લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પાંચમો

વિકિસ્રોતમાંથી
← અંક ત્રીજો - પ્રવેશ ચોથો જયા-જયન્ત
અંક ત્રીજો - પ્રવેશ પાંચમો
ન્હાનાલાલ કવિ
અંક ત્રીજો - પ્રવેશ છઠ્ઠો →




પ્રવેશ પાંચમો

સ્થલકાલ : ગંગાને કાંઠે બ્રહ્મવનમાં સ્‍હવાર; બ્રહ્માચરિણીના મઠનું મુહૂર્ત.
ગાતું-નાચતું અપ્સરાવૃન્દ આકાશમાંથી ઉતરે છે.

અપ્સરાઓ : અમે અખંડ યૌવનની મૂર્તિઓ !

અમે આશાઉલ્લાસ કેરી ઉર્મિઓ !
અમે પ્રકૃતિનાં અંગમાંની શક્તિઓ !
કોઇ લેશો ? કોઇ લેશો ?
કોઇ લેશો ? કોઇ લેશો ?
અમે અખંડ યૈવનની મૂર્તિઓ !
અમે આકાશવાસીઓ,
દેવોની દાસીઓ,
પ્રેમની પ્યાસીઓ, જી !
કોઇ લેશો ? કોઇ લેશો ?
કોઇ લેશો ? કોઇ લેશો ?
અમે અખંડ યૈવનની મૂર્તિઓ !

મેનકા : ઉર્વશી ! દેવપતિએ આજ્ઞા કરી છે

તે ઉપવન તો આ જ ને ?

ઉર્વશી : સુરલોકમાં ઉત્સવ પાળ્યો,

ને દેવરાણીજીએ ફરમાવ્યું છે કે
ગંગાતીરે બ્રહ્મવનમાં લગ્નોત્સવ છે;
ત્ય્હાં જાવ, ને મંગલ ગાવ.
જૂવો, બ્રહ્મકુમારિકાઓ પ્‍હણે
સાથિયા પૂરે, વેદી માંડે છે.
બ્રહ્મકુમારીઓ પાસે જઇને
જય હો પૃથ્વીનાં પુણ્યશાળીઓનો.
બ્રહ્મબાલાઓ ! આજ અહીં લગ્નોત્સવ છે
જગજ્જેતા જયન્ત કુમારનો ?

એક બ્રહ્મચારિણી : પધારો, સ્વર્ગ માંડો પૃથ્વીમાં.

આજ અહીં ઉત્સવ છે.
જગજ્જયિની જયા કુમારી
આશ્રમ માંડે છે આ વનમાં
પૃથ્વીની બ્રહ્મચારિણીને કાજ.

મેનકા : (ઉર્વશીને)

જુઠ્ઠું તો દેવી ન ભાખે.
(વિચારમાં પડે છે.)

રંભા : બ્રહ્મવન તો આ જ.

(સહુ અપ્સરાઓ વિચારમાં પડે છે.)

ઉર્વશી : વૃક્ષઘટામાં વેરાઇ બેસીએ;

હશે તે ઉગશે હમણાં.
(વૃક્ષોની ડાળીઓ ને પલ્લવોમાં સૌ સન્તાઇ બેસે છે.)

બ્રહ્મબાલા : (સ્વગત)

મ્હારા સ્વસ્તિક તો પૂરાઇ રહ્યા.
(જયન્ત ગિરિરાજ ને રાજરાણી આવે છે.)

ગિરિરાજ : पाहि माम् पाहि माम्‍, બ્રહ્મર્ષિ !

પૂર્વાશ્રમમાં ખોટાં આળ ચ્‍હડાવ્યાં,
કુલ તજાવ્યું, નગર છોડાવ્યું,
રાજ્યપાર કીધા, અરણ્યવાસ દીધા,
કીયે ભવે છૂટીશું અમે
રાજસત્તાના એ વિધર્મો ?

