ઠગ/ખોવાયલા હારનો પત્તો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જાદુના ખેલ ઠગ
ખોવાયલા હારનો પત્તો
રમણલાલ દેસાઈ
૧૯૩૮
અણધાર્યા ચોર →


૨૨
 
ખોવાયેલા હારનો પત્તો
 


ખાણાના નિયમો બાજુએ મૂકી હું તત્કાળ ઊઠ્યો. સેક્રેટરીને વાત પૂછી તો નામદાર સાહેબનાં બાનુનો હાર ખોવાયાની વાત ખરી પડી. આટલા આટલા માણસો વચ્ચેથી હાર તેમના સગા ગળામાંથી ગુમ થાય એના જેવી બીજી નવાઈ શી ? જાદુગરના જાદુ કરતાં આ જાદુ વધારે અદ્દભુત હતો. મને જાદુગર જ સાંભર્યો. મને તેને માટે પ્રથમ જ શક પડ્યો હતો, અને કોઈને ખબર ન પડે એમ મારા ત્રણ માણસો તેના ઉપર નજર રાખવા માટે મેં ક્યારનાયે યોજી દીધા હતા. જાદુગર ગયાને વધારે વખત થયો નહોતો, અને મારા માણસો તેની પાછળ હતા, એટલે કાંઈ પણ બાતમી મળવી જોઈએ એવી મારી ખાતરી થઈ. હું પણ મકાનથી બહાર નીકળી આવ્યો. જાદુગર કયે રસ્તે ગયો હતો. તે બાબત મેં ચારપાંચ માણસોને પૂછ્યું, અને મને મળેલા જવાબ પ્રમાણે મેં રસ્તો લીધો.

બાતમી મેળવવા મોકલેલા માણસોમાંથી એક જણ મને મળ્યો. જાદુગર અને તેના સાથીદારો શહેર બહાર અમુક રસ્તે ચાલ્યા જતા હતા, અને તેમની પાછળ બીજો અમારો માણસ પણ પડેલો જ હતો. એવી ખબર તેણે કહી. તેના દોરવા પ્રમાણે હું ઝડપથી આગળ વધ્યો. જાદુગરોના માણસો જેવું એક નાનું ટોળું આગળ જતું હોય એવો મને ભાસ થયો.

પરંતુ તે ટોળાની પાસે પહોંચતાં તે ટોળું તો કોઈ જાત્રાળુ સ્ત્રીપુરુષોનું લાગ્યું. કોઈક દેવનાં દર્શન કરવા તેઓ જતાં હતાં. જાદુગરનાં કોઈ ચિહ્ન તેમનામાં જણાયાં નહિ. તેમણે એવા કોઈ ટોળાને જોયું પણ નહોતું. બાતમી ખોટી પડી. મારા માણસ ઉપર હું ચિડાયો અને પાછો વળ્યો. પાછા વળતાં શહેરની નજીક એક ઘોડેસ્વાર શહેરમાંથી ધસ્યો આવતો મેં જોયો. ચોરની શોધમાં નીકળનારને બધાયમાં ચોરનો ભાસ થાય છે. તેની દુરથી દેખાતી મુખાકૃતિ, તેના ઘોડાનો વેગ, એ બધાનો વિચાર કરી મેં માન્યું કે જાદુગરની ટોળીના માણસોએ મારા માણસને થાપ આપી હવે નાસી જવા તરકીબ કરી હતી. મેં તે ઘોડાને રોક્યો જ હોત, પરંતુ ઘોડેસ્વારે મને જોઈને જ ઘોડો રોકી દીધો. તે નીચે ઊતર્યો અને હું જોઉં છું તો મારી નજર આગળ કોણ હતું ? ભયંકર ઠગ-કદાવર આઝાદને જોઈ હું દંગ થઈ ગયો ! આ ઠગ અહીં ક્યાંથી ? મને તરત જ જાદુગર અને તેના ખેલ સાંભર્યા. જરૂર હાર ચોરવાનું કામ જાદુના બહાના નીચે ઠગ લોકોએ જ કર્યું છે એમ મારી ખાતરી થઈ.

