ઠગ/અણધાર્યા ચોર
← ખોવાયલા હારનો પત્તો | ઠગ અણધાર્યા ચોર રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
અણીનો વખત → |
તે બાઈએ એકદમ લાલચોળ મુખ કરી નાખ્યું.
‘તમે મારા ઉપર આરોપ મૂકો છો ? તમને શરમ નથી આવતી ? કર્નલ સ્લિમાન ! આ માણસને બહાર કાઢો. નહિ તો હું તમને બધાને સજા કરાવીશ. હું નામદારનાં બાનુની સહીપણી કંપેનિયન છું તે ભૂલશો નહિ.’
અમે બધા ગભરાયા. કામદારનો તો જીવ જ ઊડી ગયો. આવી મહત્વની બાઈને માથે એક કાળો માણસ આવું આળ ચઢાવે એ તેને ભારે અપમાનકારક લાગ્યું. તેણે પણ આંખ ચઢાવી મારી સામે જોયું. કારણ મારા મિત્ર તરીકે જ કામદારને મેં સમરસિંહની ઓળખાણ આપી હતી. હું ગૂંચવણમાં પડ્યો. સમરસિંહમાં મને ઘણી જ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. અને અત્યારે મારી સ્થિતિ બહુ જ કફોડી હતી, ખોવાયેલો હાર હું શોધી લાવ્યો. તે આપવા માટે ધાંધળ કરી બધાંને જગાડ્યાં અને આવતી વખતે મારી પાસેથી હાર પાછો ગુમ થઈ જાય ! શોધવામાં સમરસિંહ સિવાય બીજો કોણ સહકાર આપે એમ હતું ? અને એ તો નામદાર બાનુનાં સહીપણીને જ માથે હાર ચોરાયાનો આરોપ મૂકી રહ્યો હતો ! મારે કરવું શું ?
એક ક્ષણમાં સમરસિંહે મારી મૂંઝવણ પરખી લીધી.
‘સાહેબ ! તમારે ઊંચો જીવ રાખવાનું કારણ નથી. તમે આ નામદાર સાહેબને જાહેર કરી દ્યો કે આ બાઈને અમે હાર સોંપેલો છે, અને પછી ચાલવા માંડો.'
સમરસિંહની આ નફટાઈ મને ઘણી જ ભારે લાગી. પરંતુ સૂક્ષ્મ રીતે જોતાં મને પેલી બાઈના મુખ ઉપર કાંઈક ફેરફાર થતો લાગ્યો.
‘શું ? રસ્તે જતા માણસ ઉપર તમે આ પ્રમાણે દોષ નાખી દેશો ? મને કશી જ પરવા નથી. હાર લાવ્યાનું માન આ પ્રમાણે તમારે ખાટી જવું હશે, ખરું ?' તે બોલી.
કામદારે સમરસિંહને ધમકાવવા માંડ્યો.
‘તમે બેદરકારીથી. બિન જવાબદારીથી ભળતું જ બોલ્યે જાઓ છો ! તમને એના પરિણામની ખબર છે ? તમારું અને સાથે સાથે સ્લિમાન સાહેબનું શું થશે તે સમજી શકો છો ?’
‘હું સમજી શકું છું માટે જ આ બાઈને વિનંતિ કરું છું. હવે જો એ વિનંતિ નહિ માને તો બળ વાપરવું પડશે.' સમરસિંહ બોલ્યો.
‘બળ વાપરવું પડશે ? શું બોલે છે ?’ કામદાર ગુસ્સે થઈ ગયો. અંગ્રેજોને ધમકાવનાર આ કાળો માણસ કોણ ? અને તેમાં પણ એક અંગ્રેજ બાઈને ?
‘હું કોણ છું તે તમે જાણો છે ?’ સુમરાએ કહ્યું.
'મને દરકાર નથી, કર્નલ ! આ માણસને અહીંથી મોકલી દે !’ કામદારે કહ્યું.
હું તો ગૂંચવાયો જ હતો - કામદાર પણ મારો દોસ્ત હતો અને સમરસિંહ પણ મિત્ર હતો.
‘મને મોકલી શકાય એવી કોઈની શક્તિ નથી. તમારા બધાયે સૈનિકોને ભલે ભેગા કરો ! હું ઠગ છું. અત્યારે જ તમારા આખા મહેલને ઉરાડી મૂકું એટલું સત્તા ધરાવું છું. આ બાઈ સ્લિમાન સાહેબની પાસેથી ચોરેલો હાર નહિ આપે તો હું આખો મહેલ બાળી મૂકીશ.’
સમરસિંહના કુમળા મુખ ઉપર અત્યારે એકદમ ભારે કઠોરતા આવી ગઈ. એકાએક પેલી અંગ્રેજ બાઈને તેણે પોતાના હાથમાં લઈ ઉપાડી. અમે સહુ વિચાર કરીએ તે પહેલાં તો તેણે દોડીને કામદારના ઓરડામાં પ્રવેશ કર્યો, અને ઓરડાનું દ્વાર બંધ કર્યું. એ શું કરશે એનો અમને ખ્યાલ ન આવ્યો. પરંતુ કામદારે તો બહુ જ ગુસ્સામાં આવી જઈ બારણાં ઠોક્યાં.
