લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ચોથો

વિકિસ્રોતમાંથી
← અંક ત્રીજો - પ્રવેશ ત્રીજો જયા-જયન્ત
અંક ત્રીજો - પ્રવેશ ચોથો
ન્હાનાલાલ કવિ
અંક ત્રીજો - પ્રવેશ પાંચમો →




પ્રવેશ ચોથો

સ્થલકાલ : કાશીરાજના દરબારમાં સ્‍હવાર

🪷


વેદશાસ્ત્રી કાવ્યરત્ન મન્ત્રીશ્વરો લોકસભા કલાધરોમાં સંગાથે કાશીરાજ પધારે છે. સહુ આશીર્વચન ભણે છે.

સભાજન : લોકલોકની બોલી બોલો

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : ધર્મના પ્રતિપાલનાર્થે

પ્રભુના જયમન્ત્રણાર્થે,

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : જ્ય્હાં સૂધી વહે ગંગ ભૂમી પાવન કરી,

જ્ય્હાં સૂધી ગર્જે મહોદધિ જગ ભરી,
ત્ય્હાં સૂધી તવ અમલ યશ
હો અચલ કાલતરંગમાં;

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : દેવ -માનવ સર્વ બોલો

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : દેશના ઉદ્ધાર કાજે,

લોકના કલ્યાણ કાજે;

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

સભાજન : જ્ય્હાં સૂધી છે નિયમ-ન્યાય સુઉજ્જવળા,

જ્ય્હાં સૂધી છે સૂર્યસોમ પ્રભાવતા,
ત્ય્હાં સૂધી છે તવ અમલ યશ
હો અચલ કાલતરંગમાં :

વેદશાસ્ત્રી : शतं जीव शरदः;

કાવ્યરત્ન : કાશીનાં ભાગ્ય પ્રગટ્યાં, રાજેન્દ્ર !

મન્દિરે મન્દિરે મંગલ છે,
યુવરાજના જન્મોત્સવનો
આનન્દાનધિ ઉછળે છે.

કાશીરાજ : મ્હારા પુણ્યશાળી પ્રજાજન !

ત્‍હમારા પુણ્યે પ્રગટ્યા છે કુમાર.

એક મહાજન : રાજેન્દ્રના જ સદ્ધર્મનું એ ફૂલ.

પુત્રની પેઠે પ્રજાસંઘને
પાળો છો, ઉછેરો છો, લડાવો છો,
તો તે જ પુત્રભાવના
પુત્રમૂર્તિ રૂપે પ્રગટે જ.

કાશીરાજ : બ્રહ્મર્ષિનાં આશીર્વચન

અવતર્યા મ્હારે મહેલે.

મન્ત્રીશ્વર : રાજાપ્રજા ઉભયના પુણ્યસંચયે,

ને બ્રહ્મર્ષિનાં બ્રહ્મવચને તો
પ્રભુ પોતે પધારે પૃથ્વીમાં.
છત્રચામરધારી રાજમહીષિ બાલકુમારને તેડી નગરની સન્નરીઓના પરિવાર સાથે પધારે છે.

વેદશાસ્ત્રી : અખંડ સૌભાગ્ય, રાજમહીષિ !

પુણ્યાયુષી થાવ રાજકુમાર.
વેદશાસ્ત્રી અક્ષતકુંકુમ આપે છે, રાજસભા નમન નમે છે.

કાશીરાજ : ઉઠીને સત્કારતાં

પધારો, દેવિ !
ભાગ્યોદયની ઉષા છો.
સહુનાં નમન સત્કારતી ને વાળતી રાજમહીષિ સિંહાસને જઇ વિરાજે છે.
દર્શન કરાવો પ્રજાજનને
રાજકુટુંબના બાલસૂર્યનું.

મહીષિ : કરો, કરો, મુક્તિપુરીનાં મહાજન !

પુત્રમાં પિતાનાં દર્શન.
આ ત્‍હમારા બાલ મહારાજ.
સભાજન રાજકુમારનાં દર્શન લે છે.

મન્ત્રીશ્વર : જાણે લોકલોકનો પ્રભાપુંજ !

એક મહાજન : જાણે રાજપૂર્વજોનો પુણ્યદેહ !

કાવ્યરત્ન : માતાપિતાની પ્રેમજ્યોતની વેલનું

જાણે અયુષ્યમન્તુ દેવપુષ્પ !
બ્રહ્મચારીઓ સહિત બ્રહ્મર્ષિ પધારે છે. રાજારાણી સિંહાસનેથી ઉઠીને સત્કારે છે.

