ઠગ/કેટલીક સ્પષ્ટતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← છેલ્લો શ્વાસ ઠગ
કેટલીક સ્પષ્ટતા
રમણલાલ દેસાઈ
૧૯૩૮
માનવ કવિતા →


૨૭
 
કેટલીક સ્પષ્ટતા
 


મંદિરમાં આછું અંધારું તો હતું જ, છતાં તે એવું ન હતું કે આપણી દૃષ્ટિને અવરોધે. ત્યાં ગયા પછી ધીમે ધીમે મારી આંખ આછા પ્રકાશથી ટેવાઈ અને મને મંદિરની બધી વિગતો દેખાવા લાગી. મને લાગ્યું કે આવાં ગુફામંદિરોની રચના કરનાર શિલ્પીઓ બહુ જ સમજપૂર્વક પ્રકાશની અવરજવર ગોઠવતા હોવા જોઈએ. આંખને પ્રકાશઝલકથી આાંજી નાખી પછી ભભકભર્યું પ્રદર્શન કરવા કરતાં આછા અંધકારમાંથી આંખને સમજાવી આંખને ધીમે ધીમે ઉઘાડી બધી જ વસ્તુઓ સામ્ય રીતે દર્શાવવી એ વધારે કલામય રચના હોવી જોઈએ.

મંદિરમાં બધા જ બેઠા. ભવાનીની પ્રચંડમૂર્તિ આછા પ્રકાશમાં ખૂબ ભયાનક લાગતી હતી. પાસે ઘીના દીવા બળતા હતા તે મૂર્તિની ભયંકરતાને જુદે જુદે સ્થળેથી પ્રદર્શિત કરતા હતા. પૂજારીઓ પાસે ઊભા હતા, આયેશા અને મટીલ્ડા મૂર્તિ પાસે ઊભાં રહ્યાં હતાં.

‘આજ માતાજી માનવ-બલિદાન નહિ લે !’ પૂજારીએ કહ્યું.

‘કાલ પણ નહિ લે !’ આઝાદે કહ્યું.

‘કાલની વાત ઉપર કાલ રાખો.' કોઈએ કહ્યું.

‘કાલ ઉપર એક જ વાત રહેશે. આવતી કાલ આપણે આપણી પ્રતિજ્ઞા ભવાનીને પાછી સોંપી દઈએ, અને આપણા માર્ગને ભૂલી જઈએ.’ સમરસિંહે કહ્યું.

‘જેને જીવન સોંપ્યું તે માર્ગને ભૂલી જઈએ ? કેવી રીતે ?' એક ઠગે પ્રશ્ન કર્યો.

‘સ્ત્રીઓના ભોગ આપવા કરતાં આપણી બિરાદરીનો ભોગ આપવો હું વધારે પસંદ કરું છું. દેવીની પણ એ જ આજ્ઞા લાગે છે.’ સમરસિંહે જવાબ આપ્યો.

પૂજારીએ આયેશા અને મટીલ્ડાના હાથમાં નાની આચમની વડે કાંઈ આપ્યું. એ પાણી હતું. બન્ને જણે તે હોઠે અને આંખે અડકાડ્યું. પછીથી એ જ પૂજારી ઝડપથી બધાના હાથમાં એ પાણી આપતો ગયો. બધાએ જ તે પાણીને હોઠે અને આંખે અડાડયું.

‘સાહેબ ! માતાજીનું ચરણામૃત છે, પવિત્ર છે. આપને ન જોઈએ તો હરકત નહિ, પણ લેશો તો અમારી દેવી પ્રસન્ન થશે.' આઝાદે કહ્યું.

મને એમાં હરકત લાગી નહિ. ખ્રિસ્તીઓની મેરી કરતાં આ દેવી બહુ વધારે ક્રૂર હતી. એટલે મને શ્રદ્ધા કે સદ્દભાવ તો નહોતાં જ. છતાં સહુને એથી સારું લાગતું હોય તો તેમ કરવામાં મને ધર્મભ્રષ્ટતા ન લાગી. મેં આચમન લીધું.

‘જય ભવાની !' સહુએ મોટેથી ઉચ્ચારણ કર્યું. અને બધા ઊભા થયા. માતાની ભયંકર મૂર્તિને પગે લાગી સહુ કોઈ એક ગુપ્ત દ્વારમાં જવા લાગ્યા. મેં જતે જતે સમરસિંહને પૂછ્યું :

‘આ મુસલમાનો પણ માતાજીને નમે છે ?'