મેં કહ્યું : ‘નામદાર સૂતા હશે તે જાગશે ત્યારે ?’
‘પણ બાઈનું શું થશે ? ચાલો પેલી બાજુએથી ઓરડામાં જઈએ.’ કહી ઉતાવળથી બીજી બાજુએ જઈ કામદારે પોતાના ઓરડામાં નજર નાખી. પેલી સ્ત્રી તદ્દન નિરાશ મુખ કરી બેઠી હતી. તેના મુખ ઉપર અતિશય ગભરાટ હતો. જે જોમ અને જોર તેણે પહેલાં બતાવ્યાં હતાં તેનો અંશમાત્ર પણ તેનામાં રહ્યો નહોતો.
અમને જોઈને સમરસિંહે અમને અંદર બોલાવ્યા. ‘પધારો સાહેબો અંદર !’ ગુસ્સામાં જ કામદારે અંદર પ્રવેશ કર્યો. તેઓ બાઈની દયા ખાવા જતા હતા એટલામાં સમરસિંહે જ કહ્યું :
‘હાર જડ્યો છે -' મેં કહ્યું : ‘ક્યાં છે ?' હું હરખમાં આવી ગયો.
તેણે જવાબ આપ્યો :
‘આ બાઈસાહેબની પાસે જ છે. હું તો પ્રથમથી જ જાણું છું, માત્ર કબૂલ નહોતાં કરતાં. હવે એ પોતે કબૂલ કરે છે. કેમ બાઈસાહેબ ! હાર તમારી પાસે જ છે ને ?'
સહુના આશ્વર્ય વચ્ચે બાઈએ હાર પોતાની પાસે હોવાની હા પાડી.
‘જુઓ સાહેબ ! આ બાઈ પણ કબૂલ કરે છે કે હાર તેમની પાસે છે. હાર હવે જડ્યો છે. આપણી જવાબદારી ગઈ એટલે આપણે હવે જવું જોઈએ.' સમરસિંહે કહ્યું.
'પણ જ્યાં સુધી હું હાર નજરે ન જોઉં અને મારે હાથે નામદાર બાનુને ન આપું ત્યાં સુધી મને સંતોષ ન મળે.' મેં કહ્યું.
કામદારે પણ સંમતિ આપી. સમરસિંહ જરા કચવાયો અને પેલી અંગ્રેજ સ્ત્રી તરફ ફરીને તેણે કહ્યું :
'હાર લાવીને મારા હાથમાં મૂકો.’
‘હું આપી દઈશ.’
‘અપમાનને પાત્ર થવું પડશે. તમારા દેહ ઉપર જ તમે હાર સંતાડેલો છે. કાઢી નહિ આપો તો હું કપડાં તપાસીશ.’
પેલી બાઈએ પાછળ ફરી નવાઈ જેવી ઝડપથી હાર કાઢી આપ્યો. પેલો કામદાર તો વિસ્મય પામતો ઊભો જ રહ્યો; પેલા ગોરા સિપાઈનું મુખ લેવાઈ ગયું; અને બાઈ તો તદ્દન નિરાશ થઈ ગયેલી જ હતી.
‘કામદાર સાહેબ ! આ હાર આપના કબજામાં જ રાખો. આ બંને જણને એક ઓરડામાં પૂરી રાખો, અને સવારે નામદાર બાનુ ઊઠે ત્યારે તેમને હાર સોંપી દીધા પછી આ બંનેને છોડજો. આ બેમાંથી કોઈને પણ છૂટા મૂકશો તો હાર જડેલો પાછો ખોવાશે અને તેની શોધમાં હજારો ગાઉની મજલ કરવી પડશે.'
એમ કહી સમરસિંહે હાર કામદારને સ્વાધીન કર્યો. મને તેણે કહ્યું :
‘સાહેબ ! હવે જેટલી ક્ષણ છે એટલી આપણે પૂરી કરી લેવી જ પડશે. હવે ચાલો.’
મેં કામદારને કહ્યું :
‘હું હવે બેત્રણ માસ સુધી અહીં આવી શકીશ નહિ. જરૂરનું કામ છે. માટે જ મેં અત્યારે તમને તસ્દી આપવી જરૂરી ધારી.’
'આટલી રાત રહી જાઓ. મેં તો જાણ્યું કે તમારે હાથે હાર અપાવીશું.’ ‘એવું બનત તો હું જ આટલી રાતે શા માટે આવતો ? મને માફ કરો અને મારા તરફથી માફી માગી લઈ નામદાર સાહેબને જણાવજો !’
‘આ હિંદી ગૃહસ્થ કોણ છે ?'
‘તેઓ મારા મિત્ર છે. જોકે હજુ તેમને હું પણ પૂરા ઓળખતો નથી !’ હસતે હસતે મેં કહ્યું.
કામદારને લાગ્યું કે હું તેની ઓળખાણ કરાવવા માગતો નથી, એટલે તેણે વધારે પૂછપરછ કરી નહિ. હું આ કામે રોકાયો હતો. તે સહુ કોઈ જાણતા હતા. એટલે કેટલીક વાત ગુપ્ત રાખું તો કોઈને તેથી ખોટું લાગે એમ નહોતું.