રાજરાણી : આડકોટ અદીઠ કરવા

દેશવટો દેવરાવ્યો ત્‍હમને;
પ્રભુ માફ કરશે અમને એ?
મુજ સમી માતાઓનાં વાવ્યાં લણતી
રડે છે રાજમહેલમાં કંઇક રાજબાલાઓ,
કે માણે છે પશુતાના પાપવિલાસ.
રાજવીને નહીં પણ રાજસિંહાસનને
કુંવરીઓ પરણાવે છે કંઇક રાજમાતાઓ.

જયન્ત : પશ્ચાતાપનાં પ્રાયશ્ચિતથી

પાપ બળી પુણ્ય જન્મે છે.
ત્‍હમે ય તપ ઓછાં નથી કીધાં.
વનવનનાં તીર્થ ભમ્યાં, ને
સૌ પુણ્યોદકે પાવન થયાં છો.
(વ્રત લેવા સજ્જ થયેલી જયા કુમારી પધારે છે.)

રાજરાણી : પણ આ મ્હારી હૈયાહાર,

જગમાંની એકાકી જીવનદોરી,
સુખ ન પામે, સંન્યસ્ત લે,
હૈયું ફાટે છે એ નિરખીને તો.

જયા : માતા ! ત્‍હારે મ્હને સુખથી શણગારવી છે ને ?

મ્હારે સુખનો શણગાર છે સંન્યસ્ત.
તું રડ માઃ સંસારમાં સુખ છે,
પણ તે પલકદરિયાવ.
આટઆટલી તીર્થયાત્રામાં યે
ન દીઠા ત્‍હેં સંન્યાસનાં અક્ષય્ય સુખ ?

ગિરિરાજ : દંડવત્ કરી ક્ષમા પ્રાર્થે છે

જયા ! ત્‍હારો પિતા
મ્હારા રાજમદની અગ્નિજ્વાલામાં
તું કુમારીનો નરમેધ કીધો મ્હેં.
(જયાને પગે પડવા જાય છે, જયા અટકાવે છે.)

જયા : પિતા ! અપરાધી મા કરો.

મ્હને સુખી કરી આપે.
મ્હારા આત્માનાં કુન્દન
તવાયાં મહાતપની મહાજ્વાલામાં
બ્રહ્મર્ષિએ સત્સંગથી સજીવન કીધી.
જગત જીતી, ને જીતાડીશ સહુ ને.
પિતામાતા ! જીવન મ્હારૂં સફલ થયું.

રાજરાણી : માગી ત્યારે જ અર્પી હોત

એ મહાત્માને મ્હારી મીઠડી,
તો ન ઉગત દુઃખનાં ઝાડ
ત્‍હારે, એમને, કે અમારે માથે.
વિધિનાં વાવ્યાં હશે,
હાથે અમે જલ સીંચ્યાં,
ને પીરસ્યાં સહુને એ ફાલ.

જયન્ત : રાજમાતા ! કુમારીને ન પરણાવી

એ જ ત્‍હમારા પરમ આશીર્વાદ.
નામ માત્ર જયન્ત હતો
હું પૂર્વાશ્રમમાં.
દેશવટો વેઠ્યો; જગત જીત્યો;
તપસુદ્ધિથી વિશુદ્ધ થયો.
આજ છું તે ત્ય્હારે ન હતો;
ને તેથી આજ પામું છું
તે ત્ય્હારે ન પામ્યો.

ગિરિરાજ : સ્નેહનાં ઝરણ આડી પાળ બાંધી

નથી સુખી થતાં માતાપિતા,
કે નથી સુખી કરતાં સન્તાનોને.
સુણજો, એ સજ્જનો જગતના !
અમારી કથાની આ મન્ત્રઘોષણાઃ
સન્તાનના સ્નેહને ઉછેરજો,
વાળજો, પરિશુદ્ધજો;
પણ ઉચ્છેદજો મા.
(કાશીરાજ ને રાજમહીષિ આવે છે.)

કાશીરાજ : નવખંડના આર્યકુટુંબની ઓ માતા !

ક્ષમા કરજો આ રાજઅહમ્ ને.
વીસરજો પૂર્વની કથની;
ને જીત્યાં તેમ શીખવજો જીતતાં.

