જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ ત્રીજો

વિકિસ્રોતમાંથી
← અંક બીજો - પ્રવેશ બીજો જયા-જયન્ત
અંક બીજો - પ્રવેશ ત્રીજો
ન્હાનાલાલ કવિ
અંક બીજો - પ્રવેશ ચોથો →




પ્રવેશ ત્રીજો


સ્થલકાલ : શેવતીની ફૂલવાડીમાં સ્‍હવાર
ઉપવનનાં ઊંડાણમાંથી બંસી વાગે છે. પછી ગાતી ગાતી શેવતી આવે છે.

શેવતી : ગોરસ લેઈ લેઈ પીજો,

હો ! ગોપિકાની ગોરસી ભરેલી.
વદને છે હેમજ્યોત,
નયને છે પ્રેમજ્યોત;
આત્મામાં અમૃતની હેલી :
હો ! ગોપિકાની ગોરસી ભરેલી.
(પાછળ કાશીરાજ આવે છે.)
હૃદયાની આશ એક,
રસિયાની રાસ એક;
પ્રેમીની પ્યાસ ના છીપેલીઃ
હો ! ગોપિકાની ગોરસી ભરેલી

(શેવતીનાં બન્ને નયન કાશીરાજ પાછળથી ચાંપે છે.)
એ જ અમૃતનાં કરકિરણો.
ચન્દ્રની જ્યોત્સનાધારાઓ
મીંચ્યે નયને યે ઓળખાય.
(શેવતી કાશીરાજને હૈયે વિસામો લે છે.)
રાજેન્દ્ર ! વિસર્યા તો નથી હજી.

કાશીરાજ : આત્માના પટ ઉપર

અંકાયા છે એ અક્ષરો તો.
ક્ય્હાં શીખ્યાં, સૌન્દર્યરાણી !
એવું અદ્‍ભૂત-અદ્‍ભૂત આલેખતાં ?

શેવતી : તે દિવસે ઝૂલે ઝૂલાવતાં

નયનકિરણે ઉઘાડ્યાં સ્નેહલોક ત્‍હમે,
ને પઢાવી પ્રેમગીતા.
એ શું ભૂલ્યા ? રાજવી !

કાશીરાજ : મુજ જીવનની ઓ શકુન્તલા !

એ પાઠ તે ત્‍હમે પઢાવ્યા, કે મ્હેં?
દિલ તો ત્‍હમે લીધું લૂંટીને.

શેવતી : દિલ દઈને દિલ લીધું છે, રાજેન્દ્ર !

હવિ વિના મોક્ષ ન હોય.
શી છે ગિરિદેશની કથા?

કાશીરાજ : દેશ-દેશનો મુગુટ ગિરિદેશ.

એ દેશનો યે લાવ્યો છું મુગટ,
ઓ ઉરનાં દેવિ ! તમ માટે.
રાયરાણીને વલ્કલ દીધાં;
ને તખ્ત છે તે સૂનાં
મ્હારાં મનોરાણીજીને કાજ.

શેવતી : રાજેન્દ્ર ! ક્ય્હાં માંડશો

એ આપણા રાજસિંહાસન ?
ગિરિદેશમાં કે વારાણસીમાં ?

કાશીરાજ : જ્ય્હાં જગત્ શોભના આદેશ દેશે ત્ય્હાં.

શેવતી : મુગટ માથે શોભે,

ને મુગટ ઉપર કલગી વિરાજે.

કાશીરાજ : પણ સ્નેહનાં સિંહાસન

હૃદયની દેવભોમમાં હોય.
મ્હારી વારાણસી તો છે
ઓ દેવિ ! આર્યકુલનું હૃદય.

શેવતી : તો રાજેન્દ્ર ! ચાલો ત્ય્હારે,

જઈશું ત્ય્હાંનાં રાજભવનોમાં ?

કાશીરાજ : આજ નહીં, અક્ષય તૃતિયાએ.

ઉઘડશે આપણા યે તે દિવસે
અક્ષય સુખના ભંડાર.
નિત્યમુહૂર્તના તે પુણ્યોજ્જવળ દિવસે
અવનીના ઉપર ગૂંથાશે
બ્રહ્મજ્યોતમાં ક્ષત્રિયજ્યોત,
ને જન્મશે ઉદ્ધાર આર્યાવર્તના.
ત્‍હમારૂં બ્રાહ્મ સૌન્દર્ય -

શેવતી : ને ત્‍હમારૂં ક્ષાત્ર વીરત્વ -

કાશીરાજ : પ્રેમબાલે ! પૃત્વીને પ્રકાશશે

ઉભય એક થઇને.

