ઠગ/બલિદાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અણીનો વખત ઠગ
બલિદાન
રમણલાલ દેસાઈ
૧૯૩૮
છેલ્લો શ્વાસ →૨૫
 
બલિદાન
 


બંને સુંદરીઓને વિચિત્ર વેશમાં જોઈ મારાં રોમ ઊભાં થઈ ગયાં. બંનેના વાળ છુટ્ટા મૂકેલા હતા. તેમના કપાળે કોઈ લાલ લેપ લગાડ્યો હતો જે તેમના સૌંદર્યને ભયંકર બનાવતો હતો. તેમના ગળામાં કરેણનાં પુષ્પની માળાઓ પહેરાવેલી હતી. બંનેના હાથ બાંધેલા હતા. સતીના વાંચેલા દૃશ્ય મને યાદ આવ્યાં. માનવી થરથરી ઊઠે એવું એ દૃશ્ય હતું. આયેશા શાંતિથી પણ અત્યંત કડક મુખાકૃતિ બનાવી બેઠી હતી; મટીલ્ડાની આંખ ફાટી ગઈ હતી. સ્ત્રીસૌંદર્યની ભયંકરતા જેવી આજ મેં જોઈ તેવી કદી મારી જિંદગીમાં ફરી જોઈ નથી.

આઠ હથિયારબંધ માણસો એ બંને સ્ત્રીને વીંટાઈ વળી ઊભા હતા. અમે પણ ધીમે ધીમે ટોળામાં જઈને બેઠા. ટોળામાં બુરખાધારી મનુષ્યો અમારી તરફ જોવા લાગ્યા. અમે પણ વગર ઓળખ્યે તેમના તરફ વારાફરતી જોવા લાગ્યા. સમરસિંહ જે કરે તે ધ્યાનમાં રાખવાની જવાબદારી હું બને ત્યાં સુધી રાખી રહ્યો. પરંતુ જેની ટેવ ન હોય તે વસ્તુમાં ભૂલ થઈ જાય એ સંભવિત હતું. મને એવી ભૂલ થઈ જવાનો ડર લાગ્યા કરતો હતો.

અમે ટોળામાં જઈને બેઠા કે તરત જ સહુ કોઈએ પોકાર કર્યો :

‘જય ભવાની !’

સમરસિંહે એમાં પોતાનો અવાજ ભેળવ્યો. પરંતુ મારાથી બૂમ પાડી શકાઈ નહિ. બૂમથી વાતાવરણની વધી ગયેલી ભયંકરતા મને ગભરાવી રહી હતી. મારી પાસે બેઠેલા એક માણસને મારી અશક્તિ દેખાઈ. તેણે મારા બુરખા સામે જોયું અને મને પીઠમાં એક ધક્કો માર્યો. મારે શું કરવું તેની સમજ પડે તે પહેલાં તો બૂમના પડઘા આથમી ગયા, અને એકાએક શાંતિ ફેલાઈ.

બસો માણસોના ટોળામાંથી એક ઊંચી વ્યક્તિ ઊભી થઈ. તેના કાળા ઝભ્ભાની આસપાસ ઝીકની કોર હતી, અને ઊંચા પ્રકારના મુખવટાને લીધે તે આગેવાન હોય એમ મને લાગ્યું. એ આગેવાને ગંભીર ઉચ્ચારણથી બોલવાનું શરૂ કર્યું : ‘જેટલા બની શકે એટલા નાયકો અહીં ભેગા થયા છે. એક દિલગીરીભરી ફરજ બજાવવાની છે.’

કોઈએ કહ્યું:

‘સમરસિંહને આવવા દેવો જોઈએ.'

આગેવાને કહ્યું :

‘એ આવ્યો હોત તો મને પણ ઉપયોગી થઈ પડત. એની રાહ હવે જોવાય તેમ નથી. આજનો દિવસ છેલ્લો જ દિવસ છે. દુશ્મનો સાથે મળી જવાનો આરોપ આયેશા ઉપર પુરવાર થયો છે. અને આ ગોરી બાઈનો ઘમંડ તેને જીવતી રહેવા દે એમ નથી. આજ એ બંનેનો ભોગ ભવાનીને આપવાનો છે. તે ક્રિયા નિહાળવા આપને આમંત્રણ આપ્યું છે.