વળી આઝાદે એક વખત મને ધમકી પણ આપી હતી કે તે ગવર્નરનાં બાનુના ગળામાંથી હાર કાઢી લેશે. મને તે ધમકી યાદ આવી, અને હવે ચોક્કસ ખાતરી થઈ કે હાર ચોરનાર આ આઝાદ અને તેની ટોળીના ઠગ લોકો જ હોવા જોઈએ.

મને ગુસ્સો ચડ્યો. પરંતુ હું કાંઈ બોલું તે પહેલાં જ આઝાદે જણાવ્યું:

‘કેમ સ્લિમાન સાહેબ ! નામદાર સાહેબનાં બાનુનો હાર છેવટે બધાના દેખતાં જ ચોરાયો, ખરું ?'

રાજધાનીના શહેરમાં આવું કૃત્ય કરી ઊલટું મને મહેણું આપવાનો આવો પ્રયત્ન ! આઝાદના માથામાં એક મુક્કો મારી તેને ભોંય ભેગો કરી નાખવાની મને ઇચ્છા થઈ; પરંતુ આઝાદ ઉપર એક જ મુક્કાની અસર મારા ધાર્યા પ્રમાણે થશે કે કેમ એની મને શંકા ઊપજી. એટલે મેં તેને જવાબ આપ્યો :

‘હા, અમારા બધાના દેખતાં હાર ચોરાયો. પણ એ હાર ચોરનાર મારા જ હાથમાં સપડાયો છે. અને જો એ હાર ન મળે તો તેના બદલામાં તેનો જીવ લેવાની પણ મારી તૈયારી છે.'

‘પત્તો લાગ્યો ?’ જાણે કશું જ જાણતો ન હોય એવી મુખમુદ્રા કરી પૂછ્યું : ‘કોણ હશે એ ?’

મને આ અવિનય બહુ જ ભારે પડ્યો. મેં કહ્યું :

‘હા, પત્તો લાગ્યો છે. મારી સામે જ ચોર ઊભો છે. અને હાર મળ્યા સિવાય હું તેને જવા દેવાનો નથી.'

‘મારા ઉપર શક જાય છે ?’ આઝાદે પૂછ્યું અને તે આગળ બોલ્યો : ‘હાં હાં, હું સમજ્યો. તમારો શક ખરો પડત, પરંતુ તેમ હોય તો હું અત્યારે તમારી સામે ઊભો રહ્યો ન હોત. સાહેબ ! મારા દુશ્મને આ હાર મારા પહેલાં લઈને મારી જિંદગી ધૂળ કરી નાખી છે. પરંતુ હું તેનો બદલો લઈશ. આવા લાખો હાર ચોર્યાનું માન એને મળશે તોપણ હું એ બદલો લેવો બાકી નહિ રાખું.’

તેની આંખમાંથી અગ્નિ વરસતો હોય એમ લાગ્યું. મને શંકા પડી કે રખે ને મારા હાથમાંથી બચવા ખાતર આવો વેશ તો તે નહિ કરતો હોય ? આઝાદ ફરીથી બોલ્યો : ‘હવે મને કોણ રોકનાર છે ? આખી ઠગની દુનિયા ડૂબી જાય તેની મને પરવા નથી. હવે સાહેબ ! તમને ઠગ લોકોના ત્રાસમાંથી જરૂર મુક્તિ મળશે, તમારે જાતે તકલીફ લેવાનું કારણ નથી.’

એમ કહી આઝાદ ઘોડેસ્વાર થઈ જવા લાગ્યો. મેં કહ્યું :

‘હું એમ જવા નહિ દઉં. તમારી મહેમાનગીરી મારે પણ કરવી જ જોઈએ.'

‘હજી વાર છે. પરંતુ આપ મને યાદ કરજો.’ કહી તેણે ઘોડાને એડી મારી ઘોડો ઊડ્યો. આઝાદને જવા દેવાની મારી ઈચ્છા ન જ હોય. મારો બાતમીદાર ઘોડાને વળગી પડ્યો. આઝાદને જવા દેવાની મારી ઇચ્છા ન હતી એ તે સમજી ગયો હતો, એટલે તેણે આ બહાદુરીભર્યું પગલું ભર્યું. પરંતુ એક ક્ષણમાત્રમાં તેને ઘોડાથી છૂટો કરી આઝાદ ચાલ્યો ગયો.