શેવતી : પ્રારબ્ધ ઉઘડશે ત્ય્હારે પૃથ્વીવાસીઓનાં.

કાશીરાજ : બજાવો, ઓ સ્નેહવંશી !

એ પરમ સૌભાગ્યની બંસી.
જગતની ઝાડીઓ સૂની છે
એ ટહુકાર વિના.

શેવતી : શીખી લીધો છે છેડતાં

એ અજબ માધુર્યનો બોલ.
પણ એક-એકલી જ હું?
આંબાની એક ડાળે છે બે કોયલ,
તો બે ય કોયલ સાથે ટહુકે.
બોલાવો ત્‍હમારી યે કોકિલા, રાજેન્દ્ર !

કાશીરાજ : લ્યો આ મુજ આત્માનો બોલ.

તલ્લીન થઈ બન્ને સાથે ઘડીક વેણુ વાય છે.

શેવતી : બે નયનમાંથી તેજકિરણો પ્રગટે,

ને એ પૂર સંગમ પામી
આત્મા બને એકદૃષ્ટ;
એમ આપણી બંસીઓ યે
સંગમ સાધી થઇ એકબોલ.

કાશીરાજ : બોલાવો હવે બ્રહ્મનાદ, દેવિ !

શેવતી : નથી-નથી આવડતો એ હજી.

કાશીમાં પવિત્ર થઈશ
ત્ય્હારે ભણીશ કો તપેશ્વરીજી પાસે.
આજ તો ઉચ્ચારીશ
પ્રેમનો પરમ ટહુકાર.

કાશીરાજ : સ્નેહનાં તપ -

શેવતી : તપવાની છે જ એ તપશ્ચર્યા

અક્ષય તૃતિયાની અવધ સૂધી તો.
જો, જો, વાયદો ન વીતે હો.
ફૂલડાં કરમાય છે, રાજવી !
વસન્ત બેઠી, ખીલી,
ને વીતી યે જશે.
કોયલ ટહુકે છે વન ભરી;
સુણશો એનો ગેબી ટહુકાર ?
જીવનના નવપલ્લવે પલ્લવેલાં
ઘટા ઘેરી ઘેરી ઘેરાણી છે.
સુણશો ? મંહી બોલે છે
ધીરો-ધીરો-જલરવધીરો
આત્માની વેણુનો બોલ.

કાશીરાજ  : પ્રારબ્ધનું પ્રગટ્યું નથી

હજી પ્રભાત, જગત્‌શોભને !
મ્હારા રાજઘુમ્મટો ઉપર
ઉગી નથી હજી ઉષા
આનન્દની લહરે લહરાતી.

શેવતી : રાજેન્દ્ર ! હું ત્‍હમારી ઉષા.

કાશીરાજ : ત્‍હમે તો મ્હારાં બંસી.

શેવતી : ને ત્‍હમે મ્હારા બંસીધર

રાજવી ! ઓ સ્નેહરાજવી !
ઓ રસના રઢિયાળા રાજવી !
બોલો ત્ય્હારે, બંસીઓ લઇએ-દઇયે.
ત્‍હમારે મુખડે હું,
ને મ્હારે મુખડે ત્‍હમે
બિરાજો, ને બોલો.

કાશીરાજ : પરસ્પર પ્રેમ લીધો-દીધો, તેમ.

મ્હારી આત્મવેણુ ત્‍હમે લ્યો,
ત્‍હમારી આત્મવેણુ હું લઉં.
હવે –

શેવતી : વેણુ લઇયે ને દઇયે,

હૈયાની, સૈયા !
વેણુ લઇયે ને દઇયે.
તું જગમોહન,
હું રસશોભન;
દિલને વસ્યાં દરિયે;
હૈયાની, સૈયા !
વેણુ લઇયે ને દઇયે.
તું નટનાગર,
હું રૂપસાગર;
ભરતી બધે ભરિયે;
હૈયાની, સૈયા !
વેણુ લઇયે ને દઇયે.
બંસીઓ બદલતાં ફૂલડાંમાં રમે છે.