ઠગ/જાદુના ખેલ
← પાછા છાવણીમાં | ઠગ જાદુના ખેલ રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
ખોવાયલા હારનો પત્તો → |
મુકામે પહોંચીને હું પહેલો સેનાપતિ સાહેબને મળ્યો. તેમણે મને કેટલી હકીકત પૂછી અને મને જણાવ્યું કે સ્થિતિ ભયંકર થતી જતી હોવાથી ગવર્નર જનરલ સાહેબ સ્થળ ઉપર આવવા નીકળી ચૂક્યા હતા. મને સહજ શરમ આવી. વડા હાકેમને આમ સ્થળ ઉપર આવવું પડે એ મારે માટે ભારે નામોશીની વાત હતી. મેં મારી નાલાયકી દેખાયાના કારણે રાજીનામું આપવા વિનંતી કરી. સેનાપતિ સાહેબ આ સાંભળી હસ્યા, અને એવી ઉતાવળ ન કરતાં ગંભીર પરિસ્થિતિમાં ઉપરીઓથી સહાય અને સલાહ લેવામાં કોઈ પણ શરમ ન લાગવી જોઈએ એમ તેમણે મને જણાવ્યું. વળી મારામાં સરકારનો પૂર્ણ વિશ્વાસ હતો એ તેમણે વારંવાર જાહેર કર્યું, અને નામદાર ગવર્નર જનરલ સાહેબને સામા મળવા નીકળવું એવી તેમણે સલાહ આપી. તેઓ સાહેબ રસ્તામાં એક એજન્સી બંગલામાં મુકામ કરવાના હતા. ત્યાં પહોંચી જવા માટે અમે તૈયાર થયા. રસ્તામાં સેનાપતિ સાહેબને મેં ઘણી વાતો કરી અને તે તેમણે ધ્યાનપૂર્વક સાંભળી. મારી યોજનાઓ તેમણે વિચારી અને તે ગવર્નર જનરલ સાહેબ પાસે રજૂ કરવા તેમણે મને વિનંતી કરી. થોડા દિવસમાં અમે એજન્સી બંગલે આવી પહોંચ્યા. ગવર્નર જનરલ સાહેબ ત્યાં એક દિવસ પહેલાં આવી પહોંચ્યા હતા. અને અમારો સંદેશો મળવાથી અમને મળવા ત્યાં જ રોકાઈ રહ્યા હતા. જતા બરોબર અમે તેમને મળ્યા, કેટલીક વાતચીત થઈ અને અમને સાંજે ખાણા ઉપર આમંત્રણ આપ્યું.
હું સાંજે ગવર્નર જનરલ સાહેબના બંગલા ઉપર પાછો ગયો. ત્યાં ઘણી મંડળી ભેગી થઈ હતી. મને ખબર પડી કે મહેમાનોને માટે કેટલીક રમતગમત નામદારની ઇચ્છાનુસાર સ્થાનિક અમલદારોએ ગોઠવી હતી, અને હિંદુસ્તાનના જાણીતા જાદુગરોના કાંઈ ખેલ પણ રાખ્યા હતા. કામકાજની ગિરદીમાં પણ અમે ગોરાઓ રમતગમત તથા આનંદ ભૂલતા નથી. પરંતુ જાદુગરની વાત સાંભળી હું જરા સંકોચ પામ્યો.