મને તદ્દન નવાઈ લાગી. આઝાદ અહીં ક્યાંથી ? ઠગ લોકોની ટોળી અહીં વસી હશે કે કેમ ? તેનો શો ઇલાજ કરવો ? હાર પાછો કેમ મેળવવો? એ બધા વિચારની ઘટમાળમાં પડેલો હું રાત્રે ખાણું મૂકી, એક શકદારને ગુમાવી આવી મારી ઓરડીમાં સૂતો. આજે ઊંઘ આવવાનો સંભવ જ નહોતો. એટલે મારી રોજનીશીનાં પાછલાં પાનાં ઊથલાવતો હું વખત વિતાવતો હતો.

એટલામાં મારા નોકરે મારી ઓરડીનું બારણું સહજ ખખડાવ્યું. મેં તે તરત જ ઉઘાડ્યું. મોડી રાત્રે મને આવી તકલીફ આપવા હું તેને ઠપકો આપવા જતો હતો, એટલામાં જ તેણે મને કહ્યું :

‘સાહેબ ! માફી માગું છું. પરંતુ કોઈ આદમી આપને ખાસ મળવા માગે છે. મેં સવારે આવવા કહ્યું, પરંતુ તે અત્યારે મળવા આગ્રહ કરે છે, કહે છે કે ચોરાયેલા હારનો પત્તો તે લાવ્યો છે.'

મેં તેને બોલાવી લાવવા કહ્યું. આવી રીતે હારની બાતમી આપવા મને ખોળતો આવનાર માણસ કોણ હશે તેનો હું વિચાર કરવા લાગ્યો. એટલામાં ફરી મારા નોકરે બારણું ઉઘાડ્યું, અને તેની જોડે પેલા જાદુગરે પ્રવેશ કર્યો. જાદુગરને જોઈ હું એકદમ ગુસ્સે થયો.

‘હાર ક્યાં છે ? મેં બૂમ પાડી.

‘આ રહ્યો.' કહી જાદુગરે પોતાના લૂગડામાંથી ખોવાયેલો હાર કાઢી મારી આગળ ધર્યો. મારી ખુશાલીનો પાર રહ્યો નહિ ! ખોવાયેલો હાર એ જ હતો. હું ઊઠીને તેની પાસેથી હાર લેવા ગયો. પણ તેણે પોતાની મૂઠી બીડી દીધી, અને હાથ પાછો ખેંચ્યો. ‘હાર લાવો. મારા હાથમાં એકદમ મૂકી દો, અને પછી બીજી વાત કરો. હું તમને બદમાશોને ઓળખું છું.' મેં જોરથી જણાવ્યું.

એક આંખ મારા નોકર તરફ મિચકારી જાદુગરે જણાવ્યું :

‘હાર કેવો ? હું કાંઈ જ જાણતો નથી. અને એ ખોવાયો હોય તો આપે તે ખોળી કાઢવાનો છે. હાર હું ક્યાંથી આપું ?

હું વધારે ગુસ્સે થયો. મારા નોકરને મેં બારણું બંધ કરી બારણા આગળ જ ઊભા રહેવા હુકમ આપ્યો, અને ક્રોધથી બૂમ પાડી ઊઠ્યો :

‘મારી મશ્કરી કરો છો ? હમણાં પેલા હાથમાં હાર હતો, મને બતાવ્યો અને હવે ફરી જાઓ છો ? યાદ રાખજો, હાર મને સોંપ્યા વગર અહીંથી જીવતા નહિ જ જવાય !’

