લખાણ પર જાઓ

છાયાનટ/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨ છાયાનટ
પ્રકરણ ૩
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૪ →





કૉલેજમાં ભયંકર હડતાલ પડી. ચાલીસ વર્ષથી વધુ ઉંમરનાં આગેવાન સ્ત્રીપુરુષોએ માન્યું કે વિદ્યાર્થીઓમાં વધતો હડતાળનો શોખ એ ભયંકર રોગ છે અને તેને નિર્મૂળ કરવો જ જોઈએ. ચાળીસ વર્ષથી નીચેના પ્રજાજનોને લાગ્યું કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને તેમનું આત્મસંમાન પ્રશંસનીય છે, પરંતુ તેનો કોઈ વધારે સારો માર્ગ મળવો જોઈએ. આગેવાન ગણાતાં સ્ત્રીપુરુષોએ વિદ્યાર્થીઓના આગેવાન તથા કૉલેજના પ્રિન્સિપાલ-પ્રોફેસરો સાથે મંત્રણા શરૂ કરી. પ્રિન્સિપાલ ચાલીસ વર્ષની ઉમર વટાવી ગયા હતા એટલે તેમને વિદ્યાર્થીઓની સ્વતંત્ર વર્તણૂક ઉપર કાયમનો અંકુશ દાખલ કરી દેવો હતો. તેમના અંકુશ વગર વિદ્યાર્થીજગતનો ધ્રુવતારો ચલાયમાન થશે નહિ એમ તેમણે ક્યારનુંયે નક્કી કર્યું હતું. પ્રાચીન કાળનો એક મહારથી હજાર સૈનિકોની બરાબરી કરી શકતો. પ્રિન્સિપાલમાં અતિરથીનું સામર્થ્ય હતું. હિંદુસ્તાનના ત્રીસ માણસોનો વાર્ષિક ખોરાક એક જ મહિનામાં પોતાના પગાર રૂપે ઝૂંટવી લેતા આ હિંદવાસી કેળવણીકાર આમ આર્થિક મોખરા ઉપર મક્કમ હતા. મત મેળવવાની કુશળતા કેળવી. સેનેટ ને સિન્ડિકેટમાં દાખલ થઈ પરીક્ષકોની નિમણૂકમાં ઠીક ઠીક હાથ નાખી કૉલેજ-યુનિવર્સિટીના વાતાવરણને દેશી રાજ્યના વહીવટ જેવું યુક્તિશાળી, બ્રિટિશ રાજવહીવટ સરખું ભાગલામય અને ઈશ્વર સરખું એકચક્રી બનાવી રહેલા પ્રિન્સિપાલનો મુત્સદ્દીગીરીનો મોરચો પણ સજજ હતો. હિટલરમુસોલિનીના યુગમાં ધાકધમકી અને સજાની ખુલ્લી તલવાર હાથમાં લઈ ન ફરનાર મનુષ્યને દક્ષ કહી શકાય જ નહિ. પ્રિન્સિપાલ સાહેબની દક્ષતા પૂરેપૂરી વખણાતી હતી. આવાં સાધનથી સજ્જ બનેલા હિંદની કેળવણીના એક સુકાની સામે વિદ્યાર્થીઓએ ઝૂઝવાનું હતું. લાંબી રજાઓ, ઓછા કલાકની મહેનત અને તેમાં લાગી જતા ભારે માનસિક પરિશ્રમને અંગે પ્રોફેસરોને પણ આવી હડતાલ આશીવાર્દરૂપ બની જાય છે. હડતાલમાંથી હાસ્ય અને રમૂજ પણ ઊપજી આવે છે ! ઓછું હસતા પ્રોફેસરોને પણ હસવાની પળ મળવી જોઈએ ને ?