હિંદુસ્તાનના જાદુગરો ઘણા જાણીતા હતા. તેમની કૃતિઓ ખરેખર ચમત્કારિક હતી. તેમની હાથ ચાલાકી એવી અજબ હતી કે જોનાર ગમે એટલો પ્રયત્ન કરે છતાં તેનાથી કાંઈ જ પરખી શકાય એમ નહોતું. મેં ઘણા જાદુગરો જોયા હતા, તેમના પ્રત્યક્ષ ખેલો મેં નિહાળ્યા હતા, અને તેમની સાથે ઘણી ઘણી વાતો પણ કરી હતી. તેમની પાસેથી લોકસ્થિતિ જાણવાનું પણ સાધન મળતું. એ લોકો આનંદી, વિચિત્ર અને વિવેકી લાગતા. છતાં તેમની કુનેહ, તેમની યુક્તિ અને તેમની આવડતને લીધે મને એવી શંકા હતી કે આ લોકો માત્ર જાદુગર ઉપરાંત બીજું કાંઈ પણ કાર્ય કરતા હોવા જોઈએ. એ શંકા વધારે દ્દઢ થતી ગઈ અને આ લોકો ઠગની સાથે પણ મળતા રહેતા હશે એમ પણ મને લાગ્યા કરતું. બંગલાના ચૉગાનમાં એક મોટો તંબૂ બાંધ્યો હતો, ત્યાં જાદુગરના ખેલ થવાના હતા. સંધ્યાકાળનો વખત હતો. ગમે તે કારણે પણ આજ જાદુગરના ખેલ મને ગમશે જ નહિ એમ લાગ્યા કરતું હતું. પરંતુ બીજા મહેમાનો ઘણા જ ઉત્સાહથી જાદુગરની રાહ જોતા હતા. એ મહેમાનોમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. ઘણા ઓળખીતા માણસો મને મળ્યા, અને મારી ખબર પૂછવા લાગ્યા. મારી ખબર ઉપરથી સ્વાભાવિક રીતે ઠગ લોકોના ઉપર જ વાત ચાલી. મેં અનેક રસદાયક પ્રસંગો સંભળાવ્યા અને જોતજોતામાં મારી આજુબાજુએ ઠગ લોકોની હકીકત સાંભળવા મહેમાનોનું ટોળું ભેગું થઈ ગયું. કેટલાક નવા આવનાર મહેમાનો જાદુગરનું કાર્ય અહીં જ થતું હશે એમ માની નજર કરતા, અને મને ઠગ લોકોની વાત કરતો જોઈ હસી પડી તે વાત સાંભળવા બેસતા.
એકાએક ખબર પડી કે ખેલ કરનાર જાદુગર આવ્યો છે. બધા તેની ઘણી જ તારીફ કરતા અને તે ખરેખર કોઈ ચમત્કારિક પુરુષ છે એમ માનતા હતા. ગોરાઓને પણ મનમાં સંશય રહેતો કે કદાચ આ જાદુગરમાં દેવી કે પિશાચી શક્તિ રહેલી હશે. અમે બધા તંબુમાં જઈ બેઠા અને જાદુગરના આવવાની રાહ જેવા લાગ્યા.
તંબુમાં બેઠક ગોળાકાર ગોઠવી હતી. તેના ઉપર બધા મહેમાનોને બેસવાની સગવડ હતી. એ ગોળાકારની પાછળ વચ્ચોવચ્ચ બે મોટી ખુરશીઓ મૂકી હતી, જેના ઉપર ગવર્નર જનરલ સાહેબ તથા તેમનાં બાનુ બેસવાનાં હતાં. સામે જાદુગરે એક લાંબો પડદો નાખ્યો હતો અને તેની અંદર બધી ગોઠવણ તેણે ઝડપથી કરી લીધી હતી.
બધા મહેમાનોમાંથી એક ઓળખીતી સ્ત્રી સાથે જઈને મેં મારી જગા લીધી. ગવર્નર સાહેબ તથા તેમનાં બાનુ પણ આવીને બેસી ગયાં. તેમનાથી સહજ દૂર તેમનો એક ગોરો અને હિંદી અંગરક્ષક ઊભા રહ્યા અને જાદુગરે કાળો પડદો ખસેડી નાખ્યો. અમે સહુએ તાળીઓ પાડી તેને આવકાર આપ્યો. જાદુગર બહુ વિવેકથી નમ્યો.
તેણે અને તેના સાગરીતોએ ધીમે ધીમે જોનારને હેરત પમાડે એવા હાથ ચાલાકીના ખેલ કરવા માંડ્યા. એક વસ્તુની દસ બનાવી દેવી, ચીજો અણધારી રીતે ગુમ કરવી અને કલ્પનામાં પણ ન આવે એવા સ્થાનમાંથી તે કાઢવી, વગેરે ઘણી હસ્તપલ્લવી તેમણે કરી બતાવી. એ સઘળી યુક્તિઓ તદ્દન નવી હતી. મેં સામાન્ય જાદુગરો ઘણા જોયા હતા, પરંતુ તેમની પાસેથી કદી ન જોયેલા પ્રકારો આ જાદુગરે બતાવ્યા. તેનું હસતું મુખ, આંજી નાખે એવી કાળી ચમકતી આંખો, સહજ ગર્વભર્યો આત્મવિશ્વાસ, કામ કરવાની સરળતા અને કુશળતા, મોહક વાચાળતા, એ સર્વ ગુણોને લઈને તે જાદુગર ઘણો જ આકર્ષક લાગતો હતો. સ્ત્રીઓ તો લગભગ તેની પાછળ ઘેલી જેવી થઈ ગઈ. મને આ બધું ગમ્યુ નહિ. એક ભિખારીની પંક્તિના કાળા જાદુગરની સામે આશ્ચર્યથી જોઈ તેને શાબાશીથી વધાવ્યા કરવો એ તેનો વિજય ધ્વજ અમે ફરકાવતા હોઈએ એમ મને લાગ્યું.