‘જુઓ સાહેબ !' તેણે અતિશય ઠંડકથી જવાબ આપ્યો, ‘જીવવુંમરવું તો ઈશ્વરના હાથમાં છે, એટલે તે બાબતની મને જરા પણ બીક નથી. પણ હું આપને બાતમી આપવા આવ્યો અને આપે જે ચીજ ખોળી કાઢવી જોઈએ તે તે જ છે કે કેમ તે સમજવા માગતો હતો, એટલામાં તો આપ પૂછયાગાછ્યા વગર તે ચીજ છીનવી લેવા માગો છો ! એ ચીજ તો હવે ઊડી ગઈ. જુઓ !’ કહી જાદુગરે પોતાની મુઠ્ઠી ઉઘાડી નાખી. તેમાંથી હાર ગુમ થઈ ગયેલો લાગ્યો. મેં એકદમ તેનો હાથ ઝાલ્યો. પણ જાદુગર સ્થિર ઊભો જ રહ્યો. તેનો હાથ મેં ઝાલ્યો તો ખરો, પરંતુ તેમાં મને ઘણું જ બળ રહેલું લાગ્યું. મેં જોર કરી હાથને ઝાટકો આપવા પ્રયત્ન કર્યો, પરંતુ પથ્થર કે લોખંડનો હાથ હોય તેમ મારાથી તે ખસેડી શકાયો જ નહિ !

‘બળજોરથી કાંઈ બનશે નહિ !' તેણે કહ્યું. ‘આપ આપના માણસને બહાર મોકલો પછી હું બધી હકીકત જણાવું. મારો જરા પણ ડર રાખશો નહિ.’

કોઈ મને ડરની વાત કરે છે ત્યારે મને અપમાન લાગે છે. શું મારા નોકરની હાજરીથી મારી હિંમત વધારે વધતી હતી ? મેં એકલાએ ઘણા ભયંકર પ્રસંગો અનુભવ્યા છે. મેં નોકરને બહાર મોકલી દીધો.

હવે આ એકાંત ઓરડીમાં હું અને જાદુગર બંને એકલા જ રહ્યા. બહાર રાત્રિનો અંધકાર અને ભયંકર શાંતિ આ પ્રસંગને વધારે ગૂઢ બનાવતાં હતાં. હાર સહેલાઈથી મળશે કે હથિયાર વાપરવું પડશે ? હથિયાર વાપર્યા છતાં પણ મને ખોવાયેલો હાર મળશે કે નહિ ? એવા એવા વિચારો એક ક્ષણમાં મને સ્ફુર્યા. જાદુગર સાથે યુક્તિ અને વિનય વાપર્યા હોત તો ? મને તરત જ મારી ભૂલ જણાઈ. શરૂઆતથી જ મારે આ જાદુગર સાથે વિવેક સહ વર્તવું જોઈતું હતું. મેં બળ બતાવવું બંધ રાખ્યું અને જાદુગરને પાસે પડેલી એક ખુરશી ઉપર બેસવા જણાવ્યું. જરા પણ સંકોચ વગર તે ખુરશી ઉપર બેઠો, હું પણ તેના સામે બેઠો.

‘આપે મને હજી પણ ઓળખ્યો નહિ, ખરું ?’ જાદુગરે પૂછ્યું.

‘કાંઈ યાદ આવતું નથી.' મેં જણાવ્યું. ‘આપણે ક્યાં મળ્યા હતા ?’

જાદુગરે સહજ મુખ પાછળ ફેરવ્યું અને મુખ ઉપર સહજ પોતાનો હાથ ફેરવ્યો, પછી મારી સામે તેણે જોયું. તેને જોઈને હું ઊભો થઈ ગયો, આનંદથી તેને ભેટી પડ્યો.

એ સમરસિંહ હતો.

સમરસિંહ હસ્યો અને બોલ્યો :

‘સાહેબ ! આટલું પણ ઓળખી ન શક્યા ? મને તો ખેલ વખતે જ ભય લાગ્યો હતો કે મને તમે પારખી કાઢશો. હરકત નહિ, હાર મારી પાસે છે, મેં જ તે લીધો છે. એ જો મેં ન લીધો હોત તો તે આઝાદ લઈ જાત. હું તમને તે હાર પાછો આપી તમારું માન અને પ્રતિષ્ઠા વધારીશ આઝાદની પાસેથી હાર તમને કદાપિ પાછો મળી શકતો નહિ.’

એમ કહી તેણે પાછો હાર કાઢી મારા હાથમાં મૂકી દીધો. મેં તેનો ઉપકાર માન્યો. આવી મૈત્રી અને આવી વફાદારી ઠગલોકોના સરદારમાં હતી. એ જોઈ મને સાનંદાશ્ચર્ય થયું.