ગૌતમને કૉલેજ રેસિડેન્સીમાં પાછો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી સઘળા વિદ્યાર્થીઓએ હડતાલ ઉપર રહેવાનું હતું ! વિદ્યાર્થીઓનો પ્રથમ ધસારો વિજયસૂચક હોય છે. તેમનો ઉત્સાહ તેમને પ્રથમ હલ્લામાં લાંબે સુધી લઈ જાય છે. વાંચનનો કંટાળો, મોજ, ગમ્મત, તોફાન, દેખાવ, ઉગ્રતા, પુણ્યપ્રકોપ, ધ્યેય એ સર્વ તત્ત્વો આવી હડતાલમાં ભાગ ભજવે છે. ધ્યેય ઘણા ઓછાને હોય છે, પુણ્યપ્રકોપ માટેની તાકાત દિનપ્રતિદિન ઘટતી જાય છે, ઉગ્રતા ઓસરી જાય છે, દેખાવ બદલી શકાય છે. તોફાન, ગમ્મત અને મોજ એ મુદ્દ્તી લાગણીઓ છે; નિત્યના સ્થાયીભાવ એ કહેવાય નહિ. અને વાંચનનો કંટાળો એ સ્થાયીભાવ હોવાથી હડતાલમાં તેમ જ હડતાલ વગર પણ એ પોતાનો સ્વતંત્ર ભાવ ભજવી શકે છે. એટલે પહેલે ધસારે વિજયની હાક પાડી રહેલા વિદ્યાર્થીઓ બીજે દિવસે શાંતિના માર્ગ તરફ પગલાં માંડે છે. હડતાલની ઉતાવળ તેમને ત્રીજે દિવસે સમજાય છે; હડતાલના કારણનું મહત્ત્વ ચોથે દિવસે ઓછું થતું લાગે છે; અભ્યાસ માટે પાંચમે દિવસે પ્રેમ ઊપજવા લાગે છે. હડતાલના આગેવાનોની ઉદ્ધતાઈ પ્રત્યે છઠ્ઠો દિવસે અણગમો ઊભો થાય છે; અને સાતમા દિવસે પ્રિન્સિપાલે કરેલી ધમકીભરી વિનંતિને માન આપવાની લાગણી પ્રબળ બને છે.

‘ગૌતમ ! વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જવા માંડ્યું.’ અરવિંદે કહ્યું.

‘હું જાણતો જ હતો, માટે મેં હડતાલની ના પાડી હતી.' ગૌતમે કહ્યું.

'અને ઘણા છોકરાઓએ માફીપત્ર લખી આપવાની ચળવળ આપણી પાછળ શરૂ કરી છે.’

‘હિંદના વિદ્યાર્થીઓ બીજું શું કરશે ?'

'પણ તને તો કૉલેજમાંથી કાઢી મૂકવાનો છે. પ્રિન્સિપાલ અને આગેવાનો વચ્ચે આટલી બાબત ઉપર સમાધાન થતું નથી.’

‘આગેવાનો ! સમાધાન ! હું !' ગૌતમ હસ્યો - ભારે તિરસ્કારપૂર્વક.

'તને ખબર પડી, કોણે પ્રિન્સિપાલને આપણા મંડળ વિષે વાત કરી હતી તે ?'

‘કોઈના કહ્યા વગર તો એ બને જ નહિ. એ ચાડિયાઓનાં નામ નહિ જાણીએ તોય શું ?’

‘ત્ર્યંબક, મીઠાજી, કાવસ અને ઉસ્માન એ પ્રિન્સિપાલ સાહેબના જાસૂસ છે. તેમણે આપણી ચળવળ ઉઘાડી પાડી.'

‘જાણે આપણી ચળવળમાં કશી ભયંકરતા હોય ! રશિયાએ પુનર્ઘટના કેમ કરી એની વિગત જોવા સમજવામાં પણ ગુનો થઈ જાય એવું માનનાર માનસ કેમ ચલાવી લેવાય ?’

‘તો પછી તું શું કરીશ ?’

‘મારે આગળ ભણવું જ નથી. બી.એ.થી આગળ જવામાં શો અર્થ? અને જે કૉલેજમાં પ્રિન્સિપાલ પ્રેરિત જાસૂસી ચાલતી હોય એ કૉલેજના ભણતરથી મારું કે તારું શું વળે એમ છે ?’

કૉલેજના કમ્પાઉન્ડમાં આવેલા એક વિશાળ વડની ઘટા નીચે છ વિદ્યાર્થીઓ બેસી વાતો કરતા હતા. વિદ્યાર્થીઓનાં ટોળાં મેદાનમાં પાસે ફરતાં હતાં. નવા નવા આગેવાનો સાથે મસલતો થતી અને અભેદ્ય કિલ્લા સરખી પ્રિન્સિપાલની કચેરીમાં વિધિપૂર્વક મસલતો લેઈ જવામાં આવતી. ગૌતમ લગભગ ભુલાઈ ગયો હતો, અને જ્યારે જ્યારે તેને યાદ કરવામાં આવતો ત્યારે તેની ભૂલો, ઉદ્ધતાઈ અને આગેવાન બનવાના લોભને આગળ કરવામાં આવતો.