જાદુગર વચમાં વચમાં જણાવતો કે તેની યુક્તિઓ કોઈને પકડાઈ આવે તો તે જેણે તેણે ખુશીથી બતાવવી. કોઈને અંગત તપાસ કરી તેનું રહસ્ય ઉઘાડું પાડવું હોય તોપણ તેને કશી હરકત નહોતી અને જે યુક્તિઓ તે પોતાના અગર સાગરીતોના અંગ ઉપર કરતો હતો, તે જોનાર ગૃહસ્થોમાંથી ગમે તેના ઉપર કરવાને તે તૈયાર હતો. પોતે પકડાવાનો ડોળ કરતો અને અચાનક પ્રસંગને જુદો જ પલટો આપી તેને પકડવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ મહેમાનને તે છોભીલો પાડી દે તો. બધાને ઘણી ગમત પડી. સ્ત્રીઓ તો હસવાને તૈયાર જ હતી. કોઈ ગંભીર દેખાતા પુરુષને અત્યંત માન ભરેલી રીતે જાદુગર કફોડી સ્થિતિમાં મૂકી દેતો ત્યારે સહુ કોઈ ખડખડાટ હસતાં હતાં.
આ જાદુગરો ઘણાં ચાલાક હોય છે તે હું જાણતો હતો, મનુષ્ય સ્વભાવને સારી રીતે પારખનારા હોય છે તેની પણ મને ખબર હતી. પરંતુ આ સર્વ આનંદમાં આવી ગયેલી મંડળીમાંથી હું જ ફક્ત તેની અસર નીચે નહોતો આવી ગયો એમ તેણે પારખી લીધું ત્યારે તો હું તેની મન પારખવાની શક્તિથી હેરત પામી ગયો. તેણે મને ઉદ્દેશીને પૂછ્યું :
‘આપે તો મને જોયો હશે એમ લાગે છે !’
મેં કહ્યું : ‘મને બરાબર યાદ નથી. પણ મેં ઘણા જાદુગરો જોયા છે.’
‘માટે જ આપને મારી યુક્તિઓમાં જોઈએ તેટલો રસ પડતો નહિ હોય.’ જરા રહી પાછું તેણે કહ્યું : ‘આ સઘળા ખેલો તો આપે જોયા જ હશે!'
મારે કબૂલ કરવું જોઈએ કે મેં આમાંનો એક પણ ખેલ નહોતો જોયો. મેં જોયેલા જાદુગરોના ખેલો કરતાં નિઃસંશય આ જાદુગરના ખેલ તદ્દન નવીન, અપૂર્વ અને વિસ્મયકારક હતા. છતાં હું તેને નમતું આપવા માટે તૈયાર નહોતો.
‘આ જ ખેલ નહિ તો આવા અને આને મળતા ઘણા ખેલો મેં જોયા છે.'
સર્વ મહેમાનોનું ધ્યાન મારા તરફ ખેંચાયું.
‘ઘણા તો નહિ.’ જાદુગરે સામો જવાબ આપ્યો, ‘પણ હા, મારા કોઈ કોઈ શિષ્યોને હું મારા ખેલો બતાવું છું, તેમાંથી કોઈક આવો ભાસ આપે એવો ખેલ કદાચ આપે જોયો હોય. પણ હવે દુનિયાભરમાં કોઈએ ન જોયેલી સફાઈ હું આપને બતાવું તો ?'
જાદુગરના ખેલોને ચકિત ન થઈ જવાનો જાણે મેં નિશ્ચય કર્યો હોય તેમ આછા તિરસ્કારપૂર્વક હસીને મેં તેને જણાવ્યું :
‘એવી સફાઈ બતાવશો તો હું ખુશાલીની તાળી પાડીશ.’
જરા પણ લેવાઈ ગયા સિવાય તદ્દન હસતે મુખે તેણે કહ્યું :
‘જી હા ! હું તાળીનો જ ભૂખ્યો છું. સહુએ તે આપી છે, પરંતુ આપે મને તાળી આપવામાં જબરી કંજૂસાઈ બતાવી છે. માટે જ હું આપની એક તાળીની કિંમત એક લાખ રૂપિયા જેટલી સમજીશ. પણ ખરેખરા ખુશ થાઓ તો સાચા દિલથી શાબાશી આપજો.’
