ઠગ/છેલ્લો શ્વાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બલિદાન ઠગ
છેલ્લો શ્વાસ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
કેટલીક સ્પષ્ટતા →


૨૬
 
છેલ્લો શ્વાસ
 


આઝાદના મુખ ઉપર અવનવો આનંદ કેમ દેખાતો હતો ? સમરસિંહના મુખ ઉપર હજી સ્વાભાવિકતા કેમ નહોતી આવી ? હળવા બનેલા વાતાવરણમાં આ બે પ્રશ્નો મને મૂંઝવી રહ્યા.

‘ચાલો, હવે ભવાનીની પ્રાર્થના કરી. આજનો દિવસ વિતાવીએ.' ખાનસાહેબે કહ્યું. એટલે ધીમે ધીમે સહુએ છૂપે માર્ગે મંદિર તરફ ચાલવા માડ્યું.

‘આપણે જવાને વાર છે.' સમરસિંહે મારી પાસે આવીને કહ્યું.

‘કેમ ?’ મેં પૂછ્યું.

‘આપણે છેલ્લા જવું એ વધારે સારું છે.' સમરસિંહે કહ્યું.

મને કારણ ન સમજાયું. મટીલ્ડાને કોઈ પણ રીતે બચાવવી એ મારો નિશ્ચય દૃઢ બની ગયો હતો. સમરસિંહ આયેશા તેમ જ મટીલ્ડાને માટે આટલે દૂર આવ્યો હતો એ હવે મને સમજાયું હતું.

‘એ બે જણ ક્યાં જાય છે ?' મટીલ્ડાને આયેશા પાસે વહેતા ઝરા તરફ દોરી જતી હતી. તે જોઈ મેં પૂછ્યું.

‘એ બંનેને હવે સ્નાન કરવું પડશે. બલિદાન માટે નિશ્ચિત થયેલી વ્યક્તિથી સ્નાન કર્યા વગર પાછું ફરાય નહિ.' સમરસિંહે જવાબ આપ્યો.

વીખરાઈ જતી ટોળીમાંથી કોણ ક્યાં જતું હતું તેની ગણતરી થઈ શકે એમ નહોતી. સમરસિંહની આંખ વગર પ્રયત્ન ચારે બાજુએ ફરતી હતી. તે મારી સાથે વાત કર્યો જતો હતો. પરંતુ તેનું મન બીજી કોઈ પ્રવૃત્તિમાં પડ્યું ! હોય એમ લાગતું હતું.

એકાએક બંને યુવતીઓ દેખાતી બંધ પડી. ભયંકર વહેણવાળા ઝરાને કિનારે એક નાનકડી ટેકરી પાછળ તે સ્નાન કરતી હશે એમ મને લાગ્યું. હવે થોડા જ માણસો પાસે ફરતા દેખાતા હતા. એવામાં એક ભયંકર ચીસ સંભળાઈ. મને લાગ્યું કે તે મટીલ્ડાની ચીસ હતા. પરંતુ એકાએક આઝાદનું ક્રૂર અટ્ટહાસ્ય સંભળાયું, અને વહેળા તરફ નજર કરતાં દેખાયું કે આયેશાને વહેળાનું ધૂમરીઓ ખાતું પાણી આગળ ખેંચી જતું હતું.

હાજર રહેલા સહુ કોઈ આશ્ચર્ય અને ભયથી સ્તબ્ધ બની ગયાં. મંદિર તરફ જતા લોકો દોડીને પાછા ત્યાં આવવા લાગ્યા. મટીલ્ડા ટેકરાને ઓથેથી અડધાં ભીનાં વસ્ત્રો સાથે બહાર નીકળી આવી. મેં આચ્છાદન દૂર કર્યું અને મટીલ્ડા તરફ જવા માંડ્યું. ખેંચાઈ જતી આયેશા પાણીમાં તરફડિયાં મારતી વધારે અને વધારે ગૂંચવાતી હતી. એને કેમ બચાવવી એનો વિચાર પણ આવે તે પહેલાં સમરસિંહે પહેરેલાં વસ્ત્રે વહેળામાં ઝંપલાવ્યું !

