લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ત્રીજો

વિકિસ્રોતમાંથી
← અંક ત્રીજો - પ્રવેશ બીજો જયા-જયન્ત
અંક ત્રીજો - પ્રવેશ ત્રીજો
ન્હાનાલાલ કવિ
અંક ત્રીજો - પ્રવેશ ચોથો →




પ્રવેશ ત્રીજો

સ્થલકાલ:આશ્રમ પાસે હરિકુંજમાંનું આંબાવડિયું

(જયન્ત અને જયા વિતકનું ગીત ગાતાં આવે છે)

જયન્ત : હો જયા ! વીતી વિતકની વધાઈઓ;

વીતી વિતકની વધાઈઓ,

જયા : દેવોનાદેવની દુહાઈઓ;

જયન્ત : જો જયા ! વીતી વિતકની વધાઈઓ.

હતાં રાજ્ય ને પાટ, મહેલ હતા મન માનતા;
વનમાં તીરથઘાટ ઝૂંપડલાં યે ના જડ્યાં.
વીતી વિતકની વધાઈઓ,

જયા : દેવોના દેવની દુહાઈઓ;

જયન્ત : હો જયા ! વીતી વિતકની વધાઈઓ;

જયા : દિલમાં મ્હારે લ્હાય, દુનિયાં ત્હેમાં પરજળે

એ અગ્નિ હોલાય એવું જયન્ત ! વર્ષજે.

જયન્ત : વીતી વિતકની વધાઈઓ,

જયા  : દેવોના દેવની દુહાઈઓ;

જયન્ત : હો જયા ! વીતી વિતકની વધાઈઓ.

ઉગ્યાં દુઃખના ઝાડ, એ પાને પાને પ્રેમ છે;
પડ્યા વિતકના પ્હાડ, એ પત્થર પત્થરમાં પ્રભુ.
વીતી વિતકની વધાઈઓ,

જયા  : દેવોના દેવની દુહાઈઓ;

જયન્ત : હો જયા ! વીતી વિતકની વધઆઈઓ.

જયા : સારાંને પ્રભુ સંભાળે છે,

દેવને દુ:ખ ન વીતે.
જયન્ત ! તું દેવ છે દુનિયામાં.

જયન્ત : હા, સોયની અણીએ હું ઉગર્યો;

જયા ! ત્હને બાણ વાગ્યાં જીવનવેધી.
પોતાનાં કરવાં હોય.
ત્હેમની જ કસોટી કરે છે પ્રભુ.
મ્હારા ઉપર ઓછો અનુગ્રહ એટલો,
ને તેથી ઓછા તપમાં તાવ્યો.
તું તો હરિની લાડિલી, જયા !
ત્હારી પુણ્યપરીક્ષા તેથી સંપૂર્ણ.
જેમ સૂર્યજ્વાલા વધારે ઉષ્ણ,
તેમ જલની ઝીણી ઝીણી વરાળ,
તેમ ત્હેનાં ઉંચા ઉંચા ઉડવાં.
જયા ! ઝીણી છે ત્હારી વરાળ;
ઉડશે આભનાં યે શિખર સૂધી.
(બે આંબાને અઢેલી ઉભાં રહે છે બન્ને.)

જયા : મ્હારાં વિતકને નથી રડતી, જયન્ત !

કેટલી યે રાજકન્યાઓને
અભડાવતા હશે એમ વામાચાર્યો;
કેટલી યે મુગ્ધ હરિણીઓના
એમ કરતા હશે શિકાર
કાળમુખા પારધીઓ;
સીતા માતાની કેટલી યે કુંવરીઓનાં.
એમ કરતા હશે હરણ
રાવણવંશી બ્રહ્મરાક્ષસો.
વનમાં તો વિભુ છે,
ને વનમાં તો જયન્ત છે.
મ્હારા વનવાસને નથી રડતી,
એમનાં દુર્ભાગ્યને રડું છું હું.

જયન્ત : જયા ! તું વનવાસી, હું અરણ્યવાસી;

તું ચિતાવાસી, હું ભસ્મવાસી;
આપણે સમદુઃખિયાં તો ખરાં.

જયા : તરછોડ્યું, જયન્ત ! તરછોડ્યું હતું મ્હેં,

ત્હારૂં જયધનુષ્ય ચરણે ધરેલું.
મ્હારે દુઃખે તું યે દૂભાયો.
વાલ્મીકિનો આશ્રમ આઘો નથી;
હું કૌંચી ઘવાઈ એટલે
મ્હારો કૌંચે મૂર્છામાં પડ્યો;
ને રચાઈ એમ આપણી રામાયણ.
(રમતાં રમતાં મોર ને ઢેલ આવે છે.)