આટલી વાતચીત મારી સાથે કરી તેણે સઘળા જોનારાઓને ઉદ્દેશીને કહ્યું :
‘કદરદાન નામવરો ! આપ બહુ જ બારીકીથી મને જોજો. આપ સઘળી સાવધાની રાખજો. જેટલી ખબરદારી આપનાથી રખાય એટલી રાખજો. હું આપને એવી કરામતો હવે બતાવવા માગું છું કે જેનો આપને સ્વપ્નમાં પણ ખ્યાલ થયો નહિ હોય. આપે મને તપાસવો હોય તો તપાસી લો. હું જે ખેલ બતાવીશ તેની અને એ સઘળી ચીજો વચ્ચે તેમ જ મારી વચ્ચે કાંઈ પણ સંબંધ નથી એમ હું કહું છું. આપ તેની ખાતરી કરો. પછીથી ન કહેશો કે જાદુગરે જુઠાણું ચલાવ્યું.’
મને સંબોધી. તેણે કહ્યું :
‘સાહેબ ! આપ જ આ બધું તપાસો.'
મેં કહ્યું : ‘હું એકલો નહિ.’ ‘જેને તપાસવું હોય તે તપાસો, એક કમિટી નીમશો તો પણ ચાલશે !’
બે-ચાર ઉત્સાહી સ્ત્રીપુરુષોએ જાદુગરનાં બધાં ખીસાં તપાસ્યાં, આજુબાજુની જગા તપાસી, પડદા પાછળ પણ જોયું, નાની નાની પરચૂરણ ચીજો, પાંચ-સાત આના અને એવી નજીવી ચીજો જોવામાં આવી. તેણે કરવા ધારેલા અપૂર્વ ખેલો આ ચીજોમાંથી શી રીતે ઉપસ્થિત થશે તે અમે સમજી શક્યા નહિ.
તેણે વિનંતી સાથે નામદાર ગવર્નર સાહેબની બેઠક પાછળ કેટલેક દૂર એક નાનો કાળો પડદો બાંધવાની જરૂરિયાત જણાવી. મારી પાસે બેઠેલી અજાયબીમાં ગરકાવ થઈ ગયેલી સ્ત્રીએ મને પૂછ્યું :
‘ત્યાં શું દેખાડશે ?’
મેં કરડાકીમાં કહ્યું :
'જહાનમ'
જાદુગરે તે સાંભળ્યું અને હસીને કહ્યું :
‘ના જી, બેહિશ્ત બતાવીશ, એક સ્વર્ગીય નાચ બતાવીશ.’
ગવર્નરની બેઠક પાછળ કાળો પડદો બાંધવાની તેને રજા મળી. તેના બે માણસોએ કાળો પડદો બાંધવાની તજવીજ શરૂ કરી અને આ બાજુ જાદુગરે પોતાના બીજા ખેલ બતાવવા શરૂ કર્યા.
‘સાહેબ ! હિંદુસ્તાનના નાગ ઘણા સુંદર હોય છે.' એટલું બોલી તેણે એક મૌવર હાથમાં લીધું અને પાંચેક ક્ષણ અતિશય મધુર નાદથી તેણે તેમાં સૂર પૂર્યા. આ ગ્રામ્ય વાજિંત્રમાંથી આવી મીઠાશ નીકળી શકતી હશે એમ ભાગ્યે જ કોઈએ ધાર્યું હશે. સહુ કોઈ નાદમાં લીન બની ગયાં.
અચાનક તેણે મૌવર બંધ કર્યું અને હસતે મુખે ધીમેથી તે બોલી રહ્યો :
'જુઓ જુઓ ! સ્લિમાનસાહેબના માથા પર નાગ છત્ર ધરે !’
સહુ કોઈએ ચમકીને મારા તરફ જોયું. તે પહેલાં હું જાતે ચમકી ઊઠ્યો. હતો. એક ભયંકર કાળો નાગ મારી ખુરશી ઉપર વીંટળાઈ મારે માથે ફણા ધરી ઊભો રહ્યો હતો. જાદુગર મારી પાસે જ હતો.