વહેળાનાં વમળો ભલભલા તારાઓને પણ મૂંઝવણમાં નાખી દે એવાં ભયંકર હતાં. આયેશાને બચાવવા સમરસિંહ, આમ પોતાની જાતને જોખમમાં નાખશે એવો ખ્યાલ કોઈને પ્રથમ દર્શને આવે એવો ન હતો. ડુંગરની અવ્યવસ્થિત કરાડો, કોતરો અને ખોને લઈ અનેક ઘાંટીઓ રચતા વહેળામાં સાધન વગર પડનાર તારાથી બચી શકાય એમ ન હતું, ત્યાં બીજાને તો બચાવી જ શી રીતે શકાય ? સહુના મુખ ઉપર મૂંઝવણ હતી.

પરંતુ સમરસિંહ પાણીનાં તોફાન ઉપર સ્વામિત્વ ભોગવતો હોય એમ લાગ્યું. પાણીનાં તાણ, ઊંડાણ અને ઘુમરીઓને દબાવી પચાસેક કદમ સમરસિંહે આયેશાને પકડી લીધી.

સહુના જીવમાં જીવ આવ્યો. છતાં એ બંનેથી પાણી બહાર ક્યાં આગળ નીકળાશે તે કોઈથી કલ્પી શકાયું નહિ. સામે ઊભી સીધી કરાડ હતી; આ બાજુએ વમળોની પરંપરા વહેળાને બળતા ઊકળતા ઝરાનું સ્વરૂપ આપતી હતી. પરંતુ અત્યારે એ ભયંકરતા એકદમ સો ગણી વધી ગઈ. ટેકરાને ઓથેથી બહાર નીકળી આઝાદ એક કામઠા ઉપર તીર ચડાવી રહ્યો હતો !

મને તત્કાળ લાગ્યું કે આઝાદ આયેશાને વહેળામાં કોઈ પણ રીતે ફેંકી હવે સમરસિંહ તેને બચાવે એ તેનાથી ભાગ્યે જ જોઈ શકાય. આઝાદનું તીર આયેશા કે સમરસિંહ બેમાંથી જેને વાગે તેના પ્રાણ જાય ! આઝાદની શસ્ત્રકળા અદ્દભુત હતી એ હું જાણતો હતો. એકાએક મારા હૃદયને ઉત્તેજિત કરતો વિચાર મને આવ્યો. સમરસિંહ કે આયેશાને સહાય આપી શકાય એવો આ એક જ પ્રસંગ મને મળતો હતો. મારા જીવનની તો તેમણે અનેક વખત રક્ષા કરી હતી. પાસે ઊભેલી મટીલ્ડાને એકલી મૂકી હું પાંચ ફલંગોમાં આઝાદ પાસે પહોંચ્યો. પાણીમાં તરફડતા સમરસિંહ અને આયેશાની વધતી મૂંઝવણ વધારતા આઝાદની પ્રસન્નતા તેને એકલક્ષી બનાવી તીરની નેમ લેવા પ્રેરી રહી હતી. તેણે મારી પ્રવૃત્તિ નિહાળી નહિ. તાકીને પણછ ખેંચવા જતા આઝાદને મેં અણીને સમયે બાથમાં લીધો અને તેના કામઠાને હલાવી નાખ્યું.

‘સાહેબ ! જીવતા રહેવું હોય તો મને છોડો.’ આઝાદે મને ઓળખી કહ્યું.

‘અત્યારે જીવનની પરવા નથી.' મેં જવાબ આપી. મારી પકડ મજબૂત કરી.

