ઠગ/પ્રેમના ભણકાર
← આયેશા | ઠગ પ્રેમના ભણકાર રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
ભોંયરામાં → |
હું ઓરડીમાં હવે બરોબર પુરાયો. મારી મૂંઝવણ વધી. બહાર માણસો આવ્યાની પૂરી ખાતરી થાય એટલી ઘરમાં ધમાલ થતી હતી. મારી શી સ્થિતિ હોઈ શકે ? અહીંથી છૂટી જાઉં તોપણ હું મારી સરકારને શો જવાબ દઈશ ? વધારે વિચિત્રતા તો એ હતી કે હું ખરેખર હાર્યો છતાં મને બચાવવાનો ચોખ્ખો પ્રયત્ન થતો હતો. એવા પ્રયત્નનું કારણ ? વિચારમાં ને વિચારમાં મેં ઘણો સમય વિતાવ્યો. વળી મારે અહીંથી નાસવાની જરૂર પડે તો ? મારે ક્યાંથી નાસવું ? એ વિચાર આવતાં હું ઊભો થઈ ગયો અને ઓરડીમાં ચારેપાસ ફરવા લાગ્યો. બારી આછી ઉઘાડીને મેં બહાર પણ જોયું. નાસવાનો એક પણ માર્ગ મને જડ્યો નહિ.
બપોર થઈ ગયા. દુઃખમાંથી છૂટવાનો કાંઈ જ માર્ગ રહે નહિ ત્યારે મનુષ્યને દુઃખ સાથે દોસ્તી બંધાય છે તે એક પ્રકારની નિશ્ચિંત વૃત્તિ અનુભવે છે. નાસી છૂટવાની આશા છોડતાં હું સૂઈ ગયો. પણ હું જાગ્રત કેમ થયો ? અસ્પષ્ટ સ્વપ્ન આવ્યું હતું શું ? કે મારા જ... ઓરડાની જોડે કોઈ માણસો વાતો કરતા હતા. તે વાતોએ મને જાગ્રત કર્યો હતો ? મારું મન ઉશ્કેરાયું અને જ્યાં વાત ચાલતી હતી. ત્યાં આગળની ભીંતે કાન માંડી હું ઊભો રહ્યો.
‘આયેશા ! એક જ શરત છે - જો તારે બચવું હોય તો.' એક અવાજ આવ્યો.
‘હું મારા બચાવ માટે શરત કરતી જ નથી. અને મારો બચાવ ? મારા ઘરમાં કાંઈ પણ પૂછવાનો તમને અધિકાર નથી.’
આયેશાના અવાજ તરીકે એ સાદને મેં ઓળખ્યો.
‘તારું ઘર ?’ સામા માણસે પૂછ્યું.
‘અલબત્ત, મારું !' આયેશા બોલી.
‘જો આ રૂમાલ ! અને પછી કહે છે કે ઘર તારું છે.’
રૂમાલ શબ્દનો ઉચ્ચાર સાંભળી મારું શરીર આપોઆપ સંકેલાયું. એક રૂમાલ મારે ગળે વીંટાયો હતો. એવો જ રૂમાલ શું પેલા યુવકની પાસે હતો ? રૂમાલ એ ઠગ લોકોનું શું સંકેતચિહ્ન હશે ?
‘ભલે. તમને ખબર તો હશે કે ઉપભોગ કરવા હું ના પાડતી નથી. પરંતુ હું ઘરમાં શું કરું છું તે પૂછવાનો તમને હક્ક નથી.' આયેશાએ જણાવ્યું.
'તને ખબર તો હશે કે ભવાનીના અનુયાયીઓથી અરસપરસ વાત છૂપી રાખી શકાય નહિ. કાંઈ પણ છૂપું રાખવું એ પણ ગુનો છે. એ જ ગુના માટે ફરીદખાન અને ગુલાબસિંહનો ભવાનીને ભોગ અપાયો તે યાદ છે ને?'
હું કંપી ઊઠ્યો. આવી ક્રૂરતા ! શું આયેશાને મારે માટે આ સજા ભોગવવી પડશે ?'
‘પણ મારે છુપાવવાનું કાંઈ છે જ નહિ. શા માટે નાહક જીદ કરો છો?’ આયેશાએ સહજ ચીડથી કહ્યું.
‘આ ઓરડી ખોલ એટલે સાબિત થશે કે તે કોને છુપાવ્યો છે. આયેશા ! હું બધું જાણું છું. હું જરૂર તારા ભાઈની સમક્ષ આ વાત જાહેર કરીશ. સ્ત્રીઓ પણ સજામાંથી બચતી નથી તે તું જાણે છે.’
‘હા, હું જાણું છું. પરંતુ તમારાથી મને સજા થાય એમ નથી. અને મારો બચાવ કરનાર વળી તમે કોણ ?’
‘તેની તને સમજ પૂરી પડે છે છતાં નાહક આગ્રહ લઈ તું બેઠી છે ! બચવું હોય માત્ર એક શરત છે.' પુરુષના અવાજમાં વિજયનો રણકાર રમી રહ્યો હતો.
આયેશા થોડો વખત સુધી કાંઈ બોલી નહિ. પોતાની ધમકી તેની ઉપર શી અસર ઉપજાવે છે તે જોવા રાહ જોતો પુરુષ પણ કાંઈ બોલ્યો નહિ. થોડી વારે પેલા પુરુષનો ઉચ્ચાર સંભળાયો :
‘આયેશા ! તું ઘણી જ ક્રૂર છે.’
'મેં કદી ક્રૂરતા કરી નથી.' આયેશાએ કહ્યું.