નાગથી યુરોપિયનો ઘણા જ બીએ છે. મારે માથે ઝેરી કાળા નાગની પ્રાણઘાતક ફણા ફેલાયેલી જોઈ સ્ત્રીઓ અવાચક બની ગઈ અને પુરુષો પણ થરથરી ગયા. અમને બધાંને ડર લાગશે જ એવી જાણે ખાતરી રાખી હોય એમ સ્થિર પણ સહજ હસતું મુખ રાખી જાદુગર ઊભો હતો. શાંતિથી તેણે જણાવ્યું :
‘નાગનું છત્ર જેને માથે ધરાય તે મનુષ્ય અમારે ત્યાં ભાગ્યશાળી ગણાય છે. ભગવાન બુદ્ધની ધ્યાનાવસ્થામાં નાગ આવી તેમના દેહનું સૂર્યના તાપથી રક્ષણ કરતો. કૃષ્ણચંદ્રને મથુરાથી ગોકુળ જવું પડ્યું ત્યારે ઝરમર ઝરમર વરસતા મેઘથી તેમના સુંદર શરીરને રક્ષવા માટે નાગે છત્ર ધર્યું હતું. અમારા શેષશાયી ભગવાન તો નાગ ઉપર પોઢે છે અને હજાર ફણાવાળા શેષ તેમને પોતાની ફણાનું છત્ર ધરાવે છે.
આમ કહી તેણે બહુ જ પ્રેમથી નાગને મારી પાસેથી લઈ લીધો અને પોતાને ગળે એ ભયંકર પ્રાણીને વગર બીકે ભેરવ્યું. પૂર્વદેશોના વિચિત્ર દેખાવવાળા જાદુગરોની ભય પમાડતી ગહનતામાં આ નાગની માળા વધારો કરતી હતી. તેણે ફરી બોલવાનું શરૂ કર્યું :
‘આા નાગની કાળાશ કેટલી સુંદર છે ! તેમાં કેટલી ભભક ભરી છે ! આપ જરૂર માનજો કે રંગને અને સૌંદર્યને કશો જ સંબંધ નથી. કાળા દેહ નીચે સૌંદર્ય વસી શકે છે; ગોરી ચામડી સાથે કદરૂપાપણું પણ ઘણું હોય છે. નામદાર સાહેબ ! એ રંગભેદ ભુલાશે તો ઝેરભર્યો કાળો નાગ પણ આપણી છત્રછાયા કરશે. અને એ રંગભેદની દૃષ્ટિ કાયમ રહેશે તો નાગને હજાર ફણા ઊગશે, એટલું જ નહિ, તેમની જીભેજીભમાંથી ઝેર ટપકશે, તેની આંખમાંથી અગ્નિ વરસશે, અને કદી ન છૂટે એવી ચૂડમાં ભેરવી તેને છેડનારના પ્રાણ હરશે. આ છત્ર બનેલી ફેણમાં કેટલું બળ રહેલું છે ? જુઓ !’ એમ કહી તેણે ગળે ભેરવેલા નાગને જમીન ઉપર મૂકી તેના ઉપર એક ટકોરો માર્યો. શાંત અને સુંદર દેખાતા નાગે એકદમ ફણા ઊંચી કરી, વીજળીની રેખાઓ સરખી જીભ ફરકાવી, અને એ જ ફણા વડે ભયાનક ફુત્કાર કરી જાદુગરના હાથ ઉપર ધસારો કરી તેના હાથ ઉપર રાખેલા વાજિંત્રને નીચે ગબડાવી પાડ્યું.
‘સાહેબો ! આ નાગમાં અતુલ બળ છે. તેનું જીવન ઘણું લાંબું છે. અમારાં શાસ્ત્રો તો આખી સૃષ્ટિનો ભાર નાગ ઉપર ઝિલાયાનું કહે છે. તેને અનંતની ભાવના સમર્પે છે. તે સહજ ફરકે તો ધરતીકંપ થાય, જવાલામુખી ફાટી નીકળે અને પ્રલયનાં પૂર ફરી વળે. નાગને અમે દેવ માનીએ છીએ, તેને પ્રસન્ન રાખવા અમે વ્રત કરીએ છીએ, ભૂખ્યા રહીએ છીએ, તેની પ્રાર્થના કરીએ છીએ. મહેરબાન ! નાગને ખુશ રાખો, તેને દૂધ પાઓ, તેને સંગીતથી રીઝવો. તેની પાસે વાંસળીનાં મધુર નાદ ઉચ્ચારો એટલે નાગ ડોલશે, હસશે, ઝેર સમેટી લેશે અને તમારું છત્ર બની તાપ તડકો કે વરસાદથી તમારું રક્ષણ કરશે. હિંદની કાળી પ્રજાનો દેવ નાગ છે એ ભૂલશો નહિ.’