‘આ મંદિરમાં જ નહિ, પણ બહાર સુધ્ધાં. બિરાદરીને હિંદુ-મુસ્લિમ ભેદ નડતા જ નથી.'

'છતાં હિંદુ હિંદુ રહે છે, અને મુસલમાન મુસલમાન ?'

‘જરૂર, હું એક ક્ષણ પણ હિંદુ મટ્યો નથી અને ખાનસાહેબ એક ક્ષણ પણ મુસ્લિમ મટ્યા નથી.’

‘એ કેમ બને ?'

‘અમારો માર્ગ સમજો તો તમે ખ્રિસ્તીઓ પણ આ બિરાદરીમાં આવી શકો.'

‘પણ તમે તો બિરાદરી વિખેરવા મથો છો !’ મેં કહ્યું.

‘હા, જી; હું બિરાદરીની વિશુદ્ધિ માટે તેમ કરવા મથું છું. બાકી અમારી બિરાદરી તો અમર છે.'

‘મને ન સમજાયું.’

‘કોઈ દિવસ સમજાવીશ.'

હું તથા સમરસિંહ ગુપ્ત દ્વારમાંથી છેલ્લા નીકળ્યા. આ ગુપ્ત દ્વારમાંથી જાણે કોઈ મહેલમાં પ્રવેશ કરતા હોઈએ એમ મને લાગ્યું. રાજમહેલમાં એક ચોગાનમાં પીરસેલી થાળીઓ ગોઠવાઈ ગઈ હતી. જેટલા ભેગા થયા હતા. એટલા બધા જ ઠગ જમવા બેસી ગયા. હું પણ ફાવ્યું ન ફાવ્યું કરીને તેમની જ ઢબે જમવા બેઠો. થોડા દિવસથી મને પણ એ જ ઢબની ટેવ પડી હતી.

પછી સમરસિંહ મને એક ઓરડામાં લઈ ગયો. ત્યાં પલંગ બિછાવેલો હતો. મને આરામ લેવા તેણે સૂચન કર્યું. ખરે, મારે આરામની બહુ જ જરૂર હતી. તન અને મન આજ જેવાં થાકી ગયાં હતાં તેવાં કદી થાક્યાં મેં અનુભવ્યાં ન હતાં. ઠગના ધામમાં ઠગના આગેવાનનો વિશ્વાસ કરી હું આજે જ નહિ પણ અનેક વખત સૂતો હતો. એટલે ચિંતા રહિત બનેલો હું સૂઈ ગયો.

મને સરસ નિદ્રા આવી. આટઆટલા ભયંકર પ્રસંગોનો મને અનુભવ થયો હતો, છતાં આજે મેં સ્વપ્ન રહિત નિદ્રા અનુભવી. જાગ્રત થતા પહેલાં જે સ્વપ્ન આવ્યું તે પણ અત્યંત સુંદર હતું. આઝાદ, સમરસિંહ અને આયેશા એક સુંદર નાવમાં બેસી પસાર થતાં હતાં એમ મેં જોયું. એ નાવની આસપાસ આવેલી નદી અને નદીને વીંટી વળતી વનશ્રી જાણે. સ્વર્ગમાંથી કોઈ ઉપાડી લાવ્યું હોય એવો ભાસ આપતાં હતાં. બહુ જ સુખભર્યા ભાવથી હું જાગ્યો ત્યારે બે માણસોને વાત કરતાં સાંભળ્યાં. મને ખાતરી થઈ કે આઝાદ અને સમરસિંહ વાતો કરે છે.

મેં આંખ ન ઉઘાડી, મને લાગ્યું કે તેમ કરવાથી આ વાર્તાલાપ અટકી જશે.

‘હું ફકીર બનવા માગું છું.' આઝાદે કહ્યું.

‘તારી ભૂલ થાય છે. તને ખબર નથી કે મેં આયેશાને કેટલી વાર સમજાવી. હજી સંભવ છે કે તે માની જાય.' સમરે કહ્યું.

'હવે મને તારી મૂર્ખાઈ લાગે છે. આયેશા કદી મને ચાહશે નહિ.’

‘કેમ ?'

‘એ તને ચાહે છે માટે. તું જોતો નથી કે એ તારે માટે શું શું સહન કરે છે ?'

‘હું જોઈ શકું છું. પરંતુ એ જાણે છે કે હું તો જીવનભરનું બ્રહ્મચર્યવ્રત લઈ બેઠો છું.’

