હતા એટલે કે હિંદી હતા. કેટલીક ઊંચી જગાઓ ઉપર ગોરાઓ જ નીમી શકાય એવી ચાલી આવેલી પ્રથાના આછા ભંગનો લાભ એ વર્ષે જ આ હિંદી પ્રિન્સિપાલને મળ્યો હતો, પરંતુ રાજકર્તા તરીકેના સ્વભાનપૂર્વક ગોરા અમલદારો જે સ્વાભાવિકતાથી સત્તા જીરવી શકે છે તે સ્વાભાવિકતા દેશી અમલદારો ભાગ્યે જ ખીલવી શકે છે. અંગ્રેજી ઢબનાં કપડાંની માફક અંગ્રેજી ઢબની અમલદારી દેશીઓને બંધ બેસતી આવતી નથી. વિદ્યાર્થીઓ હજી ગોરા પ્રિન્સિપાલનું ગૌરવ યાદ કર્યા કરતા.

સલામના જવાબમાં પ્રિન્સિપાલે ગુસ્સે થઈ કહ્યું : 'ગૌતમ ! તારે આ ઓરડી ખાલી કરવી પડશે.'

‘મારો કાંઈ ગુનો ?’ ગૌતમે પૂછ્યું.

‘ગુનો ? જો આ પોલીસ અમલદાર તપાસ હુકમ લઈ આવ્યા છે તે.'

'શાની તપાસ?’

‘તારી ઓરડીની.'

‘હું કાંઈ ચોરી કે લૂંટનો માલ ઓરડીમાં રાખતો નથી.’ ‘તું જે રાખે છે તે એથી વધારે ભયંકર છે !’

'હથિયાર એકેય નથી. હું તો લાકડી પણ રાખતો નથી.’

‘જેની મના થઈ છે એવી ચોપડીઓ તું રાખે છે.’

‘કયી ?’

‘રશિયાની-સામ્યવાદની.’

‘સાહેબ ! કૉલેજમાં સામ્યવાદના સિદ્ધાંતો શીખવાય, સામ્યવાદી રાજબંધારણનો અભ્યાસ થાય, અને આપણા જ રાજકર્તાઓ સામ્યવાદી રશિયા સાથે મૈત્રીના કરારો કરે ! છતાં અમારાથી એ સંબંધનાં પુસ્તકો પણ ન વંચાય ?'

પ્રિન્સિપાલે પોલીસ અમલદાર સામે જોઈ ગૌતમ તરફ નજર કરી જવાબ આપ્યો :

‘તારી સાથે દલીલ કરવા આ લોકો આવ્યા નથી. તારી ઓરડી તપાસવાનો હુકમ લઈ આવેલા છે.'

'તે ભલે ઓરડી તપાસે. પણ આપે આ સવારના પહોરમાં શા માટે તકલીફ લીધી ?’

‘મારી તકલીફ મારી પાસે રહેવા દે, અને બારણા વચ્ચેથી ખસી જા.' ગૌતમ ઓરડીની બહાર આવ્યો અને પ્રિન્સિપાલ તથા પોલીસ અમલદાર ઓરડીની અંદર ગયા. કૉલેજના વિદ્યાર્થીઓએ તોફાન કરી પોલીસને હેરાન કર્યાનાં વર્ષો પહેલાં બનેલા પ્રસંગે ગોરા પ્રિન્સિપાલે એક પણ વિદ્યાર્થીને ઊની આાંચ ન આવે એવી ઝડપી વ્યવસ્થા કરી દીધી હતી, અને પોલીસના એક પણ માણસને કૉલેજમાં પેસવા દીધો ન હતો. વિદ્યાર્થીઓનો તે જાણીતો બનાવ હતો. આજ એક દેશી પ્રિન્સિપાલ પોતે થઈ એક વિદ્યાર્થીની ઓરડીની ઝડતી પોલીસ પાસે લેવડાવતા હતા. દેશી અમલદારોની વફાદારી ગોરાઓ કરતાં પણ વધારે તીવ્ર હોય છે. ગોરો રાજઅમલ આવા કૈંક મજબૂત કાળાસ્તંભો ઉપર અવલંબન રાખી રહ્યો હતો !