તેની બોલવાની ઢબ ઘણી છટાદાર અને અસરકારક હતી. નાગના રૂપક નીચે તે અમો અંગ્રેજોને ઉદ્દેશી હિંદની કાળી પ્રજા સાથે કેવો સંબંધ રાખવો તેનો બોધ કરતો હોય એમ મને લાગ્યું. હિંદવાસીઓ વાતે વાતે તત્ત્વજ્ઞાની બની જાય છે. જાદુગરની રમતમાં પણ આમ તત્ત્વજ્ઞાન તરી આવ્યું જોઈ અમે બધાં આશ્ચર્ય પામ્યાં.
‘જુઓ, જુઓ !’ કહીને જાદુગરે ચારપાંચ જગાએ આંગળી દેખાડી અને ત્યાં બેઠેલાં સ્ત્રીપુરુષોની ખુરશીઓ ઉપર પાંચ-છ નાગ એકસાથે નીકળતા દેખાયા. બેઠેલાં માણસોમાં ખળભળાટ થઈ રહ્યો. કેટલાક માણસો ઊભા થઈ ગયા અને નાદથી બચી શકાશે કે કેમ તેમનો વિચાર કર્યા વગર દોડવા લાગ્યા. જાદુગર આ ગભરાટ જોઈ હસી પડ્યો.
‘નહિ નહિ, સાહેબો ! એ નાગથી ડરશો નહિ. આપ હાથમાં લઈને તેમને રમાડો, ગળામાં તેની માળા કરીને ભેરવો.'
પરંતુ નાગ સાથે રમત કરવાની કોઈની પણ હિંમત ચાલી નહિ. એટલે જાદુગરે પોતાનું મૌવર વગાડવા માંડ્યું. તેના મધુર નાદથી જેટલા સર્પ હતા તેટલા ધીમે ધીમે જાદુગરની પાસે આવી તેના પગ ઉપર, હાથ ઉપર, ગળાની આસપાસ એમ વીંટળાઈ વળ્યા. મૌવરનો મધુર નાદ જેમ સાપને ડોલાવતો હતો, તેમ તંબુમાં બેઠેલાં સર્વને ડોલાવતો હતો. સંગીત સર્વદા, મધુર છે, સમજાય અગર ન સમજાય છતાં સુરની મીઠી મોહક ગૂંથણી માનવહૃદયને જડતાથી પર લઈ જાય છે. મૌવરમાં ડોલાવવાની શક્તિ હતી, ઘેનમાં નાખવાની શક્તિ હતી. દ્રાક્ષનો શરબત હોય, તેમાં આછો ઊંઘની લહેર પ્રેરતો નશો હોય, અને તે પીતાં જેવી અસર થાય તેવી અસર મૌવરના નાદમાં હતી. જાદુગર પોતાના મૌવરને ઓળખતો હતો, તેની શક્તિ પિછાનતો હતો. ધીમે ધીમે મદિરા પાઈ તે મસ્ત બનાવતો. સાકી મદિરા પીનારની વધતી જતી પરવશતા બરાબર સમજી શકે છે. તે પ્રમાણે જાદુગરે સંગીતની મીઠી અસર નીચે ભાન ભૂલતાં સ્ત્રીપુરુષોની સ્થિતિ બરાબર સમજતો હતો. માત્ર મારા મનમાં શંકા રહ્યા કરતી હતી. આ તે ખરેખર જાદુગર છે કે જાદુગરના વેશમાં નીચે કાંઈ છળ ચાલી રહ્યો છે ? સંગીતમાં મુગ્ધ થયા છતાં હું મને પોતાને જાગતો માનતો હતો. અચાનક સંગીત બંધ થયું. નાગ અલોપ થઈ ગયા. અને જાદુગરે પોતાના આગળનો એક કાળો પડદો ઉઘાડ્યો. પડદો ઊઘડતાં જ કાંઈ અજબ ખુશબો પ્રસરી રહી અને જાદુગરે મીઠું હાસ્ય કર્યું. તેના હાસ્ય નીચે મને કોઈ અતિશય સૌન્દર્યવાન પુરુષનો ભાસ થયો અને જાણે કોઈક વખત નિહાળી હોય એવી કેટલીક રેખાઓ તેના મુખ ઉપર ઘેરાતી મારી નજરે પડી.