‘વ્રતની વાત જવા દે, તમારા જેવાં બે સરસ પ્રેમીઓ લગ્ન કરે એ જ વ્રતનું ફળ. મારી અદેખાઈ એકાએક ઓસરી ગઈ. આયેશાને પાણીમાં ફેંકતા બરાબર મને લાગ્યું કે મારા પ્રેમમાં કંજૂસની કંજૂસાઈ રહેલી છે. કંજૂસના ધનની માફક અદેખો પ્રેમ. જરાય ઉપયોગનો નથી. માટે જ હું આદર્શ ઠગ ન બની શક્યો. હું ફકીર બની હવે જીવનભર પશ્ચાત્તાપ કરીશ.’

‘હું તને ઓળખી શક્યો છું. તેં ગમે તે કર્યું હોય છતાં તારા હૃદયમાં રહેલી મર્દાનગી અને ઉદારતાનો હું પૂજક છું. મેં હથિયાર લીધું હોત તો હું કે તું આજે પાછા ભાઈ બની બેઠા છીએ તેમ બેઠા ન હોત.

થોડી વાર ઓરડામાં શાંતિ ફેલાઈ. મારાથી આંખ ઉઘાડી દેવાઈ. સમરસિંહે મને તત્કાળ પકડ્યો :

‘કેમ સાહેબ ! ઊંઘ ઠીક આવી ?’

‘હા.’ મેં કહ્યું.

‘હવે તમે નિરાંતે સૂઈ શકશો. ઠગ લોકોને તમે હવે વિખેરી નાખ્યા છે.'

'મેં વિખેરી નાખ્યા ?’ બેસીને મેં આશ્ચર્યથી પૂછયું.

‘હા, જી. આપે કેટલાય ઠગને પકડ્યા છે, કેટલાયની જુબાનીઓ લીધી છે અને કેટલાયને ફાંસીએ ચડાવ્યા છે.' સમરસિંહે આંખમાં તેજ ચમકાવી કહ્યું.

‘પણ હજી તમે તો છો જ, આઝાદ પણ છે, અને મારા અનુભવ પ્રમાણે તો હજી ગામેગામ અને શહેરેશહેરમાં તમારાં કેટલાંય થાણાં છે.'

‘એ થાણાં હવે ઉપાડી લીધાં.'

'કેમ ?'

'હવે જરૂર રહી નથી.'

‘જરૂર ? ઠગ લોકોનાં થાણાંની ?’

'હા જી. અમારો ધર્મ તો અમર છે અને અમર રહેશે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે અમે ફૂટી નીકળીએ છીએ.'

‘મને સમજ પાડો. ઠગ લોકોનો ધર્મ શો ?’

'આપ અમારા ભેગા ન ભળો ત્યાં સુધી એ ધર્મ સમજાય એમ નથી. છતાં આપને ખોટો ખ્યાલ ન આવે એ માટે - અને સાથે સાથે ચેતવણી આપવા માટે મેં આપને અમારા ગુપ્ત જીવનમાં સહજ આવવા દીધા છે.’

ઠગ લોકો પ્રત્યે મને જે તિરસ્કાર હતો. તે થોડા દિવસના મારા અનુભવથી ઘટી ગયો હતો. એક અંગ્રેજ તરીકેનું મારું અભિમાન ઠગ લોકોનાં બંધારણ જોઈને ઓછું થઈ ગયું હતું. મારો વિશ્વાસુ અંગરક્ષક જ એક ઠગ ! લાટ સાહેબનાં પત્નીની સહચારી સુધી ઠગ લોકોની અસર ! અને તેમની ભભકભરી ઉદારતા તેમ જ સગી બહેનનો ભોગ આપવાની નિષ્ઠુરતા એ બંને સ્વભાવમિશ્રણ અને આશ્ચર્ય પમાડતાં હતાં. સમરસિંહ અને ખાનસાહેબ સંસ્કારથી ભરપૂર હતા; તેમની વાત અને તેમનાં વર્તન કોઈ પણ શિષ્ટ ગૃહસ્થને શોભે એવાં હતાં. આઝાદનું શૌર્ય અને એનું વેર આજે પલટાઈ તેને ફકીરી તરફ દોરતાં હતાં. ! ખરે, ઠગ લોકો માટે મારો તિરસ્કાર તો લગભગ જતો રહ્યો હતો. આયેશા અને સમરસિંહનો નાટકને શોભે એવો પ્રસંગ મારા સ્મરણપટ ઉપર જડાઈ ગયો હતો. છતાં બંને પ્રેમીઓ જાણીને વિરાગી રહ્યાં હતાં ! આટલો પ્રેમ છતાં મેં ભાગ્યે જ એ બંનેને સામસામી આંખ માંડતાં જોયાં હોય. અંગ્રેજ પ્રેમીઓ આવા પ્રસંગે ભાગ્યે જ તેમનું પ્રદર્શન કર્યા વગર રહે, એટલે મારા ખ્યાલો તો બદલાતા હતા જ.