કામદારે મારી તેમ જ સમરસિંહની સાથે હાથ મેળવ્યો - અને અમે ચાલ્યા. મને તો બહુ જ અચંબો લાગ્યો કે આ બધું એટલામાં શું થયું ? હું પૂછવા પણ માગતો હતો; તથાપિ સમરસિંહ વાત કરવા કરતાં ડગલાં ભરવા વધારે ધ્યાન આપતો હતો. એટલી ઝડપથી તેણે ચાલવા માંડ્યું કે મારા પગ થાકી ગયા, અને મારો શ્વાસ ભરાઈ આવ્યો. લગભગ કલાક સુધી ચાલી અમો શહેર બહાર નીકળી ગયા, અને એક મેદાનમાં આવી ઊભા.
‘સ્લિમાન સાહેબ ! થાક બહુ લાગ્યો, ખરું ?’
‘જરા લાગ્યો તો ખરો !’
'હજી આથી પણ વધારે થાક લાગે એમ છે. સહન થાય તો મારી સાથે ચાલો, નહિ તો અહીં જ રહી જાઓ.’
‘ના ના, હું સાથે જ આવીશ.' અભિમાને મને આગળ જવા પ્રેર્યો. વળી આ ગૂઢ મનુષ્યના સાથમાં જવાથી જાણવાનું પણ ઘણું જ મળવાનું હતું. ઉપરાંત મારી ખાસ જરૂર ન હોય તો આ માણસ મને સાથે આવવાનું કહે પણ નહિ. એ બધા વિચારો કરી મેં તેની જોડે જવાનું કબૂલ કર્યું.
મેદાનના એક ભાગમાંથી બે માણસો ઘોડા લઈ આવતા જણાયા. જોતજોતામાં ઘોડા પાસે આવ્યા.
‘સાહેબ ! આપ એક જાનવર પસંદ કરી લો.’
બંને ઘોડા ઘણા જ પાણીદાર હતા. મેં એક ઘોડો લીધો અને અમે બંને જણ સ્વાર થઈ આગળ ચલાવ્યું. જેમ જેમ મજલ કાપતા ગયા તેમ તેમ ઘોડાઓનો વેગ વધવા માંડ્યો, અને સવાર પડતાં તો કેટલી મજલ કરી હશે તે કહી શકાય એમ રહ્યું નહિ. અમને વાત કરવાની પણ તક ન મળી. સવાર થયું અને સૂર્યનાં કિરણોએ લાલાશ ફેલાવી. ઘોડા હજી અટક્યા જ નહિ. સમરસિંહના ઘોડાની લગોલગ જ મારો ઘોડો રહેતો હતો. એકબીજા વચ્ચે જાણે શરત થતી હોય તેમ ઘોડા દોડતા હતા. પવનવેગનો મને આજે ખરો અનુભવ થયો. ગાઉના ગાઉં જોતજોતામાં નીકળી જતા હતા. ઘોડાના વેગ આગળ બેસનારને વિચાર કરવાની་ પણ ફુરસદ ન હતી. આ વખતે મને લાગેલો થાક સમરસિંહે જોયો.
‘સાહેબ ! હવે અડચણ નથી. દસેક ગાઉની મજલ હજી લેવાની છે; ગભરાશો નહિ.
ઘોડા દોડતા જ રહ્યા. કલાકેકમાં ઝાડની ઘટાવાળું એક સ્થળ : અને સમરસિંહે ઘોડો અટકાવ્યો. સાથે મારો પણ ઘોડો ધીમો પડ્યો.
એક ઝૂંપડી. આ ઝાડની ઘટામાં દેખાઈ. તે તરફ ઘોડા વાળ્યા.
ધીમે રહી ઝૂંપડીનું બારણું ખોલી એક માણસ બહાર આવ્યો. તેણે સમરસિંહને કોઈ વિચિત્ર રીતે સલામ કરી. સમરસિંહ અને હું બંને ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યા. મારા તો પગ જૂઠા પડી ગયા હતા. યુદ્ધના ધસારામાં પણ આટલી ઝડપ અમે વાપરી નહિ હોય.
સમરસિંહ હસ્યો :
‘કેમ સાહેબ ! પગ અકડાઈ ગયા. ખરું ? હરકત નહિ.’ પેલા માણસ તરફ ફરી સમરસિંહ બોલ્યો :
‘જો, ઘોડાને બાંધ. સાહેબને ભોયરામાં લઈ જાઓ. ખૂબ ઊના પાણીથી નવરાવો અને શરીર દબાવો.'
મને ભોંયરામાં લઈ જવાની વાત બહુ રુચી નહિ. મેં પૂછ્યું :
‘તમે ક્યાં જશો ?’
‘હું અહીં જ છું. ઝૂંપડીવાળા ભાગમાં આપનાથી બેસાય નહિ. નીચે એક સુંદર ઓરડો છે તેમાં હવે જઈ આપ આરામ લો. ચાલો, હું સાથે જ આવું.’