મહીષિ : પધારો, ને પાવન કરો.

બ્રહ્મર્ષિ : ભદ્ર પામો સહુ ભદ્ર જનો.

કાશીરાજ : મહેલને પુણ્યમંડિત કીધો;

તેમ શોભાવો જી સિંહાસનને.
બ્રહ્મર્ષિ સિંહાસને વિરાજે છે. રાજમહીષિને -
દેવિ ! અર્ધ્ય પાદ્ય -

મહીષિ : આ રહ્યાં, આર્યદેવ !

મધુપાર્કનાં એ પંચામૃત.
રાજારાણી બ્રહ્મર્ષિનું મધુપર્કે પૂજન કરે છે.

કાશીરાજ : (અંજલિ કરી રહી)

આજ્ઞા બ્રહ્મર્ષિજી !

બ્રહ્મર્ષિ : જન્મયોગ ફરી ફરી પરીક્ષ્યો,

એક દુષ્યન્તનો પુત્ર હતો,
એક આ રાજકુમારનો છે.

પ્રજાજન : ધન્ય જન્મ ! ધન્ય જીવન !

બ્રહ્મર્ષિ : આયાવર્ત જ છે આદર્શ આજ

નવખંડવાસી આર્યકુટુંબનું;
ને જ્ઞાન ને ધર્મનગરીનો યુવરાજ
તે સકળ વિશ્વનો યુવરાજ.
તારલિયાના તેજઅક્ષરે આલેખાયેલાં
નામાભિધાન અનેક વંચાય છે,
પણ લોકવ્રત નામ
પૂજ્ય થશે પૃથ્વીવાસીઓમાં.

પ્રજાજન : જય ! યુવરાજનો જય !

આર્યકુટુંબના યુવરાજનો જય !

વેદશાસ્ત્રી : હો દેહ આ ચાર પદાર્થદાતા;

હો આત્મદેહે-પરમાત્મશાતા
હો પુણ્યદેહે શુચિ પુણ્યદીવો,
યશશ્શરીરે ચિરકાલ જીવો !
शतं जीव शरदो वर्धमान:;યુવરાજ !

બ્રહ્મર્ષિ : રાજરાજેન્દ્ર ને રાજમહીષિ !

સ્વર્ગગંગા છે યુવરાજના લલાટમાં;
સાગરવેષ્ટિત જંબુદ્વીપનો
ચક્રવર્તી રાજવી થશે.
સૂર્યલાંછન છે જમણા હાથમાં;
ઉગશે સૂર્ય સમો ત્‍હેનો પ્રકાશ
પૃથ્વીના અન્ધકાર ઉજાળતો.

મહીષિ : મુખમાં હો અમૃત આપના.

કાશીરાજ : મન્ત્રીશ્વર ! દાન દ્યો વિધવિધનાં

ઠાલવો ભંડાર કે વધુ ભરાય,
આપો કે ઉભરાય પાછું.
કોઇ દરિદ્રી ન રહે આજ
કાશીરાજના મહારાજ્યમાં.

બ્રહ્મર્ષિ : રાજવી ! પ્રજાના લાડકોડ-

કાશીરાજ : મ્હારાં પ્રજાજનનાં પુણ્યપ્રતાપે જ

હું છું ઉજ્જવળો ને પ્રતાપવન્તો.
પ્રજા જ છે રાજપુરુષનું પુરુષાતન.
લ્યો, પ્રજાગણ ! મ્હારૂં રાજવેણ,
મ્હારા પૂર્વજોના પુણ્યબોલ:
ઘેરઘેર સંચરીને આપીશ ન્યાય
જે માગશે ત્‍હેને.
ન્યાય એ જ મારૂં સૈન્ય છે,
ન્યાય જ મ્હારો ભંડાર છે,
ન્યાયની પવિત્રતામાં જ વસે છે
મ્હારાં પ્રજાસન્તાનની પિતૃશ્રદ્ધા.
સદીચ્છા સુણીશ તે પૂરીશ સહુની.

લોકસભા : જય ધર્મનગરીના ધર્મરાજવીનો.

