ઠગ/ઠગની બડાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આઝાદની સોબત ઠગ
ઠગની બડાઈ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
લૂંટાતો સંઘ →


૧૭
 
ઠગની બડાઈ
 


ગંભીરે જણાવ્યું કે આયેશાનો સંદેશો લઈ તેના ભાઈની પાસે પોતે જતો હતો. આઝાદે મને આ રસ્તે દોર્યો હતો. એવું ગંભીર જાણતો નહોતો. પેલા મંદિર પાસે બેઠેલા માણસે તો અમે જુદે રસ્તે ગયા હતા એવી માહિતી આપી હતી. એટલે આઝાદની પાછળ જવાનો તેણે વિચાર પણ નહોતો. કર્યો. અને વળી વધારામાં તેણે જણાવ્યું :

'આપ સરખા મોટા માણસની પાછળ પડનાર હું કોણ ?’

ગંભીરની આ બધી હકીકત જેમ મને ખરી ન લાગી. તેમ આઝાદને પણ ન જ લાગી. છતાં આવો બચાવ તેણે કર્યો, એ વિરુદ્ધ કાંઈ કહેવાય એમ નહોતું. એટલે આઝાદે રીસથી ઉત્તર આપ્યો : ‘તું કોણ ? તું તો સમરસિંહનો ખાસ અંગત માણસ. અને સમરસિંહ તો તારા મનથી મારા કરતાં પણ મોટો છે.'

‘ના, જી, મારે મન તો આપ સઘળા સરખા છો. જેનો હુકમ હોય તેનો માથે ચડાવું.’ ગંભીરે કહ્યું.

આ કથન તે માનતો ન હોય એમ આઝાદ ખોટું હસ્યો. થોડી વાર રહી. તેણે પૂછ્યું :

‘આયેશાનો શો સંદેશો ?’

'તે તો હું નથી જાણતો. આ ચિઠ્ઠીમાં જે તે લખેલું છે. મારે તો તે ખાનસાહેબને પહોંચાડવી છે એટલું જ જાણું.’

‘લાવ ચિઠ્ઠી.’ આઝાદે કહ્યું.

‘એ આપને આપવાની નથી.’

‘હું ખાનસાહેબને પહોંચાડીશ. તું પાછો જા.’

‘મારે હાથે જ એ ચિઠ્ઠી આપવી એવો જ હુકમ છે.’

‘હું કહું છું. પછી તે ઉપર બીજો હુકમ કોનો ? ડહાપણ કર્યા વગર એ ચિઠ્ઠી આપી દે.’ આઝાદે મોટેથી કહ્યું.

ગંભીર જરા હસ્યો. તેનો પ્રચંડ કાળો દેહ તેના હાસ્યથી વધારે વિકરાળ બનતો લાગ્યો. મને આશ્ચર્ય લાગ્યું કે તુલસી જેવી વિવેકી અને સરળ સ્ત્રીનો આ ગંભીર પતિ હોય તો તેમને કેમ બનતું હશે ? જરા પણ ગભરાટનું ચિહ્ન ગંભીરના મુખ ઉપર જણાયું નહિ, અને તેણે જવાબ આપ્યો : ‘એમ. ચિઠ્ઠી ન અપાય.'

‘એમ ન અપાય, તો જો તને બતાવું છું કે કેમ અપાય ?’ કહી આઝાદે ઝડપથી પોતાની તલવાર ખેંચી ગંભીર ઉપર ઉપાડી. ગંભીર સ્વસ્થ ઊભો હતો. આઝાદના ક્રોધની જેટલી તેણે દરકાર કરી હતી. એટલી જ દરકાર તેણે તેની તલવારની પણ કરી. આ ઠગ લોકોની સ્વસ્થતા જોઈ હું ચકિત થયો, ચળકતી નાગણ સરખી તલવાર નીચે પણ આ લોકોનાં મુખ સંકોચાતાં નથી એ તેમનો દેહ અને મન ઉપરનો કાબૂ અદ્ભુત હતો.