‘આ હાર અત્યારે જ જઈને નામદારને પહોંચાડી. હું તમારી સાથે થોડે સુધી આવીશ. પરંતુ હવે તમારે મારી સાથે લાંબી મુસાફરી કરવી પડશે. આજની રાતમાં જ નીકળવું જોઈએ. હું તમને એવી સ્થિતિ બતાવીશ કે લાંબી મુસાફરી કર્યાનો તમને પસ્તાવો નહિ થાય. આપ ઊઠો અને કપડાં પહેરો !’

સમરસિંહના બોલવામાં બળ રહેલું હતું. હું ઊઠ્યો, કપડાં પહેર્યા. અને મારા નોકરને સમરસિંહે બતાવ્યા પ્રમાણેના સ્થળે ઘોડો લઈ આવવા જણાવ્યું. હું અને સમરસિંહ રાતના અંધકારમાં નામદાર સાહેબને બંગલે જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા. એટલે સમરસિંહ બોલ્યો :

‘પરવાનગી લેઈને જવું છે કે પરવાનગી વગર ?’

‘એમ. કેમ ?’ મેં પૂછ્યું.

‘અત્યારે પરવાનગી નહિ મળે એમ મને ભય રહે છે.’

‘મને નહિ મળે ? એમ બને જ નહિ.’ એમ કહી મોટે દરવાજે ફરતા એક સિપાઈને મેં અંદર જવા દેવા જણાવ્યું. નામદાર સાહેબને અત્યારે જ વરદી આપો કે કર્નલ સ્લિમાન આપને જરૂરી કામે મળવા માગે છે.

સિપાઈને નવાઈ લાગી :

‘આપને બીજો કોઈ વખત ન મળ્યો : આટલી રાતે નામદાર સાહેબને જગાડવાની કોણ હિંમત કરશે ?'

‘તમે એમના ખાનગી કામદારને જણાવો.’ મેં કહ્યું.

‘એ પણ બનશે નહિ. સવારે આવો.' સિપાઈએ કહ્યું.

મને રીસ ચઢી. સિપાઈને ધક્કો મારી મેં દૂર કર્યો અને દરવાજાની નાની બારીમાં થઈને હું રીસ ભરેલો દાખલ થયો. સમરસિંહે સિપાઈને એટલી વાર પકડી રાખ્યો.

અંદર જઈ એકબે પહેરેગીરીને ચુકાવી મેં ખાનગી કામદારના ઓરડા આગળ જઈ બારણા ઉપર ટકોરો માર્યો. તેણે જાગ્રત થઈ ‘કોણ છે?' એમ પૂછ્યું. એ માણસ મારો દોસ્ત હતો. મેં કહ્યું :

‘જલદી બારણું ખોલ !’

‘અરે પણ કોણ છે ? અત્યારે શા માટે આવે છે ?'

‘ઈશ્વરે તને કાન આપ્યા છે; માણસના કાન તને હોત તો તું મને જરૂર ઓળખી શક્યો હોત. તું બારણું ઉઘાડ પછી હું જણાવીશ કે હું કોણ છું.’

તેણે મને ઓળખ્યો હોય એમ લાગ્યું. બારણું તરત ઊઘડ્યું, અને તેણે મને અંદર દાખલ કર્યો.

'તને બીજો કોઈ વખત ન મળ્યો, તે આમ મધરાતે આવી લોકોની ઊંઘ ખરાબ કરે છે ?' તેણે મને જણાવ્યું.

‘ગવર્નર જનરલની પાસેના માણસો દિવસે પણ ઊંઘતા જ હોય છે. નહિ તો બધાની આંખો ખુલ્લી હોવા છતાં નામદાર બાનુનો હાર ચોરાય શી રીતે ?' મેં ટીકા કરી.

‘પણ તે શું કર્યું ? તુંયે હતો જ ને ? અમે તો હાર ખોયો, પણ તું હવે ખોળી લાવે ત્યારે ખરો !’ સેક્રેટરીએ જણાવ્યું.