પ્રિન્સિપાલ અને આગેવાનોએ સમાધાની માટે એક શરત કરી; વિદ્યાર્થીઓએ હડતાલ પાડવા બદલ માફી માગવી.

હડતાલ કયા કારણે પાડી, એ કારણ ન્યાયભરેલું હતું કે કેમ, એ બધા પ્રશ્નો ઊભા કરવાની વિદ્યાર્થીઓને સત્તા કે સમજ હોવી જ ન જોઈએ. એવી પ્રિન્સિપાલ તથા આગેવાનોની માન્યતા દેખાઈ.

‘હડતાલ પાડી જ કેમ ?’ એ મહાસૂત્રનો ઉચ્ચાર કરતા પ્રિન્સિપાલે જાણ્યું કે વિદ્યાર્થીઓ માફી માગવા તૈયાર છે એટલે તેમણે બીરબલ અને ચાણક્યની યાદ આપે એવી ચતુરાઈ વાપરી કહ્યું : ‘પણ એ માફી બિનશરતી હોવી જોઈએ.’

માફી માગનારાઓ કાંઈ શર્ત કરવાના છે એવી માગણી જરાય થઈ ન હતી. છતાં વિજેતાનું માનસ દર્શાવતા પ્રિન્સિપાલે બિનશરતી માફીની શરત મૂકી.

વિદ્યાર્થીઓ પ્રથમ તો ચમક્યા. વાતચીતમાં પ્રિન્સિપાલે નિર્ર્વૈર રહેવાનો ભાસ આપ્યો હતો. એટલે ભોળા વિદ્યાર્થીઓએ માફી માગવા કબૂલ્યું. પણ બિનશરતી માફીમાં ગૌતમ ઉપર અત્યાચાર ન થાય એની સંભાળ લેવાનો માર્ગ રહેતો ન હતો.

ચર્ચા અને દલીલોમાં પ્રવીણ સમાધાનીઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યા. માફી બિનશરતી માગવી, પરંતુ વિદ્યાર્થીઓએ પોતાની કશી માગણી હોય તે વિનંતિ રૂપે રજૂ કરવી એમ ઠર્યું.

‘એ કાંઈ ચાલે નહિ. વિનંતિનો અર્થ હું સમજું છું. જિંદગી ભર મેં વિદ્યાર્થીઓ ઘડ્યા છે. એમના ચાળાથી હું અજાણ નથી. બિનશરતી માફી પહેલી; પછી કૉલેજમાં હાજરી, અને એમની વિનંતિ શી તે હું ન સમજું એવો મૂર્ખ નથી. એ મારા ઉપર છોડી દો.’

'હવે સાહેબ ! એ જતું કરો ને ? માફીપત્રમાં વિનતિ આવે તો શી હરકત છે ? એ સ્વીકારવી ન સ્વીકારવી તમારા હાથમાં જ છે.' એક આગેવાન શહેરીએ કહ્યું.

‘મારો નિર્ણય છેલ્લો છે.’

'જુઓ, કોઈ દિવસ અમારો પણ ખપ આપને પડશે. અમારું કહેવું માનો અને વિદ્યાર્થીઓ ઉપરનો રોષ ઓછો કરો.'

‘રોષ ? મને ? વિદ્યાર્થીઓ પ્રત્યે ?' પ્રિન્સિપાલ સાહેબે આશ્વર્ય બતાવ્યું.

જે વિદ્યાર્થીઓનું ખરુંખોટું ભણતર પ્રન્સિપાલ સાહેબને રોટલો જ નહિ પણ બંગલો-મોટર આપી રહ્યું હતું, તે ભણતર મેળવતા શિષ્યો પ્રત્યે તેમને રોષ હોય જ નહિ !

‘પત્રોમાં આવતા આક્ષેપો તો આપ વાંચતા જ હશો.' સમાધાની ગૃહસ્થે કહ્યું.

‘પત્રો ? એ તો લાંચિયાં કારખાનાં છે. એમના આરોપોને તો હું ખિસ્સામાં મૂકી દઉં છું.’

સત્તાના ચોથા અંગ તરીકે ગણાતાં વર્તમાનપત્રો માટે પ્રિન્સિપાલ સાહેબ હિંદી અમલદારશાહી સરખો જ મત ધરાવે એમાં નવાઈ ન કહેવાય.