જયા : તીર્થરાજ છો, સદા પુણ્યવન્તા જ છો.

સાધુઓના શિરછત્ર છો, રાજવી !
એ રાજધર્મનું પરિશીલન જ છે
જગતના જયનો રાજવિધિ.
બ્રહ્મરાણીજી જગાવશે બ્રહ્મઘોષણા
વારાણસીના દેવમન્દિરો ગજવી ગજવી,
બે પડશે પડઘો સર્વત્ર નરલોકમાં.

કાશીરાજ : ગિરિરાજ ! સાંભળી લ્યો ગિરિદેશ.

ગયું હોય તો માગી લેજો.
પણ હા ! રાજવી !
ગયા દિવસો ક્ય્હાંથી વાળીશ ?
વેઠેલાં વિતકો કેમ વિસરાવીશ?
રાજમાતા ! પગલાંથી પાવન કીધી
મ્હારી વારાણસીની વાડીઓ.
સિધાવો, ને પાઠવજો અમ કાજે
ગંગોત્રીનાં પુણ્યોદક સદા.
ત્‍હમારે દાને અમારી તરશ છીપશે.
જયા અને જયન્ત જેવાં
જન્માવજો જગજ્જેતા દેવસન્તાન,
ને મોકલજો અંહી
વારાણસીનાં મન્દિરો ઉદ્ધારવા.

ગિરિરાજ : રાજેન્દ્ર ! શકુન્તલાના કુમાર ભરતે

દીધું નામ આર્યાવર્તને,
અને ત્‍હમે ધર્યું છે જ્ઞાનછત્ર
આ દેવભોમને માથે.
ત્‍હમારૂં કર્યું નવ થાય કોઇથી.
સિન્ધુ નદને તીરે તક્ષશિલા,
ને ગંગા નદને તીરે કાશીના મઠ.
જ્ઞાનક્ષેત્ર માંડ્યું છે મહીતલમાં,
ઓ તીર્થરાજના રાજવી ! ત્‍હમે.

જયન્ત : મુહૂર્તનો સમય થતો આવે છે;

પધારો હરિજન સહુ વટકુંજમાં.
(વિશ્વયાત્રા કરતા દેવર્ષિ પધારે છે.)

દેવર્ષિ : આજ બ્રહ્મવનનાં તીર્થ કરીશ.

(ચોમેર નજર કરી)

અહો ! આ તો જયા ને જયન્ત !
મ્હારાં આત્મસન્તાનો !
(જયા અને જયન્ત દેવર્ષિને ઓળખી ત્‍હેમની ભણી દોડી જઈ પાયે લાગે છે. સહુ નમન નમે છે.)
કલ્યાણ થાવ સહુનું.
આજ શો ઉત્સવ - અહા! સ્‍હમજ્યો.
જયા જગત જીતી,
ને જગજ્જયિની બ્રહ્મચારિણીઓ કાજે
બાંધે છે બ્રહ્મમઠ આ બ્રહ્મવનમાં.

ગિરિરાજ : આપનું વેણ ઉથાપવા મથ્યું અમે;

પણ વિધિ યે ન ઉથાપી શક્યો
બ્રહ્મમૂર્તિનું એ બ્રહ્મવાક્ય.
જયાની દેહ ન વટલાઇ.

રાજરાણી : જયન્તને ન પરણાવી,

તો જોગણ થઈ મ્હારી કુમારી.

દેવર્ષિ : द्वा सुपर्णा सयुजा सूखाया

समानं वृक्षं परिपस्वजाते,
એ મન્ત્ર આજ સિદ્ધ થયો.
બે કાંઠે બે આશ્રમ,
પૃથ્વીને પાળતી બે પ્રભુપાંખો જેવા;
ને વચમાં પુણ્યજલવન્તી જાહ્‍નવીઃ
બે હાથ વચ્ચે જગતનું જાણે હૈયું.
ઉઘડશે હવે વિરાટનાં મન્દિર
અવનીનાં અભાગિયાને માટે પણ.
રાજમાતા ! ઋતુએ ફળ પાકે છે.
ન સોંપી તે કાળે જયન્તને;
હવે જીવનશેષ ઉછરશે
એક જ વૃક્ષે એ બે પંખી.
જીત્યાં ને જીતાડશે સહુને.
(અપ્સરાવૃન્દ પ્રત્યક્ષ થાય છે.)