હું વચ્ચે પડ્યો. આઝાદને મેં ઘા કરતાં રોક્યો અને ગંભીરને સમજાવ્યો કે તેણે આઝાદ જેવા તેમના આગેવાનથી કાંઈ છૂપું રાખવું ન જોઈએ. છેવટે કાંઈ નહિ તો મને તો તેણે ચિઠ્ઠી આપવી જ જોઈએ. જો આયેશાને હરકત થાય એવી કંઈ હકીકત હશે તો હું આઝાદને નહિ જણાવું એવી મેં ગંભીરને ખાતરી આપી.

છેવટે ગંભીર મને ચિઠ્ઠી વંચાવવા કબૂલ થયો. મને હિંદી તથા ઉર્દૂ ભાષા લખતાં વાંચતાં સાધારણ આવડતી હતી. હિંદુસ્તાનમાં આવનાર અંગ્રેજોને એ બંને ભાષા જાણ્યા વગર ચાલે જ નહિ. તેની ક્રૂર આંખ ઝીણી કરી ગંભીરે પોતાના પહેરણમાં ક્યાંક છુપાવેલી એક ચિઠ્ઠી બહાર કાઢી મને વાંચવા આપી.

ચિઠ્ઠી વાંચતાં મને સમજાયું કે એક સંઘ જાત્રાએ જતો હતો. તેને લૂંટવા માટે ખાનસાહેબને સૂચના કરેલી હતી. મને ઠગ લોકોનું ઠગપણું હવે સમજાયું, અત્યાર સુધી તેમના અંદર અંદરના કાવાદાવા સમજવામાં હું રોકાયો હતો. હવે મને તેમના ખરા ધંધાનો પ્રસંગ વિચારવા મળ્યો. વાંચીને મેં ગંભીરને પૂછ્યું કે આમાં આઝાદને ન જણાવવા જેવું શું હતું ? ગંભીરે તે વાત મારી મુનસફી ઉપર છોડી અને યોગ્ય લાગે તો ચિઠ્ઠી આઝાદને વંચાવવા જણાવ્યું.

મેં એ ચિઠ્ઠી આઝાદના હાથમાં મૂકી ગંભીરના સામું જોયું. ગંભીરનું મુખ સહેજ મલક્યું. જાણે આ ચિઠ્ઠી આપી તે આઝાદને છેતરતો હોય એમ તેના મુખ ઉપરથી સહજ ખ્યાલ થયો. લખાણ ઉપર કોઈની સહી નહોતી. ચિઠ્ઠી વાંચી આઝાદનું મોં કટાણું થયું.

‘ઓહો ! આ જ ચિઠ્ઠી માટે તું આટલી હુજ્જત કરતો હતો કે ? એ તો હું ક્યારનો જાણું છું અને ખાનસાહેબ પણ જાણે છે. તારા પહેલાં મેં આ ખબર ખાનસાહેબને પહોંચાડ્યા છે. ઠીક, ચિઠ્ઠી લઈ જવી હોય તો લઈ જા.'

ગંભીરે જણાવ્યું : ‘જ્યારે ખાનસાહેબને આ સંઘ લૂંટવાના ખબર છે ત્યારે હવે ફરીથી ચિઠ્ઠી પહોંચાડી ખબર આપવાની જરૂર રહી નથી.'

‘તો પછી તારે જવું હોય તો જા. હું સાહેબને તેમની છાવણીમાં મૂકી આવું.’ આઝાદે ગંભીરને કહ્યું.

‘છાવણી કેટલી દૂર છે ?’ મેં પૂછ્યું.

‘એકાદ ગાઉ ઉપર. તમારી શોધખોળ માટે એકાદ લશ્કર આવ્યું છે, એમાં હું તમને મૂકી આવીશ.'આઝાદે જણાવ્યું.

‘તમે સંઘ ક્યારે લૂંટવાના છો ?' મેં આનાકાની વગર પૂછ્યું.