‘બીજું બધું સમજ્યો પરંતુ ચેતવણી શાની ?' મેં પૂછ્યું.

‘ચેતવણી ? હા, હું આપને સમજાવું. આપ જાણો છો કે ઠગ લોકોએ હજી સુધી કોઈ પણ ગોરા ઉપર ઘા નથી કર્યો.' સમરસિંહે કહ્યું.

‘મટીલ્ડાને તો ઊંચકી લાવ્યા છો !’ મેં વચમાં જ કહ્યું.

‘ખરી વાત. એ પણ એક ચેતવણી તરીકે. પ્લેફૅર સાહેબના ગુણઅવગુણ વિષે આપે કાંઈ સાંભળ્યું છે ?’

મારો પુરોગામી અમલદાર બાહોશ હતો છતાં તેની વિલાસ પ્રિયતા અમારા વર્ગમાં લશ્કરીનો વિષય બની ગઈ હતી. દેશી સ્ત્રીઓ તરફનો તેનો અનુરાગ તેની પત્નીની જાણમાં પણ આવ્યો હતો. પોતાની લશકરી સત્તાના જોરે તે સ્ત્રીઓને મેળવી શકતો, અને મોજીલા સેનાપતિ તરીકે ઓળખાવામાં માન સમજતો હતો. છતાં મેં કહ્યું : ‘એના અવગુણની ખબર નથી.'

‘તો હું આપને જણાવું. અમારા દેશની સ્ત્રીઓ બહુ ઝડપથી વેચાતી મળે છે એવો તેમને ભ્રમ હતો.'

‘એ ભ્રમ હતો કે ખરી વાત ? મેં વગર વિચારે પ્લેફૅરનો બચાવ કરવા માટે આખા હિંદના સ્ત્રીવર્ગ ઉપર આક્ષેપ મૂક્યો. સમરસિંહની આંખમાં પાછી ચમક દેખાઈ.

‘જે હોય તે. પણ એક વાત સમજવા જેવી છે. કાળી સ્ત્રીઓ તરફ જો આાંખ ફેંકાય તો ગોરી સ્ત્રીઓ માટે પણ એ અશક્ય નથી. કાળી સ્ત્રીઓ કદાચ વેચાતી મળે, સાથે ગોરી સ્ત્રીઓનું હરણ કરી શકાય છે એ ભૂલવા જેવું નથી. અમારો ઠગ લોકોનો એક જ ધર્મ હું આપને સમજાવી દઉં. જગતમાં ધન કે સત્તાના બળથી ખુલ્લી લૂંટ કરનારને અમે વારંવાર ચેતવણી આપીએ છીએ કે એ ખુલ્લી લૂંટ અનેક છૂપી લૂંટને જન્મ આપે છે. સારું થયું કે મટીલ્ડા હિંદી ઠગને હાથ ચઢી; હજી તે અંગ્રેજ રહી શકી છે. પ્લેફૅર સાહેબને એ વાતની સમજ પડે એ માટે અમારી બિરાદરી તેની પુત્રીને જ ઊંચકી લાવી.'

‘તમે આ વાત કબૂલ કરશો તો તમને સજા નહિ થાય ?' મેં જરા ગંભીરતાથી પૂછ્યું. ‘આપ એમ માનો છો કે ઠગ બિરાદરીને સજાનો ભય હોય છે ? અમને માનવ સજાનો ભય નથી. બિરાદરીને બચાવવા કૈંક બહાદુરો ખોટા ગુના કબૂલ કરી ફાંસીએ ગયા છે એ આપ જાણો છો. અમને એક જ સજાનો ભય છે : અમારાથી જરા પણ ધર્મ ચુકાય તો અમારી મહાદેવી ભવાની કોપ કર્યા વગર રહે જ નહિ.’