મેનકા : જય જગતનાં દેવલોકનો.

સુરલોકની અમે અપ્સરાઓ છીએ.
સુરપતિએ પાઠવ્યાં છે મને, દેવર્ષિજી !
આજના લગ્નમહોત્સવમાં મંગલ ગાવા.

દેવર્ષિ : પધારો દેવપગલે.

સુરપતિ સંસારની સંભાળ લે છે.
સંસારનાં ત્ય્હાં સૂધી સદભાગ્ય છે.
ગાવ બ્રહ્મબંસરીનું મંગલ ગીત.

મહીષિ : (કાશીરાજને)

આર્ય ! લગ્નમહોત્સવ છે આજે ?
(અપ્સરાઓ બ્રહ્મબંસરીનું મંગલ ગીત ગાય છે.)

અપ્સરાઓ : પરમ શબ્દ એ સુણો,

હો ! પરમ શબ્દ એ સુણો,
બોલે બ્રહ્માંડે બ્રહ્મબંસરી તણો ;
રટે આનન્દ આનન્દ સ્થૂલસૂક્ષ્મનાં કણોઃ
પરમ શબ્દ એ સુણો.
એ શબ્દ કો ગહન આત્મિક વાણ બોલે,
એ શબ્દ વીંધી ત્રણ લોક અપાર ડોલે.
મન્દ મન્દ જેમ ફોરે મધુર ફૂલડાં, સખિ !
ચન્દ્ર ચન્દ્ર જેમ વહે અમૃતચન્દ્રિકા, સખિ !
એવી ધીરી,
એવી ધીરી ઓ અધીરી ! બજે બ્રહ્મબંસરી;
પરમ શબ્દ એ સુણો.
માની મહાસમય માનવભાગ્યનો, હો !
કલ્યાણમંગલ ભણે સુરમંડલીઓ.
ગાજે દેવતાનાં દુંદુભી આનન્દનાં;
ગીત નન્દનનાં નન્દિની ને નન્દનાં;
ઉડે પડઘો અનન્તતાની ઝાડીમાં ઘણો,
ઝીણી તારલીનાં કિરણ સરિખડો ઝીણો ઝીણો;
પરમ શબ્દ એ સુણો.

જયન્ત : જયા ! દીક્ષા લે બ્રહ્મચારિણીની

દેવોના યે દેવર્ષિ પાસેથી.
રાજકુમારી ખીલી બ્રહ્મકુમારી થા.

દેવર્ષિ : રાજકુંવરીની કળીમાંથી જ

બ્રહ્મકુંવરીનાં ફૂલ પ્રફુલ્લશે.
જયા ! આ ત્‍હારા મઠનો પાયો,
નીચે લખ્યું છે 'પુણ્યજીવન.'
ને ત્‍હારો મન્દિરધ્વજઃ
ઉપર લખ્યું છે 'જીવનસિદ્ધિ.'

કાશીરાજ : પણ, બ્રહ્મબાલે !

શું શું કરશો આ મઠ માંડીને ?

જયા : રાજેન્દ્ર ! ગંગાએ મ્હારી અશુદ્ધિ ધોઇ,

મૈયાએ મ્હને પવિત્રતા પાઇ;
એ પવિત્રતા પસરાવીશ પૃથ્વીમાં.
સ્‍હામે તીરે છે જયન્તની રામવાડી.
ત્ય્હાં છે વીર રસનાં મહાકાવ્ય;
અહીં જન્મશે શૃંગારના કાવ્યશણગાર.
ત્ય્હાં છે બ્રહ્મોપનિષદ;
અંહી અવતરશે બ્રહ્મકવિતા.
પ્રભુની આજ્ઞા છે સુન્દરીસંઘને કે
જગત જન્માવવું ને ધવરાવવું.
આ મઠમાં કામધેનુઓ ઉછેરીશ;
એ કામધેનુઓ નરલોકને ધવરાવશે,
ને માનવીનાં દેવ ઉછેરશે.
અવનીને અમૃતમેઘથી સીંચશે,
ને અમરો ઉતરશે વાડીએ વાડીએ.