આઝાદ આ પ્રશ્ર સાંભળી હસ્યો.

‘તમારા લશ્કરની પડોશમાં જ આજે રાતે લૂંટવાના છીએ.'

'અમારું સૈન્ય પાસે છે ને ?’ મેં પૂછ્યું.

‘ઓહો ! તેની શી હરકત છે ?’ આઝાદે જણાવ્યું.

'ત્યારે તો તમારી પાસે માણસો વધારે હશે. તે વિના તમારાથી આટલી હિંમત થાય નહિ.' મેં જણાવ્યું.

‘નહિ, નહિ. માણસોની અમને દરકાર નથી. આપ હજી અમને પિછાનતા નથી.' આઝાદે જણાવ્યું. આ સંઘ લૂંટવો એ તો સહેલ છે; પરંતુ આપના તંબૂમાંથી આપના સૈન્ય વચ્ચે થઈને તમારા હાકેમના બાનુનાં ગળામાંથી મોતીનો હાર તોડી જવો હોય તો તે પણ અમને મુશ્કેલ નથી.’

મને લાગ્યું કે આઝાદ નાહક શેખી કરે છે. મેં તેને તે વાત જણાવી.

‘તમે ખોટી બડાઈ મારો છો.'

‘હું તમને આહ્વાન કરું છું.' આઝાદે જણાવ્યું. 'તમારા હાકેમ અહીં પાસે જ ફરે છે. તમે તેને ચેતવો. તમારા લશ્કરને ચેતવો. બધી સાવચેતી રાખો અને છતાં જે હું તેમના બાનુના ગળામાંથી હાર કાઢી ન જાઉં તો ઠગ, જન્મયો નહોતો એમ માનજો.'

‘તમે અમને ઓળખતા નથી.' મેં કહ્યું. 'તમારાથી ન બન્યું તો ?'

'તે જો ન બને તો હું ખ્રિસ્તી બનવા તૈયાર છું.'અભિમાનથી આઝાદે મૂછનો વળ ચડાવ્યો.

‘હું મારી છાવણીમાં જઈ ખબર કરીશ. સંઘને સાચવીશ, છતાં તમે તેને લૂંટશો ?' મેં પૂછ્યું. ‘જરૂર, આજે રાત્રે એ સંઘ લૂંટાવાનો જ.’ આઝાદે કહ્યું. ગંભીર ઊભો ઊભો બધું સાંભળતો હતો. મને ઇચ્છા થઈ કે આ લોકો કેવી રીતે લૂંટ કરે છે તે મારે જેવું જોઈએ. મેં તેના વૃત્તાંતો અને વર્ણનો સાંભળ્યાં હતાં, પરંતુ આ નજરે જોવાનો પ્રસંગ જતો કરવો મને ઠીક લાગ્યો નહિ. મેં કહ્યું :

‘તો હું અત્યારે છાવણીમાં નહિ જાઉં. કદાચ તમારી લૂંટમાં વિઘ્ન આવે તો તમે મને દોષ દેશો.'

‘એ ચિંતા તમે રાખશો જ નહિ.’ આઝાદે કહ્યું.

‘પરંતુ મારું મન માનતું નથી, અને આપણા આટલા સંબંધ પછી હું છાવણીમાં જઈ વાત કરું તો કૃતઘ્ની ઠરું. વાત ન કરું તો નિમકહરામ ઠરું. માટે તમો સંઘને લૂંટો ત્યાં સુધી હું તમારી સાથે જ રહીશ.’ મેં મારો નિશ્વય જણાવ્યો.

‘આખો દિવસ હરકતમાં ગાળવો પડશે.’ આઝાદે જણાવ્યું.

હું હરકત જરા પણ ગણતો નથી, એ વાત મેં દૃઢતાથી જણાવી છેવટે તેણે મને સાથે રહેવા હા પાડી. એક ઝાડની ઘટા નીચે જઈ ઘોડા ઉપરથી ઊતરી ઘાસિયા પાથરી અમે બેઠા અને રાતની રાહ જોવા લાગ્યા.