'મેં શું કર્યું તે હું તને બતાવું છું.' એમ કહી તેના હાથમાં મેં હાર કાઢીને મૂક્યો. જો આ હાર હું રૂબરૂ આપવા આવ્યો છું. અત્યારે હું તે મેળવી શક્યો. એની પાછળ ઘણાંની આંખ છે. માટે હું નામદાર બાનુને હાથોહાથ હાર આપવા માગું છું, અને તે અત્યારે જ આપવો જોઈએ. મારે અહીંથી તરત બહારગામ જવું પડે એમ છે.

‘અત્યારે તો બાનુને કેવી રીતે મળાશે ?' તેણે કહ્યું. સવાર સુધી થોભી જા. સવારમાં મળીને જજે.'

‘એક એક ક્ષણ જાય છે એટલામાં ભયંકર બનાવો બનવાનો સંભવ વધતો જાય છે. બે સ્ત્રીઓની જિંદગી જોખમમાં છે. અને તેમાં એક મટીલ્ડા પણ છે.' કૅપ્ટન પ્લેફેરનો તે સગો થતો હતો, અને તેની પુત્રીના હિતમાં તે સ્વાભાવિક રીતે જ રસ ધરાવતો હતો. તે પૂરાં કપડાં પહેરી અંદરના ઓરડામાં ગયો. નામદાર બાનુને અત્યારે જગાડવાનો મહાન પ્રયત્ન તેણે કરવાનો હતો. કેટલીક નોકર બાઈઓને તેણે જગાડી; ખરોખોટો ખખડાટ કર્યો. મોટેથી વાતો કરવા માંડી. અંતે અંદરથી નામદાર સાહેબને પણ લાગ્યું કે બહાર કાંઈ ગરબડ ચાલે છે. બધાં વચ્ચેથી આજે હાર ગયો હતો. અને તેથી જ રાતે ફરીથી કોઈ ચોર વધારે તોફાન કરવા મહેલમાં ઘૂસ્યો હોય તો નવાઈ જેવું ન હતું એમ ધારી હાથમાં પિસ્તોલ લઈ તેઓએ બારણું ઉઘાડી ડોકિયું કર્યું. બાનુ પણ જાગી ગયાં હતાં. તેઓ પણ સાહેબની પાછળ આવીને ઊભાં.

સેક્રેટરીએ જાણ્યું કે પોતે કરેલી ગરબડ સફળ થઈ છે. એકદમ સાહેબની પાસે જઈ સલામ કરી તેણે જાહેર કર્યું કે હારનો પત્તો મળી ગયો છે.

બાનુ એકદમ ખુશ થયાં. રાત્રે જાગવું પડ્યું તેની તકલીફ વીસરી ગયાં. સાહેબે પણ કામદારની પીઠ ઠોકી અને પૂછ્યું :

‘ક્યાંથી જાણ્યું ?'

‘કર્નલ સ્લિમાન અત્યારે હાર લઈને જ આવ્યો છે.' કામદારે જણાવ્યું.

‘એમ ? બોલાવો બોલાવો, ખરો બાહોશ !’ કહી સાહેબે મને બોલાવવા હુકમ આપ્યો. હું પાસેના ઓરડામાંથી આ બધું સાંભળતો હતો, અને દેખતો પણ હતો. કામદારે આવી મને તેની સાથે આવવા જણાવ્યું. જતાં પહેલાં સ્વાભાવિક રીતે મેં ખિસ્સામાં હાથ નાખી જોયો. હાર હોવાની તો ખાતરી જ હતી. પરંતુ મનુષ્યની અધિરાઈ પ્રમાણે મેં હાથ નાખી જોયો તો ખિસ્સું ખાલી જ હતું !

મારું લોહી ઊડી ગયું ! જે હારને મેળવીને મેં આટલી ધમાલ કરી હતી, જે ખોવાયેલા હારને પાછો આપી શાબાશી મેળવવાની મેં સંપૂર્ણ આશા રાખી હતી, એ હાર આમ જોતજોતામાં ક્યાં ગુમ થયો તેની મને સમજ પડી નહિ. હવે હું નામદાર સાહેબને શું મોં બતાવીશ ? મેં મારી જાતને અને કામદારને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા હતા ? વીજળીને વેગે આ બધા વિચારો મને આવી ગયા. મેં એક ખિસ્સું તપાસ્યું, બીજું તપાસ્યું; ફરી ફરીને બંને ખિસ્સાં તપાસ્યાં. પણ હાર હોય તો મળે ને ?