રાજરાણી : કુંવરી તો મ્હારી લોકમાતા થઈ !

સિંહાસનને પરણવા કરતાં મઠ માંડવો
-આવડે તો તો - સો ગણો સારો.
(નૃત્યદાસી ગાતી ગાતી આવે છે.)

નૃત્યદાસી : જોગીડા ! વસમી આ વનની વાટ.

વસમી-વસમી-
વસમી આ વનની વાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.
નથી વડલા કે વિસામા વનમાં;
નથી નદીઓને ઘાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.
આથમે દિન, પણ કદી યે ન આથમે
અન્તર કેરા ઉચાટઃ
જોગીડા ! વસમી આ વનની વાટ.

જયા : ત્‍હારાં તપ નિષ્ફળ નહી જાય, તાપસી !

ત્‍હને પરમ વિસામો સાંપડશે.

નૃત્યદાસી : યોગિની ! અહીયાં યે

અપ્સરાઓ તો નાચે છે.

દેવર્ષિ : વસ્તુ પાપ નથી, તપસ્વિનિ !

વસ્તુની વાસનામાં પાપ છે.
વિલાસ અનિષ્ટ નથી;
વિલાસની તૄષ્ણા અનિષ્ટ છે.
વિલાસભાવના સંયમનિગ્રહ
તે સંસારીઓનાં બ્રહ્મચર્ય.
સકામનિષ્કામના ભેદ ભણજે હવે,
એટલે સર્વ સ્‍હમજાશે.
વાંછવું, ને મળ્યું માણવું
એ ભાવ એક નથી કદ્દી યે.
જનક વિદેહી વૈભવ વહતા,
તે વૈભવને યે વિશુદ્ધિથી રંગતા.

જયા : બ્રહ્મર્ષીજી ! દેવર્ષિજી ! આદેશ

દેવર્ષિ : જયા ! આજ સૂધીની અવધ

એળે નથી ગઇ ત્‍હારા જીવનની.
આવ, વત્સે ! ઓઢ આ તેજ ઓઢણી.
એવી જ રહેજે ઉજ્જવળ
કર્મ વચન ને ભાવથી સર્વદા.
અન્તર જેવું ઓઢણું રાખજે,
ને ઓઢણા જેવું અન્તર;

મહીષિ : (કાશીરાજને)

આર્ય ! એ કેમ સંભવે ?
હીરા ને મોતી ભર્યાં મ્હારાં અમ્મર;
કેવાં અન્તરનાં રત્નઅમ્મર
ક્ય્હાં મૂલવવાં મ્હારે ?

જયા : દેવર્ષિના આશીર્વાદથી,

બ્રહ્મર્ષિના શિક્ષામન્ત્રોથી,
બ્રહ્મદીક્ષા મ્હારી સફળ કરીશ;
બ્રહ્મ માંડીશ બ્રહ્માંડને પાટલે.

દેવર્ષિ : કુમારી જયા ! કુમાર જયન્ત !

ન્હાનાં હતાં બીજના દાણા ત્‍હમે,
ત્ય્હારે જોયું હતું ત્‍હમારી કીકીઓમાં.
દીઠો હતો ત્ય્હારે આજનો ઉત્સવ.
આશાના મ્હારા એ આંબા મ્હોર્યા.
જીત્યો હું વિશ્વને,
અને વિશ્વનાં મહાબલોને;
મ્હારાં શિષ્ય મ્હને જીત્યાં.
આત્મા ઉભરાય છે આનન્દે
અવનીના એ ઉત્કર્ષ નિહાળીને.
આજે મ્હેં યે જીવનસિદ્ધિ સાધી.
વાંછ, જયન્ત ! વરદાનઃ લે, જયા !
માગો મ્હારાં સર્વ પુણ્યનો ભંડાર.