થોડી વાર સુધી આ નિર્જન પ્રદેશમાં કોઈ પણ મનુષ્ય જોવામાં આવ્યું નહિ. ઊડતાં પક્ષીઓના સહજ કિલકિલ અવાજ કે પાંખોના આાછા ફડફડાટ સિવાય સર્વત્ર નિ:શબ્દતા ફેલાયેલી હતી. કવચિત્ હરણનું ટોળું દૂરથી ચરતું અદૃશ્ય થઈ જતું.

એકાએક ક્ષિતિજમાંથી માનવીઓ ફૂટી નીકળતા હોય એમ લાગ્યું. વિચારમાંથી હું જાગૃત થયો અને સમજ્યો કે એ સંઘના માણસો આવતા હશે. ઠગ લોકોમાંથી તો માત્ર ગંભીર અને આઝાદ એ બે જણ મારી પાસે બેઠેલા હતા. મને વિચાર આવ્યો કે ઠગ લોકોની કોઈ જાતની તૈયારી જણાતી નથી અને તેઓ શી રીતે લૂંટ કરી શકશે ? બે જણાથી કાંઈ આખો સંઘ લૂંટાશે ?

મેં આઝાદને મારો વિચાર જણાવ્યો અને તે હસ્યો.

‘વખત આવ્યે બધું જોઈ લેવાશે.' આટલો જ માત્ર તેણે જવાબ આપ્યો. પરંતુ મારી ધારણા ખોટી પડી. પેલાં દેખાતાં માણસો સંઘનાં નહોતાં; તેઓ તો હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે ફરતા બાવાઓનું એક નાનું ટોળું હતું. તેમણે શરીરે રાખોડી ચોળી હતી. આખા શરીર ઉપર લંગોટી સિવાય બીજું વસ્ત્ર ન હતું. મજબૂત અને તાલીમબાજ લાગતાં તેમના કાળાં બદન ઉપર ભભરાવેલી રાખોડી તેમની વિચિત્રતામાં વધારો કરતી હતી. તેમને માથે જટા હતી, હાથમાં મોટામોટા ચીમટા હતા, અને જાણે પોતાની વિચિત્રતા તરફ જગતને આકર્ષતા હોય તેમ તે ચીમટાને વારંવાર ખખડાવ્યા કરતા હતા. દરેકને ખભે એક એક ઝોળી ભરાવેલી હતી.

આવા દસેક ખાખીઓ ધીમે પગલે ધીમે ધીમે અમારા તરફ આવતા હતા.

મને હસવું આવ્યું. મેં આઝાદને હસતે હસતે પૂછ્યું : ‘આ સંઘને લૂંટવાનો છે કે ?' આઝાદ હસ્યો, પણ તેણે મને જવાબ ન આપ્યો.

‘બહુ ભારે મિલકત મળે એમ લાગે છે. એમની ઝોળીઓ તો આપણે ત્રણ જણ પડાવી લઈએ એમ છે. લૂંટવાનું શરૂ કરો.’ મેં વધારે ટીકા કરી.

‘એ તો સાધુઓ છે. બિચારા ચાલ્યા જશે.’ આઝાદે જવાબ આપ્યો. પરંતુ એ સાધુઓની ત્યાંથી ચાલ્યા જવાની વૃત્તિ દેખાઈ નહિ. જે વૃક્ષ નીચે તેઓ બેઠા હતા તે ઘણું જ વિશાળ હતું. તેની ઘટામાં ઘણાં માણસો આશ્રય લઈ શકે એમ હતું. સાધુઓએ ‘અલખ'ની બૂમ મારી પોતાની ઝોળીઓ ઝાડ નીચે મૂકી, ચીપિયા ખખડાવ્યા અને બેઠા. એકબે બાવાઓ બાજુએ પડેલાં ડાળખાં, છોડિયાં, વગેરે વીણી લાવ્યા અને ચારપાંચ ધૂણીઓ કરી સાધુઓ તેને વીંટળાઈ વળી બેઠા. કેટલાકે ચલમો કાઢી અને તે પીવા લાગ્યા. એક સાધુએ ઝોળીમાંથી ‘શંખ’ કાઢી ફૂક્યો. શંખમાં એવો ઘોર અવાજ થયો કે આ એકાંત નિઃશબ્દ સ્થળમાં ચોમેર તેના પડઘા પડ્યા, અને શાંત વાતાવરણમાં અસ્થિરતા ફેલાઈ.

