જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રવેશ પાંચમો
સ્થલકાલ: તપશ્ચર્યાનું વન

ચાર દિશામાં ચાર ભસ્મના ઢગલાઓ વચ્ચે તપસ્વી જયન્ત બેઠો છે.
ચાર ભસ્મના ઢગલા તેજસ્તંભ થાય છે. બ્રહ્મલોકમાંથી તેજનાં ધનુષ્યબાણ ઉતરે છે, અને જયન્તના હૈયામાં સમાઈ જાય છે. વદન ફરતું પ્રભાચક્ર પ્રગટે છે.
વિચારમાં ડૂબે છે.
થોડીક વારે
← અંક બીજો/ પ્રવેશ ચોથો | જયા-જયન્ત જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો ન્હાનાલાલ કવિ |
અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો → |
❦

જયન્ત : ઉગ્ર તપ આદર્યાં,
- પણ હજી અધૂરાં હશે.
- નથી થતાં અખંડ દર્શન
- નાથ ! તુજ પરમ તેજનાં.
- વીજળીના દોરા જેવા
- તણખા ચમકે છે અન્તરના આભમાં;
- પણ બ્રહ્મજ્યોતિનો મહાભાસ્કર
- નથી પેખાતો અનસ્તપણે.
- એટલો અધૂરો છે હજી
- આત્મા ને પરમાત્માનો યોગ.
- ભાવની ભરતીઓ આવે છે,
- પણ ચિરસ્થાયી નથી તે.
- દોરો, દોરો, ઓ બ્રહ્મજ્યોતિ !
- અન્ધકારની આ ભૂલભૂલામણીમાંથી.
આકાશવાણી: છેલ્લી ગાંઠ છોડી દે આત્માની.
જયન્ત : શબ્દબ્રહ્મ ગાજ્યો, ગહનતા બોલી,
- અનન્તતાએ ઉચ્ચાર કીધો.
- છોડું છું-છોડું છું એ ય તે-
- મ્હારા આત્માની છેલ્લી ગ્રન્થી,
- ઊંડું સંઘરેલું મ્હારૂં લોભરત્ન.
- સ્નેહદેવી મળજો કે ના મળજો,
- બ્રહ્મપ્રકાશ ઉગજો કે ના ઉગજો;
- જગતનો યતકિંચિતે ઉદ્ધાર
- મ્હારે હાથે થાવ કે પરહાથે;
- વિસર્જન થાવ સારાંની યે લાલસ્સાઓ.
- શુભની આસક્તિ યે અસ્ત પામો !
- ઉતરી જાવ મોક્ષના ય મોહ.
- ब्रह्मकृपा हि केवलं । ब्रह्मकृपा हि केवलम् ।
- સૃષ્ટિ છે સૃજનનો હેતુ સાધવાને :
- સૃજનહેતુ સીધે ત્ય્હાં ને તેમ
- ફેંક-ઘૂમાવ મ્હારા જીવનને, પ્રભો !
- પ્રભુની વાડીમાં પુણ્ય વાવવાં,
- જ્ય્હાં ઉગાડે ત્ય્હાં તેજ વર્ષવાં,
- જ્ય્હાં ફૂલડાં પ્રફુલ્લે
- ત્ય્હાં પરિમલ પમરવાં,
- એ જ ઉદ્ધાર, એ જ જીવન્મુક્તિ.
- જય હો બ્રહ્મજ્યોતિનો !
આકાશવાણી:બાણ નહીં જીતે ચાપ વિના;
- પંખી છે એકપંખાળું અપંગ.
જયન્ત :: ' એક પંખાળું ! અપંગ ? '
- ચાપવ્હોણું જાણે બાણ !
- હા, સ્હમજાઈ એ ભેદવાણી.
- જ્યા ! મ્હારી બીજી પાંખ !
- પ્રગટ, ને પ્રત્યક્ષ થા.
- એકાકી તો ભાસ્કરે અધૂરો છે;
- ચન્દ્રસૂરજની બેલડી જ
- અજવાળે છે અહર્નિશા.
- ' જયા ધરાવશે જયન્તને માથે
- જગતના જયનો મુગટ: '
- સ્હમજાયો દેવર્ષિનો એ આશીર્વાદ.
- ઓ હરિકુંજનાં પાંદડાંઓ !
- છો તેટલી જીભો થાવ;
- ને જગાવો જયાના નામનો અલખ.
- બોલાવો બ્રહ્માંડની ગુફાઓમાંથી,
- કે હરિની ઈચ્છા પૂર્ણ થાય.
- બ્રહ્મકૃપાની ને બ્રહ્મજ્યોતિની
- જગતમાં જયા જ છે મૂર્તિ.
- જય ! બ્રહ્મજ્યોતિનો જય !
- જયાને પુણ્યપગલે જ
- ઉગશે સ્હવાર જગતના ઉદ્ધારનાં.