કાવ્યરત્ન : સૂરજમાળથી સૂર્ય સુશોભિત,

સૂર્યથી સૂરજમાળ સોહાવે;
દેહ જીવે જ્યમ દેહી થકી,
અને દેહીનો દેહ કલાપ દીપાવે;
બ્રહ્મ થકી બ્રહ્માંડ પ્રકાશિત,
બ્રહ્માંડથી બ્રહ્મ વ્યક્ત કહાવેઃ
તેમ પ્રજાજન રાજનને, અને
રાજ પ્રજાજનને બહલાવે.

કલાધર : ત્‍હમારો કુલયશ તો, રાજેન્દ્ર !

ગગને ચ્‍હડી મેઘ પોકારે છે
વિશ્વનું વાતાવરણ ભરી ભરી.
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર;
ભણે તુજ કુલયશના જોર-દોર;
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર.
નિરખો ઉજાસ, નૃપ ! ભયો ભોર;
વનવન ગરજે, નૃપ ! મોર મોર;
ઝીણી જલઝકોર
ઉગતે પહોર
ભણે બિરદ ઓર
નૃપ ! ઠોર ઠોરઃ
ઘન ગગન ચ્‍હડી કરે ઘોર શોર.
રાજકુમાર ઉપર અન્તરિક્ષેથી અમૃતનાં છાંટા વરસે છે.

એક સન્નારી : અમૃત ઉતર્યાં દેવોનાં;

અમરાવતી વર્ષી અવની ઉપર.

કાશીરાજ : બ્રહ્મર્ષિ ! નથી ધરાયો હજી દાન દઇ.

પ્રજાના પોકાર સુણું છું
વાયુની લહરી લહરીમાંથીઃ
કિરણ કિરણ આવી કહે છે
પ્રજાજનની દુઃખકથનીઓ.

બ્રહ્મર્ષિ : પ્રજાની સુખશાતા યે સુણાવશે તે.

દાન દેતાં તૃપ્તિ ન વળે
તે ભાગોદયનાં ચિહ્ન.
રાજેન્દ્ર ! ગિરિબાલિકા પધાર્યાં છે -

કાશીરાજ : જગતની પરમ પવિત્રતા

શું શોભાવે છે કાશીપુરીને ?

બ્રહ્મર્ષિ : આવ્યાં છે આશ્રમ માંડવા

બ્રહ્મચારિણીઓના બ્રહ્મવનમાં.
જ્યોત્સનાવસ્ત્રધારી ભગવતીનાં
ત્‍હમે દર્શન લીધાં હતાં તે દિવસે -

કાશીરાજ : એ જ એ પ્રભારંગી પુણ્યમૂર્તિ ?

બ્રહ્મવન બ્રહ્મચારિણીઓનું હો !

બ્રહ્મર્ષિ : ભાગીરથીને કાંઠે બ્રહ્મચર્ય જ શોભે.

કલ્યાણ થાવ, રાજેન્દ્ર !
ત્‍હારી કુટુંબવેલનું

કાશીરાજ : પ્રભુએ પ્રતિજ્ઞા પાળી મ્હારી.

જયા કુમારી માતાઓની માતા થઇ -
સમસ્ત આર્યકુટુંબની આર્યમાતા.
દેવિ ! ચાલો દર્શને એ બ્રહ્મચારિણીનાં.
બ્રહ્મર્ષિ ! દર્શન કરાવો
એ બ્રહ્મબાલાનાં.

બ્રહ્મર્ષિ : નૈષ્ટિક બ્રહ્મચર્યનાં દર્શન

તે બ્રહ્મદર્શન જ છે.
બ્રહ્મર્ષિ, કાશીરાજ, રાજમહીષિ, યુવરાજતેડ્યા પરિજનો સાથે સિધાવે છે.

મન્ત્રીશ્વર : હરિકુંજ ને બ્રહ્મવનનાં બે ચરણો ઉપર

ઉભશે વારાણસીનો ધર્મદેહ.

વેદશાસ્ત્રી : પુણ્યવન્તાંનાં પુણ્યે જ ઝીલે છે

પૃથ્વીનો ભાર શેષ નાગ.

કાવ્યરત્ન : પુણ્યવન્તાંનાં પુણ્યે જ કરી

પુણ્યવન્તી છે ભાગીરથી.

એક મહાજન : તીર્થના આત્મા છે મહાત્માઓ.

મન્ત્રીશ્વર : તીર્થોના તીર્થરાજ છે

સૃષ્ટિમાંનાં સાધુજનો.