આગેવાનનો અવાજ મને સહજ પરિચિત લાગ્યો. સમરસિંહની અને આઝાદની સોબતમાં મેં કૈંક ઠગ લોકોને જોયા સાંભળ્યા હશે.

'હું તેમનો ભોગ આપવાની વિરુદ્ધ છું.' ટોળામાંથી કોઈ બોલ્યું. એ કોણ હશે તે હું સમજી શક્યો નહિ.

‘આમ બોલીને તમે તમારી આફતોમાં વધારો કરો છો. ભોગ વગર ભવાની પ્રસન્ન કેમ થશે ? તમારે માથે કેટલું સંકટ છે તે તમે જાણો છો ?' આગેવાને કહ્યું.

કોઈએ કાંઈ ઉદ્દગાર કાઢ્યા નહિ. જરા રહી આગેવાને કહ્યું :

પ્રથમ બંને બાઈઓની ટચલી આંગળી કાપી તેમના રુધિરથી સહુને ચાંદલા કરવા હું પૂજારીને ફરમાન કરું છું.’

મારું હૃદય ચણચણી ઊઠ્યું. આ કેવી ક્રૂરતા ? આ આછો પરિચિત અવાજ કોનો હતો ? કયો પૂજારી એમની આંગળીઓ કાપશે ? હું શું કરી શકું? સમરસિંહ કાંઈ પણ કરશે કે કેમ ? આવા આવા વિચારો મને એકદમ આવી ગયા. સહજ સમય ગયો છતાં કોઈ પૂજારી ઊઠતો લાગ્યો નહિ.

‘શા માટે તમે અટકો છો ? આયેશા મારી બહેન છે. તમારા કોઈના કરતાં પણ તેને બચાવવા માટે હું વધારે મથું તો વાસ્તવિક ગણાય. પરંતુ આપણી બિરાદરી આપણા કોઈ પણ સગપણ કરતાં વધારે નજીક છે. ચાલ, ભોળાનાથ ! તૈયાર થા.’

આયેશાના ભાઈ ખાનસાહેબ આ ફરમાન કરતા હતા. એ સ્પષ્ટ થયું. એમની જ તપાસમાંથી આયેશા અને સમરસિંહે મને બચાવ્યો હતો. એક હથિયારબંધ પુરુષે પોતાનો મુખવટો કાઢી નાખ્યો; તેના કપાળ ઉપર તિલક હતું; તેના ગળામાં રુદ્રાક્ષની માળા હતી; એની આંખ બહુ જ કપરી હતી. તેના મુખ ઉપરથી એમ લાગતું હતું કે આ પૂજારીને હાથે કૈંક માનવબલિદાન અપાઈ ગયાં હશે. ઠગ લોકોમાં બ્રાહ્મણો પણ હતા એ પ્રત્યક્ષ જોયું. ધર્મ અને બાહ્યાચારમાં જુદા દેખાતા હિંદુ અને મુસલમાન, આમ કેમ એક થઈ શક્યા હશે એનો મને વિચાર આવ્યો. મને લાગ્યું કે ઊભો રહેલો પૂજારી હમણાં જ બંને અબળાઓની નાજુક આંગળીઓ ટચકાવી નાખશે. પરંતુ પૂજારી મુખવટો કાઢીને ઊભો જ રહ્યો.

‘આજે એક કરતાં વધારે ફરમાનની જરૂર પડશે શું ? ખાનસાહેબના હુકમની અવગણના કરનાર દ્રોહીની ગરદન મારી તલવાર નીચે આવી જશે.'

મને લાગ્યું કે આ ધમકી આપનાર અવાજ પણ મને પરિચિત હતો. કોણ હશે ? આઝાદ તો નહિ હોય ? પરંતુ કાળા ઝભ્ભામાં ઢંકાયેલ મુખ માત્ર આંખને જ બિહામણી બનાવી રહ્યાં હતાં. બિહામણી આંખ મુખને ઓળખવા દે એમ ન હતું.