‘મારું તલપતું જિગર તેં જોયું છે. મારી આંખમાંથી ખૂનનાં બુંદ પડતાં તે જોયાં છે. મારી બળતી આહ અને રડતી આરજૂ તે સાંભળી છે. કહે, શું તું અત્યાર સુધી પથ્થર બનીને નથી રહી ? આયેશા ! મેં કૈંક વખત દામન પાથર્યા ! શું તું એ દામનને લાત મારી ચાલી નથી ગઈ ?
આયેશા ખડખડાટ હસી પડી. મને તેનું મુખ જોવાની ઇચ્છા થઈ આવી. ગંભીર અને ગમગીન ચહેરાવાળી સ્ત્રી આટલું બધું હસી શકતી હશે એ જાણીને મને નવાઈ લાગી. હું મનમાં જ બોલ્યો : ‘હું ! અહીં પણ પ્રેમની વાતો છે. ઠગ લોકોમાંયે આવા કિસ્સા બને છે ખરા !’
આયેશા હસી રહીને બોલી :
‘એમ તો આખી દુનિયા દામન પાથરે ?'
‘આખી દુનિયા તારી પાસે દામન પાથરે એમાં નવાઈ નથી. ઓ હુરી ! ખૂબસૂરતી સારી આલમને બેભાન બનાવવા માટે બસ છે.' પેલા પુરુષે કહ્યું
'મેં મારા મનથી તેના અભિપ્રાયને ટેકો આપ્યો. તે ખરું જ કહેતો હતો. મારી સ્થિતિનું મને ભાન ન હોત તો હું જરૂર મોટેથી બોલીને મારો અભિપ્રાય આપત.'
'પણ એ સારી આલમના દામનને હું શું કરું ?' આયેશાએ જવાબ આપ્યો. એ જવાબમાંથી હાસ્યોનો પડઘો હજી ગયો ન હતો.
આ પ્રશ્નનો ઉત્તર શો હોઈ શકે ? મને તો ઉત્તર ન જ જડ્યો. જગતની સ્વરૂપવતી સ્ત્રીઓને નિત્ય આ ઉદ્દગાર કાઢવા પડતા હશે ? પુરુષ જાતની લોલુપતા અને સ્ત્રી આગળની દીનતા ઉપર આ પ્રશ્ન કેટલી સચોટ અને સબળ ટીકા રૂપ હતો ?
પરંતુ આ ટીકામાં રહેલો ડંખ પેલા વાત કરતા મનુષ્યના ધ્યાન બહાર ગયો. તેણે સખ્તીથી કહ્યું :
‘શું તું મને બીજાઓ સાથે સરખાવે છે ?'
‘નહિ. જી.’ આયેશાએ મીઠાશથી જવાબ આપ્યો. ‘આપની લાયકાત ઘણી ઊંચી છે માટે તો આપ આટલી ઊંચી પાયરી ઉપર છો.'
ઠગ લોકોમાંયે લાયકાત મુજબ પાયરીઓ રાખવામાં આવતી હતી. એ હું જાણતો હતો. સૈનિકોની માફક તેમનામાં પણ નાયક, જમાદારો, ભટોટી, ભટ્ટ જેવી પાયરીઓ હતી.
‘તો પછી તું મને ચાહતી નથી ? પ્યારનો બદલો પ્યારથી કેમ વાળતી નથી ?’
‘એ વાત અલગ છે એમ શું તમને નથી લાગતું ?' આયેશાએ જવાબ આપ્યો.
મને તેનું કહેવું ખરું લાગ્યું. વ્યવહારની લાયકાત અને પ્રેમની લાયકાત એક જ હોત તો ઘણાં જોડાં જગતમાં બંધાત જ નહિ.
'ઠીક. તારી નજરમાં પેલો છોકરો ભરાઈ રહ્યો છે તે હું જાણું છું.’
‘તો પછી તમે શા માટે વચ્ચે આવો છો ? આયેશાએ કહ્યું. પેલો માણસ પાછો આવેશમાં આવી બોલતો હોય એમ મને લાગ્યું. ‘એક કાફર તને મારા કરતાં વધારે લાયક જણાય છે, નહિ ?'
આયેશાએ જવાબ આપ્યો : ‘મને કોણ વધારે લાયક લાગે છે એ મને જ નક્કી કરવા દો; અને ઠગના ધર્મમાં - મહાકાળીના પંથમાં આપણે બધાંય એક છીએ એ ભૂલવાનું નથી. ધર્મને ખોટી રીતે આગળ કરવાનું પરિણામ બૂરું આવે છે એ આપની જાણ બહાર તો નથી જ.’
થોડી વાર સુધી ઓરડામાં શાંતિ પથરાઈ, અંતે મારે કાને કઠોર શબ્દ પડ્યા :
‘ઠીક ત્યારે હવે જોયા કર ! તને, પેલાને અને આ ઓરડીમાં સંતાડેલા પેલા ફિરંગીને શું થાય છે તે !’
તે આમ બોલી રહ્યો અને તેનાં પગલાં ઓરડામાંથી જતાં મારા સાંભળવામાં આવ્યાં. હું ઊભો જ રહ્યો. ઠગ લોકોની વિરુદ્ધ થઈને આ મુજબ મને બચાવવાનું કાવતરું પેલા યુવકે કર્યું હતું અને મને સાધુ સાથે પોતાની પ્રિયતમા તરફ સંતાડવા મોકલી દીધો હતો. એમ મને સહજ લાગ્યું.
થોડી વારે એક ઊંડો નિઃશ્વાસ સંભળાયો અને ધીમે પગલે કોઈ બહાર જતું જણાયું. આયેશાએ મારી પાસેનો ઓરડો છોડ્યો.