‘સાહેબ ! ઠગ લોકોને પકડવા હોય તો અત્યારે મારા માર્ગમાં ન આવો.' આઝાદે અત્યંત બળ કરી મારી પકડમાંથી છૂટા થઈ કહ્યું. એણે આટલું શારીરિક બળ ક્યાંથી મેળવ્યું હશે એનો વિચાર કરતાં મેં જવાબ આપ્યો :

‘ઠગ લોકો ભલે ન પકડાય, મારા દેખતાં હું મુશ્કેલીમાં પડેલાં માણસોને આમ તારે હાથે મરવા નહિ દઉં.’

‘પકડો. આ ગોરાને.’ આઝાદે પાસે આવી પહોંચેલા કેટલાક ઠગ, નાયકોને આજ્ઞા કરી, અને તેણે ફરીથી તીર-કમાન તૈયાર કર્યા. મને પકડવા કોઈ પ્રયત્ન કરે તે પહેલાં તો હું આઝાદ ઉપર ધસ્યો. મારો આ અવિચારી ધસારો મને જીવલેણ થઈ પડ્યો હોત. મને પાસે આવતો જોઈ આઝાદે પોતાની તલવાર ખેંચી અને મારા ઉપર ઉગામી. હું અસાવધ હતો; મારો બચાવ કરવા માટે અગર સામું હથિયાર ખેંચવા માટે સમય ન હતો. આઝાદની વિકરાળ આંખો મેં જોઈ, અને મારા ઉપર ઉપાડેલો સમશેરનો દાવ મેં જોયો. મને લાગ્યું કે મારા બે ભાગ થઈ જશે.

પરંતુ મારા દેહની અને તલવારના અસહ્ય ઘાની વચ્ચે એક પહોળી ઢાલ પથરાઈ ગયેલી મેં જોઈ. હું બચી ગયો, ઢાલ ઉપર ઘા ઝિલાયો. એ કોની ઢાલ હતી ? કોણે ખરે વખતે મને બચાવ્યો હતો ? મેં ઝડપથી તેની તરફ નજર કરી, તો મારો વફાદાર નોકર દિલાવર મને બચાવી રહ્યો હતો !

'આટલા માટે તને સાહેબની સુપરત કરી હતી, ખરું ? બેઈમાન ! તું પણ...’ આઝાદે ઘેલછાભરી આાંખ કરી દિલાવર તરફ ધસારો કર્યો.

પરંતુ દિલાવર પોતાનો બચાવ કરે તે પહેલાં ટેકરાની બાજુમાંથી એક ભયાનક વાઘ ધુર ધુર અવાજ કરતો જમીન ઉપર પુચ્છ પટકતો નીકળી આવ્યો. તેણે તેના ક્રૂર મુખને આઝાદ તરફ ફેરવ્યું; આઝાદ થોભી ગયો. અકસ્માત નીકળી આવેલા આ જાનવરે સહુના હૃદયમાં ભય પ્રગટાવ્યો. આઝાદ ખસી ગયો; મટીલ્ડાથી ચીસ પણ પાડી શકાઈ નહિ. દિલાવર જરા પાછો ખસ્યો. મને સમજાયું નહિ કે મારે શું કરવું. ‘રાજુલ !’ વહોળામાંથી સંબોધન આવ્યું.

મને તરત સમરસિંહની મુલાકાત યાદ આવી. વાઘે પોતાનું મુખ વહોળા તરફ ફેરવ્યું, અને આંખો મીચી ઉઘાડી આછો ચિત્કાર કર્યો.

‘બેસી જા બચ્ચા !’ વહેળામાંથી સમરસિંહે બૂમ પાડી.

આજ્ઞાધારી વાઘ જમીન ઉપર બેસી ગયો. વાધે દિલાવરને આઝાદના હુમલામાંથી બચાવી લીધો હતો. આઝાદે તલવાર અને કામઠું બંને નીચે ફેંકી દીધાં. અને તે બોલી ઊઠ્યો : ‘બસ, થઈ રહ્યું !’

