જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ બીજો

વિકિસ્રોતમાંથી
← અંક ત્રીજો/ પ્રવેશ પહેલો જયા-જયન્ત
અંક ત્રીજો/ પ્રવેશ બીજો
ન્હાનાલાલ કવિ
અંક ત્રીજો/ પ્રવેશ ત્રીજો →




પ્રવેશ બીજો

સ્થલકાલ: કાશીવિશ્વેશ્વરનો રાજમાર્ગ




તીર્થગોર : જન્મારો તીર્થમાં ગાળ્યો,

પણ આજ જાણ્યું તીર્થ એટલે શું.
પગ મૂકતાં જ રૂઝાય છે
પગમાંના ઊંડા ઊંડા ઘાવ.
નથી ઓછાં વીતાડ્યાં
મ્હારે ય માથે સાધુઓએ.
ચાર દિનમાં તો ચાર ભવ થયા.
ગોખરૂની શય્યામાં સૂવાડ્યો,
ઝાડથી ઉંધે મસ્તકે લટકાવ્યો,
ચિતાની જ્વાલા સોંસરો ચલાવ્યો,
તપ્તલોહની સ્ત્રીમૂર્તિઓને ભેટાડ્યો;
સર્પની કાંચળીની પેઠે
ઉતારી આખી યે મ્હારી ખોળ.
મ્હેં યે મણા ન્હોતી રાખી.
રાવણે તો એક સીતા હરી હતી.
હરિ ! હરિ ! પ્રભો ! પ્રભો !
કેટલી યાત્રા કરશે માનવ યાત્રાળુ
પાપના મ્હોટા પોટલા ઉપાડી ઉપાડીને ?
પણ હાશ ! શીળી શીળી લાગે છે
આ મુક્તિપુરીની ધરતી યે.
સાધુઓનાં લોચનમાંથી તો
અમૃતના વરસાદ વરસે છે.
(વિચારે છે.)
ગંગામાં નાહ્યો, દેહ ધોવાયો;
ધોવાશે એવો મ્હારો આત્મા ?
રાવણ તો જીવતો છે જગતમાં.
(વળી વિચારે છે.)
હરિકુંજની સત્સંગગંગામાં ન્હાઇશ,
એટલે ધોવાશે મ્હારો પાપાત્મા યે.
શયતાનના દેવ બને છે ત્ય્હાં.
(જાય છે. ગિરિરજ ને રાજરાણી આવે છે.)

રાજરાણી: ભવ-ભવસાગરમાં ડોલે હો ! માનવનાવ.

જો ! પૂર ઘૂમે,
તોફાન ઝઝૂમે;
કાલના તરંગે હો ! કરે આવજાવ,
માનવનાવ.
મહાસાગરમાં ડોલે હો ! માનવનાવ.
રાજેન્દ્ર ! વાદળ ક્ય્હારે વિખરાશે ?
તોફાન ક્ય્હારે ઉતરશે ?

ગિરિરાજ: ધીરજ ધરો, રાણીજી ! ધીરજ:

ધીરજમાં ધરણીધર છે.

રાજરાણી:: નાથ ! કેટકેટલાં વન ભમ્યાં,

ખીણો ઉતર્યાં, પર્વતો ચ્હડ્યાં ?
ક્ય્હાં જયા ! ને ક્ય્હાં જયન્ત ?
ને ક્ય્હાં મ્હારા સન્તાન જેવાં
વ્હાલસોયાં ગિરિલોક ?
નિરવિધિ લાગે છે દુઃખનો સંસાર.

ગિરિરાજ: નિરવિધ ભાસે છે સંસારમાં

ત્‍હેને યે અવધ છે, રાણીજી !

રાજરાણી: ક્ય્હાં એ ગંગોત્રીનાં જલજૂથ,

ને ક્ય્હાં એ અલબેલી યોગગુફાઓ ?
ક્ય્હારે નિરખશું નયણાં ભરી
હતું તે સહુ ? ઓ નાથ ?

ગિરિરાજ: જગત જોયું ન્હોતું ત્‍હમે કે મ્હેં,

તે જોયું આપણે યાત્રા કરી.

રાજરાણી: પ્રારબ્ધના અંક અવળા હશે;

નહીં તો દેવી જેવી દીકરી
ને પ્રભુ જેવો પ્રધાનપુત્ર,
યોગીઓનાં યે જાણે આદર્શ;
એમને હોય આવાં વીતકો ?

ગિરિરાજ: ભૂલ આપણી કે બ્રહ્માની ?

જયન્ત જીતીને પધાર્યો;
જયાને હિમગંગામાંથી તારી,
જયાને ય વદનચન્દ્રે ત્ય્હારે
આત્માનો ઉજાસ ઉઘડ્યો;
પણ મ્હેં તે અસ્ત કીધો.

