ઠગ/અણીનો વખત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અણધાર્યા ચોર ઠગ
અણીનો વખત
રમણલાલ દેસાઈ
૧૯૩૮
બલિદાન →૨૪
 
અણીનો વખત
 


આ મુજબ લગભગ એક અઠવાડિયું મુસાફરી કરી. રસ્તામાં ચાલતાં કોઈ જંગલની બાજુમાં આવેલી ઝૂંપડીઓમાં રાત્રે અમે સૂઈ રહેતા. આ ઝુંપડીઓમાં ખાસ જોવા જેવું એ હતું કે ઉપરથી સાધારણ વસતિ વગરની લાગતી એ ઝૂંપડીઓમાં અંદરથી ભોંયરાં હતાં, અને તેમાં વસાયતને લાયક ઓરડાઓ કોરી કાઢેલા હતા. તેમાં સાધારણ સારી જાતના ખાટલા, પાથરણાં, વાસણ વગેરે નજરે પડતાં અને ખોરાકનાં પૂરતાં સાધનો પણ રહેતાં.

મને બહુ નવાઈ લાગી. મેં એક દિવસ સમરસિંહને પૂછ્યું :

‘આ બધાં તમારાં ઠગ લોકોનાં થાણાં છે કે શું ?’

‘હા, જી. અમારા આ જંગલના વસવાટમાં અમે શહેરોનાં સાધનો મેળવીએ છીએ. પરંતુ તેથી એમ નથી સમજવાનું કે શહેરોમાં પણ અમારાં સ્થાન નહિ હોય. હવે આપણે એક શહેર જોઈશું.’

આ ઝુંપડીવાળા સ્થળથી નીકળી રાત્રે અમે એક શહેરમાં પહોંચ્યા. મધ્ય હિંદુસ્તાનનું આ એક જાણીતું શહેર હતું - અને હું પોતે પણ અહીં ઘણી વખત આવ્યો હતો.

‘કેમ સાહેબ ! આ શહેર તો આપનું જાણીતું છે, નહિ ?' તેણે પૂછ્યું.

મેં હા પાડી. અંગ્રેજોને રહેવા માટે એક સુંદર અલગ લત્તો હતો. તે બાજુએ અમે અમારા ઘોડા દોર્યા. રસ્તાની ધૂળ, તાપ અને થાકથી મારું મુખ લગભગ હિંદવાસી સરખું જ શ્યામ બની ગયું હતું. અમને કોઈએ ઓળખ્યા પણ નહિ ! મેં કહ્યું :

‘સમરસિંહ ! તમે મને ક્યાં લઈ જાઓ છો ? આ બાજુએ તો અમારો કેમ્પ છે. તમે પકડાઈ જશો.' મેં કહ્યું.

‘હરકત નહિ. તમે ચાલો તો ખરા !’ કહી તેણે મને આગળ દોર્યો. આખો અમારો લત્તો આમ ને આમ ઘોડા ઉપર અમે પસાર કર્યો. રાત પડવા આવી હતી. કેટલાંક ઓળખીતાં સ્ત્રીપુરુષો પણ મારી નજરે પડ્યા. પરંતુ હું ઓળખાઉ એવો રહ્યો નહોતો. આમ બિનરોકાણે આખો લત્તો અમે પસાર કરી દીધો. અને લશ્કરી છાવણીની જ પાસે એક પડી ગયેલી જૂની મસ્જિદ પાસે અમે આવ્યા. મસ્જિદની જોડે અડીને એક ઝૂંપડી હતી. તે ઝૂંપડી પણ અડધી પડી ગયેલી લાગતી હતી. તેમાં એક ઝીણો દીવો બળતો હતો એમ દૂરથી સમજાયું. ઝૂંપડી પાસે જતાં એક બુઢ્ઢો ફકીર હાથમાં અકીકની એક માળા લઈ ઝુંપડી અરધી ઉઘાડી રાખી બેઠેલો દેખાયો, પાસે એક દીવો હતો, થોડી અગરબત્તીઓ બળતી હતી. અને એક વાસણમાં સુવાસિત લોબાનનો ધુમાડો આાછો આછો પ્રસરી વાતાવરણને અનુકૂળ બનાવતો હતો.

‘સાહેબ ! અહીં ઊતરો.' કહી સમરસિંહ નીચે ઊતર્યો અને સાથે હું પણ ઊતર્યો. ફકીરને અમે નમસ્કાર કર્યા. તેણે આશીર્વાદ આપ્યા અને અમારે બેસવા માટે એક સારી ચટાઈ પાથરી.

'કેમ બેટા ! અત્યારે ક્યાંથી ?' ફકીરે સમરસિંહને પૂછ્યું.

