લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો

વિકિસ્રોતમાંથી
← અંક ત્રીજો/ પ્રવેશ પાંચમો જયા-જયન્ત
જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો
ન્હાનાલાલ કવિ




પ્રવેશ છઠ્ઠો

સ્થલકાલ: પૂર્ણિમાની રાત્રિએ ગંગાના મધ્ય વ્હેણમાં જયા અને જયન્તનાં બે હોડલાં.

જગતની જાહ્નવીનું ગીત ગાતાં ગાતાં બન્ને જલ પર તરે છે.

જયન્ત : ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,

ને કાંઈ વ્હેતી અખંડ ને અનંત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
જગતની જાહ્નવીમાં, જયા
મેલ્યાં તરતાં આપણાં હોડલાં.
જો પ્‍હણે, પેલો વમળ છે;
તારવીને લેજે ત્‍હારૂં નાવડું.

જયા : ઘણા વમળો વટાવ્યા, જયન્ત !

સંસારનાં મહાજલમાં.
નથી બૂડ્યાં, ને નહીં બૂડે
આપણાં પ્રભુરક્ષેલાં હોડલાં.

જયન્ત: પણ જયા ! વમળની પાછળ

ખડક ખડો છે, ભૈરવ જેવો;

ભોગનો તે ભૂખ્યો છે.

જયા: હિમાદ્રિનાં શિખરો કૂદતાં આપણે,

ગરૂડનાં બાલક જેવાં, જયન્ત !
ત્‍હેને ખડક શા નડશે ?
નથી-નથી આ અવની ઉપર કાંઈ
જે ભાગે આપણાં હોડકાંઓને.
ગગનમાં જો, જયન્ત !
ચન્દ્રિકાના સાગરમાં ચન્દ્ર તરે છે;
તરશે આપણા યે આત્મનચન્દ્ર
પુણ્યના એમ મહાસાગરમાં.
પાણી ભર્યાં છે પુણ્યનાં,
ને મંહી ઝોલે સુહાગિયાં સંત રે !
જાહ્નવી જગની ઘૂમે રે.

જયન્ત: ભય નથી આપણે, જયા !

સાધુતાના શઢ છે,
ને પ્રભુતાનાં સુકાન છે,
નથી એ નૌકાને
શયતાનના યે ભય.
પણ ફોગટ તો નથી ને
આપણી આ જીવનલીલા ?
જો, જયા ! જો !
મોજાં ઉછળે છે,
ને પ્રત્યેક મોજામાં મૃત્યુ છે.
વાદળને કાંઠડે જો ! પેલી વાદળી:
આવરશે ઉડતી ઉડતી એ,
ને આવરશે ચન્દ્રપ્રભાને.

જયા: મૃત્યુ દેહને મારે છે,

પુણ્યને મારતું નથી.
પુણ્ય તો અમ્મર છે અવનીમાં.
એક શરદ પૂર્ણિમાએ
-યાદ છે ને ? જયન્ત !-
ચન્દ્રનું ખગ્રાસ ગ્રહણ
જોયું હતું આપણે ગંગોત્રીએ.
પણ તેથી કાંઇ
ચન્દ્રનો અમૃતથાળ ફૂટ્યો નહીં.

જયન્ત: ખરૂં, જયા ! ખરૂં છે.

સૂર્ય ને ચન્દ્ર સમા
પુણ્યના પાયા યે અમ્મર છે.
સત્ નામ સાહેબનું:
સત્ નાશ પામતું જ નથી.
વાવ ત્ય્હારે, જયા !
ઓ અનન્ત કાલની જોગણ !
ત્‍હારાં પુણ્યનાં વાવેતર:
પૃથ્વી ભરી ભરી વાવ
ઇક્ષુના અમૃતભંડાર.
ને ધરાવ પુણ્યનો એ પરમ ફાલ
પુણ્યરસના પીપાસુઓને.
જો ! જગત પુણ્યતરસ્યું છે.
અલ્પ છે આયુષ્યની અવધ;
પણ સત્કર્મનાં આયુષ્ય તો
આત્મા જેટલાં અમ્મર છે
ચલાવ હોડલાં ઓ જગન્માતા !
પુણ્યજાહ્નવીનાં મહાપૂરમાં
ને આદર આપણી
અનન્તતાની એ મહાયાત્રા.


હોડકા ચલાવતાં અને સંસાર જાહ્નવીનું ગીત ગાતાં ગાત્તાં જયા અને જયન્ત ચન્દ્રિકામાં તરે છે.

સગરકુમારોને તારિયા,
ને એમ તારશે માનવજાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે

બ્રહ્માંડે ભર્યા બ્રહ્મનાં અમી,
સાધો ! માણજો મંહી દીનરાત રે !
જાહ્નવી જગતની ઘૂમે રે !

દેવર્ષિ: (ગીત વચમાં અટકે અન્તરિક્ષે દેવવિમાનમાંથી)
प्रकृतिं पुरुषं चैव विद्धयनादि उभावपि.