જયન્ત : ભૂતકાલ અનાદિ છે,

ભવિષ્યે તેમ અનન્ત છે.
અનુભવ એટલી આશાઓ.
અને હવે? જયા !

જયા : હવે ? હવે જયન્તના આદેશ.

એક વાર ન માન્યાં ફરમાન,
તો વેઠવાં પડ્યાં આટઅટલાં વિતકો.

જયન્ત : જયા ! જો આ મોર ને ઢેલ.

જયા : મ્હાલે છે શ્રાવણનાં સરવડાંમાં.

કલાપીએ ખોલી છે કલા
રંગબેરંગી દેવરત્ને ચમકતી.

જયન્ત : જયા ! એવી કલા આપણે ખોલશું ?

જયા : ત્હારે-મોરને એ કલાપલ્લવ છે;

ઢેલ તો વતવી છે - હું જેવી.

જયન્ત : મોર આપે ઢેલને

પીંછાંની રત્નપાંદડીઓ તો ?-

જયા : તો ખોલીશ, જયન્ત !

ત્હારા જેવી કલા હું ય તે;
પૃથ્વી ઉપરની જાણે સૂરજમાલા.
(જયા એક આંબાની નીચી ડાળે ચ્હડી બેસે છે.)

જયન્ત : જયા ! સ્હમજ; સ્હેલું નથી એટલું.

જયા : ત્હારા જેવા દેવગુરુ છે, જયન્ત !

તો કાંઈ ભણતર અઘરૂં નથી મ્હારે.

જયન્ત : ચન્દ્રની શોભા ચન્દ્રિકાથી છે,

જયન્તની જ્યોત્સના જયા છે.

જયા : તો હવે ? જયન્ત !

(જયન્ત બીજી આંબા ડાળે ચ્હડી બેસે છે.)

જયન્ત : લગ્ન કે ધર્મ ?

કામ કે સ્નેહ ?
સંસાર કે સેવા ?
એ દ્વંદ્વો ખડાં છે સન્મુખ.
તું નીકળ એકની જોગણ થઈ.
ત્હારી સંગ ઉભો છું
આયુષ્યભર અલખ જગાવવા.

જયા  : હવે દેહની કથા ન કરવી.

જયન્ત ! પારધી મોહ્યો,
વામાચાર્ય લોભાયો આ દેહકલામાં:
એવાં નથી, જયન્ત !
મોહ આંજેલાં બ્રહ્મરાક્ષસી લોચનિયાં
મ્હારાં કે ત્હારાં હવે.
હિમગંગામાંથી ઉગારીને મ્હને,
તે માયાની ગંગામાં ડુબાડવા ?
આજ સૂધી અંગને અડક્યો નથી તું;
હવે એ અંગને અભડાવીશ ?
વિષય ભોગવ્યા નથી નિરખ્યા છે:
વિષયોમાં તો વિષ છે જગતનાં.
(અમરાઇમાંથી કોયલ બોલે છે.)

જયન્ત : જયા ! ત્હારા પુણ્યહ્રદયની કોયલ

બોલતી સાંભળવી હતી મ્હારે.
બોલી તે 'અહલેક'

જયા : તો હવે ? જયન્ત !

જયન્ત : શિખરોમાં યોગગુફાઓ છે.

અને તળેટીમાં યે છે બ્રહ્મકુંજો.
આ મ્હારી હરિકુંજની અમરાઇ

જયા : એમાં અમરો અવતરશે.

જયન્ત : ને જો ! ગંગાને સ્હામે તીરે

પેલાં બ્રહ્મવનનાં ઝુંડ.
સુન્દરીઓમાં સાધુતા જન્માવ,
રસીલીઓમાં પુણ્યાચાર પાંગરાવ;
પતિઓની કામઠી મથું છું ઘડવા;
તું વીણાઓ ઘડ પત્નીઓની.
આપણે ન ગાયા તે
ગવરાવો એમ સંસારનાં બ્રહ્મસંગીત.

જયા : પાપની લાલચોથી ન લોભાય,

મોહ ને સ્નેહના ભેદ પાળે,
કામ ને રસાનન્દને ભિન્ન પરમાણે,
તો માનવદેશની સર્વ સુન્દરીઓ
બ્રહ્મચારિણીઓ જ છે અખંડવ્રતિની.

જયન્ત : આપ એમને અમૃતલક્ષ્મી,

કે આત્માનું મૃત્યુ આવે જ નહીં.

જયા : પણ જયન્ત ! પાસે પાસે નથી

હરિકુંજ અને બ્રહ્મવન ?
આપણે યે આત્માના ભરોંસા કેટલાક ?