જયન્ત : એ એક જ આપો, દેવર્ષિ !

લોકના આત્મા ઊણા ન રહે.

જયા : એ એક જ આપો, દેવર્ષિ !

સંસારીઓના સંસાર ઊણા ન રહે.

દેવર્ષિ : તથાસ્તુ, મ્હારાં આત્મસન્તાનો !

મથશે ત્‍હેમને મળશે
ત્‍હમે માગ્યાં તે સર્વ ધન.
કાશીરાજ ! અમૃત ચોઘડિયું છે;
માંડો શેષ માથે આશ્રમનો પાયો.
વત્સે જયા ! ઓઢો આ તેજચૂંદડી.

(કાશીરાજ પાયો માંડે છે. સર્વ આશીર્વાદ ભણે છે.)
(અપ્સરાઓ મંગળ ગાય છે.)

દેવર્ષિ : (જયન્તને જયાને દાખવીને)

એ જ નૈષ્ઠિક બ્રહ્મચારી,
એ જ નૈષ્ઠિક બ્રહ્મચારિણી;
બ્રહ્મધામનાં પુણ્યદીવડાંઓ !
(જયા તેજચુંદડી ઓઢે છે. બ્રહ્મવનમાં પાંદડે પાંદડે પ્રકાશ પ્રગટે છે. અંજલિ કરી રહી બ્રહ્મર્ષને વિનવતી તપસ્વિની તેજબા આવે છે.)

તેજબા : અહો! દૂર દૂર દૂરના દરવેશ ! હો યોગીન્દ્ર !

આપો દેવના યે દેવના સન્દેશ, હો યોગીન્દ્ર !
અહો ! દુઃખિયાને એક દેવબોલ, હો યોગીન્દ્ર !
આપો માનવીને એક બ્રહ્મકોલ, હો યોગીન્દ્ર !
અહો ! અધૂરાં પૂરાય એવી આશ, હો યોગીન્દ્ર !
આપો અન્ધારાં ઉજાળે એ ઉજાસ, હો યોગીન્દ્ર !
અહો ! સદન સદન પુણ્યના સુવાસ, હો યોગીન્દ્ર !
આપો પ્રાણ પ્રાણ પ્રભુજીના વાસ, હો યોગીન્દ્ર !

દેવર્ષિ, બ્રહ્મર્ષિ, જયા : તથાસ્તુ, તપેશ્વરી ! તથાસ્તુ !

તેજબા : ભાખો, ઓ જગતનાં કલ્યાણકર્તાઓ !

પુકારો પૃથ્વીનાં પડમાં,
હાકલ મારો મનુષ્યના હૈયાહૈયામાં,
કે નથી સર્વને માટેનાં આ વ્રત.
પરમ ઇન્દિયનિગ્રહી,
મહારથી આત્મવિજેતા,
વિપુલ વૈરાગ્યસંપન્ન જોગીરાજ
એ જ કે અધિકારી નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં.

દેવર્ષિ : એ જ સૂત્રો વ્રતનાં, તપેશ્વરીજી !

તેજબા : દિલમાંના દૈત્યોને જીતે,

વિષ્ણુદેવ દે જયધનુષ્ય જેને,
જીવનના ચાપ ઉપર
લક્ષ્યવેધી શર માડે,
ને મુક્તિપરાયણ બ્રહ્મદૃષ્ટિ સાધે,
એ જોદ્ધાનો જય હો બ્રહ્માંડભરમાં.

સર્વે : તથાસ્તુ ! તપસ્વિની ! તથાસ્તુ !

તેજબા : બોલો, સહુ આશ્રમવાસી ! બોલો;

જય બ્રહ્મજ્યોતિનો,
જય બ્રહ્મચારીઓનો,
જય બ્રહ્મચારિણીઓનો.
જય ! જય ! જય !
(અપ્સરાઓ મંગળ ગાય છે; સર્વત્ર પરમ ઉજ્જવલ તેજ પ્રકાશી રહે છે.)