ફરી એકાએક સંગીત શરૂ થયું. કોઈ સારંગી છૂપી રીતે વાગતી હોય એવો ભાસ થયો. સારંગીની સાથે તબલાંનો ધીમો ઠેકો શરૂ થયો અને આ નવીન સંગીતના રણકારમાં આખું વાતાવરણ નાચી રહ્યું. વળી કાંઈ ઘૂઘરીનો છમકાર થતો સંભળાયો અને અમારી આંખ સામે કોઈક અલૌકિક સૌન્દર્યવતી સુંદર અધ્ધર આકાશમાં નૃત્ય કરતી હોય એવો દેખાવ જણાયો.
આ જાદુ અવનવો હતો. સ્વર્ગીય નાચ બતાવીશ એમ પેલા જાદુગરે ટીકાના જવાબમાં જણાવ્યું હતું તે તેણે ખરું પાડ્યું અને જોનારાઓની નવાઈનો પાર રહ્યો નહિ. સાથે કોઈક આકર્ષક ખુશબો ફેલાઈ રહી. સુંદર સંગીત, લાવણ્યમય સુંદરીનો નાચ અને મીઠા પરિમલના સંયોગથી વાતાવરણ અલૌકિક બની ગયું. જાણે પૃથ્વીથી પર વસેલા કોઈ દિવ્ય પ્રદેશનો અનુભવ અમે લેતાં ન હોઈએ !
પેલી સુંદરીનો નાચ અત્યંત મનોહર હતો. તેના નાચમાં નાગની ભાવના પ્રધાનપણે આકાર પામી રહી હતી. નાગનું હલનચલન, નાગનું ડોલન, નાગનું ચઢવું, નાગનું ઊતરવું, નાગનું ડસવું, તેના ઝેરની અસર વગેરે દેખાવોની પરંપરા તે સ્ત્રી અભિનયમાં ઉતારતી હતી. તેની પોતાની આાંખો પણ નાગના જેવી ચળકતી હતી અને બંને હાથની આંગળીઓ ઉપર પહેરેલી હીરાની વીંટીઓથી હાથને તે નાગનું મૂર્ત સ્વરૂપ સહેલાઈથી આપી શકતી હતી. નાગના ઝેરની અસરનો અભિનય તેણે કર્યો ત્યારે સહુ જોનારને તેણે લગભગ મૂર્છિત કરી નાખ્યાં. સહુને જાણે ઝેર ચઢ્યું હોય એવો ભાસ થયો. ગળે શોષ પડવાનો દેખાવ તેણે કર્યો ત્યારે તો ત્યાં બેઠેલી સઘળી સ્ત્રીઓને પોતાને ગળે હાથ ફેરવતી મેં નિહાળી ! વળી તેણે શંકરનો દેખાવ બતાવ્યો અને એ ભયંકર દેવના ગળામાં નાગની માળાઓનો શણગાર સજાવ્યો ત્યારે સર્વ જોનાર પોતપોતાના કંઠ તપાસવા લાગ્યા. સહુ કોઈ સ્વપ્નમાં હોય એમ લાગતું.
મને નવાઈ લાગી કે આ નાચ આ સ્થળે કેવી રીતે થઈ શક્યો ! મેં મારા મનનું સમાધાન કર્યું કે પેલો કાળો પડદો બાંધેલો હતો તેમાં કોઈ સ્ત્રી નાચતી હશે, અને મોટા આયના દ્વારા તેનાં પ્રતિબિંબ પાડી છેક અમારી સામે નૃત્ય થતું હોય એવી ઈંદ્રજાળ જાદુગરે ઊભી કરી હશે.
હું પણ આ નાચમાં એવો ગુલતાન બન્યો હતો કે જાદુગરનો જાદુ સમજવા મેં બહુ પ્રયત્ન કર્યો જ નહિ. સહુની સાથે મેં પણ નાચનો આનંદ અનુભવ્યો.