અને વાઘની પાસે આઝાદ બેસી ગયો. વાઘ સરખો વિકરાળ આઝાદ એકાએક સામનો છોડી, અદૃશ્યને આધીન બની હિંસક પ્રાણી પાસે બેસી જતો હતો. એ જોઈ મને આઝાદના હૃદયની દૃઢતાનું બીજું પાસું દેખાયું.

બીજી પાસ જબરજસ્ત પ્રવાહમાંથી બહાર નીકળવા મથતાં સમર અને આયેશા તરફ સહુનું ધ્યાન ખેંચાયેલું હતું જ. એકેએક ઠગે હવે મુખવટો કાઢી નાખ્યો હતો. કિનારા ઉપર એક કાળો ઊંચો મજબૂત ઠગ પોતાની કમરે દોરડું બાંધી ઊભો હતો; દોરડું ખૂબ લાંબું હતું, પંદર માણસો તેને ઝાલી રહ્યા હતા. છતાં તેણે કહ્યું :

'દોરડાને ઝાડ સાથે બાંધો.' બહુ જ મજબૂતીથી દોરડું ઝાડ સાથે બંધાયું. ઉપરાંત તેને પકડી રહેલા માણસો તો બળ કરતા જ હતા. દોરડું બંધાવી રહેલો ઠગ વહેળાની ઘાટીઓમાં કૂદી પડ્યો, અને સામે પાર આયેશાને સહાય આપી સીધા ટેકરા ઉપર પગ મૂકવા મથતા સમર તરફ તે તરી નીકળ્યો.

‘શાબાશ, ગંભીર !’ કિનારા ઉપરથી કોઈ બોલ્યું. આઝાદની હાજરી, વખતે મારું રક્ષણ કરવા મારી પાસે મૂકેલો ગંભીરસિંહ મને યાદ આવ્યો. આ તે જ ઠગ હતો.

ગંભીરે આયેશાને થાકેલા સમરસિંહ પાસેથી ખસેડી લીધી અને દોરડાનો વધેલો ભાગ તેની આસપાસ વીંટાળ્યો. આયેશાની કાળજી ઘટવાથી સમરસિંહ વધારે પ્રફુલપણે અને વધારે દક્ષતાથી તરી શકતો હતો. ઊછળતા પાણીમાંથી પહેલી આયેશા બહાર નીકળી, ગંભીર પાછો પાણીમાં પડ્યો, અને સમરસિંહને દોરી કિનારે લાવ્યો.

‘ત્રીસ હાથનું વહેકોળિયું ! કેટકેટલાને ડુબાવી દે છે !’ કોઈએ કહ્યું.

‘સાડાત્રણ હાથની કાયા આખી બિરાદરીને ડુબાવી દે તો ત્રીસ હાથનું શું કહેવું ?’ સમરસિંહે પાણીભયાં દેહનું પાણી આાછું કરતાં કહ્યું. આખું ટોળું સમરસિંહની આસપાસ વીંટળાઈ વળ્યું. માત્ર આઝાદ અને વાઘ દૂરના દૂર બેસી રહ્યા હતા.

‘ખાનસાહેબ ! હવે બધા ભૂખ્યા થયા હશે. તેમની સગવડ કરીએ.' સમરસિંહે કહ્યું. જીવન અને મૃત્યુની ખેંચતાણમાંથી ઊગરી આવેલો આ ભયાનક મનાતો ઠગ બીજાઓની મુશ્કેલીઓ વિચારતો હતો ! એ શી વિચિત્રતા ? એ શી માનવતા ?

ખાનસાહેબે કાંઈ જવાબ ન આપ્યો. આયેશા તરફ જોઈ ન શકતો એ નેતા કોઈ વિચિત્ર હૃદયમંથન અનુભવતો હતો. બહેનનો વધ કરવા માટે તૈયાર થયેલો ક્રૂર ઠગ નાયક બહેનનો આકસ્મિક બચાવ જોઈ આંખમાં આંસુ લાવી રહ્યો હતો. આયેશા ભીનાં વસ્ત્રો સાથે પથ્થર ઉપર બેસી ગઈ હતી. તેના કપાળનું કંકુ પાણીથી પ્રવાહી બની તેના મુખને લાલાશ આપી રહ્યું હતું. તેના મુખ ઉપર થાક હતો - ગભરાટ હતો.