‘કાંઈ નહિ. આ અમારા સાહેબને શહેર જોવું હતું એટલે તે જોવાને લાવ્યો.'

‘બહુ સારું કર્યું. ઘણું ઘણું જોવાનું આ શહેરમાં છે. કંઈક મિનારા અને મસ્જિદો છે; મંદિરો પણ સારાં છે. સાહેબોનો કેમ્પ પણ પાસે છે. કાલે બધું બતાવજે. આજે આરામ કરો.' ફકીર બોલ્યો.

અમારા લોકોની આટલી બધી નજીકમાં ઠગ લોકોનું આવું બહારથી નિર્દોષ જણાતું થાણું હોય એ ઘણું જ ભયંકર હતું. મને હવે સમજાયું કે આ ઠગ લોકો શા માટે પકડાતા નહોતા. અમારા લશ્કરના ઘણા સિપાહીઓ અને અમલદારો આ ફકીરને ઓળખતા હતા. ફકીર સિતાર ઘણો સારો વગાડતો, અને તે લઈને અમારા રહેઠાણમાં તે માગવા નીકળતો. ત્યારે ઘણાં સ્ત્રીપુરુષો હિંદી સંગીત સમજતાં ન હોવા છતાં ફકીરને બોલાવતાં, અને સિતાર વગડાવી કંઈ કંઈ વાતો કરી તેને મરજી અનુસાર ભેટ આપતાં. આવો ફકીર આટલાં વરસથી અહીં જ સ્થાન કરી રહ્યો હતો; અને તેને તથા ઠગના સરદારને આવો નિકટ સંબંધ છે એની અમને કોઈને ખબર જ ન હતી !

ફકીરે સુંદર ફળ અને સૂકો મેવો ખાવાને આપ્યાં. સમરસિંહને દૂર લઈ જઈ કાંઈ વાત તેણે કરી. પછી મને પણ તે અંદરના ભાગમાં લઈ ગયો અને એક લાકડાનું ખવાઈ ગયેલું પાટિયું ઉપાડી તેમાં અમને દાખલ થવા જણાવ્યું.

હું આવી રચનાઓથી હવે ટેવાઈ ગયો હતો. નાની નિસરણી ત્યાં મૂકેલી હતી. અમે બંને ભોંયરામાં આવેલ ઓરડામાં સૂતા. કલાક બે કલાક સુધી હું સૂતો. પરંતુ કાંઈ ખડખડાટ થતાં હું જાગી ગયો. પેલો ફકીર સમરસિંહ સાથે કાંઈ વાતો કરતો હતો.

'ત્રણ દિવસમાં હોમ થવાનો છે, તેમાં બે કુરબાની થશે. કાં તો હવે ઘોડા બદલી નાખો કે કાં તો આ છૂપે રસ્તે થઈને જાઓ. સાહેબને ન લઈ જવા હોય તો તેમને હું સંભાળીશ. પણ તારે તો જવું જ પડશે. સૂવાનો વખત નથી.' ફકીરે કહ્યું.

હું જાગતો હતો. ફકીરે મને એકલો મૂકી જવા જણાવ્યું એ મને પસંદ આવ્યું નહિ. હું કદાચ વાંધો ઉઠાવત; પરંતુ ઊંઘતા રહેવાનો દેખાવ કર્યાથી વધારે જાણવાનું મળશે એમ ધારી હું કાંઈ જ બોલ્યો નહિ. સમરસિંહે મને એકલો છોડવાની ના કહી.

‘ઘોડાઓ કોઈની સાથે મોકલી દો. હું અને સાહેબ આ ભોંયરામાં થઈને જઈશું.' સમરસિંહે કહ્યું.

‘જે કરવું હોય તેની ઉતાવળ રાખો. પરમ દિવસની રાત ભયંકર છે. સાહેબને જગાડીશું ?' ફકીરે પૂછ્યું.

‘એ તો જાગતા જ હશે.' કહી સમરસિંહ હસ્યો. ખરે હું જાગતો જ હતો, આંખ ઉઘાડી તેની સામે જોયું.

‘સાહેબ ! મરવાનો ડર તો નથી ને ?’ સમરસિંહે પૂછ્યું.

‘જરા પણ નહિ.’ મેં કહ્યું.

‘ચાલો ત્યારે અત્યારે જ જવું પડશે.'