રશિયા, કમ્યુનિઝમ[૧] અને સોશ્યાલિઝમને[૨] લગતાં થોડાં પુસ્તકો ગૌતમના મેજ ઉપર પડ્યાં હતાં તે પોલીસે ઝડપી લીધાં. તેની પેટી પણ તેમણે ઊલટપાલટ કરી. ગુજરાતી સાહિત્યને ગૌતમ બહુ ગણકારતો નહિ. જગતની એકતા ઈચ્છનાર - જગતને એક બનાવવા મથતા પાશ્ચિમાત્ય વિસ્તૃત સાહિત્યને ઓળખનાર - ગૌતમ, પુસ્તકની હજાર


  1. ૧. સામ્યવાદ.
  2. ૨. સમાજવાદ.
નકલો ત્રણ વર્ષે ખપે એમાં આનંદ માનતા ગુજરાત અને ગુજરાતના સાહિત્ય માટે બહુ જ ઓછું માન ધરાવે એમાં અસ્વાભાવિક કશું જ ન હતું. છતાં તેની આસપાસ ગુજરાત ફેલાયેલું હોવાથી કદી કદી તે ગુજરાતી સાહિત્ય તરફ તિરસ્કારભરી આછી નજર કરતો રહેતો. એટલે થોડી ગુજરાતી ચોપડીઓ પણ એકાદ બાજુએ પડેલી હતી. તેમાંથી પણ પોલીસને કશું વાંધાભર્યું સાહિત્ય મળી ન આવ્યું.

ગૌતમના લેખ કે બીજી વાંધાભરી પત્રિકાઓ કેમ મળી ન આવી ? જોકે નાની ઓરડીનો ખૂણેખૂણો શોધવામાં આવ્યો.

ગૌતમને બોલાવી પોલીસે તેની પાસે પુસ્તકો ઓળખાવવા માંડ્યા. પુસ્તકોનો મોટો ભાગ કૉલેજના પુસ્તકાલયની છાપવાળો હતો, અને બાકીનાં પુસ્તકો કૉલેજના પ્રોફેસરે ભલામણ કર્યાથી મંગાવવામાં આવ્યાં હતાં એવો ગૌતમે જવાબ આપ્યો - જે જવાબની અસર શ્યામ રંગી પ્રિન્સિપાલના મુખને પણ રાતું બનાવી શકતી હતી.

'તેં પુસ્તકો વગે કર્યાં લાગે છે !' પ્રિન્સિપાલે કહ્યું.

‘એટલે ?’ ગૌતમે પૂછ્યું.

‘એટલે એમ કે આ સિવાયનાં અનેક પુસ્તકો તું રાખે છે અને વિદ્યાર્થીઓમાં તેનો ફેલાવો કરે છે.'

‘સાહેબ ! હું ધનવાન વિદ્યાર્થી નથી એ આપ જાણો છો.’

‘માટે જ તને આ બધું સૂઝે છે ! જેને કાંઈ ગુમાવવાનું નથી. એને જવાબદારીનું ભાન જ હોતું નથી.’

ગૌતમ આ ઠપકો સાંભળી રહ્યો. ગઈ કાલથી તેને કોઈએ ચેતવણી આપી દીધી હતી. અને ખરેખર તેણે સરકારી દૃષ્ટિએ વાંધાભરેલાં અનેક પુસ્તકો પોતાની ઓરડીમાંથી ખસેડી નાખ્યાં હતાં.

'પ્રિન્સિપાલ સાહેબ ! કૉલેજમાં આવાં પુસ્તકો કેમ રાખો છો ?’ પોલીસ અમલદારે કહ્યું.

‘ભણવા માટે કેટલાંક પુસ્તકોની જરૂર તો પડે જ ને ? પ્રધાન બની ગયેલા મેકડોનલ્ડે સોશ્યાલિઝમ ઉપર પુસ્તક લખ્યું છે. લંડનની સ્કૂલ ઈકોનોમિક્સવાળા હેરોલ્ડ લાસ્કીનાં પુસ્તકો તો પાઠ્યપુસ્તક ગણાય છે. બર્ટ્રાંડ રસેલ અને લૉર્ડ....’

‘એ જે હોય તે. પણ મારે આ પુસ્તકો જપ્તીમાં લેવાં પડશે.’

‘અમને અહીં હરકત પડશે.'

‘એનો ઈલાજ નથી.' ‘પણ, ઈન્સક્ટર સાહેબ ! આ પુસ્તક શા માટે લેઈ જાઓ છો ?' ગૌતમે એક ગુજરાતી પુસ્તક તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું.

‘એ તો, ખાસ વાંધાભરેલું પુસ્તક લાગે છે !’ પોલીસ સાહેબે કહ્યું.

'કારણ ?’

‘જુઓ, વાંચો !’

‘શું વાંચું ?’ એ તો એક કવિતાનું પુસ્તક છે.’

‘રશિયાની કવિતા હોય તો જપ્ત કરવાની છે.'

‘આ રશિયાની કવિતા ન હોય. એ તો ગુજરાતની પ્રેમ કવિતા છે.’