સેક્રેટરી પણ સમજી ગયો.

‘કેમ સ્લિમાન ? હાર નથી શું ? હમણાં જ મને તેં બતાવ્યો હતો ને ?’

ફિક્કા મુખથી મેં જણાવ્યું :

‘ના ભાઈ, હાર તો નથી, આકાશ ગળી ગયું, નહિ તો બીજું શું ? ક્ષણ પહેલાં તો હાર હતો.’

‘હવે શું કરીશું ? કામદારે પૂછ્યું.'

'ઢાંકણીમાં પાણી ઘાલી ડુબી મરીશું.’

'ના ના જરાક જોવું તો ખરું, એટલામાં ક્યાં જાય ? અહીં આટલામાં કોણ હતું ?' તેણે પૂછ્યું.

‘અહીં તો મારા અને તારા સિવાય કોઈ નહોતું.' મેં કહ્યું.

‘તું એકલો જ આવ્યો છે કે કોઈ સિપાઈને સાથે લાવ્યો છે ? સિપાઈ તો કોઈ નથી, પણ મારો એક હિંદી મિત્ર જોડે છે. તેં ઠીક સંભાર્યું.' આટલું બોલતાં મને સમરસિંહ યાદ આવતાની સાથે જ હું બહાર દોડ્યો. મારી આવી હિલચાલ નિહાળી કામદાર પણ મારી પાછળ દોડતો આવ્યો. દરવાજા આગળ ન મળે સિપાઈ અને ન મળે સમરસિંહ. મારા સિવાય ઊંંઘતા બીજા સિપાઈઓની જગા જોઈ તો તે પણ ખાલી ! હવે શું? સમરસિંહની મને ફસાવવાની યુક્તિ તો ન હોય ? હાકેમ આગળ મને હલકો પાડવાની તદબીર તો નહિ રચાઈ હોય ?

કામદારે મને બૂમ પાડી : ‘અરે, અહીં કાંઈ ઝપાઝપી થઈ લાગે છે ? જો તો ખરો ? આ પગલાં પાછાં અહીં બાગમાં બંગલા તરફ જ જાય છે. આ સ્થળની ધૂળ કેટલી ખસી ગઈ છે ?'

નિરાશ થયેલાને કોઈ પણ ચિહ્ન આશા આપી શકતું નથી. તોપણ મારા મિત્ર કામદારની પાછળ પગલાં જોતાં હું આગળ વધ્યો. પગલાં લીલોતરીમાં બહુ દેખાતાં નહિ. છતાં છોડ આઘાપાછા થયેલા રાત્રિના આછા પ્રકાશમાં જણાઈ આવતા હતા. ઝડપથી આગળ વધતા અમને લાગ્યું કે કોઈ માણસ સામે આવે છે. અમે તેને ઊભો રહેવા હાકલ કરી. તે માણસ ગભરાટથી અગર જાણી જોઈને અમારી બૂમ સાંભળી અમારા તરફ આવતો અટક્યો, અને પછી અત્યંત ત્વરાથી પાછો ફરી વિશાળ બગીચામાં ક્યાં ગુમ થઈ ગયો તે અમને જણાયું નહિ. દસેક ક્ષણ આમતેમ શોધમાં વિતાવી. બંગલાના એક બહુ જ ઓછા વપરાતા ભાગ પાસે અમે આવી પહોંચ્યા.

ઉપરથી કોઈએ તાળી પાડી અમારું ધ્યાન ખેંચ્યું, અને તત્કાળ ત્યાંથી એક મજબૂત રસ્સી નાખી.

‘જલદી ઉપર આવો !’

વિચાર કરવાનો વખત નહોતો. ગયેલી આબરૂ પાછી મેળવવાની ઉત્કંઠામાં વગર વિચારે હું ઝડપથી રસ્સી ઝીલી ઉપર ચઢી ગયો; મારી પાછળ કામદાર પણ ચઢી આવ્યો.

ત્યાં જોઉં છું તો એક યુરોપિયન મદદનીશ ફાટેલાં કપડાં સાથે ઊભો હતો.