'મેમસાહેબ ક્યાં છે ?’ આયેશાએ પૂછ્યું.

મટીલ્ડા મારી પાછળ પાછળ જ રહેતી હતી. તે આગળ આવી.

‘આાવો, બહેન !’ આયેશાએ કહ્યું. મટીલ્ડા તેની પાસે બેઠી, અને આયેશાની સામે તે જોઈ રહી. ક્ષણભરમાં તેની આંખમાં આંસુ આવ્યાં.

‘અરે ! શાને માટે, બહેન ? હજી તો આવતી કાલે શુંયે થશે ! હું એક ઠગના કુટુંબમાં જન્મી માટે ભવાનીનો ભોગ બની, તું ઠગના દુશ્મન કુટુંબમાં જન્મી એટલે તારે પણ ભોગ બનવાનું. સ્ત્રીજાત એક અગર બીજી રીતે ભોગ બનવાને જ અવતાર લે છે ને !’ આયેશા વિષાદભર્યું હસી બોલી.

‘ભવાનીને આજથી એક પણ ભોગ અપાશે નહિ.' સમરસિંહે કહ્યું.

‘ભવાની કદી સ્ત્રીનો સ્વીકાર ન કરે. આપણો એ પહેલો કાયદો. હા, કોઈ બત્રીસલક્ષણા પુરુષનો ભોગ અપાય તો ભવાની પ્રસન્ન થાય. પણ એ ભોગ કોણ આપે ? શા માટે આપે ? કયા કારણે આપે ?' બીજા નાયકે જવાબ આપ્યો.

‘આપણા બે બત્રીસલક્ષણા : એક આઝાદ અને બીજો સમરો.' ત્રીજો કોઈ માણસ બોલી ઊઠ્યો.

‘એ બન્નેના ભોગ અપાય તો શાંતિ થાય અને ભવાની પ્રસન્ન રહે !’ સમરસિંહે હસીને કહ્યું.

'અને આખી બિરાદરી બરબાદ બને !’ ખાનસાહેબે કહ્યું. ‘મને લાગે છે કે આજે બંનેના ભોગ અપાઈ ચૂક્યા, અને આપણી બિરાદરી બરબાદ બનતી હતી તે અટકી ગઈ.' સમરસિંહે કહ્યું. મને સમજાયું નહિ. મેં સમરસિંહ સામે જોયું. સમરસિંહ બોલ્યો :

‘સાહેબ ! આજ એક નિવેદન સરકારમાં મોકલો અને લખો કે ઠગની ટોળીનો નાશ થયો છે.’

‘કેમ ? કેવી રીતે ?' મેં પૂછ્યું.

‘બંને ભયંકર ઠગનો ભવાનીને ભોગ અપાયો. હવે રહ્યા તેમને કાં તો તમે પકડીને ફાંસીએ લટકાવો અથવા છૂટા રહેવા દઈ શાંત નાગરિકો બનાવો. આજ અમારી ટોળી નિરર્થક બની ગઈ છે.' સમરસિંહે કહ્યું.

‘મને તો કશી જ સમજ પડતી નથી. તમે ઠગ કેવા ? ઠગમાં સંસ્કાર કેવા ? ઠગમાં ધર્મ શો ? ઠગમાં ઝઘડા શા ? અમારો વિરોધ કેમ ? મારો બચાવ શા માટે ? હું મૂંઝાઈ ગયો છું.' મેં જવાબ આપ્યો. મારું કથન મારા હૃદયભાવને વ્યક્ત કરતું હતું. હું ખરેખર આ વિચિત્ર, વિરોધાભાસભરી ટોળીને નિહાળી મૂંઝવાઈ ગયો હતો.