'આ પાપ વળી અહીં ક્યાં ચોંટ્યું ?' આઝાદ સહજ અકળાઈને બોલ્યો. ધીમે ધીમે સાધુઓએ ભોજનની તૈયારી કરવા માંડી. મોટા મોટા તવા ઉપર ઘઉંના લોટના રોટલા તેમણે બનાવવા માંડ્યા. અત્યાર સુધી તે સાધુની ટોળીએ અમારી હાજરીની દરકાર જ કરી ન હતી. અમે જાણે ત્યાં બેઠા ન જ હોઈએ એવી રીતે તેઓ પોતપોતાના કામમાં મશગૂલ હતા. પરંતુ થોડાક રોટલા તૈયાર થયા પછી સાધુઓમાંથી એક જણ અમારી પાસે આવ્યો અને અમને પ્રભુનો પ્રસાદ લેવા આગ્રહ કરવા માંડ્યા. ભોજનને તેઓ ઈશ્વરનો પ્રસાદ તરીકે ઓળખાવતા હતા.

આઝાદે છેવટે આગ્રહને વશ થઈ હા પાડી. પેલા સાધુએ બીજાને ભોજન લાવવા આજ્ઞા કરી અને તે અમારી પાસે બેઠો. સાધુની વાચાળતાનો પાર ન હતો. અનેક જાતની વાતો તેણે કરવા માંડી. આ બધો વખત ગંભીર વગર બોલ્ય બેસી રહ્યો હતો.

આઝાદે સાધુને પૂછ્યું :

‘તમે લોકો ક્યાં સુધી જવાના છો ?’

તેણે ઉત્તર આપ્યો :

‘બદરીકેદાર જવાના છીએ.'

ગંભીરનું મુખ સહજ મલક્યું. હું સમજી શક્યો નહિ કે આ ક્રૂર દેખાતા ઠગના મુખ ઉપર આનંદની ચમક કેવી રીતે આવી શકી.

દૂરથી ધૂળ ઊડતી દેખાઈ અને ઘંટીના ઝીણા નાદ કાને પડ્યા. સાધુ પોતાની વાચાળતા એક ક્ષણભર ભૂલી ગયો. આઝાદ પણ જરાક ટટાર થઈ બેઠો. એટલામાં થોડા રથ અને ગાડાં ધીમે ધીમે આવતાં દેખાયાં. કેટલાક રખેવાળ સરખા માણસો આગળ ચાલતા હતા.

મને લાગ્યું કે ઠગ લોકોની દાઢે ચડેલો સંઘ હવે આવે છે.

હથિયારબંધ પંદરેક માણસો એ સંઘની રક્ષા કરતા હતા. લગભગ સાઠેક માણસો રક્ષકો સિવાય એ કાફલામાં હતાં. તેમાં કેટલાંક બૈરાં તેમ જ છોકરાં હતાં, અને આનંદથી આખો સંઘ આગળ વધતો હતો. રથના બળદ શણગારેલા હતા અને ગળે બાંધેલ ઘૂઘરાથી આખા જંગલમાં અવાજ થઈ રહેતો હતો.