'ખાનસાહેબના હુકમની અવગણના કરનાર આ ટોળીમાં તો હોઈ શકે જ નહિ. આયેશાનો ભોગ આપવા હું તૈયાર છું, પરંતુ આ મડમ જેની કેદી છે તેની અહીં હાજરી નથી. તેની હાજરી વગર એ ગોરી બાઈ ઉપર હાથ ઉપાડવો એ અધર્મ છે.' પૂજારીએ કહ્યું. આયેશાનો ભોગ આપવા તૈયાર થયેલ કઠોર હૃદયને ધર્મઅધર્મની ભાવના ગૂંચવતી હતી. એ નવાઈ જેવું હતું.

‘મારા હુકમનું અપમાન ? હું જાતે મટીલ્ડાની આંગળી કાપીશ. અને બંને બાઈઓ જોડે ભોળાનાથનું પણ બલિદાન ભવાનીને આપીશ.' એટલું બોલતાં બોલતાં ખાનસાહેબે ઝડપથી ધસી કટાર કાઢી. અને સામે આવી રિબાવતા મોતને નીરખી અર્ધધેલી બનેલી મટીલ્ડાની તેમણે આંગળી પકડી.

‘સબૂર !’ એકાએક મારી જોડે બેઠેલા સમરસિંહે ગર્જના કરી. સહુની આંખ અમારી બાજુએ વળી. ખાનસાહેબ અટક્યા. સમરસિંહનો અવાજ તેમણે પારખ્યો હોય એમ લાગ્યું.

‘ખાનસાહેબ ! આપને હાથે આ કામ ન થાય. એ હાથ વરદાન આપવા માટે અલગ રાખેલો છે. આપ લોહી રેડો તો આખી બિરાદરી અપવિત્ર થાય.' સમરસિંહે બોલવાનું ચાલુ રાખ્યું. એટલું બોલતાં તે પણ આગળ વધ્યો અને ખાનસાહેબની લગોલગ જઈને ઊભો રહ્યો. વાતાવરણ તદ્દન શાંત બની ગયું. પરંતુ એ શાંતિ મહાભયંકર દેખાતી હતી. એ શાંતિ પાછળ વીજળીઓ ચમકશે એમ મને લાગ્યું. સમરસિંહની ગર્જનાનો પડઘો પહાડોમાં અથડાઈ પાસે જ વહેતા વહેળના ઘુઘવાટ સાથે ભળી ગયો.

‘બેશરમ ! ખાનસાહેબની સામે થતાં શરમાતો નથી ?’ એક કદાવર પુરુષે સમરસિંહ સામે ધસી આવી પુકાર કર્યો.

‘ખાનસાહેબની સામે થતો નથી. ખાનસાહેબને આપણો ધર્મ સમજાવું છું.' સમરસિંહે કહ્યું.

‘તું ધર્મ સમજાવે છે ! ખાનસાહેબને ?' કદાવર પુરુષે તિરસ્કારથી પૂછ્યું.

‘હા, મારું એ જ કર્તવ્ય છે. ભૂલે તેને માર્ગ બતાવવો.' સમરસિંહે કહ્યું.

‘માર્ગ તું ભૂલે છે અને ભુલાવે છે. દૂષિતને દંડ દેતાં વચમાં આવે છે. ભવાનીનો કોપ તું આપણા ઉપર ઉતારે છે.’

'જ્યારથી આપણે માર્ગ ભૂલ્યા ત્યારથી આપણા ઉપર ભવાનીનો કોપ ઊતરી ચૂક્યો છે. આપણા કેટકેટલા નાયકો પકડાયા. તે જાણો છો ને? દુર્ગા ફિરિન્ગિયા, શમશેર, ઉમરાવ, અમીરઅલ્લી, મખ્ખન..’

‘અને તારા જેવો નાયક મળશે એટલે આપણે બધાય પકડાઈશું. શા માટે એ બધાનાં નામ તું દે છે ? શરમાતો નથી ? ગોરાસાહેબનો માણસ બની તું જ અમને બધાને દગો દેવા બેઠો છે !’ પેલા ધસી આવેલા કદાવર પુરુષે કહ્યું. એના પરિચિત અવાજને પિછાનવા હું મથતો હતો. એટલામાં જ સમરસિંહે પોતાના મુખ ઉપર ઢાંકેલો પડદો કાઢી નાખ્યો, અને તેના ઉપર આરોપ મૂકતા માણસને ઓળખાવ્યો.