‘મને પકડી કેદમાં પૂરો તો હું તમને એ બધી બાબતોનો ઉકેલ આપું.’ સમરસિંહે મને કહ્યું. મને લાગ્યું કે અમે પકડેલા કેટલાક ઠગની કબૂલતો અમે છાપી જગપ્રસિદ્ધ કરી હતી. તેની સામે સમરસિંહ કટાક્ષ ફેંકતો હતો.

‘વગર કેદ કર્યે તમે ઉકેલ આપો તો ?' મેં પૂછ્યું.

‘તમને અને જગતને સાચું નહિ લાગે.' સમરસિંહે કહ્યું.

‘પણ મેં તો તમને જોયા છે, તમારાં કાર્યો નજીક રહીને જોયાં છે. હું જૂઠું તો નહિ જ બોલું.’

‘પણ હજી તો તમને કશી સમજ પડી નથી એમ કહો છો. તમે જે લખશો તે સમજ વગરનું - અમને અન્યાય આપનારું જ હશે.'

‘અંગ્રેજો અન્યાયી નથી.’

'અને હોય તો તે કબૂલ કરે એમ પણ નથી.' સમરસિંહે હસીને કહ્યું.

‘નહિ, નહિ, તમે ધારો છો એવા અમે ઘમંડી નથી.'

'તમારા ગુણનો હું પૂજક છું. તમે જે દિવસે હિંદને છોડી જશો તે દિવસે અમે તમારા ઉપકારનો એક કીર્તિસ્તભ રચીશું.’

‘ચાલો, આપણે એક વખત આરામ લઈએ. આ મેમસાહેબ હજી થરથરે છે.' ખાનસાહેબ બોલ્યા.

મને પણ લાગ્યું કે હું નિરર્થક વાતમાં સહુને રોકતો હતો. અમે મંદિર તરફ ચાલવા માંડ્યું કહ્યું. ચાલતે ચાલતે સમરસિંહે કહ્યું :

‘જેવું જુઓ છો તેવું જ લખજો હોં !’

‘તમારી પાસેથી છૂટીશ ત્યારે ને ?’ મેં જવાબ આપ્યો. ‘તમને મેં કદી બાંધ્યા જ નથી. તમે છૂટા જ છો - આઝાદ છો !... અરે, પણ આઝાદ ક્યાં ?’ સમરસિંહે પૂછ્યું અને પાછળ જોયું.

આઝાદ અને વનરાજ એકબીજાની પાસે શાંત બેસી રહ્યા હતા. આઝાદ ટેકરાને અઢેલી જાણે સમાધિમાં પડ્યો હોય એમ દેખાતું હતું.

સમરસિંહ પાછો ફર્યો. વાધે ચિત્કાર કર્યો. પુચ્છ હલાવ્યું, અને સહુને ભય પમાડે એવી ઢબની પ્રસન્નતા બતાવી.

‘રાજુલ ! બચ્ચા ! તુંયે માનવી બની ગયો, નહિ ?’ સમરસિંહે કહ્યું તે જ ક્ષણે આઝાદે આંખ ઉઘાડી.

‘આઝાદ ! નીંદ આવે છે ?’ સમરે પૂછ્યું.

‘નહિ; આઝાદ જાગૃત બની ગયો છે.' આઝાદે કહ્યું.

‘ચાલ, તો પછી અહીં શું કરે છે ?’

'હવે ક્યાં આવું ?’

‘આપણે સાથે જ રહેવા સરજાયા છીએ. ચાલ મારી જોડે.' સમરસિંહે આઝાદનો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. આઝાદથી જાણે ચલાતું ન હોય એમ લાગ્યું. સમરસિંહે તેને ગળે હાથ નાખ્યો, અને તેને આગળ કર્યો.

‘ચાલ દોસ્ત ! પગ ઉપાડ.' સમરે કહ્યું.

‘જય ભવાની !’ કોઈ ઠગે પોકાર કર્યો.

આખી ઠગબિરાદરીએ એ પોકાર ઝીલ્યો :

ʻજય ભવાની !ʼ