‘મને બીક બતાવ્યા વગર બધી વાત કહી શકાશે. હું દલીલ અને વિનંતિનો વિચાર જરૂર કરી શકું, ધમકીનો નહિ.’ પ્રિન્સિપાલ સાહેબે ફરતી ખુરશી જરા ફેરવી કહ્યું.

સમાધાની ગૃહસ્થોએ વિદ્યાર્થીઓના આગેવાનોને મળી એક વખત પ્રિન્સિપાલ સાહેબનું માન રાખવા આગ્રહ કર્યો. કૉલેજ બંધ થાય, ટર્મ જતી રહે, અભ્યાસમાં હરકત આવે, વર્ષ બગડે, માબાપના પૈસાની બરબાદી થાય, ભવિષ્ય ઉજ્જડ થઈ જાય, વગેરે કારણો આપી વિદ્યાર્થીઓને બિનશરતી માફી લખી આપવા તેમણે અસરકારક સમજૂત કરી. વિનંતિનો મુસદ્દો પણ પ્રિન્સિપાલ સાહેબે પસંદ કરી સમાધાનીઓ પાસે આપેલો જ હતો. ઘણા વિદ્યાર્થીઓએ ડહાપણનો માર્ગ સ્વીકાર્યો અને સહીઓ કરવાનું કબૂલ કર્યું. આ પહેલાં વગર સહીએ વર્ગમાં કંઈક વિદ્યાર્થીઓ જાણે હડતાલમાં જોડાયા જ ન હોય એમ છૂપી રીતે બેસવા માંડ્યા હતા.

વિજયના ડંકા વાગતા પ્રિન્સિપાલ સાહેબે સાંભળ્યા. પ્રિન્સિપાલનો પ્રેમ મેળવવા તત્પર થયેલા કેટલાક જાસૂસ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો તેમને વારંવાર ખબર આપી જતા હતા. સમાધાન ઉપર ઊતરવા માટે વિદ્યાર્થીઓમાં પત્રિકાઓ પણ વહેંચાતી અને પરિણામ અંતે પ્રિન્સિપાલ સાહેબના વિજયમાં આવ્યું. હિંદનું યૌવન નાક ઘસતું કૉલેજમાં દાખલ થયું, અને દિલ્હી જીતનાર નાદીરશાહ સરખો આનંદ પ્રિન્સિપાલ સાહેબે અનુભવ્યો. અલબત્ત, મયૂરાસન અને કોહિનૂર તેમને મળ્યાં નહિ; છતાં ‘સર’ના ઇલકાબની આશા અને બાહોશી બદલ નોકરીની મુદતમાં વધારો તેમને અશક્ય લાગ્યાં નહિ.

એક પ્રોફેસરે આ સર્વાંગી વિજયમાં રહેલી ખામી તરફ સૂચન પણ કર્યું.

‘બધાએ સહીઓ કરી, પરંતુ ગૌતમ અને એના છ મિત્રો સહી કરવાની ના પાડે છે.'

‘એ સાતે જણને આપણે કૉલેજ બહાર કરી શકીશું.' પ્રિન્સિપાલે કહ્યું.

‘વાત ખરી, પરંતુ રહીમ અને અરવિંદ વગર આપણી ક્રિકેટ ટીમ કંઈ પણ સારો દેખાવ કરી શકશે નહિ.’

‘બે દિવસ પછી એ લોકો આપોઆપ આપણા તરફ ખેંચાઈ આવશે. એટલામાં આપણે પણ તેમને ખેંચવાની યુક્તિ કરીશું.’

‘વળી દીનાનાથ ગુંડો છે. સહી કરનાર ચાર આગેવાનોને તેણે લોહીલુહાણ કર્યા છે, અને કંઈકના નાક કાપવાની તે ધમકી આપે છે.’

પ્રિન્સિપાલ સાહેબે સહજ પોતાના મુખ ઉપર હાથ ફેરવ્યો અને પોતાનું નાક છે એટલું જ નહિ, પરંતુ વિદ્યાર્થીઓ સામેની લડતમાં તે મોટું થઈ શક્યું છે એની સફાઈબંધ ખાતરી કરી લીધી. જોકે દીનાનાથે તો માત્ર એટલું જ સૂચવ્યું હતું કે વીસમી સદીના કોઈ પણ હિંદીનું નાક અખંડિત હોઈ શકે જ નહિ.

‘એને પોલીસમાં સ્વાધીન કરી દો.’

‘એમાં પાછી નવી મુશ્કેલી ઊભી થશે. વળી શરદના પિતા દર વર્ષે