‘આઝાદ ! તો મારો ભોગ આપવાનો નિશ્વય કરો.'

'તે પણ થશે જ. હમણાં તો ધાર્યા પ્રમાણેના ભોગ આપવા જોઈએ.’

‘હું આપણી બિરાદરીને છેલ્લો બોલ સંભળાવું. આપણી પ્રથમ પ્રતિજ્ઞા એ કે ઠગથી સ્ત્રીનો વધ ન થાય; અરે, એટલું જ નહિ. સ્ત્રી સામે કુદૃષ્ટિ પણ ન થાય અને તેને આંગળી પણ અડકાડાય નહિ !’

‘એવું કયા ઠગે કર્યું છે ?'

‘જે પકડાયા છે તેમને પૂછી જો. મોગલાણી, કાટીબીબી અને રાધાનાં ખૂન એમને પકડાવી રહ્યાં છે. સ્ત્રીનો વધ ભવાની કદી માફ કરતી નથી.’ સમરસિંહ બોલ્યો. આઝાદે પોતાનું મુખ પણ ખોલી નાખ્યું, અને સામો જવાબ આપ્યો :

‘એ યાદ કર્યાનો અર્થ નથી. પણ આપણી બિરાદરીમાં સામેલ થયેલી સ્ત્રીને બધાય પુરુષના કાયદા લાગુ પડે છે. એટલે આ બંનેનો ભોગ અપાશે જ.’

‘હું જીવતો છું ત્યાં સુધી તો નહિ જ. બહેતર છે કે આ બે યુવતીઓને મારીએ એના કરતાં આપણી બિરાદરી વિખેરી નાખીએ. ખાનસાહેબ ! આપણી બિરાદરી સ્ત્રીઓને મારે છે. બાળકોને મારે છે, બાળકીઓને વેશ્યાને ઘેર વેચે છે. આપણી નાલાયકી માટે આપણે બિરાદરી બાંધી છે ? રાજામહારાજાઓનો જુલમ, અમીરઉમરાવોની જબરજસ્તી, કંજૂસ ધનિકના અત્યાચાર, અમલદારોની લાંચરુશ્વત : આ બધું અટકાવવાને બદલે આપણે એમાં ભાગ લઈએ તો બહેતર છે કે આપણે ઝેર ખાવું. હું જીવું છું ત્યાં સુધી મારી નજર આગળ એક પણ સ્ત્રીને હેરાન થવા નહિ દઉં.'

‘તને બહુ જીવવા દેવાનો જ નથી. ખાનસાહેબ ! આપના હુકમનો અમલ કરાવું ?' આઝાદ બોલ્યો.

‘સમરસિંહને પણ સાંભળવો જોઈએ.' ખાનસાહેબ બોલ્યા. ‘બિરાદરીનું ગુરુપદ એનું છે.'

‘ગુરુપદ ? આઝાદ બોલ્યો. પણ તેને આગળ બોલતો અટકાવી વચમાં ખાનસાહેબે કહ્યું :

‘બસ. આઝાદ ! એની વિરુદ્ધ - એના ગુરુપદ વિરુદ્ધ કાંઈ બોલીશ તો હું તને સજા કરીશ. વૃદ્ધ ગુરુ યાદ છે ?'

‘એ ક્યાં અને આ તુમાખી છોકરો ક્યાં ? આપણી બિરાદરીને એ બુડાડનાર...'

ત્રણચાર જણ ઊભા થઈ ગયા. તેમણે પોતાના બુરખા બાજુએ મૂકી દીધા. અને તલવાર કાઢી આઝાદ સામે ધસી ગયા. આઝાદ હસ્યો. તેના હસતા બરોબર બીજા ચાર માણસો બીજી બાજુએથી ધસી આવ્યા, અને આઝાદનું રક્ષણ કરતા ઊભા રહ્યા.