એકાએક આયેશા અંદર આવી મારે માટે ચાનો સરસામાન મૂકી ગઈ. પશ્ચિમ ઉપર મેળવાયેલા પૌર્વાત્ય વિજયોમાં ચાએ અમારા જીવનમાં કરેલો પ્રવેશ મુખ્ય વિજય હતો. આઝાદ કે સમરસિંહ બેમાંથી કોઈએ આયેશા તરફ નજર નાખી નહિ.

ચાની મને જરૂર હતી. સમરસિંહ કે આઝાદને ચાનો શોખ દેખાયો નહિ. મેં ચા પીને વાત આગળ વધારી.

‘ઠીક. મટીલ્ડાની હકીકત તો હું સમજ્યો. કોઈ ઠગની સ્ત્રીને મળેલા અપમાનનો કદાચ બદલો હશે. પણ તમે તો કહો છો કે ગોરાઓ ઉપર ઠગ લોકોએ ઘા કર્યો નથી. શા માટે ?’

ગોરાઓના વિજયમાં ગોરાઓનો દોષ નથી. એમના ગુણ ખરેખર ઊંચા છે. પરંતુ એમના ગુણ કરતાં અમારા અવગુણ એમને વિજય અપાવે છે. દોષ અમારો અને અમે ગોરાઓને કેમ મારીએ ?’

‘પરંતુ તમે તો ઘણા નિર્દોષ હિંદીઓને મારો છો !’

'નિર્દોષ ? કદી નહિ. ઊલટું અમારી બિરાદરીનો એક ભાગ એ જ કામ જુએ છે કે રખે કોઈ નિર્દોષનો ઘાત થાય, કે નિર્દોષની મિલકત લૂંટાય.'

મને સહજ હસવું આવ્યું. ઠગ લોકો ગમે તે માણસને શુકન મળતાં મારી નાખે છે એ વાત સાબીત થયેલી હતી. પરંતુ એ સાબિતીનો વિરોધ સમરસિંહ તરફથી થતો હતો - અને કદાચ એ વિરોધ ખરો પણ હોય. મને વધારે હકીકત મળે એ અર્થે મેં હસવું આવ્યાનો દેખાવ કર્યો.

સમરસિંહે મારા હાસ્યનો કશો જવાબ આપ્યો નહિ. દૂરથી સિતાર વાગતો સંભળાયો. શું ઠગ લોકોમાં કલાકારો અને ગાયકો પણ હતા ?

‘તમારામાં સંગીતકારો પણ હોય છે, નહિ ? મેં પૂછ્યું.

‘હા, જી. અમારા કૈંક સંગીતકારો રાજદરબારમાં રહેલા છે.’

‘એમ ?’

‘હા જી, આ આઝાદ એક સરસ બીનકાર છે એ હું આપને જણાવું છું.'

‘આઝાદ ?' મને આશ્ચર્ય લાગ્યું. આવો લડાયક વૃત્તિનો ક્રૂર ઠગ બીન જેવા વાઘને અડકી કેમ શકતો હશે એ મને ન સમજાયું.

‘એમાં આશ્ચર્ય જેવું નથી. અમારામાંથી સહુએ એકએક આડકળા તો જાણવી જ જોઈએ. મેં હથિયાર મૂક્યાં તે દિવસે આઝાદે બીન મૂકી. હું તો હથિયાર નહિ જ લઉં, પણ આઝાદને હાથે બીન હું જરૂર પકડાવીશ.’

આઝાદે વિષાદભર્યા નયનો વડે સમરસિંહ તરફ જોયું. મને લાગ્યું કે આઝાદ તદ્દન બદલાઈ ગયો છે. તેના મુખ ઉપરની જડ શાંતિ જરા હાલી ઊઠી.

‘મક્કે જતા પહેલાં એક વાર સંભળાવું.' આઝાદે કહ્યું.

‘એક વારથી મને સંતોષ નહિ વળે.' સમરસિંહ બોલ્યો.

પર્વતોમાં અંધકાર વહેલો પ્રવેશ પામતો હતો. સિતારનો ઝણઝણાટ ચાલુ જ હતો. રાત્રિ વહેલી પડતી લાગી. ઝગઝગાટ દીવાઓ અમારા ઓરડામાં તેમ જ બીજે વળગી રહ્યા. ઓરડાઓની રચના એવી હતી કે આ પહાડી મહેલમાં સેંકડો માણસો હતાં છતાં અમને શાંતિ લાગતી હતી.

‘મને હવે ક્યારે છોડવો છે ? મેં પૂછ્યું.