છેવટે નૃત્ય બંધ થયું, સંગીત સમાઈ ગયું અને પરિમલ ઓછો થઈ ગયો. જાદુગર બધા વચ્ચે પાછો દેખાયો. કેટલાંક સુંદર સ્ત્રીપુરુષો જોઈને આપણને એવો જ ખ્યાલ આવે છે કે આપણે તેમને કોઈક વખત જોયાં છે. કોઈક મુખરેખા, આંખોનો કોઈક ચાળો, સ્મિતનો કોઈક ઇશારો આપણી કલ્પનાને ઝણઝણાવી મૂકે છે, અને આપણે એ જોયેલાં સ્વરૂપવાન માનવીઓમાં તેમની સરખામણી ખોળવા આપણને પ્રેરે છે. હું એ માનસિક ક્રિયામાં ગૂંથાઈ ગયો હતો. મને કેટલીક વારે સમજ પડી, તે નાચનાર સ્ત્રી તથા જાદુગર એ બંનેને મેં ક્યાંય જોયાં હોય એવો મને ભાસ થયો. એ નહિ તો એમને મળતાં માણસો જોયાની ખાતરી થતી હતી; પરંતુ સ્પષ્ટપણે મને કાંઈ સમજાયું નહિ.
જાદુગરને સહુએ તાળીઓથી વધાવી લીધો. આ વખતે મેં પણ તાળી પાડી. મને તાળી પાડતો જોઈ જાદુગર ઘણો જ ખુશ થયો હોય એમ લાગ્યું. વખત થઈ ગયો હોવાથી પોતાનો ખેલ બંધ કરવાની તેણે જાહેરાત આપી. સહુ કોઈએ તેને શાબાશી આપી. તેની આજુબાજુ બધાં વીંટળાઈ વળ્યાં. અને તેનું નામઠામ પૂછવા લાગ્યાં. કેટલીક સ્ત્રીઓએ તો તેને પોતાને બંગલે આવવાનું આમંત્રણ પણ આપ્યું. સહુની વચ્ચે સ્મિત કરતો જાદુગર જેને તેને યોગ્ય જવાબ આપતો હતો. જાણે તેણે કોઈ ભારે વિજય મેળવ્યો હોય એમ તેને અતિશય ચઢાવી મૂકવાની આ રીતથી મને કંટાળો આવ્યો. ગમે તેવો તોપણ એ એક જાદુગર ! અને તેને રાજકર્તા કોમનાં સ્ત્રીપુરુષો આટલું મહત્ત્વ આપે એ મારાથી સહેવાયું નહિ.
ખાણાની તૈયારી થઈ ગઈ હતી, એટલે તે બાજુએ સહુ કોઈને વાળવામાં આવ્યાં. જાદુગરને ઇનામ આપવા ગવર્નર સાહેબના સેક્રેટરી તજવીજ કરવા લાગ્યા, જેની જાદુગરે ચોખ્ખી ના પાડી.
‘હજૂરની પાસેથી ઇનામ માગવા મેં ખેલ કર્યા નથી. હું પૈસાનો ભૂખ્યો નથી. મારી કદર કરી આપે મારી કારીગરી જોઈ એ ઇનામ મને બસ છે.'
આમ કહી જાદુગરે રજા લેવા માંડી. ફરી આવતી કાલે ગવર્નર સાહેબને મળી જવા તેને આગ્રહ કર્યો, જેની તેણે હા પાડી. તંબુ બહાર સૌ કોઈ નીકળ્યાં. જાદુગરે જોતજોતામાં પોતાનો સરસામાન આટોપી રવાના કીધો. જતે જતે તેણે મને દીઠો, અને તે મારી પાસે આવ્યો.
‘સાહેબ ! આપને ક્યાંય જોયા હોય એમ લાગે છે.' મારી સાથે વગર બોલાવ્યે એક જાદુગર આવી છૂટથી વાતચીત કરે એ મને રુચ્યું નહિ. મેં 'જોયો હશે.' એટલા જ શબ્દોમાં તેને જવાબ આપ્યો.
‘હું આપને ફરી મળીશ.' આટલું બોલી અત્યંત ત્વરાથી જાદુગર ત્યાંથી ચાલતો થયો.
ખાણા માટે ગોઠવાયેલા મેજ આગળ આવતાં જ મને લાગ્યું કે કાંઈ વિચિત્ર બનાવ બન્યો છે. સહુના મુખ ઊતરી ગયાં લાગતાં હતાં. નામદાર સાહેબ અને તેમના બાનુ સહુ કોઈને હસતે મુખે આવકાર આપતાં હતાં, તેમનાં હસતાં મુખ પાછળ કોઈ દિલગીરી ઢંકાયેલી જણાઈ.
મેં મારી સાથે ખાણા ઉપર બેઠેલી બાઈને આનું કારણ પૂછયું. તેણે જણાવ્યું :
‘નામદાર સાહેબનાં પત્નીનાં ગળામાંથી એક અમૂલ્ય મોતીનો કંઠો હાલ જ ચોરાઈ ગયો છે !’