‘આપણે ઝઘડવાની જરૂર નથી. ઝઘડો મારી અને સુમરાની વચ્ચે છે. હું કહું છું કે ભવાનીને સ્ત્રીનો ભોગ અપાય; એ ના કહે છે. અમે બંને યુદ્ધ કરી શકીએ તો યુદ્ધનું પરિણામ ન્યાયનો માર્ગ બતાવે. પરંતુ સુમરો તો હથિયાર વાપરી શકતો નથી. હથિયાર ન વાપરનાર કાયર સાથે બોલવું શું ?'

‘આઝાદ ! તને ખબર નહિ હોય, પણ અત્યારે તને કહું છું. સ્ત્રી કે બાળકના વિરુદ્ધ હાથ ઉપાડનાર ઠગની સામે હું હથિયાર ધારણ કરી શકું છું.' સમરસિંહે કહ્યું.

સમરસિંહને મેં કદી હથિયાર વાપરતાં જોયો ન હતો. તે હથિયાર રાખતો પણ નહિ; છતાં તેની હિંમત અને તેના બળનો મને પૂરો અનુભવ થયો હતો. ઠગના ઘણા સૈનિકો કહેતા કે સુમરો જ્યારે હથિયાર ધારણ કરતો ત્યારે તે અજેય બની જતો. એ સતત હથિયાર વાપરે તો આખા જગતને જીતે એવી ઘણાની માન્યતા મેં સાંભળી હતી. આઝાદ પણ એક ક્ષણ ચમક્યો. છતાં તે આજે જીવ ઉપર આવી ગયો લાગતો હતો. મટીલ્ડા અને આયેશાનો ભોગ આપવાની તેણે જ તરકીબ રચી હતી, અને એ જ ભયંકર પ્રસંગ ટાળવા માટે સુમરો ઠગ મને આટલી ઝડપે આ સ્થળ ઉપર લાવ્યો હતો. સુમરાની ગેરહાજરીમાં આ કાર્ય કરી નાખવાની આઝાદની ઇચ્છા હતી, પરંતુ સુમરો આવ્યો અને તેની યોજનામાં વિઘ્ન ઊભું થયું. સદાય નડતા સુમરાને સદાયનો દૂર કરવા તે લલચાયો હતો. એકાએક આઝાદે પોતાની તલવાર ખેંચી, ઊંચકી ને સુમરા ઉપર મારી. સુમરો આ જબરજસ્ત પ્રહારથી કપાઈ બે ટુકડે જમીન દોસ્ત થશે એમ મેં ધાર્યું.આખું ઠગ ટોળું ઊભું થઈ ગયું. એક ક્ષણમાં આખી ઠગ ટોળીએ એક આખા જીવનની રમત નિહાળી. કોઈ કાંઈ પણ કરી શકે તે પહેલાં એ પ્રહાર પડી ચૂક્યો.

આંખ મીંચી ઉઘાડતામાં તો સહુએ જોયું કે આઝાદની તલવાર ખણખણ કરતી દૂર પથ્થર સાથે અથડાતી પડી હતી અને સુમરો ભયંકર પણ મોહક સ્મિત સાથે જરા પણ વિકળતા અનુભવ્યા વગર ઊભો રહ્યો હતો. આઝાદના ઘાનું તેણે વગર હથિયારે નિવારણ કરી દીધું હતું. આઝાદના માનસને તે સમજી ગયો હતો, અને તેથી જ તેના પ્રહારને માટે તે ગમે તે ક્ષણે તૈયાર બની રહ્યો હતો. પડતા ઘાને બહુ જ ચાલાકીથી તેણે બચાવી લીધો એટલું જ નહિ, પણ એવી સફાઈથી આઝાદના ઊપડેલા હાથને તેણે ટકરાવ્યો કે તેની તલવાર પણ દૂર જઈ પડી.

આઝાદની તલવારમાંથી તેમ જ આઝાદની આંખમાંથી અગ્નિના તણખા ખર્યા. સુમરો હસ્યો અને બોલ્યો :

‘આઝાદ ! હું સ્ત્રી કે બાળકના વિરુદ્ધ હાથ ઉપાડનાર સામે હથિયાર ધારણ કરવાનું કહેતો હતો, મારા ઉપર હથિયાર ચલાવનાર સામે નહિ.’