'આવતી કાલ પછી.'

‘બહુ દિવસ થયા.’

‘આપે આપના કામમાં જ એ દિવસો વાપર્યા છે. કાલે ઠગ જનતાનું છેલ્લું વિસર્જન જોઈને જાઓ.’

હું જરા ચમક્યો.

'આ મહેલના એકેએક પથ્થરમાં કરામત છે.' હસીને સમરસિંહે કહ્યું.

‘હવે તે કરામત મારા ઉપર તો નથી વાપરવાની ને ?’

‘તમે નિશ્ચિંતપણે જમીને સૂઈ જાઓ.' અદૃશ્ય દરવાજામાંથી બહાર નીકળતાં સમરસિંહે કહ્યું.

શરૂઆતમાં તો મને નિદ્રા આવી. દીવા ઝાંખા થઈ ગયા અને હું એકલો પડ્યો હતો. એટલે બીજું કાંઇ કામ મારે માટે રહ્યું ન હતું. પરંતુ એ નિદ્રા સ્વપ્નમય જ રહેતી. હું વારંવાર જાગી જતો હતો. એક નાટક સરખું સ્મરણીય સ્વપ્ન પૂરું થતાં જ હું જાગી ઊઠ્યો. મારી આંખ સામે મારો જ અંગરક્ષક દિલાવર ઊભેલો મને દેખાયો.

‘કેમ ? તું ક્યાંથી ? એકદમ બેસીને પૂછ્યું.

‘હું અહીં જ છું; સતત આપની ચોકી કરું છું.’

‘તું હતો ક્યાં ?' ‘આા ભીંતમાં.'

‘એમ ?'

'હા જી.'

‘મારી ચોકીની જરૂર છે ?’

‘મને હુકમ છે. આજનો નહિ - કેટલાય સમયનો - માટે જ હું આપની નોકરીમાં છું.’

‘તે હું જાણું છું. પણ અત્યારે શું છે ?'

'હવે આપ અહીંથી જશો ત્યાં સુધી મારી ચોકી રહેશે.'

‘અત્યાર સુધી તો તું દેખાયો નહિ !’

‘હમણાં જ જરૂર પડી. આઝાદ અહીં આવી બહાર નીકળી ગયો છે.’

‘કયાં ?'

‘કદાચ સુમરાની પાછળ.'

‘સુમરો ક્યાં છે ?'

‘હું એ જ જાણવા માગું છું. આપને કાંઈ કહ્યું છે ?’

'ના.'

દિલાવર શાંત ઊભો રહ્યો; છતાં તેના મુખ ઉપર વ્યગ્રતા હતી.

‘આપણે પણ બંનેની પાછળ જઈએ તો ?' મેં પૂછ્યું.

‘મારા એકલાથી ન જવાય. આપણે બંને જઈ શકીએ, આપ ઇચ્છતા હો તો !’

‘કાંઈ ભયંકર પરિણામ લાગે છે ?'

‘કહેવાય નહિ. છેલ્લે દિવસે શું થાય એ ભવાની જાણે !’

‘આઝાદનો ડર છે ?'

'ચોક્કસ નહિ. સુમરાની પાછળ ગયો એટલે ભય લાગે.'

'પણ એ તો બંને મિત્રો બન્યા છે.'

‘હા, છતાં હું ચમકું છું. આજની રાતનો વિશ્વાસ નથી.’

‘ચાલ, આપણે જઈએ.'

અમે બંને તૈયાર થયા. વિચિત્ર લાગતાં ગુપ્ત દ્વારોમાં થઈ દિલાવરની પાછળ હું ચાલ્યો. વહેળાને કિનારે આવેલા પથ્થરો ઉપર બે પડછાયા હાલતા દેખાયા. હું પણ ઠગ લોકો ભેગો રહી ઠગ લોકોના જેવું જ ચાલતાં શીખી ગયો હતો. અમે જાણે વગર ચાલ્યે ચાલતા હતા. ધીમે ધીમે અમે પથ્થરની એક બાજુએ આવી ગયા, અને અમારો પડછાયો ન પડે એમ સંતાઈને બેસી ગયા.

મેં ધારેલું કે કોઈ વિચિત્ર ભયપ્રદ બનાવ બનશે, પરંતુ તેને બદલે મેં તો માનવ હૃદયની એક ભવ્ય કવિતા સાંભળી. ભવ્ય કવિતાઓ પણ ભયપ્રદ તો હોય જ.