સાધુઓ પોતાની રસોઈ કર્યો જતા હતા. તેમણે આવતા સંઘ તરફ દૃષ્ટિ પણ ન કરી. માત્ર આઝાદ ગંભીર અને તેની સાથે વાત કરતા સાધુમાં અસાધારણ ચંચળતા આવી ગઈ. આગળ આવતા સંઘને લૂંટવા માટે તેમની પાસે કશું પણ સાધન ન હતું. પછી મને વિચાર આવ્યો કે આઝાદની બડાઈ પ્રમાણે તો ગમે તે સ્થાનેથી ઠગ લોકો નીકળી આવવા જોઈએ. એ ધોરણે આટલામાં છુપાઈ રહેલા ઠગ લોકો કદાચ બહાર નીકળી આવી સંઘને લૂંટશે.

દૂરથી અમને જોઈ સંઘના રખેવાળો ઊભા રહ્યા. બે ઘોડેસ્વારો હથિયારબંધ રક્ષકોમાં હતા. તેઓ ઘોડા દોડાવી આગળ આવ્યા. સાધુઓએ તેમની કાંઈ જ દરકાર ન કરી કે કાંઈ પૂછ્યું પણ નહિ.

‘અરે, આ જમાત ક્યાં જાય છે ?’ છેવટે એક ઘોડેસ્વારે પૂછ્યું. તેની સામું જોયા વગર એક સાધુએ ધીમેથી જવાબ દીધો :

'જહાનમમાં.'

જવાબ સાંભળી કેટલાક સાધુઓનાં મુખ મલક્યાં. છેવટે અમને બેઠેલા જોઈ પેલા સ્વાર નવાઈ પામ્યા અને તેમાં મારો પહેરવેશ અને ગોરી ચામડી જોઈ તેઓના આશ્વર્યનો પાર રહ્યો નહિ. ગોરી ચામડી હવે સત્તાની સાર્વભૌમપણાની નિશાની તરીકે લેખાવા લાગી હતી.

અમારી પાસે બેઠેલા સાધુએ બૂમ મારી : ‘શું છે, ભાઈ ! અમારી ખાખીઓની જમાત છે. અલખની ધૂન લગાવીએ છીએ. અને કાલ સવારે બદરીનારાયણ તરફ પગલાં ભરવાં માંડીશું.’

‘પાસે કોઈ ગામ છે ? પેલા રખેવાળે પૂછ્યું. ચલમ પીવામાં દસેક ક્ષણ વિતાવી પેલા સાધુએ કહ્યું : ‘ગામ તો દૂર છે. જતાં તમને મધરાત થશે. સંધ્યાકાળ તો પડી ગઈ છે.'

બંને રખવાળોના મોં ઉપર ઉદ્વેગ જણાયો. આઝાદે તેમને કહ્યું : ‘આ પાસે ગોરા લોકોનું લશ્કર છે, એકાદ ઘડીમાં પહોંચી જવાશે. તેની પાસે પડાવ નાખો. એટલે તમારો સંઘ સહીસલામત રહે.’

આઝાદનું કહેવું માનવાને તેમને પૂરતાં કારણો હતાં. મને તેમની સાથે જોયા પછી આઝાદ ખોટું કહે છે, એમ તેમને ખ્યાલ આવે એમ હતું નહિ. અને આઝાદનું કહેવું ખરું પણ હતું. ગોરા લશ્કરની ઓથમાં જરૂર સંઘને સહાય મળે.

‘તમે ક્યાં જાઓ છો ?' પેલા રખવાળે આઝાદને પૂછ્યું.

'આ સાહેબની સાથે શિકારે નીકળ્યો હતો. વચ્ચે આ મહાત્મા મળી ગયા. સાહેબની ઇચ્છા થઈ કે આ લોકોને ઓળખીએ અને તેમની સાથે વાત કરીએ, એટલે અહીં બેઠાં છીએ.' આઝાદે ખાતરી પડે એવી હકીકત કહી, અને તત્કાળ પેલા સાધુ સાથે વાતોમાં ગૂંથાઈ ગયો. રખેવાળોને વિશ્વાસ પડ્યો.