‘અમને તમે બોલાવ્યા ? આમ કેમ ? શું થયું ? તમારી ચોકી મૂકી અહીં કેમ ભરાયા છો ?’ કામદારે જણાવ્યું.

‘દરવાજા ઉપર એક હિંદી આપણા સિપાઈને ઝાલીને મારતો હતો. મારી ચોકી આગળથી મને જણાયું એટલે હું ત્યાં ગયો. તેને છોડાવતાં ઝપાઝપી થઈ. અને એ માણસ નાસી અહીં ભરાઈ ગયો છે.' તેણે જણાવ્યું.

‘તમે સિપાઈઓની કાળજી રાખો છો કે તમારી ચોકીની ? તમને ખબર છે કે અત્યારે જ મહેલમાંથી ચોરી થઈ છે ?’ કામદારે તેને ધમકાવ્યો.

'અને એ પકડવા માટે જ હું આને અહીં લાવ્યો છું !' અંદરના એક ભાગમાંથી ગુપ્ત રીતે નીકળી સમરસિંહે જણાવ્યું. ‘મને ખબર નહિ કે અંગ્રેજો પણ ચોરી કરે છે.’

હું આશ્ચર્યચકિત થયો. સમરસિંહ આવા રક્ષિત ભાગમાં આટલે સુધી ક્યાંથી આવી શક્યો ? આવા ખાસ ગોરા અમલદારના ઉપર આવો આરોપ મૂકવાની તે હિંમત કેવી રીતે કરી શક્યો ? કામદાર તો સમરસિંહ ઉપર ગુસ્સે જ થઈ ગયો, અને બૂમ પાડી ઊઠ્યો :

‘પકડો આ હરામ ખોરને ! શા માટે અહીં છુપાયો છે ?’

સમરસિંહ હસ્યો. ‘આટલો હાર પણ સચવાતો નથી, અને મને પકડવા માગો છો ?’ તેણે કામદારને કહ્યું.

‘આ તો મારા મિત્ર છે. મારી સાથે આવ્યા છે.'

‘તમારો હાર અમને મળ્યો છે. ગોરા ગૃહસ્થે તે ચોરીને બહુ જ સુરક્ષિત જગાએ મૂક્યો છે. મારી સાથે ચાલો, હું બતાવું.' સમરસિંહે કહ્યું.

પેલા યુરોપિયને એકદમ કૂદકો મારી સમરસિંહનું ગળું ઝાલ્યું. અને અમે છોડાવવા જતા હતા એટલામાં તો પેલા યુરોપિયનને મોટા અવાજ સાથે જમીન ઉપર પટકાતો જોયો. સમરસિંહના મુખ ઉપર જરા પણ ક્રોધ ન હતો. હું તથા કામદાર આ બળનું પ્રદર્શન જોઈ ચકિત થઈ ગયા.

‘શા માટે નાહક ફાંફાં મારો છો ?' ઊભા થતા યુરોપિયનને સંબોધી સમરસિંહ બોલ્યો. મારા તરફ નમી તેણે જણાવ્યું :

‘આપને એમ લાગતું હશે કે કોણ જાણે કયો ચોર ચોરી ગયો હશે. પરંતુ આપની જ વચમાં ચોરી થાય એની આપને સમજ પડતી નથી. હાર આ મકાનમાં છે, અને કદાચ આપના ઓરડામાંથી જ મળી આવશે. ચાલો.'

એ રસ્તે થઈને અમે બધા કામદારના ઓરડા આગળ આવ્યા. એક યુરોપિયન બાઈ ગુસ્સે થઈને અમને પૂછવા લાગી ;

‘તમને કોઈને કાંઈ ભાન છે કે નહિ ? નામદાર સાહેબ અને તેમનાં પત્નીની મશ્કરી કરવા ધારી છે ? અત્યાર સુધી રાહ જોઈ તેઓ ચિઢાઈને સૂઈ ગયાં ! હાર ક્યાં છે ?’

‘હાર તમે જ છુપાવ્યો છે, બાઈસાહેબ ! તે કાઢી આપો એટલે નામદાર સાહેબનો ગુસ્સો મટી જશે.' સમરસિંહ બોલ્યો.