અમે તૈયાર થઈ ચાલ્યા. ભોંયરામાં ને ભોંયરામાં જ માર્ગ હતો. લગભગ બે દિવસ અમારે આ પ્રમાણે માર્ગ લેવો પડ્યો. કોઈ વાવ અગર મંદિરમાં આ ભોંયરાનાં મુખ પડતાં. ત્યાં જરૂર પડ્યે સમરસિંહ જતો અને જરૂરની ખબર લઈ પાછો આવતો. આટલું લાંબું ભોંયરું કેવી રીતે બન્યું હશે તે જ સમજતાં આશ્ચર્ય લાગે એમ હતું. ત્રીજે દિવસે સવારમાં અમે બૂમ સાંભળી. સમરસિંહનું સૌમ્ય અને હસતું મુખ જરા ઉગ્ર થયું. માથા ઉપરનો એક પથ્થર તેણે ધીમે રહીને ખસેડ્યો અને ઊંચે ચડીને તેણે બહાર જોયું.

‘બહાર ચાલ્યા આવો.' તેણે ત્યાંથી જ કહ્યું, અને ડોકાબારીમાંથી તે બહાર નીકળ્યો. તેની પાછળ હું પણ નીકળ્યો. મને લાગ્યું કે એક ભયાનક કોતરમાં અમે ઊભા હતા. ધીમે ધીમે અમે ઉપર ચડ્યા. દિવસનો પ્રથમ પહોર થયો હશે એમ લાગતું હતું. વરસાદ ઓછો પડ્યો હોય એમ જણાયું. અને જે કોતરમાં અમે ઊભા હતા. તેની પાસેનાં કોતરોમાં પાણી પણ ભરાયાં હતાં. આ કોતરમાં પાણી આવવાનો માર્ગ બંધ કર્યો હશે એમ મને લાગ્યું, કારણ ગુપ્ત માર્ગ અહીં પડતો હતો.

ફરીથી મોટી બૂમો સંભળાઈ. સમરસિંહની આંખમાં તેજ આવ્યું. તે ઝડપથી ઉપર ચડી ગયો. જે મંદિરમાં હું પ્રથમ ઊતર્યો હતો તે મંદિરના એક ભાગમાં અમે પ્રવેશ કર્યો.

બહાર બૂમો ચાલુ જ હતી અને અમે હથિયારોના ખડખડાટ પણ સાંભળ્યા. મંદિરના એક ઓરડામાં જઈ અમે કાળા ઝભ્ભા પહેરી લીધા, મોં ઉપર મુખવટા પહેર્યા અને હાથમાં હથિયાર લીધાં.

‘સાહેબ ! જીવનું જોખમ છે. પરંતુ બનશે ત્યાં સુધી તો આપને હરકત આવશે નહિ. આપ મારા તરફ ધ્યાન રાખજો અને જરૂર પડ્યે મારી પડખે રહેજો.' સમરસિંહે કહ્યું.

‘અહીં શું થાય છે ?’ મેં સહજ ધબકતે હૃદયે પૂછ્યું.

‘આપ જોયા કરજો. બનશે ત્યાં સુધી આપને કશી હરકત નહિ થવા દઉં. હરકત થશે તોય મને થશે.'

એટલું કહી અમે ઓરડામાંથી બહાર નીકળ્યા. મંદિરના મોટા ભાગમાં અમે આવ્યા. અહીં જ પેલી ભયાનક ભવાનીની મૂર્તિ બેસાડી હતી. આયેશા મને અહીં જ મળી હતી. આઝાદની પાસેથી હું અહીં જ ઊતરી આવેલો હતો.

અમારાં જ જેવાં કપડાં પહેરેલો માણસ અમને સામેથી આવતો જણાયો. સમરસિંહે ઝભ્ભો સહેજ ઊંચક્યો. તે ઘૂંટણે પડ્યો. અને ઊઠતાં ઊઠતાં હાથનો સ્વસ્તિક આકાર બનાવ્યો. મેં પણ એની નકલ કરી એટલે અમારે બંને માટે દ્વાર ખુલ્લું થયું. અમે ફરીથી એક ભયંકર સમૂહબૂમ સાંભળી.

‘બહુ જ વખતસર આવ્યા.' ધીમે રહી સમરસિંહ બોલ્યો. અને અમે એક મોટા મેદાનમાં ઊતરી આવ્યા : ચારે બાજુ પર્વતોના ટેકરાઓ વચ્ચે વિશાળ મેદાન હતું. એક પાસ ટેકરો અને બીજી પાસ એક ભયંકર ઝડપથી વહેતો વહેળો એવા સ્થળમાં લગભગ બસો માણસો અમારી જ માફક કાળાં વસ્ત્ર પહેરી બેઠાં હતાં. વચમાં બે સ્ત્રીઓને ખુલ્લે મુખે બેસાડી હતી. મેં તુરત જ એ બંને સ્ત્રીઓને ઓળખી.

એક આયેશા ને બીજી મટીલ્ડા !