‘ખાનસાહેબ ! મારું મોત સહેલું નથી. તમે આઝાદને આજે છૂટો મૂકો !' સમરસિંહે કહ્યું :

‘જરા પણ નહિ. મારા હુકમને ન માનનાર સામે...' ખાનસાહેબને આમ બોલતા અટકાવી આઝાદે કહ્યું : ‘આપનો હુકમ હવે કોઈ જ માનતું નથી. નહિ તો ભવાનીનો ભોગ અધૂરો રહે ? આજે તો આ પાર કે...’

‘ભવાનીને મારો ભોગ આપવાથી બિરાદરી બચતી હોય તો મને વાંધો નથી.' આયેશા બોલી.

‘સ્ત્રીનો ભોગ આપતા બિરાદારી બળી ઊઠશે. ખાનસાહેબ ! આજે આઝાદ કહે છે તે પ્રમાણે આ પાર કે પેલે પારનો આખરી ફેંસલો થશે. હું કહું છું કે આજથી આપણી બિરાદરી વિખેરી નાખીએ. આપણે ઠગ નથી રહ્યા; આપણે તો તુશ્મબાઝ બની ગયા છીએ.' સમરસિંહે કહ્યું.

‘સમરસિંહને પેલા ગોરાસાહેબે નવાબી કે ઠકરાત આપી હશે.' વીછુવો પાછો કમરે બાંધતાં આઝાદે હસતાં હસતાં કહ્યું.

‘મારા હાથની મુઠ્ઠીમાં એક નહિ પણ અનેક નવાબીઓ અને ઠકરાતો છે એ આઝાદ ભૂલી જાય છે.' સમરસિંહે જવાબ આપ્યો.

થોડી ક્ષણ સહુ કોઈ શાંત રહ્યા. બિરાદરી વિખેરી નાખવાની વાત સહુને ચમકાવી રહી હતી. આખું જીવન જે પંથને - જે માર્ગને - જે ધર્મને સમર્પણ કર્યું હતું તે પંથ, માર્ગ કે ધર્મને બાજુએ મૂકવો એવો જ સમરસિંહનો આગ્રહ હતો. એ કેમ બને ?

‘સમરસિંહ ! તું વધારે પડતી સૂચના કરે છે.' ખાનસાહેબે કહ્યું.

'કઈ સૂચના, ખાનસાહેબ ?’ સમરસિંહે પૂછ્યું.

'બિરાદરી વિખેરી નાખવાની.'

'આપ સહુ વિચાર કરો. આપણો હવે ઉપયોગ શો ? છૂપી રીતે - કાયદાને ઓથે - ધન લૂંટતા તવંગરનું ધન આપણે ઓછું કરતા નથી. આપણે તો ગરીબ અને ધનિક બધાયને લૂંટીએ છીએ.'

'તે આપણે બંધ કરાવીએ.'

‘આપણાં રાજ્યોને આપણે સહાય આપી શકતા નથી. પેશ્વાઈ ગઈ, છત્રપતિ ગયા, મોગલાઈ મરવા પડી. અને આપણે ગોરાઓથી ડરતા આપણા ભાઈઓને જ મારીએ છીએ. આઝાદ મારા ઉપર હથિયાર ઉગામે છે. શા માટે એ દિલ્હી સાચવવા જતો નથી ? શા માટે ગોરાઓને ગૂંચવતો નથી ?’

'પણ તું શું કરે છે ? તું તો ઊલટો ગોરાઓને સાચવે છે. આપણા જ દુશ્મનને તે રક્ષણ આપ્યું છે, માટે તો આયેશાનો ભોગ અપાય છે.’ આઝાદે કહ્યું.

હું ચમક્યો. મારું રક્ષણ કરનાર - મને આટલે સુધી પાછો લઈ આવનાર મારો મિત્ર બની ચૂકેલો સમરસિંહ હજી ગોરાઓને ગૂંચવવાની ઇચ્છા રાખે છે ?

‘કદાચ એ ગોરો અહીં પણ હશે. પરંતુ રક્ષિત દુશ્મનને પણ મારી શકાય નહિ એ આપણો કાયદો. ગોરાઓની છાવણીમાં આપણે લૂંટ કેમ કરતા નથી ? એક પણ ગોરાને ગળે રૂમાલ બાંધવાની આપણામાં હિંમત નથી. દેશના દુશ્મનોને દૂર કરવાની આપણી બીજી પ્રતિજ્ઞા. કયા ગોરાને આપણે મારી શક્યા ? આખા દેશમાં ફેલાયેલી આપણી દેશી સત્તાને તેમના હાથમાં જવા દઈએ છીએ. આપણો હવે ખપ શો ?’