જયન્ત : આત્મશ્રદ્ધા ઉજ્જવળ રહે

ત્ય્હાં સૂધીના જ આ આશ્રમ.
અન્ધકારનો ઓળો ઉંગે કે તરત
તું સંચરજે દેવધામ હિમાદ્રિમાં,
ને હું વિચરીશ સાગરયાત્રાએ.
પણ જયા ! તું દેવ કે દાનવ ?
મ્હારી તો તું દેવી છે.
(જયા આંબા ઉપથી કૂદી નીચે ઉતરે છે. અંજલિ કરી રહીને.)

જયા : હું તો છું માનવી

शिष्यस्तेहं शाधि मा त्वां प्रपन्नम्

જયન્ત : (આંબા ઉપરથી ઉતરીને)

જયા ! પશુથી એ માનવી પામર ?
મોરે જીત્યો, ને ઢેલે જીત્યો,
તે કામને નહીં જીતે માનવી ?
પ્રેમ ત્ય્હાં ન હોય કામવાસના:
પ્રેમમાં નથી દેહની વાંછના.
'જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર';
નથી એવું કાંઈ બ્રહ્માંડમીમાંસાનું ન્યાયસૂત્ર.
આગ્રહ છે, ઉદ્યમ છે, ઉત્સાહ છે,
ત્ય્હાં શું છે અજીત અવનીમાં ?

જયા : પણ કામે યે જગજ્જેતા છે.

જયન્ત : છતાં એક છે દુર્ગ અજીત

એ જગજ્જેતાથી યે જયા !
કામે નથી જીત્યો પ્રેમનો ગઢ.
એ પ્રેમના પાઠ પઢાવ.
તું જીતી, જીતતાં શીખવ.
નરનારી કામને જીતશે,
દુનિયા બ્રહ્મભોમ થઈ દીપશે ત્ય્હારે.
ત્હારા આત્મામાં ઉભરાય છે
હિમાદ્રિની યોગગુફામાં
નિરખ્યો હતો તે તેજતણખો.
તે તેજસુધા પા જગતને.
મોહના અન્ધકાર છે મધ્યરાત્રિના;
પ્રગટાવ સ્નેહનો અણઆથમ્યો સૂર્ય.
ઝળહળતી ઉગ વિશ્વના આભમાં
પુણ્યભાવનાની ઉષા સરિખડી.

જયા : જયન્ત ! ત્હારી હાકલ વાગી,

ને આજથી ઉગ્યો જાણ્યો મ્હેં
સુન્દરીઓના કલ્યાણનો ભાણ.
પડે છે ચન્દ્રી ઉપર સૂર્યનાં તેજ,
ને ચન્દ્રિકા પ્રકાશે છે પૂરણજ્યોત;
એવાં ત્હારાં તેજ પ્રગટ્યાં મ્હારામાં
ને જન્મ્યો મારો બ્રહ્મજન્મ.
આજથી હું બ્રહ્મચારિણી બ્રહ્મધામની
બ્રહ્મવનમાં માંડીશ મ્હારો આશ્રમ
ત્હારી અનસ્ત અમૃતચન્દ્રિકામાં

જયન્ત : જયા ! ત્હારો સ્નેહજન્મ છે આ.

સ્નેહ જ છે સત્કર્મની પ્રેરણા.
તું સત્કર્મની સ્ન્યાસિની થઈ.
ત્હારા સત્કર્મની સુવાસ
ફોરશે સારૂં જગત ભરી.
સ્નેહ સંગે વૈરાગ્ય વસાવજે.
અક્ષયવ્રતિની તો રહીશ તું નિર્ભય.
જયા ! માંડ ત્હારો આશ્રમ,
ને જીતી તેમ જીતાડ સહુને
ગા ત્હારૂં જગતના જયનું ગીત.
(જયા જગતના જયનું ગીત ગાય છે)

જયા : અહો ! જોગી તણા જયકાર

બધું બ્રહ્માંડ ભરે;
હરિના ધ્વજને ધરનાર
જગે જયયાત્રા કરે
યુદ્ધ જીત્યો રણસ્થંભ જીત્યો જેહ,
લોહ જીત્યો જેણે ક્રોધને જીત્યો;
લક્ષ્મી જીત્યો જેણે લોભ જીત્યો;
કંઈ દુઃખ જીત્યો જેણે શોકને જીત્યો;
ઇન્દ્ર જીત્યો જેણે યજ્ઞ જીત્યો,
અહીં મોક્ષ જીત્યો જેણે આનન્દ જીત્યો;
વિશ્વ જીત્યો જેણે કામ જીત્યો;
અને બ્રહ્મ જીત્યો જેણે આતમ જીત્યો.
હરિના ધ્વજને ધરનાર
જગે જયયાત્રા કરે;
અહો ! જોગી તણા જયકાર
બધું બ્રહ્માંડ ભરે