રાજરાણી: નહીં, નાથ ! વાંક મ્હારો છે.

જગતને ઝંખવવું હતું મ્હારે
કે ગિરિદેશની રાજકુમારી તો
તીર્થોના તીર્થરાજની મહારાણી.

ગિરિરાજ: રાણીજી ! કાષ્ટમાં અણદીઠો અગ્નિ છે,

એવી મ્હારે ય ઊંડી વાસના હશે;
ઝીણી, અણઉઘડી, એક કિરણ જેવી;
નહીં તો બળી ને ભસ્મ ન થાત
મ્હારી યે દૃઢતાનો દુર્ગ.

રાજરાણી: રાજવી ! રંક પેઠે કાં રડો ?

બ્રહ્મર્ષિ સહુનો સન્તાપ શમાવે છે.

ગિરિરાજ: રાણીજી ! રાણીજી !

કોણ હોલવશે જીવમાંના જ્વાલામુખી ?
મ્હારા પ્રાણમાં ય પ્રગટ્યો છે
પશ્ચાતાપનો મહાહુતાશ.
પુત્રપુત્રીને બાળ્યાં છે
એમ હું હવિ થઈ બળીશ,
ત્‍હો યે કર્યા ન ક્યાં નહીં થાય.
ચૂક્યો રાણી ! હું ચૂક્યો
મ્હારો રાજધર્મ, મ્હારો પિતૃધર્મ.

રાજરાણી: ત્‍હમે જ બોધતા હતા ને

કે કાશી તો છે વિસામો
દુનિયાનાં દાઝેલાંઓનો ?
આપણને જ નહીં મળે એ
અન્તરના આરામ અહીં ?

ગિરિરાજ: રાણીજી ! રથનાભીમાં આરાઓ,

એમ એકઠા થાય છે અંહી,
મુક્તિપુરીના ધર્મચોકમાં,
સહુ નગરીઓના રાજમાર્ગ.
જેવાં નદીઓનાં સહુ પાણી
સાગરમાં સમાધિ પામે છે-

રાજરાણી: રાજવી ! એવું કહેતા હતા ને

કે ધવલગિરિમાંથી અનેક ગંગાઓ,
એમ તીર્થરાજમાંથી યે ધર્મગંગાઓ
દશે દિશાઓમાં વહે છે,
જગત સકલને પાવન કરે છે.

ગિરિરાજ: આર્યાવર્ત એટલે વારાણસી,

ને વારાણસી એટલે ધર્મનગરી,
મુક્તોની મુક્તિપુરી.
નાડીઓનાં લોહી હૈયામાં વહે,
તે શુદ્ધ થઈ નાડીઓમાં પાછાં ઘૂમે;
વારાણસી હૈયું છે વિશ્વનું,
આવ્યાંને પાવન કરી પાઠવનારૂં.
આપણને ય પાવન કરશે
હરિકુંજના બ્રહ્મજ્યોત તે બ્રહ્મર્ષિ.

રાજરાણી: મ્હારા ઉરમાં ઉગે છે કે

પાપ પ્રજળશે, ને પુણ્ય પાંગરશે,
(ગિરિરાજ ને રાજરાણી હરિકુંજ ભણી જાય છે. બળબળતી નૃત્યદાસી આવે છે.)

દાસી: તારો, તારો, કોઈ ઉગારો,

હરિજન કો ઉદ્ધારો.
બળું છું, સળગું છું સદાની
દેહ અને દેહીની મહાઝાળમાં.
મુખડે ચુંબન દીધાં જ્ય્હાં જ્ય્હાં,
ત્ય્હાં ત્ય્હાં ઉઠે છે અંગારાઓ.
ઉરથી ઉર ચાંપ્યાં,
એ ઉરમાંથી પ્રગટ્યા છે દાવાનળ.
અંગેઅંગ ભીડ્યાં આલીંગનમાં,
ત્ય્હાં ભભૂકે છે ભડકાઓ.
ભમ્મરોમાં ભમરા ડંખે છે,
રોમરોમમાં છે વીંછીની વેદના.
હોલાવો કોઈ એ હોળી,
ઉતારો કોઈ એ ઝેર.
બળે છે કેટલી યે હું જેવી
મોહના મહેલમાં રમનારીઓ,
જાતને સુખ કાજે વેચનારીઓ.
ઉગો, જન્મો, આવો
બ્રહ્મજ્યોત કો બ્રહ્મર્ષિ,
પુણ્યજીવન કો પુણ્યાત્મા.
બળતાંને-સળગતાંને
તારો, ઉગારો, ઉદ્ધારો !