'પણ એ મોટી મોટી વાતો તને સોંપી હતી. તેં શું કર્યું ?' આઝાદે કહ્યું.

‘નેપાળી અને પંજાબી શીખ એ બંનેની જાગૃતિ જો. હિંદની બહાર નજર કર. રૂસ, દેશમાં મેં બાંધેલી લશ્કરી ટોળીઓ યાદ કર. પછી મને પૂછ કે મેં શું કર્યું. અહીંની ભાળવણી તને કરી. ત્યારે તે કોઈના હાર ચોરવા માંડ્યા. કોઈ કોઈ રાજ્યોને અંદર અંદર લડાવ્યાં, જાત્રાળુઓના સંઘને લૂંટ્યા, અને જાણે એ ઓછું હોય તેમ ગોરી સ્ત્રી ઉપર પણ નજર નાખી. કાલિકાનો મંત્ર ઉચ્ચારનાર એક મહાનાયક આ માર્ગે આપણને દોરે એના કરતાં આપણે આ ઝરામાં ડૂબી મરવું વધારે સારું છે.' સમરસિંહે જરા આવેશથી ઉચ્ચારણ કર્યું.

આઝાદની આંખમાં સહજ તેજ દેખાયું. સૂર્ય હવે માથા ઉપર આવ્યો હતો. ઝાડની આછી આછી છાયા એ તાપને કોઈ કોઈ સ્થળે અટકાવતી હતી. મને સ્વાભાવિક રીતે તાપની અસર વધારે લાગતી હતી. હું સહજ ખસી એક ઝાડની છાયામાં બેઠો. સમરસિંહે મારું આ કાર્ય જોયું, અને તે સહજ હસ્યો. ગોરી ચામડીથી બહુ તાપ જિરવાતો નથી.

‘તો આજે આપણે વીખરાઈ જઈએ. ભવાનીને ચિઠ્ઠી નાખીને અગર તેની વાણી સાંભળીને આપણે ભોગ આપવો કે કેમ એ કાલે નક્કી કરશું !’ આઝાદે કહ્યું.

‘ચિઠ્ઠી નાખવાની કે કોઈને ધુણાવી માતાજીને બોલાવવાની જરૂર નથી. ભોગ આપી શકાય જ નહિ.’ સમરસિંહે કહ્યું

‘અત્યારે નક્કી ન કરીએ તો ?' ખાનસાહેબે કહ્યું.

'આ બંને બલિના તરફડાટનો વિચાર આપને નથી આવતો ?' સમરસિંહે પૂછ્યું.

‘અમારો વિચાર કોઈ ન કરશો. ભવાનીની કૃપા હશે અને બિરાદરીનું બહેતર થતું હશે તો આજને બદલે કાલ મોત જોઈશું.' આયેશા બોલી. મૃત્યુથી પણ અકંપિત રહેલી યુવતી એ જીવનનું એક મહાદૃશ્ય છે.

‘ભલે ! ખાનસાહેબની આજ્ઞા પ્રમાણે થાય.' સમરસિંહ બોલ્યો. અને આયેશા તથા મટીલ્ડાની આસપાસ તલવાર લઈ ઝઝૂમી રહેલા મારાઓએ તલવારો મ્યાન કરી.

કેટલાક ઠગ નાયકોએ પોતાનાં મુખઆચ્છાદન દૂર કર્યા. અને તેમણે ઊભા થઈ આમતેમ ફરવા માંડ્યું. બેઠકની વ્યવસ્થિત ગોઠવણ શિથિલ બની ગઈ, અને જોકે કેટલાક ઠગ લોકો મુખ ઉપર પડદાને રાખી બેસી રહ્યા હતા. છતાં બલિદાન આપવાના નિર્ણય વખતે જે વ્યવસ્થિતપણું અને ઉગ્ર વાતારવણ નજરે પડતાં હતાં તે હળવાં બની ગયાં.