‘મને છેતરવો છે ? પોલીસ છેતરાઈ જાણી છે ?’

‘કેવી રીતે હું તમને છેતરું છું ?'

‘આ મથાળું વાંચો. લિપિ મને પણ વાંચતાં આવડે છે.'

‘રસિયાના રંગ ! એમાં શું વાંચવાનું છે ?’

'There you are.[૧] રશિયાના રંગ ! '

‘અરે સાહેબ ! રસિયા અને રશિયા બંને જુદાં છે.' ખડખડ હસીને ગૌતમે જવાબ આપ્યો.

‘તમે તે સાબિત કરજો. પુસ્તક મને તો વાંધાભર્યું જ લાગે છે.' પોલીસ અમલદારે કહ્યું. રસિયાના રંગ નામના કવિતાસંગ્રહમાં પોલીસ અધિકારીને રશિયાના રંગ વંચાયા. ઘણા અભેદો સ્થાપન કરતાં પોલીસખાતાને માટે 'સ' તથા 'શ' વચ્ચેનો અભેદ વધારે પડતો ન જ કહેવાય !

‘પ્રિન્સિપાલ સાહેબ ! આપ તો કાંઈ કહો ? આપ જોઈ શકો છો કે આ પ્રેમ કવિતામાં રશિયાનું નામ પણ નથી.' ગૌતમે હસતાં હસતાં પ્રિન્સિપાલને વિનંતિ કરી.

‘મારે કાંઈ જ કહેવું નથી. મારે એટલું કહેવાનું છે કે તારે આ ઓરડી જ નહિ પણ મારી કૉલેજ સુધ્ધાં છોડવાની છે !' પ્રિન્સિપાલે વિનંતિનો જવાબ આપ્યો.

‘વગર ગુનાએ મને દૂર કરશો એ આ વિદ્યાર્થીવર્ગ સાંખશે. ખરો ?’

‘હું જાણું છું. તેં સભા સ્થાપી છે તે. તારા દોઢસો સભ્યોને પણ કૉલેજમાંથી હું ખસેડી નાખવાનો છું. એ વગર હું કોલેજ જરૂર ચલાવી શકીશ.’

ગૌતમ ચમક્યો. તેની સભા વિષે શું કોઈએ પ્રિન્સિપાલને જાહેરાત


  1. * તમારે મોઢે જ ન્યાય.
આપી દીધી હતી ? એનું મંડળ લગભગ ગુપ્ત હતું અને તેમાં પ્રવેશ પામનાર પ્રત્યેક સભ્યે વફાદારીના સોગન લીધા હતા.

‘આપને કોણે કહ્યું ?’ ગૌતમે ગંભીર બનીને પૂછ્યું.

‘હું વગર પુરાવે કામ કરતો જ નથી.' પ્રિન્સિપાલે પોતાની જાતને પ્રમાણપત્ર આપ્યું.

'અને ધારો કે એક મંડળ અમે વિદ્યાર્થીઓએ સ્થાપ્યું. એમાં તમારું શું ગયું ?’ ગૌતમે ઉગ્રતાથી પૂછ્યું.

‘મારી સંમતિ વગરનાં મંડળો કૉલેજમાં ચલાવી લેવાય નહિ.’

‘સાહેબ ! આપના કૉલેજના દિવસો યાદ કરી શકો છો ?’

‘હા.. તારા જેવા ઉદ્ધત વિદ્યાર્થીને મારા દિવસોમાં ભારે સજા થતી. આજથી તારે માટે મારી કૉલેજ બંધ છે.'

‘હું પણ જોઉ છું કે તમે કૉલેજ કેમ ચલાવો છો !’ ઉગ્રતાથી ગૌતમે કહ્યું.

'આ કથન પણ નોંધી રાખવાનું છે, ઈન્સ્પેક્ટર સાહેબ ! મને અપાયલી ધમકી આપ યાદ કરજો.’

પુસ્તકો સાથે પોલીસ અમલદાર અને પ્રિન્સિપાલ ચાલ્યા ગયા. ગૌતમ એકીટસે જોઈ રહ્યો હતો !

‘પ્રિન્સિપાલ અને પોલીસ અમલદારનાં મસ્તક એક જ શરીરમાંથી ઊગી નીકળતાં લાગે છે !’ તેણે મનમાં કહ્યું.

રાવણ ? હજી બે જ મસ્તક ઊગ્યાં ! એનાં દસ થાય અને દસમાંથી? ગૌતમના મનને ગભરાવે એવી કલ્પનાસૃષ્ટિ તેની દૃષ્ટિ આગળ ઊભી થઈ.